Wednesday, 14 May 2025

ભારતમાં કેટલા પ્રકારના ‘અછૂતો’ રહે છે?

 

ભારતમાં કેટલા પ્રકારના ‘અછૂતો’ રહે છે? 

 Santosh (2024 film) - Wikipedia

 

 

 

 

     ભારતમાં બે પ્રકારના અછૂત લોકો રહે છે, એક જેઓને તેઓની જ્ઞાતિ અને કામના આધારે અછૂત ગણવામાં આવે છે અને બીજા જેઓને તેઓના પાવર, સામાજિક સ્ટેટસ અને વિશેષાધિકારને લીધે કોઈ સ્પર્શી શકતું નથી! આ સાચો અને સુપર્બ સંવાદ છે, માર્ચ-2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર પામેલી ફિલ્મ સંતોષનો. નેશનલ બોર્ડ ઓફ રીવ્યુ દ્વારા આ ફિલ્મનો વર્ષ 2024ની શ્રેસ્ઠ 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સમાવેશ થયેલો છે. બીજા પણ ઘણા-બધા એવાર્ડ્સ આ ફિલ્મને મળેલા છે, જેનું ડાયરેકશન સંધ્યા સુરી દ્વારા થયેલું છે.

   સંતોષ વાર્તા છે, એક 28 વર્ષીય વિધવાની, જે પોતાના ઈન્સ્પેકટર પતિના મૃત્યુ બાદ પોલીસમાં જોડાય છે. એ સ્ત્રી જે પોલીસ ઓફીસર બને છે,  જો કે તેનું કોઈ ધ્યેય નથી હોતું કે મારે પોલીસ ઓફિસર બનવું છે, પણ પોતાના પતિના આકસ્મિક મૃત્યુને લીધે આપણી સરકારી નોકરીની સિસ્ટમ મુજબ એ જોબ પોલીસ ઓફીસરની પત્નીને મળે એટલે પોતાની આજીવિકા ચલાવવા અને સાસરિયાના ત્રાસથી બચવા તે સ્ત્રી તે નોકરી સ્વીકારે છે. અને તેની પાસે એક દલિત છોકરીના ખૂનનો કેસ આવે છે, જેને સોલ્વ કરતી વખતે તેને સમજાય છે કે આ દેશની પોલીસ સિસ્ટમ કોના કોના થકી ચાલે છે? શા માટે આ દેશમાં સાચો આરોપી પકડાતો નથી અને જો પકડાય જો કેવી રીતે આબાદ તે છટકી જતો હોય છે? આ જે કેસ સોલ્વ કરવાની આખી પ્રોસેસ છે, તેના આધારે તેને ઉપરનો ડાયલોગ કહ્યો છે.

   તેની સાથે કામ કરતી બીજી મહિલા પોલીસ તેણીને કેસ ઉકેલવામાં મદદ કરે છે, અને સિસ્ટમની ક્રૂરતાઑ સમજાવે છે. છોકરી દલિત અને ગરીબ હોવાથી, અમુક પાવરફૂલ લોકોને આ કેસ ઉકેલવામાં કોઈ રસ નથી પડતો. જે લોકો છોકરીના મૃતદેહ વિષે ઘણું બધુ જાણે છે, તેઓ પણ કશું બોલતા નથી. સંતોષ કોઈ ધર્મયુદ્ધ નથી લડતી, પણ ધીમે ધીમે તે પોતાની આસપાસ જે કઈ જુએ છે, સાંભળે છે, તેના આધારે નિયમો શીખે છે. તેણી જુએ છે કે એક દલિત દીકરીનો મૃતદેહ બરફ પર પડેલો છે, પણ કોઈને તે કેસ ઉકેલવામાં રસ નથી. તેણી કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે, પણ એક કોન્સટેબલના મર્યાદિત અધિકારો તેણીને જગ્યાએ જગ્યાએ સીમિત કરી નાખે છે. આખી ફિલ્મનુ શૂટિંગ લખનઉના આજુબાજુના વિસ્તારોમાં જ થયેલું છે.

     આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય પોલીસ સિસ્ટમ મુઠ્ઠીભર રાજકારણીઓના ઇશારે જ કામ કરે છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે દેશમાં ન્યાય બધા માટે એકસમાન છે. પણ વાસ્તવિક દુનિયામાં આપણે કઈક અલગ જ ફીલ કરીએ છીએ. અહી અમુક પાવરફૂલ લોકોને કોઈ જ કાયદાઓ લાગુ પડતાં નથી. તેઓ કોઈપણ ગલત કામ કરીને આબાદ છટકી જતાં હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા રેપ-કેસ, મર્ડર કેસ, વગેરે કેસો પર નજર નાખીશું તો સમજાશે કે એ કેસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો જ નથી! અરે જે કેસોમાં કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા હોય એવા કેસોનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

  ને છૂત-અછૂત હજી આ દેશની જ્ઞાતિ સિસ્ટમનો એક ભાગ છે જ! હજી આજની તારીખે દલિત વર્ગના લોકો સાથે આ દેશમાં અન્યાય થઈ જ રહ્યો છે. આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકીને સરકાર આ સત્યો સામે આંખ બંધ કરી શકે એમ નથી. સત્યો સ્વીકારવાની આદત આપણે અપનાવી લેવી પડશે. સીનેમાં સમાજનું જ પ્રતિબિંબ દર્શાવે છે. અને આપણને આપણું પ્રતિબિંબ જોવામાં કોઈ છોછ ના હોવો જોઈએ.

   2025માં આ ફિલ્મ ભારતમાં રજૂ થવાની હતી, પણ સેન્સર બોર્ડને ફિલ્મમાં પોલીસની સિસ્ટમ અંગેના કેટલાક દ્રશ્યો, મારા-મારીના કેટલાક દ્રશ્યો, ઇસ્લામોફોબિયા,જાતિવાદ, જ્ઞાતિવાદના કેટલાક દ્રશ્યોને લઈને સમસ્યા હતી, એટલે રજૂ ના થઈ શકી. ( આ જ સેન્સર-બોર્ડને એનિમલ જેવા મુવીમાં કઈ વાંધો નહોતો જણાયો!)  જો કે સેન્સર બોર્ડનો પ્રતિબંધ જ ફિલ્મને લોકો સુધી પહોંચાડશે. બેન ફિલ્મો જોવાની મજા જ કઈક અલગ હોય છે.

 

  

 

 

Thursday, 10 April 2025

આહ જીબલી, ઓય જીબલી, આઉચ જીબલી!!!

 આહ જીબલી, ઓય જીબલી, આઉચ જીબલી!!!

 

 10 Most Lovable Studio Ghibli Characters, Ranked

 

    એકદમ લેટેસ્ટ ટ્રેન્ડનું ડ્રેસિંગ કરીને તમે આવો છો, જો કે આ પ્રકારનું ડ્રેસિંગ તમે પહેલીવાર કર્યું છે અને તમે ઘરના સભ્યોને પુંછો છો કે હું કેવો/કેવી લાગી રહી છુ? અને સામેથી તમારો એ નવો લૂક જોઈને કોઈ એમ કહે કે કાર્ટૂન જેવા લાગી રહ્યા છોતો તમારું રીએક્શન શું હોય? આપણને લાગે કે આપણી કોઇકે મજાક કરી અને એ ડ્રેસિંગ કર્યાનો આપણો આનંદ છું થઈ જાય! પણ હમણાં હમણાં ચેટ-જીપીટી એ “જીબલી-અવતારનું” આ સોસિયલ મીડિયાના સ્વર્ગમાં અવતરણ કર્યું છે, અને લોકોને કાર્ટૂન જેવા દેખાવવામાં પણ મજા આવી રહી છે. ટ્રેન્ડ કે લિયે સબ કુછ કરેગા!

   આમ તો કાર્ટૂન શબ્દ આપણી સાથે આપણા નાનપણથી જોડાઈ ગયો છે. નાનપણથી જ આપણને સૌને કાર્ટૂન જોવાનો ગજબનો શોખ હોય છે. દરેકનું એક ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર હોય છે. એનિમેશન સ્ટુડિયોમાં બનતા કાર્ટૂન કેરેક્ટર્સ જાણે કે આપણા કુટુંબના સભ્યો હોય એવું લાગે છે. આજે તો મોટા ભાગના બાળકો આ કાર્ટૂન કેરેક્ટર્સની સાથે સાથે મોટા થઈ રહ્યા છે. બાળક જમવાની ના પાડે કે તેને ધિંગામસ્તી કરતા અટકાવવા માતાઓનો સૌથી મોટો આશરો એટલે આ કાર્ટૂન કેરેક્ટર્સ!

