Sunday, 18 March 2018

શિક્ષણના ત્રણ પાયા અને આપણે,


શિક્ષણના ત્રણ પાયા અને આપણે,








દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વૈચારિક પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબુત આધાર ગણાય છે. એવું મનાય છે કે કોઇપણ દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. આ દુનિયામાં જયારથી જ્ઞાન ઉદભવ્યું હશે, શિક્ષણની જરૂરિયાત ઉભી થઇ હશે. હકીકત તો એ છે કે કોઈપણ સંસ્કૃતિ વિકસી હશે કે નાશ પામી હશે, કોઈપણ ઈતિહાસ રચાયો હશે કે કોઇપણ નવી શોધ થઇ હશે, જે તે પેઢીઓ સુધી પહોચાડવાનું કામ શિક્ષણે જ કર્યું છે. જેમ દરેક દેશની કોઈ ને કોઈ પ્રાચીન સંસ્કૃતિ છે, એમ જ દરેક દેશની એક ચોક્કસ શિક્ષણ-પદ્ધતિ હતી, છે અને રહેશે. આપણા દેશમાં પ્રાચીન સમયથી એક સુંદર શિક્ષણ વ્યવસ્થા રહી છે. આપણી પાસે નાલંદા,તક્ષશિલા, વલ્ભ્ભીપૂર જેવી વિદ્યાપીઠો હતી, જ્યાં વિશ્વનું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું, જ્યાં વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યનુ સર્જન થયેલું. એવી વિદ્યાપીઠો જેણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું સ્થાન બનાવેલું. આ બધી વિદ્યાપીઠોની સૌથી અગત્યની બાબત અને આપણી પ્રાચીન શિક્ષણ પ્રથાની સૌથી મહત્વની બાબત એ હતી કે ત્યારે શિક્ષક ગુરુ તરીકે પૂજાતો. એ બાળકના સર્વાંગી વિકાસનો પ્રણેતા ગણાતો. કોઈ રાજ્યમાં તેનું સ્થાન રાજા કરતાયે ઊંચું ગણાતું. અરે એ એવા શિષ્યો નિર્મિત કરી સકતો કે જે ભારતનો ઈતિહાસ બદલી શકે. એ આ સમ્રગ ભારત વર્ષનો રાજા બની શકે. એવી શિક્ષણ-પ્રથા જ્યાં રાજા કે રંક બંનેના સંતાનો એકસાથે ભણતા અને એ પણ કોઈપણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વગર. એ શિક્ષણ-વ્યવસ્થા એટલી સચોટ અને સુંદર હતી કે આજે પણ આપણે અંદરથી તો એવું માનીએ જ છીએ કે આજ કરતા એ સારી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે એ જ શિક્ષણ-વ્યવસ્થા યોગ્ય હતી. બાળકોને જીવન ઉપયોગી તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ગુરુનું સ્થાન વિદ્યાર્થીના જીવન ઘડતરમાં સૌથી અગત્યનું રહેતું.
 આ બધું હતું હતું એવું આપણે રોજ સાંભળતા વાચતા અને ચર્ચતા રહીએ છીએ. પણ આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પરીક્ષા ચાલુ છે ને એટલે મન થઇ ગયું. હા તો પ્રશ્ન એ છે કે આપણી શિક્ષણ- પ્રથામાં જે કઈ ખૂંટે છે એનો બધો ભાર શા માટે શિક્ષક મહોદય પર નાખી દેવામાં આવે છે. હા એ શિક્ષણ-વ્યવસ્થાનો સૌથી અગત્યનો પાયો છે અને તે મજબુત હોવો જોઈએ એ પણ કબૂલ પણ બાકીના બે પાયા એટલે કે ‘શિષ્ય’ અને ‘માતા-પિતાનો’ પણ આમાં ફાળો હોવો જોઈએ કે નહિ? આધુનિક શિક્ષણ-વ્યવસ્થા