Friday 25 June 2021

શિક્ષણ,આરોગ્ય અને આપણે,,,


શિક્ષણ,આરોગ્ય અને આપણે,,,

શિક્ષણના અધિકાર અધિનિયમ — Vikaspedia

 શિક્ષણનું મહત્વ આપણે વર્ષોથી સમજતાં આવ્યાં છીએ, આરોગ્યનું મહત્વ છેલ્લા એક-દોઢ વર્ષે આપણને સમજાવી દીધું છે. માનવ-જીવનમાં ખોરાક,કપડાં અને રહેઠાણ પછીની કોઈ અગત્યની જરૂરીયાત હોય તો એ છે શિક્ષણ અને આરોગ્ય! આપણે શિક્ષણ અને આરોગ્યને સ્થાન અને માન બંને આપીએ છીએ. બાળક જન્મે ત્યારથી આજ-કાલ માતા-પિતા તેના શિક્ષણની ચિંતા કરતાં રહે છે. બાળકો ભણશે કે નહી ભણે? એ દરેક ઘરનો ‘રાષ્ટ્રીય- પ્રશ્ન’ બની ગયો છે. આપણી પાસે આપણી પ્રાચીન શિક્ષણ-વ્યવસ્થા જેને આપણે ‘ગુરુકુળ-પ્રથા’ કહેતાં, એ હતી પણ હવે એનું સ્થાન મેકોલની શિક્ષણ-પદ્ધતિએ લઇ લીધું છે. આઝાદી આપણને મળી ગઈ એને પણ ૭૫ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, છતાં એ બદલાઈ કેમ નહી? ખુદ આપણું શિક્ષણ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો સમજી શક્યા નથી! 

આરોગ્યની પરિસ્થિતિ પણ કઈક એવી જ છે. આપણને સૌને ખબર છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ પણ આપણે જીવનની દોડ-ધામમાં આ સત્યને સાવ અભેરાઈ પર જ મૂકી દીધું. અરે ઘરકામ કરતી વખતે પણ નીચે નથી ઉતારતા!  આપણે આપણી સારી લાઈફ-સ્ટાઈલ છોડીને શું સાબિત કરવા માંગીએ છીએ એ તો આવનાર સમય જ બતાવશે, પણ એટલું નક્કી છે કે આ બંને જરૂરીયાતો પાછળ આપણે સાવ ખર્ચાય ગયા છીએ અને ખર્ચાય રહ્યા પણ છીએ. હકીકત તો એ છે કે આપણે આ બંને જરૂરીયાતોને જીવન સાથે જોડવાનું ભૂલી ગયા છીએ. અને એટલે જ આ જરુરોયાતો આજે લક્ઝરી બની ગઈ છે. આ જરૂરિયાતો સામાન્ય માણસની પહોચની બહાર થઇ ગઈ છે.

  શિક્ષણ માણસને જીવતા શીખવે છે, શિક્ષણ એ સમાજમાં પરિવર્તન લાવનાર સૌથી મજબુત પરિબળ છે. શિક્ષણ થકી જ આપણે આપણા પ્રાચીન વારસાને અને સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડી શકીએ એમ છીએ. પણ ખબર નહિ, આપણને સતત એવું લાગ્યા કરે છે કે આપણી શિક્ષણ-પદ્ધતિમાં કશુંક ખૂંટે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું પ્રાચીન શિક્ષણ અત્યારના શિક્ષણ કરતાં ઘણું સારું હતું, આપણે જાણીએ છીએ કે શિક્ષણ મેળવવા અને શિક્ષિત થવા સગવડો નહિ, પણ ધગશ જ જરૂરી છે, છતાં આપણે આ જરૂરીયાત પાછળ આપણા જીવન ભરની બચત ખર્ચી નાખતાં હોઈએ છીએ. 

સારા શિક્ષણ માટે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું અનુસંધાન સૌથી જરૂરી છે, પણ આપણને તો શિક્ષક કરતાં વધુ સંસ્થાના બ્રોશર, બિલ્ડીંગ, એ.સી. અને અન્ય લક્ઝરી બાબતો પર વધુ વિશ્વાસ હોય છે. મોંઘાદાટ કલાસીસ પર વધુ વિશ્વાસ હોય છે. એક એક વિષય શીખવવા પાછળ માતા-પિતા કેટલો ખર્ચો કરતાં રહે છે. એટલું જ નહિ, ઘણા ઘરોમાં તો આ શિક્ષણના શ ને લીધે જ માતા-પિતા અને સંતાનો વચ્ચે ગેપ પડી જતો હોય છે. નાનાં નાનાં બાળકો આ શિક્ષણના ચક્કરમાં પોતાનું બાળપણ ગુમાવી દેતાં હોય છે. બાળકને ખુબ જ નાની ઉંમરે શાળાએ મોકલી દેવામાં આવે છે, મોટા ભાગના બાળકોને રમવું હોય છે, જયારે માતા-પિતાને તેઓને શાળાને હવાલે કરી દેવા હોય છે. 