  જો કે આ જીબલીની શરૂઆત તો 1985માં બે લોકપ્રિય જાપાનીઝ નિર્દેશકો હાયાઓ મિયાઝાકી અને એજીરો તાકાહાતા દ્વારા થયેલી. જેમણે સારી ગુણવત્તાવાળી, હ્રદયસ્પર્શી એનિમેટેડ ફિલ્મો બનાવવા માટે જીબલીની શરૂઆત કરેલી. અને તેમાં તેઓ સફળ પણ થયા હતા. જો કે જીબલીનો અર્થ થાય છે ગરમ, મજબૂત અને શુષ્ક પવન જે સહારાના રણમાં ફૂંકાતા પવન માટે વપરાય છે. પોતાની એનિમેશનની કળાને વધુ ને વધુ સર્જનાત્મક બનાવવા તેમણે ઘિબલીની શરૂઆત કરેલી. સ્પિરિટ આવે, માય નેબર ટોટોરો, અને પ્રિન્સ મોનોનોકે તેઓની જાણીતી એનિમેશન મુવીઝ છે, જે સમાજને સારા સંદેશાઓ પણ આપે છે.

  છેલ્લા કેટલાક દિવસોથી એ.આઈ. ટૂલના ઉપયોગથી પોતાના ફોટોઝને જીબલી અવતારમાં સેટ-અપ કરવાનું લોકોને ઘેલું લાગ્યું છે. જો કે આ આર્ટને અત્યારે વાઇરલ કરવાનો શ્રેય સીએટલમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લેટનને જાય છે. ગયા મંગળવારે તેમણે ઓપન એ.આઈ. દ્વારા જીબલીના અપડેટેડ વર્ઝનમાં પોતાના કુટુંબનો કુતરા સાથેનો ફોટો મૂક્યો અને ઇન્ટરનેટ પર આ ટ્રેન્ડનું જાણે કે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. સાઇટ ચોકઅપ પણ થઈ રહી છે. લોકો હોંશે હોંશે પોતાને કાર્ટૂનમાં કન્વર્ટ કરી રહ્યા છે. અને એ કાર્ટૂનસ એકબીજાને અને સોસિયલ મીડિયાઝ પર શેર કરી રહ્યા છે. ઇવન આપણા નરેન્દ્ર મોદીજી, અમિતાભજી અને એલન મસ્કે પણ પોતાને આ જીબલી આર્ટની મદદથી નવા અવતારમાં રજૂ કરીને આ ટ્રેન્ડને વાઇરલ કરી દીધો છે.

  આમ તો આ વાઇરલ ટ્રેંડે આપણી અંદર રહેલા બાળકને સપાટી પર લાવી દીધું છે. આપણે કાર્ટૂન કેરેકટર હોઈએ તો કેવા લાગીએ? લોકો મોજ-મજા માટે આ ટ્રેન્ડને અપનાવી રહ્યા છે.  આવા કેરેકટર્સને જીબલી આર્ટમાં ફેરવવા જતાં ભૂલ થઈ જાય તો શું નું શું થઈ જાય? એવી હળવી રીલો પણ ઇનસ્ટાપર વાઇરલ થઈ રહી છે. આ મોજ મજા સાથે સાથે એ.આઈ. નિષ્ણાંતો દ્વારા આવી રીતે પોતાના ફોટાઝ ઓપન એ.આઈ. સાથે શેર ના કરવા અંગેની ચેતવણીઓ પણ આવી રહી છે.

  ઓપન એ.આઈ. થકી તમારા આ અંગત ફોટાઓનો મિસ યુઝ પણ થઈ શકે છે. મેટાના મુખ્ય વૈજ્ઞાનિક યાન લેકને આપેલી જાણકારી પ્રમાણે ઓપન એ.આઈ. માત્ર શબ્દો થકી કૃત્રિમ બુદ્ધિનું સર્જન નથી થઈ શકતું તેના માટે ફોટોઝ જોઈએ છીએ અને એટલે કદાચ કોઈ એ.આઈ. સોર્સે માહિતી ભેગી કરવા આ ટ્રેન્ડ ઊભો કર્યો હોય એવું પણ બની શકે! કોઈ તમારા પર્સનલ ઝોનમાં ચુપકે ચુપકે એન્ટર ના થઈ જાય તેનું ધ્યાન રાખો.