વિદ્યાર્થી લક્ષી છે એ વાંધો નથી પણ શિક્ષકને સાવ નબળો પાડી દીધો છે. વાંધો ત્યાં છે. આપણા દેશમાં જેમ કંઈપણ બને બધો વાંક સરકાર પર ઢોળી દેવામાં આવે છે, એમ જ શિક્ષણ-પ્રથાની તમામ ઉણપો શિક્ષક પર ઢોળી દેવામાં આવે છે. જાણે બધી બાબતો માટે તે જ જવાબદાર હોય એવો વ્યવહાર તેની સાથે કરવામાં આવે છે. હકીકત તો એ છે કે આજે પણ એવા શિક્ષકો છે જે વિદ્યાર્થીના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહે છે, પણ એવી બાબતોને છાપાઓની માત્ર શોભા બનાવી ક્યાંક ખૂણે ખાચરે છાપી દેવામાં આવે છે. હવે વાત કરીએ બાકીના બે પાયાની તો મને કહો જોઈએ ક્યાં વિદ્યાર્થીને સ્ટ્રીક શિક્ષક કે પરીક્ષામાં ચોરી ના કરવા દે તેવા શિક્ષકો ગમે છે? જો કોઈ શિક્ષક પરીક્ષામાં ચોરી ના કરવા દે તો ઘણીવાર તો એને માર પણ ખાવો પડે છે. અને આમપણ પ્રમાણિક માણસ હમેંશા આપણા દેશમા એકલો પડી જાય છે. એમ એ શિક્ષક પણ એકલો પડી જાય છે. ક્લાસમાં ઊંડાણપૂર્વક ભણાવનાર શિક્ષકો વિદ્યાર્થીને ગમતા નથી એને તો માત્ર પરીક્ષાલક્ષી માહિતી માં જ રસ હોય છે. આપણે ‘આદર્શ શિક્ષક’ ની વાતો બહુ કરતા હોઈએ છીએ પણ ‘આદર્શ વિદ્યાર્થી’ ચર્ચાતો જ બંધ થઇ ગયો છે. વિદ્યાર્થી ને આમ કરવું આમ ના કરવું, મારવા નહિ ટેન્શન આવી જાય એવું કશું કહેવું નહિ. જો બધું પરિપત્ર જ નક્કી કરે તો શિક્ષકે કરવાનું શું?
  હવે તો એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે વિદ્યાર્થી થી શિક્ષકે ડરી ડરી રહેવું પડે છે કે એને કઈ કહેવાય ના જાય કે એની પર હાથ ઉપાડાય ના જાય! આમ પણ કોઈએ સાચું જ કહ્યું છે કે, “ જ્યારથી શિક્ષક ના હાથમાંથી લાકડી છીનવાય ગઈ છે, પોલીસે વધુ ઉપાડવી પડે છે.”  કેમ ખરું ને? જે શિક્ષકો પરિક્ષામાં જવાબો લખાવી દે કે imp પ્રશ્નો આપી દે તેવા જ શિક્ષકો વિદ્યાર્થીઓને ગમે છે. આપણે સૌ એક શિક્ષક પાસેથી અપેક્ષા બહુ રાખીએ છીએ પણ એને એવા અધિકારો આપી એ છીએ ખરા કે તેઓ એ અપેક્ષા પર ખરા ઉતરી સકે? જવાબ આપવો હોય તે આપી સકે છે.અત્યારે પરિસ્થિતિ એવી છે કે એકાએક વિદ્યાર્થીઓ હોશિયાર નથી થઇ ગયા પણ પરીક્ષા પદ્ધતિ જ સાવ સરળ બની ગઈ છે. અત્યારના શિક્ષકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓને ભણવું જ નથી, જે માત્ર સમય પસાર કરવા જ શાળા કે કોલેજમાં આવે છે, એને ભણાવવા કેવી રીતે? ભણાવનાર ગમે તેટલો ભણાવવા તૈયાર હોય પણ જેને ભણવું જ ના હોય એના માટે કોઈ ઉપાય ખરો? શિક્ષણને રસપ્રદ બનાવવાનું કામ શિક્ષકનું છે એ કબૂલ પણ એને રસથી ભણવાનું કામ તો વિદ્યાર્થીએ જ કરવું રહ્યું!