હકીકતમાં તો આ પરાણે નિશાળે મોકલવાના ચક્કરમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જતી હોય છે. ૨ કે ૨.૫ વર્ષનું બાળક જે હજી રમતની પા પા પગલી તરફ વળવા માંગતું હોય છે, તેઓને ફરજીયાત ક, ખ,ગ કે A,B,C શીખવાડી દેવાની જાણે કે માતા-પિતાને ધૂન સવાર થઇ ગઈ છે! જે ઉંમરે બાળક કુદરતી રીતે ખીલવા માંગતું હોય છે, તેને કૃત્રિમ રીતે ગોઠવી દેવાની માતા-પિતાને તાલાવેલી લાગી ગઈ છે! કેટલી કેટલી ફીઝ ભરીને માતા-પિતા પોતાના બાળકોને પ્લે-હાઉસ કે હાયર કે.જી. કે લોઅર કે.જી. માં મોકલતા હોય છે.

 ઘણા માટે તો આ પણ સ્ટેટસનો વિષય બની રહે છે. મારું બાળક સો & સો સ્કૂલમાં ભણે છે, એની પણ મોટી કિંમત તેઓ ચુકવતા હોય છે. બાળક જન્મે ત્યારથી ૬ વર્ષનું થાય ત્યાં સુધી તેનો શારીરિક અને માનસિક વિકાસ ઘરમાં જ થવો જોઈએ. તેને આપણે રમતમાં ને રમતમાં ઘણું બધું શીખવી શકીએ એમ હોઈએ છીએ. તે આજુબાજુની દુનિયાને જોઇને ઘણું ઘણું શીખી શકે એમ હોય છે, પણ આપણે તો તેને ચાર દીવાલોની વચ્ચે જ પૂરી દેવા માંગીએ છીએ. 

રડતું,આખડતું બાળક સ્કૂલે જવા નથી માંગતું, પણ એને સમજે કોણ? ટ્રેન્ડમાં સરકીને તમામ માતા-પિતા પોતાના સંતાનોનું બાળપણ પણ તેની પાસેથી સરકાવી લેતાં હોય છે. કેટલા ફોર્સથી બાળકને સ્કૂલે ધકેલી દેવામાં આવતા હોય છે, એટલે જ કેટલાક બાળકોને તો નાનપણથી જ શિક્ષણ પ્રત્યે અણગમો થઇ જતો હોય છે. જે છેક સુધી ચાલે છે.

   ધક્કા-ગાડીની જેમ બાળક આગળ ને આગળ વધતું જાય છે, પણ શીખતું કશું નથી! આપણી વિદ્યાર્થીને ફેલ નહી કરવાની પોલીસીએ વાંચતા નાં આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને પણ કોલેજ સુધી પહોંચાડી દીધેલા છે! જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પ્રત્યે સજાગ છે, તેઓને સાયન્સ સિવાય કશું ભણવાનું છે, નહિ એવું વાતાવરણ આપણે સૌએ ઉભું કરી દીધું છે. બધા જ બે-ત્રણ ડિગ્રીઓ પાછળ જ દોડતા રહે છે. ક્ષમતા હોય કે ના હોય વિદ્યાર્થીઓ એ રસ્તે દોડતા જ રહે છે. બીજા ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં આગળ વધી શકાય એમ હોય છે, પણ આપણે તો એ તરફ જોતા જ હોતા નથી.

 આર્ટસ અને કોમર્સ તો જાણે સાઈડ પર જ રહી જાય છે. આર્ટસ રાખનાર વિદ્યાર્થીઓ સૌથી વધુ આઈ.એ.એસ. કે ક્લાસ-૨ બનતા હોય છે, પણ સમજે કોણ? આપણે તો એક જ જગ્યાએ ભીડ કરવા ટેવાયેલા છીએ! આપણને સૌને ખબર છે, આપણી શિક્ષણ-પદ્ધતિમાં પ્રાયોગિક જ્ઞાન માટે બહુ ઓછી જગ્યા ફાળવવામાં આવે છે. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ એક નાનું એવું ફોર્મ કે અરજી પણ ભરી શકતા નથી! આપણે શારીરિક કસરતોને પણ શિક્ષણમાંથી કાઢી નાખી છે. મોટા ભાગના લોકો લાખો રૂપિયા ખર્ચી, બાળકોને ભણાવતા રહે છે અને એ વિદ્યાર્થીઓ જયારે વાસ્તવિક કાર્ય-ક્ષેત્રમાં આવે છે, તેઓનું ધ્યાન પૈસા વસુલ કરવામાં જ રહે છે! 