  આપણે એનિમેશનને આધારે ચાલતા કાર્ટૂન કેરેક્ટર્સ નથી. આપણે ઈશ્વરે ઘડેલા યુનીક પીસ છીએ. આપણે ઈશ્વરની બુદ્ધિશાળી ઘિબલી આર્ટ છીએ. બસ એટલું યાદ રાખીએ. ક્યાં ટ્રેન્ડને અનુસરવો અને ક્યાં ટ્રેન્ડને નહી, એ વિવેકબુદ્ધિ આપણે કેળવવાની છે.

 

 

 

Tuesday, 8 April 2025

પથ્થર પર કોતરાતી જીંદગીની સફર......

 

પથ્થર પર કોતરાતી જીંદગીની સફર......

Kabhi neelam, kabhi heera - Hindi Shayari,Love Shayari,Attitude Shayari,Sad  Shayari

 

 

પથ્થરો ઈતિહાસ સાચવીને બેઠા હોય છે. કહે છે કે માટીનો એક કણ બનતા વર્ષો લાગે છે. પથ્થરો બનતા તો સદીઓ વીતી જતી હોય છે. અને એ પથ્થરોને  કોતરીને એમાથી બે-નમૂન કૃતિઓ બનતા પણ વર્ષો વીતી જતાં હોય છે. કાળમાં અને કળામા રહેલી સર્જનાત્મકતા થકી પથ્થરો પણ બોલી ઉઠતાં હોય છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે આપણે પથ્થરની મૂર્તિઓમાં રહેલી કલાત્મકતાને આંકવાનો વ્યર્થ પ્રયાસ કરતાં હોઈએ છીએ.

  આમ તો આપણે સૌ પથ્થરોને ઝડ માનતા હોઈએ છીએ, પણ કોઈ કારીગરની સર્જનાત્મકતા એ પથ્થરોને પણ જીવંત કરી દેતી હોય છે. એ ઝડ પથ્થરોમાં જ આપણને આપણી શ્રદ્ધાને લીધે ઈશ્વરનો પરિચય થતો હોય છે. એ પથ્થરોમાં આપણને ધબકતો આત્મા દેખાતો હોય છે. ધોબીનો પથ્થર અને ધર્મસ્થાનોના પથ્થર સરખા જ હોય છે, પણ બંનેમાં ફર્ક સર્જનાત્મકતાનો જ હોય છે.

  આપણે જ્યારે કોઈ રાજાઓના મહેલો કે તેમણે બંધાવેલા સ્થાપત્યો જોઈએ છીએ, ત્યારે ત્યાનો એક એક પથ્થર આપણને કશુંક કેવા માંગતો હોય એવું લાગે છે. પથ્થરો રાજાશાહીથી લોકશાહી સુધીની સફરના મૌન સાક્ષી છે. શું શું નહી જોયું હોય?  એ પથ્થરોએ અને એટલે જ કદાચ તેઓ આટલા ઝડ થઈ જતાં હશે. હકીકત તો એ છે કે માણસ જેટલી સર્જનાત્મકતા પથ્થરોને જીવંત કરવામાં વાપરે છે, એટલો તે પોતાની જિંદગીને જીવંત કરી શકતો નથી!

 પહેલાના જમાનામા રાજાઓ રાણીને ખુશ કરવા કે પછી બીજા રાજાઓ કરતાં પોતાના સ્થાપત્યો વધુ સુંદર બને તે માટે પથ્થરો પર સિતમ ગુજારતા. આ પથ્થરો થકી આવનારી પેઢીના હ્રદયમાં રહેવાના પ્રયાસો કરતાં! દરેક પથ્થર કોઈ ને કોઈ વાર્તા સાચવીને બેઠો હોય છે. આ કલાકૃતિનું સર્જન કેવી રીતે થયું? કેવા સંજોગોમાં થયું? તેને બનતા કેટલા વર્ષો લાગ્યા? વગેરે વગેરે પણ પથ્થરોમાં જ કોતરાતું હોય છે.

  એ પથ્થરો થકી જ તો આપણે જે તે સમયમાં સફર કરી શકીએ છીએ. જો કે સમયની થપાટો પથ્થરોને પણ લાગતી હોય છે. તેઓ પર પણ સમારકામ થતું હોય છે. કહે છે કે ખંડેર પરથી પણ કોઈ ઇમારતની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. અને એ ખંડેરોમાં પણ બચ્યું શું હોય છે? પથ્થરો ને પથ્થરો જ!

