ડિગ્રી
આવડત અને આપણે,
હમણાં
કે.બી.સી. માં એક એપિસોડ જોયો.એક ધો.૧૦ પાસ બહેને ૫૦લાખરૂ જીત્યા.આટલું ઓછું
શિક્ષણ હોવા છતાં વિશ્વાસ પૂર્વક રમ્યા અને મોટી રકમ જીત્યાં પણ ખરા! સફળતાની
પૂછપરછ માં તેમણે જવાબ આપ્યો, “મને વાંચવું બહુ ગમે છે અને હું પુષ્કળ વાચન કરું
છું એટલે સફળ થઇ.” ડિગ્રી ને શિક્ષણ સાથે જોડી આપણે જ્ઞાન,સમજ,આવડત જેવા ગુણોને
સાવ ગૌણ બનાવી દીધા છે. ને પરિણામે આજે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પણ
યોગ્ય કૌશલ્ય ધરાવતા હોતા નથી.ને જેઓ ભળેલા નથી તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ક્યાય આગળ
નીકળી ગયા છે. ને ઘણીવાર તો એવું બને છે કે અતિ ભણેલા અભણ ને ત્યાં પોતાની ડિગ્રી
વટાવતા રહે છે.તેઓના વ્યવસ્થાપન હેઠળ કાર્ય કરતા રહે છે.કારણ ડિગ્રી વ્યક્તિને
નવું સંશોધન કરવા કરતા વધુ સલામતી વાળી નોકરી કરવા પ્રેરતી રહે છે.એક નોકરી મેળવી
આજનો વિદ્યાર્થી સલામત બની જાય છે,પણ પોતાની ડિગ્રીને કોઈ નવા રસ્તે લઇ જવાનું
ટાળે છે. ‘વાઈટ કોલર’ નોકરીના વળગણે વિદ્યાર્થીને ગોખણીઓ બનાવી દીધો છે. ડિગ્રીની
પરીક્ષામાં અવ્વલ આવનાર જિંદગીની પરીક્ષામાં ઘણીવાર સદંતર ફેલ થતો રહે છે. ડિગ્રી ના બઝારે
સંશોધન નામની પ્રોડક્ટને સાવ ગૌણ બનાવી દીધી છે. વિદ્યાર્થી નોકરી મેળવવા ડિગ્રી
પર ડિગ્રી મેળવતો રહે છે,પણ કૌશલ્ય વિકસતું નથી. અરે ક્લાસ-રૂમમાં બેઠેલા ૭૫%
વિદ્યાર્થીઓને તો ખબર પણ નથી હોતી કે હું શા માટે આ અભ્યાસક્રમ ભણું છુ? અને
આમાંથી કેટલુ મને આવડે છે અને કેટલું આવડતું નથી? અરે ઘણી વાર તો ૧૦ પાસ
વિદ્યાર્થીને પોતાની ભાષા લખતા કે વાચતા પણ આવડતી હોતી નથી. ને ૧૨ પાસ વિદ્યાર્થી
એક સાદી અરજી કે સાદું ફોર્મ પણ ભરી શકતો નથી. ધોરણ પાસ થઇ જાય પણ એ આવી નાની
બાબતો પણ શીખતો નથી. અરે મેઈન વિષય રાખનાર ઘણા વિદ્યાર્થીઓ ને એ વિષય શા માટે
રાખ્યો છે, એ પણ ખબર હોતી નથી! જે વિષય સાથે તે ગ્રેજ્યુએટ થાય છે ઘણીવાર એનું
પાયાનું જ્ઞાન પણ એની પાસે હોતું નથી.( મેઈન english રાખનારને ઘણીવાર પોતાનું નામ
અને સરનામું english માં લખતા આવડતું હોતું નથી!)
ડિગ્રીના મહત્વ એ તેની મૌલિકતાને
ગોખણીયા જ્ઞાનમાં તબદીલ કરી નાખી છે. આજે શાળા કે કોલેજ ના ક્લાસરૂમમાં ભણતા
વિદ્યાર્થીઓમાં ૫૦% એવા છે, જેઓને ભણવું જ નથી પણ એક યા બીજા કારણોસર ભણતા રહે
છે.તેઓનું પ્રેરક બળ શિક્ષણ નહિ પણ કોઈ બીજું હોય છે.તેઓને અભ્યાસક્રમમાં જરાયે રસ
હોતો નથી.પરાણે ભણતા રહે છે,પણ નવું શીખતા કશું નથી, એવું લગભગ દરેક ક્ષેત્રોમાં
જોવા મળે છે.આવા વિદ્યાર્થીઓ ના કામનું વાસ્તવિક ક્ષેત્ર અને અભ્યાસક્રમ વચ્ચે
જમીન-આસમાન નો તફાવત હોય છે.આપણે ત્યાં ખેતીને લગતા અભ્યાસક્રમો સાવ ઓછા જોવા મળે
છે, જયારે દેશની મોટા ભાગની પ્રજા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવા છતા! વિશ્વના જે
દેશોએ પોતાના સૌથી અગત્યના આર્થીક ક્ષેત્રો છે, તે ક્ષેત્રોને શિક્ષણ સાથે જોડી દઈ
વિદ્યાર્થીઓને એનું જ શિક્ષણ લેતા કર્યા છે,જેમ કે ડેન્માર્ક ડેરી-ઉદ્યોગમાં આગળ
છે તો ત્યાં શાળામાં બાળકોને એના વિશેના અભ્યાસક્રમો જ ભણાવવામાં આવે છે, જયારે
આપણી શિક્ષણ-પ્રથામાં આવું ક્યાય જોવા મળતું નથી.ને પરિણામે વિદ્યાર્થીઓ ખેતી ની
નજીક જવાના બદલે દુર જતા રહે છે.ખેતી તેઓને અનાકર્ષક લાગે છે.વિદ્યાર્થીઓ
માર્ક-શીટમાં માર્કસના ઢગલા લાવે છે,પણ જરૂરી કૌશલ્ય કેળવી શકતા નથી. તેઓ બહારની
દુનિયાના પ્રશ્નોના જવાબ આપવામાં તદન અશક્ષમ બની જાય છે.ને જેઓને ભણવામાં જરાયે રસ
નથી છતાં ભણે છે તેઓ ક્લાસરૂમમાં શિસ્તના પ્રશ્નો ઉભા કરતા રહે છે.