આપણે બધા જ જાણીએ છીએ આપણી શિક્ષણ-પ્રથા બહુ બધા ફેરફારો માંગે છે, પણ આપણે સૌ પણ એ સિસ્ટમનો એક ભાગ બનીને રહી ગયા છીએ. છાપામાં કે સોસીયલ મીડિયામાં આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે કેવા માતા-પિતાના સંતાનો પરિશ્રમના બળે ક્યાંના કયા પહોંચી જતા હોય છે. તેઓના ઇન્ટરવ્યુ ક્યારેક વાંચજો કે સાંભળજો તમને સમજાય જશે કે શિક્ષણ માટે શું જરૂરી છે? મિડલ ક્લાસ લોકો પણ આ રેસમાં જોડાઈને ખુદને અને કુટુંબને હેરાન કરતાં રહે છે.

 તમને થશે શિક્ષણના વ્યવસાયીકરણ વિષે નાં લખ્યું? મિત્રો આપણે જે માંગીએ છીએ એ તેઓ આપણને આપે છે. આપણે બ્રોશર જોઇને જ એ સંસ્થામાં દાખલ થવા માંગીએ છીએ, તો એ લોકો તો એ જ આપશે! તેઓ માટે તો શિક્ષણ આજીવિકાનું સાધન છે, આપણા માટે શિક્ષણ શું છે? એ આપણે નક્કી કરવાનું છે. દુનિયાભરના મહાનુભાવોના શિક્ષણ-વિષયક વિચારો જાણવાની કોશિશ કરજો, તમને સમજાઈ જશે કે શિક્ષણ એ જીવન-ઉપયોગી હોવું જોઈએ. અને માતૃ-ભાષામાં જ હોવું જોઈએ.

 જે બાળકના વિકાસમાં આપણે સમજીએ છીએ કે શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે, એ બાળકને શિક્ષણમાં દાખલ કરતાં પહેલા થોડું વિચારીએ. મોંઘુ શિક્ષણ એટલે સારું શિક્ષણ એ મેંટાલીટી બદલાવાની જરૂર છે! શિક્ષણ બાળકનાં સર્વાંગી વિકાસ સાથે જોડાયેલી પ્રક્રિયા છે, ગાંધીજીના કહેવા મુજબ શિક્ષણ એ હેડ,હેન્ડ અને હાર્ટની કેળવણી છે. ખોટા દેખાડાથી અંજાઈને આપણા બાળકોને ફરજીયાત શિક્ષણ તરફ નાં લઇ જઈએ. શિક્ષણ ક્યારેય ફરજીયાત ના હોઈ શકે!

 હવે આવીએ આરોગ્ય તરફ, આરોગ્ય જેટલું સારું પ્રજા એટલી બળવાન! કોઈપણ દેશના આરોગ્યની જવાબદારી સરકારની હોય છે. આપણા દેશમાં પણ છે જ! પણ આપણે એમાં પણ સંપૂર્ણ વ્યવસાયીકરણ દાખલ કરી દીધું છે. આરોગ્ય આજે બીજી લકઝરી બની ગયું છે. આરોગ્યની સુવિધાઓ આજે એટલી મોંઘી થઇ ગઈ છે કે લોકોને રોગ કરતા રોગની સારવારનો ભય લાગતો રહે છે. કોરોના સમયે આપણે જોયું કે ઘણા લોકો મોંઘી સારવારથી ડરીને દવાખાને જ નાં ગયા અને મૃત્યુ પામ્યા. આરોગ્ય સુવિધાઓના બીલ જોઈ ભલભલાને હાર્ટ-એટેક આવી જાય એવી પરિસ્થિતિ છે. આપણા પૂર્વજો દરેક બાબતમાં આરોગ્યને મુખ્ય સ્થાને રાખતા, પણ આપણે એ સ્થાન આરોગ્યને આપવાનું જ ભૂલી ગયા છીએ.

 આ દેશમાં જન્મતા બાળકોમાં ૭૦% બાળકો કુપોષિત અવસ્થામાં જન્મે છે, જન્મ્યા બાદ પણ તેઓને પુરતું પુષણ માતા-પિતા આપી શકતા નથી. સ્ત્રીઓના આરોગ્ય બાબતે કાયમ દુર્લક્ષ સેવવામાં આવે છે. મોટા ભાગની સ્ત્રીઓ હિમોગ્લોબીનની તકલીફથી પીડાય રહી છે. આપણે આપણી સારી આદતોને છોડીને ખરાબ આદતો તરફ વળી રહ્યા છીએ. જે કુદરતી જીવન આપણા લાંબા અને સ્વસ્થ આરોગ્ય માટે સારું હતું, તેને ભૂલીને આપણે અકુદરતી જીવન તરફ વળી રહ્યા છીએ. જે રોગો વર્ષો પહેલા અમુક ઉંમર બાદ જ શરીરમાં આવતા, એ રોગો આજકાલ બહુ નાની ઉંમરે આપણા સૌમાં પ્રવેશી રહ્યા છે. અત્યારની પેઢી સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નબળી પુરવાર થઇ રહી છે.