 હવે વાત કરીએ ત્રીજા પાયાની એટલે કે માતા-પિતા! એવો પાયો જેને પોતાના સંતાનોને એની ક્ષમતા ઓળખ્યા વિના જ ભણાવવા હોય છે. જેઓ પોતાના સંતાનોને માત્ર ડોકટર વકીલ કે એન્જીનીયર કે પછી વ્હાઈટ કોલર જોબ હોલ્ડર જ બનાવવા જ ઈચ્છે છે. જેઓ માટે બાળકોમાં રહેલી આવડત નું કોઈ મુલ્ય જ નથી. જેઓ બાળકોને રેસના ઘોડા જ સમજે છે. જેઓ બાળકોને માત્ર સરખામણી કરવાનું સાધન જ સમજે છે. બાળકોને શું ગમે છે? એના કરતા તેઓને મન ડીગ્રીઓનું જ મહત્વ હોય છે. જેઓ સ્કૂલ પસંદ કરતી વખતે માત્ર બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ જુએ છે પણ કોણ કેવું ભણાવે છે કે મારા સંતાનનો અહી સર્વાંગી વિકાસ થશે કે નહિ? એના પર જરા સરખું પણ ધ્યાન આપતા નથી! જ્યાં ફીસ ઉંચી ત્યાં શિક્ષણ સારું એવી માન્યતાઓમાં જેઓ રાચે છે. જેઓ પોતાના સંતાનોને માત્ર દેખાડો કરવાનું માધ્યમ જ માને છે. અરે ઘણા માતા-પિતા તો માત્ર જ્ઞાતિ જોઈ એ જ્ઞાતિની સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા મુકે છે. હવે તમે જ વિચારજો આવા માપદંડો સાથે કોઈ માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ કેવી રીતે આપી સકે? અને અંતે બધો વાંક શિક્ષકો પર આવી રહી જાય છે. દર વર્ષે ૧૧ માં ધોરણમાં ૮૦ % વિદ્યાર્થીઓ એવા હોય છે જેને સાયન્સ નથી રાખવું હોતું પણ માતા-પિતાના દબાણને કારણે તેઓ આ પ્રવાહમાં જાય છે અને પ્રવાહ સાથે તરવાને બદલે ડૂબી જાય છે. હવે તમે જ કહેજો જેને મન જ ના હોય એ માળવે તો શું બાજુના ગામ સુધી પણ કેવી રીતે જવાના? સાયન્સની પરિક્ષામા પણ જો વિદ્યાર્થીઓ માત્ર ચોરી પર નભતા હોય તો બીજાની વાત જ શી કરવી?
 તમને થશે શિક્ષકોની વાત તો કરી જ નહિ, એ પાયો પણ નબળો હોય સકે, પણ તો પછી કેમ કદી વાલીઓ આવા શિક્ષકો સામે અવાજ ઉઠાવતા નથી. આપણે ચલાવી લઈએ એટલે બધું ચાલે છે. શિક્ષકો ને મજબુત કરવા એ આ બંને પાયાનું કામ છે. ના ભણાવતા શિક્ષકો સામે ફરિયાદ કરવાનું કામ આ બંને પક્ષકારોનું જ છે. આપણે જેટલા જાગૃત રહીશું આ પાયો મજબુત બનશે. કેમ ખરું ને ? શિક્ષકોને અપ-ડેટ થવું પડે એવું વાતાવરણ આપણે જ ઉભું કરવાનું છે. કોઈપણ દેશની શિક્ષણ-વ્યવસ્થા આ ત્રણેય પાયા પર નભે છે અને એ ત્રણેય પાયા સક્ષમ અને મજબુત હોવા જોઈએ. તો જ આપણે સારું શિક્ષણ માળખું ઉભું કરી શકીશું અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકીશું. માત્ર સાક્ષરતા એ આપણો ઉદેશ નથી પણ ભણવાનું પણ ગળે ઉતરવું જોઈએ. એટલીસ્ટ હું શા માટે ભણું છું એવો સવાલ જયારે વિદ્યાર્થીને થશે, ને શિક્ષકો ને એવું થશે કે હું જે કામ કરું છું એના પર રાષ્ટ્ર નભે છે તો અને હા માતા-પિતા જયારે એવું સ્વીકારશે કે મારા સંતાનોને જે ભણવું હોય અને જે આવડત ખીલવવી હશે,એ હું કરવા દઈશ ત્યારે આપણે ખરા અર્થમા રાષ્ટ્ર-નિર્માણ કરી શકીશું. બોલો આમીન...........




1 comment:

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...