  નદીકિનારાના પથ્થરો કરતાં દરિયાકિનારાના પથ્થરો અલગ હોય છે. દરિયાકિનારાના પથ્થરો પર લહેરોની થપાટો લાગતી રહે છે. સમયની હથોડી તેઓના શરીરમાં છેદ પાડતી જ રહે છે. તેની ટોચ પર પગ મુકાય જાયતો લોહી નીકળવા લાગે છે. નદીકિનારાના પથ્થરો તેઓના પ્રમાણમાં વધુ ડેલિકેટ લાગતાં રેહ છે. તે લીસા પણ હોય છે.

  આમ જોવા જઈએ તો આરસ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અને હીરો જેની પાછળ દુનિયા પાગલ છે, એ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અર્થ એ થયો કે આપણે સૌ પથ્થરો પાછળ જ દોડીએ છીએ. જો કે એ પથ્થરોમાથી જ ઝરણાઓ ફૂંટતા હોય છે. અને જ્યારે એ ધોધ રચે તો આખી પ્રકૃતિ નાચી ઉઠતી હોય છે.

  જ્યારે માણસ આદિમાનવ હતો, ત્યારે તેનું એકમાત્ર હથિયાર પથ્થર હતું. આપણે સૌ પથ્થર-યુગમાં પણ જીવી ગયા છીએ. બે પથ્થરોને અથડાવીને જ આપણે આગ ઉત્પન્ન કરેલી. પથ્થરોની ગુફાઓ જ આદિમાનવનું પહેલું ઘર હતું. આ પથ્થરોની વચ્ચે જ માણસોના ઘરોમાં લાગણીઓ, ઝઘડાઓ, વગેરે વગેરે રેલાતું હોય છે. પથ્થરો જ માણસોને હુંફ આપે છે.

 પથ્થરો પર પ્રેમીઓ પોતાના નામ પણ લખતા હોય છે. ગામ કે શહેરની બહારના પથ્થરો સાથે આજની યંગ જનરેશન સૌથી વધુ સેલ્ફીઝ લેતી હોય છે. કોઈ વ્યક્તિમાં લાગણીઓ ઓછી હોય કે તેઓ વિપરીત પરિસ્થિતિમાં મજબૂત રહી શકતા હોય કે રડતા ના હોય તો તેને પથ્થર હ્રદયવાળી વ્યક્તિ કહે છે.

  પણ સાચું તો એ છે કે પથ્થરો પણ સંવેદનાઓ ફીલ કરતાં હોય છે. બસ તેઓ દર્શાવતા હોતા નથી. તેઓ દરેક સમયને હસતાં હસતાં જીરવી લેતા હોય છે, તમને થશે પથ્થરો તો કદી હસતાં હસે? અરે યાર પથ્થરો પણ હસે છે. કારણકે તેઓને પણ માણસો સાથે જોડાયેલી વેદનાઓ અને સંવેદનાઓ અસર કરતી હોય છે.

  ફીલ કરજો જે પથ્થરોના મકાનમાં આપણે રહીએ છીએ, તેઓ આપણી ખુશીઓમાં હસે છે, અને આપણા દૂ:ખોમાં રડે છે. સાંભળજો ધ્યાનથી દરેક પથ્થર કઈક કહે છે. વ્યક્તિને પણ બહુ બધા દૂ:ખો પથ્થર જેવી કરી દેતાં હોય છે. પણ એ પથ્થર જ્યારે પીગળે ત્યારે સંવેદનાઓના બાંધ તૂટી જતાં હોય છે.

    પથ્થરો વડે બાંધેલા સેતુ થકી આપણે લોકો સુધી પહોંચી શકીએ છીએ. પેલે પાર જઇ શકીએ છીએ. ઇનફેક્ટ આપણે રહીએ જ છીએ, પથ્થરો સાથે. તમને થશે આ શું? પથ્થર પર વળી કોણ લખે? ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી તો ફીલ કર્યું કે આ પથ્થરો પણ કઈક કહેવા માંગે છે. પોતાની અંદર રહેલી મજબૂતાઈને લીધે તેઓ સદીઓ સુધી અડીખમ ઊભા રહી શકે છે.

  આપણે પણ તેઓ જેવા મજબૂત બનીને જીંદગીની વિપરીત પરિસ્થિતિઓ સામે અડીખમ ઊભા રહી જઈએ. પથ્થરો ના હોત તો, આપણે ઘણું બધુ મિસ કરી રહ્યા હોત.....

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...