  વ્યક્તિ એકવાર કોઈ રોગના સકંજામાં ફસાય જાય એટલે તેની આખી જિંદગીની બચત એમાં વપરાય જાય છે. લોકો સરકારી દવાખાનામા જતાં ડરતા રહે છે. અને ખાનગી દવાખાનાવાળા લુંટતા રહે છે. આપણે કોરોના મહામારી વખતે જોયું કે આરોગ્ય સાથે સંકળાયેલા લોકો કેવી રીતે સામાન્ય પ્રજાને લુંટતા રહે છે. બીજી વેવમાં એવા ૩૫% લોકો છે, જે સારવારના અભાવે મૃત્યુ પામ્યા! સામે પક્ષે લોકો પણ ડરીને ખાનગી દવાખાનાવાળાને પૈસા ધરતા રહે છે. હોસ્પિટલો અને હોટેલોમાં આજકાલ બહુ ઝાઝો તફાવત રહ્યો નથી. ‘આરોગ્યમ ધન સંપદા’ એવું આપણે શીખીએ છીએ, પણ એ આરોગ્ય પાછળ આપણી મોટાભાગની સંપદા વપરાય જાય છે!  લોકો હોસ્પીટલના પગથીયા ચડતા પહેલા સો વાર વિચારે છે, અને પગથીયા ચડાય જાય પછી, થાક જ થાક  લાગતો રહે છે. 

આર્થિક અને માનસિક રીતે લોકો સાવ ભાંગી પડે છે, ઘણા ડોકટરો દર્દી મૃત્યુ પામે પછી પણ દર્દી જીવિત છે, એવું કહી સગા-વહાલા પાસે પૈસા વસુલતા રહે છે. દર્દીના મનમાં સામાન્ય રોગનો પણ હાઉ ઉભો કરી દેવામાં આવે છે. આરોગ્યની સુવિધાઓ નાગરિકોને સરળતાથી મળી રહેવી જોઈએ. ઘણા ડોકટરો જે દવાઓ લખે છે, તે માત્ર અમુક મેડીકલ-સ્ટોરમાં જ મળે છે. રિપોર્ટ કરવાથી માંડીને ઓપરેશન થીયેટર સુધીમાં બધું જ કમીશનથી નક્કી થયેલું હોય છે. ઘણીવાર તો લોકોની અજ્ઞાનતાનો આ લોકો ભરપુર ફાયદો ઉઠાવતા રહે છે.

  પૈસા દઈને ડોકટર્સ બની જનાર પણ અહી ઓછા નથી! આપણા દેશમાં ડોક્ટર્સને તેઓનું લાયસંસ રીન્યુ કરાવવું પડતું નથી. દવાઓના કન્ટેન્ટ આપણે સમજવાની કોશિશ કરતા નથી. મેડીકલ સ્ટોરવાળા ડોકટરના પ્રીસક્રીપ્શન વિના દવાઓ આપે છે. લોકો લઇ પણ લે છે. નથી લોકો અપડેટ થતા, નથી ડોકટર્સ કે નહિ દવાઓ! દરેક રોગનો હાઉ ઉભો કરી તેનું એક બજાર ઉભું કરી દેવામાં આવે છે. અને લોકો એ બજારમાં ખર્ચાતા રહે છે. આપણી ભાવિ પેઢીનું સ્વાસ્થ્ય આપણે સાવ દાવ પર મૂકી દીધું છે. યોગા અને મેડીટેશન જેવી આપણી પ્રાચીન પરંપરાઓ ભૂલીને આપણે દોડી જ રહ્યા છીએ. હવે અટકીએ તો સારું!

    શિક્ષણ અને આરોગ્ય આ બંનેને આપણે સેવાની કેટેગરીમાં મુકીએ છીએ, પણ એ બંને સેવાઓ આજે કોમન-મેન માટે મોંઘી થઇ ગઈ છે. આપણે પણ આ બાબતે થોડી સમજદારી દાખવવાની જરૂર છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીશું તો આ જરૂરિયાતો પાછળ થતો ખર્ચ પણ ઘટાડી શકીશું. આપણા બાળકોની ક્ષમતાઓને સમજીને એ મુજબનું શિક્ષણ આપીએ, ખોટા દેખાડામાં નાં ફસાઈએ. આરોગ્ય જળવાય રહે એવી રીતે જીવીએ. પૈસાની ગરીબીનો ઉપાય છે, પણ વિચારોની ગરીબીનો કોઈ ઉપાય નથી! માટે વિચારોને સમૃદ્ધ બનાવીએ.

 Health Quotes - 50+ Best Quotes To Inspire You To Stay Healthy

 

 

  

 








Saturday 19 June 2021

પ્રેમ, આકર્ષણ, આધુનિકતા અને આપણે,,,

 

 પ્રેમ, આકર્ષણ, આધુનિકતા અને આપણે,,,

 

 Be modern by thoughts, not only by clothes and so on!!!

 

કોલેજમાં એક દિવસ એક વાલી પોતાની દીકરીને શોધતા શોધતા આવે છે, દીકરીના પિતાજી બોલવાનું શરુ કરે છે, કાલે કોલેજ આવી હતી, પછી ઘરે નથી આવી. બધે તપાસ કરી લીધી, પણ કોઈ સમાચાર નથી. તેનો મોબાઈલ પણ સ્વીચ-ઓફ આવે છે. વચ્ચે તેની માતા બોલે છે, કીધા વિના આજ સુધી ક્યાય નથી ગઈ. બહુ ડાહી છે, મારી છોકરી! આચાર્ય સાહેબ તમને ખબર હોય તો કહોને, એટલું બોલતાં બોલતાં તો પિતાની આંખોમાં આંસુ આવી જાય છે. કોલેજના કેમેરા બતાવે છે કે છોકરી ગઈકાલે આવી હતી, પણ આવીને તરત જતી રહી હતી. આવાનો અને જાવાનો વિડીયો છોકરીના માતા-પિતાએ જોયો. કોલેજના સોફ્ટવેરમાંથી તેનો રેકોર્ડ કાઢ્યો, એકદમ નિયમિત છોકરી, ભણવામાં પણ હોંશિયાર!  વિડીયો જોઇને પિતાજીએ આગળ વાત કહી, તેની સગાઇ પણ થઇ ગઈ છે, છોકરો સૈનિક છે. મોબાઈલમાં તેની સાથે વાત પણ કરે છે. એ છોકરા એ મોબાઈલ લઇ દીધો છે. અમને કહ્યા વિના ડેલી બહાર પગ નાં મુકનાર ક્યા જતી રહી? કોલેજમાં પૂછપરછ પતાવી તેઓ ભારે હૃદયે ઘરે જાય છે. બીજા દિવસે તેના ગામની છોકરીઓ સમાચાર લાવે છે, એ તો રોજ જેની રિક્ષામા આવતી હતી એ ભાઈ સાથે ભાગી ગઈ છે. તેના માતા-પિતા બહુ રડતા હતા.

   છોકરીની ઉંમર ૨૦ વર્ષ અને પેલા રિક્ષા-ડ્રાઈવરની ઉંમર ૪૦ વર્ષ!  ઘડીક તો આ સમાચાર સંભાળીને આંચકો લાગ્યો! આટલી હોંશિયાર છોકરી અને એ પણ વ્યવસ્થિત જગ્યાએ સેટલ થયેલી છોકરી એ આવું શા માટે કર્યું? તેના પિતાની રડતી આંખો આજે પણ નજર સામે છે!

   બીજો કિસ્સો ૧૯ વર્ષની એક છોકરીનો, જે ૩૯ વર્ષના એક ભાઈ સાથે ભાગી ગઈ, એ ભાઈ પરણેલા હતાં અને તેને બે સંતાનો પણ હતા! તેના માતા-પિતા પણ આમ જ તેને શોધતા ફરી રહ્યા હતાં.

   આવા કિસ્સાઓ આપણે લગભગ રોજ સાંભળતા હોઈએ છીએ. આમ તો પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પણ આકર્ષણની એક ઉંમર જરૂર હોય છે. અને આ ઉંમરે છોકરીઓની ભૂલો સૌથી વધુ તેઓની જિંદગીને અસર કરતી હોય છે. છોકરાઓ પણ આવી ભૂલો કરતાં હોય છે, પણ તેઓની ભૂલો સમાજમાં બહુ ચર્ચાતી નથી! જયારે દીકરીઓ આવું કરે તો કુટુંબની આબરૂ સમાજમાં ચર્ચાઈ જતી હોય છે. અને એના કરતાં પણ વધુ એ બાબતો દીકરીઓના જીવનને કાયમ નડતી રહે છે. સાચા સ્ત્રી-શશક્તિકરણની જરૂર અહી જ આવા કિસ્સાઓમાં હોય છે, હવે તમને થશે એમાં ક્યાં સ્ત્રી-શશક્તિકરણ આવ્યું? દીકરીઓને આ રસ્તે ના જવાનું સમજાવીને. દીકરીઓને કહીએ કે જીવન-સાથી પસંદ કરવાની પણ એક ઉંમર હોય છે. અને એ પસંદ કરતી વખતે પણ કેટલીક કાળજીઓ રાખવાની હોય છે. માત્ર મોબાઈલ માટે કે થોડીક જરુરીયાતો પૂરી થાય એટલા માટે કોઈ-પણ ઉંમરના પુરુષ સાથે આકર્ષણ થઇ જવું જોઈએ નહિ. આવા સંબંધો ક્યારેય સારા પરિણામો આપતા  નથી. પેલા કિસ્સામાં છોકરી ઘરે પાછી આવી ગઈ છે. અને તેની સગાઇ પણ તૂટી ગઈ છે. હવે તમે જ કહો કોણ તેનો હાથ પકડશે? અને આ બધામાં માતા-પિતાનો શું દોષ? આપણો સમાજ પડેલાને ટેકો આપવામાં નહી, પણ ટીકા કરવામાં જ માને છે.  ઉંમરનો વધુ પડતો ગેપ સંબંધોમાં ક્યારેય સંવાદિતતા લાવી શકતો નથી. આકર્ષણથી બંધાયેલો સંબંધ ઝાઝું ટકતો નથી. ટીન-એજમાં કરેલી ભૂલોના પડઘા આખી જિંદગી પુનરાવર્તિત થતાં રહે છે.

   એક દિવસ ક્લાસમાં આ વાતની ચર્ચાઓ થતી હતી, ત્યારે એક છોકરીએ કહ્યું, મેમ પણ ગામડામાં માતા-પિતા દીકરીઓની જરૂરીયાતોને મહત્વ આપતા જ નથી, ને પરિણામે દીકરીઓ એ જરૂરિયાતો પુરી કરવા ગમે તેની સાથે સંબંધ બાંધી દેતી હોય છે. હવે વિચારવાનો સમય માતા-પિતાનો છે, શા માટે તેઓ દીકરા-દીકરી નાં ઉછેરમાં આવો ભેદ-ભાવ રાખે છે? દીકરાને મોબાઈલ આપવાનો, તેણે ભણાવવા પૈસા ખર્ચવાના, દીકરાની જરૂરિયાતો પૂરી કરવા દીકરીઓને એ જરૂરિયાતોથી દુર રાખવાની! જરૂરીયાતોના મોહમાંથી તો મોટા-મોટા માણસો પણ છૂટી શકતા નથી, તો આ ટીન-એજર...... ઘણી છોકરીઓ તો ત્યાં સુધી કહે છે કે અમારા-માતા-પિતા ને એ પણ ખબર નથી હોતી કે અમે કઈ કોલેજમાં ભણીએ છીએ અને અમારે શું બનવું છે? અમારી ઈચ્છાઓને કોઈ જ અવકાશ મળતો નથી. અમારા ભાઈઓ ભણવામાં અમારા કરતાં નબળા હોય છતાં તેઓને ભણવાની સારી સગવડો મળે છે, જયારે અમને મળતી નથી.

  જરૂરીયાતોની પૂર્તિનો અભાવ દીકરીઓને ઝડપથી કોઈ અન્ય પુરુષ તરફ ખેંચી જાય છે. અને જે પુરુષો સ્ત્રીઓની આ રગ પારખી જાય છે, તેઓ આ બાબતનો ફાયદો ઉઠાવતા રહે છે. આવા સંબંધો દીકરીઓના જીવનમાં ઝંઝાવાત લાવી દેતા હોય છે. અને ઝંઝાવાત બાદનું જીવન દીકરીઓ માટે અઘરું બની રહે છે. જરૂરિયાતો માટે કોઈ સાથે સંબંધ બાંધી લેવો જિંદગી માટે બહુ હાનીકારક સાબિત થતો હોય છે. એમાં પણ હવે તો ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ એટલા બધા છે કે તમારી એક ભુલ વાયરલ પણ થઇ શકે છે અને તેને લીધે તમારે જીવન ગુમાવવાનો વારો પણ આવી શકે છે!  વળી આપણા દેશમાં માતા-પિતા સંતાનોના મિત્ર બનવાનું ભૂલી જ જતાં હોય છે, જેથી ક્યારેક આવી કોઈ ભુલ થઇ જાય તો તેઓ તેના વિષે માતા-પિતા સાથે ચર્ચા પણ કરતાં નથી. આવા સંજોગોમાં માતા-પિતા કા તો દીકરીઓ સાથે સંબંધ તોડી દેતાં હોય છે અથવા તો દીકરીઓને ઓનર-કિલિંગનાં નામે મારી પણ નાખતાં હોય છે.

દીકરીઓની ભૂલોને સ્વીકારી લ્યો, એ અણ-સમજુ હોય છે, માતા-પિતા થોડા અણ-સમજુ હોય છે!  એને પણ પાછા ફરવાનો મોકો આપતાં રહીએ. અને દીકરીઓ માટે એટલું જ કહેવાનું કે જીવન-સાથી પસંદ કરતાં સમયે હૃદયની સાથે સાથે મગજને પણ તસ્દી આપવી. માત્ર જરૂરીયાતોની પૂર્તિ એ પ્રેમ નથી. તમારા માતા-પિતાએ તમારા પર મુકેલા વિશ્વાસને જાળવી રાખો. કોઈ પરણેલા પુરુષને જીવનસાથી તરીકે પસંદ નાં કરો. ભાગી જવું એ કોઇપણ સમસ્યાનો ઉકેલ ક્યારેય નથી. જીવન-સાથી પસંદ કરતી વખતે કોમન-સેન્સનો ઉપયોગ કરવો. પેકિંગ આકર્ષક હોય એટલે અંદરની વસ્તુ સારી જ હશે, એવું માનવું ભૂલ-ભરેલું છે. જીવનને ગુણવત્તા-સભર બનાવવા સંબંધોમાં ગુણવત્તા હોવી જરૂરી છે. દીકરીઓ સાથે સમગ્ર કુટુંબની આબરૂ જોડાયેલી હોય છે. કોઈપણ સાથે જોડાતા પહેલા આટલું યાદ રાખીએ!

  આખી જીંદગી જેની સાથે જીવવાની છે, એ વ્યક્તિને માત્ર ઓળખતા નહી, પણ પારખતાં પણ શીખીએ. કોઈ થોડી ચોકલેટ્સ લાવી દે કે લેટેસ્ટ ફેશનના કપડાં લાવી દે, એટલે એની પાછળ બાકીના સંબંધોને ભૂલી જવા તમને કેટલું યોગ્ય લાગે છે? જરૂર વિચારજો.

 વળી આજ-કાલ ‘લવ-જેહાદ’ વાળા પણ સક્રિય છે!  આવા સંજોગોમાં તો આપણે ખાસ સજાગ રહેવાનું છે. 

 

Friday 18 June 2021

ટ્રોલ થવું જરૂરી છે? આજે આ જ ટ્રેન્ડમાં છે!

 

ટ્રોલ થવું જરૂરી છે? આજે આ જ ટ્રેન્ડમાં છે!

you can troll me, but for that you have to read my thoughts, see my photoes and look at my posts 

  ગઈકાલે એક છાપાના એડીટરને લેખ લખવા બાબતે મળવા ગયેલાં. તેમની સાથે લેખ બાબતે વાત થઇ, તેમણે કહ્યું આજકાલ પારુલ ખોખર કરીને એક કવીયીત્રી એ લખેલી કવિતા ટ્વીટર પર બહુ ટ્રોલ થઇ રહી છે, તમે વાંચી છે. મેં કહ્યું નાં! તેમણે કહ્યું આજકાલ એ કવિતા બહુ વંચાય છે, ઘણા લોકોએ આ બાબતે તેમને અપશબ્દો પણ કહ્યા છે! હું મારો આ લેખ પૂરો કરીશ એ પહેલા તમારામાંથી ઘણા એ ગૂગલ પર આ બહેનને અને તેની કવિતાને સર્ચ કરી જ લીધા હશે. શું છે? એ કવિતામાં એવું તો!  એ તો તમે વાંચીને સમજી લે જો. હકીકત તો એ છે કે કોઈ વાતનો વિરોધ કરવા કે વખાણવા માટે પણ એને વાંચવી અને જાણવી તો પડે જ છે ને! વેલ હું તો તમને બધાને એ પુંછવા માંગુ છું કે શું કોઈ ટ્રોલ થાય જે કશું વાયરલ થાય તો જ આપણું ધ્યાન તેના પર જાય? એ ટ્રોલ થયું એટલે સારું? કે પછી સારું છે એટલે ટ્રોલ થયું? જો કે આજકાલ તો અપશબ્દો વધુ ટ્રોલ થતાં હોય છે. કદાચ આપણે બધા સોસીયલ મીડિયાની લ્હાયમાં સારા/સાચા કે ખરાબ/ખોટાનું વિવેકભાન ભૂલી ગયા છીએ. પોસ્ટ કરતા રહેવું એ જાણે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો બની રહી ગયું છે. કમેંટ,શેર,લાઇક વગેરે જાણે આપણા સૌના જીવનના માપદંડો બની રહી ગયા છે. સારા સારા લેખકો કે સેલીબ્રેટીઓ પણ આમાંથી બાકાત નથી રહી શક્યા. ટ્રેન્ડમાં રહેવાનો આ કેવો શોખ?

           કોઈ લેખક જયારે કશું લખે છે, એ તેના વિચારોની અભિવ્યક્તિ હોય છે. તે કોઈપણ મુદ્દે શું વિચારે છે? એ લખવાનો તેને પુરેપુરો હક છે. વળી આપણો દેશ તો લોકશાહી દેશ છે. બધાને વિચારોની અને વાણીની સ્વતંત્રતા મળેલી છે. પણ મિત્રો એ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ ઉભી થતી હોય છે. અને એ જવાબદારીમાંથી કોઈ લેખક છૂટી શકે નહી. જયારે કોઈના શબ્દોની પ્રજા પર કે દેશના ભવિષ્ય પર અસરો ઉદ્-ભવતી હોય ત્યારે તો એ શબ્દો ખાસ સમજીને,વિચારીને લખાવવા જોઈએ. કોઇપણ દેશ ક્યારેય શબ્દો થકી ચાલતો નથી, પ્રજા થકી ચાલે છે. અને પ્રજા જ જો પોતાની રીતે જીવવા ઈચ્છતી હોય તો?

   આજે પણ લોકોને માસ્ક પહેરવાનું સમજાવવા પડે છે, કેટલાયે એવા લોકો છે, જેમણે દવાઓ, ઇન્જેકશનો, હોસ્પીટલના બેડ, વગેરે વગેરે એડવાન્સમાં ખરીદી લીધા છે. ઇન્જેકશનો,દવાઓના કાળા-બજાર હજી ચાલી રહ્યા છે. ઘણાને હજી વેક્સીન લેવા માટે સમજાવવા પડે છે. ગામડાઓમાં હજી લોકો એવું માની રહ્યા છે કે દેશની વસ્તી ઘટાડવા વેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીન પહોંચે એ પહેલા તેની આડ-અસરો પહોંચી ગઈ છે! ઘણા ભણેલા લોકો પણ વેકસીન લેવા તૈયાર નથી! ઘણા માતા-પિતાને બાળકોના જીવન કરતા વધુ ચિંતા તેઓના શિક્ષણની છે! હજી છાનાં-ખૂણે ઘણા બધા કલાસીસ ચાલુ છે. પ્રજા તરીકે આપણે ક્યાં છીએ? જેટલો સમય આપણે કોઈને ટ્રોલ કરવામાં વિતાવીએ છીએ, એટલો સમય પ્રજા તરીકે દેશને મદદરૂપ થવામાં વીતાવીશું તો મને લાગે છે. થર્ડ વેવને રોકી શકીશું.

 લખવું બહુ સરળ છે, આટલા વિશાળ દેશનો વહીવટ કોઈપણ માટે અઘરો છે. કોઈ ગંગામાં શબ ફેંકી આવે એના માટે સરકાર જવાબદાર છે? દોડતા શાંતિ-રથો માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે? ઓક્સીજનના બાટલાની અછત માટે પણ શું માત્ર સરકાર જ જવાબદાર છે? આપણા સ્વજનો આપણને છોડીને જતાં રહ્યા એટલા માટે પણ શું સરકાર જ જવાબદાર છે? સરકારનો વાંક છે, પણ આપણે શું ઓછા જવાબદાર છીએ?

લગ્નોમાં દોડ્યા, આપણે સીમંતો અને જન્મ-દિવસો પણ ઉજવ્યા,

 તેઓ નાચ્યા જીત પર અને આપણે લગ્નના વરઘોડામાં!

મત પાછળ તેમણે આપણને દોડાવ્યા, પણ આપણે દોડ્યા શું કામ?

સંતાનોના જીવન કરતાં પણ વધુ આપણને તેઓનું શિક્ષણ જરૂરી લાગે છે!

તેમણે ફી ભરવાનું કહ્યું, પણ આપણે ભરી શું કામ?

વિકાસ અંગેના પ્રવચનો સાંભળવા દોડ્યા આપણે,

પણ આપણે આપણો વિકાસ સમજયા જ નહી શું કામ?

ઠોકર વાગી,ઠેસ લાગી તો પણ રસ્તા પરનાં પથ્થરો આપણે ઉપાડતાં નથી!

મૌન રહીને,સહીને આપણે જીવી રહ્યા છીએ શું કામ?

  દેશનો વહીવટ કરવો એ સોસીયલ મીડિયામાં પોસ્ટ લખી નાખવા જેટલુ સરળ નથી. સલાહ,અભિપ્રાયો સૌ આપી શકે છે. સહકાર આપે એ સાચો નાગરિક અને એ નાગરીકને સાચો રસ્તો બતાવી શકે એ સાચો લેખક! તંત્રને વખોડતા રહેવું બહુ સરળ છે, પણ એમાં સુધારો લાવવા જે કંઈપણ કરવું પડે એના માટે આપણે તૈયાર છીએ ખરા?

  માત્ર ટ્રોલ થઈએ એવું લખવુ એ ફેશન છે, અને ફેશન તો બહુ ઝડપથી બદલાઈ જતી હોય છે. લેખન તો લોકોને કાયમ પ્રેરણા અને વાસ્તવિકતાની ધરતી પર લઇ જાય તેવું હોવું જોઈએ. દઝાડે એવું લખવા કરતા ઠંડક આપે એવું લખાણ લોકોને જીવવામાં મદદ કરી શકે છે. લેખક કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં ના હોવો જોઈએ, એ તટસ્થ હોવો જોઈએ! 

 


તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...