ડિગ્રી અને આવડત નો સહસંબંધ ‘શૂન્ય’ છે.આ બંને
બાબતો એકબીજા સાથે સંકળાયેલી નથી.ને એવા હજારો ઉદાહરણો આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ
પણ સમજતા નથી કે સ્વીકારતા નથી. તમે ટી.વી.પર મુંબઈના ડબ્બા વાલાનું વ્યવસ્થાપન
જોયું હશે.એનો માલિક સાવ અભણ છે છતાં એનો કેસ-સ્ટડી એમ.બી.એ. નો વિદ્યાર્થી ભણે
છે.વિચારજો. અરે ઘણીવાર તમેં તમારી આસપાસ એવા ઉદાહરણો પણ જોયા હશે કે એક ડોક્ટર
અને દરજીકામ કરતા વ્યક્તિની આવક એકસરખી પણ હોય શકે! એક ની પાસે ડિગ્રી છે અને એકની
પાસે આવડત પણ છતા બંનેનું આર્થિક સ્તર એકસરખું છે! એવું ક્યારેય નથી હોતું કે કોઈ
ડોક્ટર કે એન્જીન્યર યુની.ફર્સ્ટ હોય એટલે એની આવડત ઉંચી હોય! હકીકત તો એ છે કે
આવા વ્યવસાયોમાં ડિગ્રી કરતા આવડત જ અગત્યની હોય છે. ઘણી વાર ડોકટરો વચ્ચેની
આવકમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે.આ સઘળી બાબતો એવું સૂચવે છે કે જો તમારામાં એક
પણ આવડત હોય તો એને યોગ્ય રસ્તે વાળી એક સરસ કારકિર્દી બનાવી શકો છો. પણ આપણને
અમુક ક્ષેત્રો સિવાય કશું સુઝતું જ નથી! કારણ આપણે ડિગ્રીના સર્ટીફીકેટ પાછળ આપણી
આવડતના સર્ટીફીકેટને ગોઠવી ફાઈલમાં માત્ર સાચવી મુકીએ છીએ. તે સર્ટિને આગળ લઇ
જવાનો પ્રયત્ન કરતા નથી.એવા કેટલાયે વિદ્યાર્થીઓ હોય છે જેઓ સારું ગાતા હોય કે
સારા ચિત્રો દોરતા હોય કે પછી રમત-ગમતમાં હોશિયાર હોય,કે બીજી કોઈ કળામા હોશિયાર
હોય છે. પણ તેઓ ખુદને ઓળખતા નથી ને આપણી શિક્ષણ-પ્રથામાં આવી કળાઓને કોઈ સ્થાન નથી
ને પરિણામે યોગ્ય પ્લેટફોર્મના અભાવે આવી કળાઓ બહાર આવી શક્તી નથી. ને પરિણામે આવા
વિદ્યાર્થીઓ કળાને છુપાવી કોઈ નાનકડી નોકરી પાછળ પોતાનું જીવન વિતાવી દેતા હોય છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ વ્યવસ્થિત તક ના મળતા એ પ્રતિભાઓ ડિગ્રીના બોજ તળે
દબાઈ જાય છે.ટ્રેન્ડમાં હોય તેવી ડિગ્રીઓ અને કોર્સીસ પાછળ દોડી તેઓ પોતાનું
અસ્તિત્વ જે કળામાં હોય તે કળા ને જ ભૂલી જાય છે.ધીરુભાઈ અંબાણી,સચિન
તેંદુલકર,લતા- મંગેશકર ,માર્કઝુકરબર્ગ વગેરે એવા કેટલાય નામો છે જેઓએ પોતાની આવડત
ઓળખી એના પર જ બધું એકાર્ગ કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા અને એ ક્ષેત્રનો પર્યાય
બની ગયા.પણ આપણે હજી આ ડિગ્રીના ચક્કરમાંથી બહાર આવતા નથી.વળી આપણે ત્યાં
વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીનું વળગણ પણ બહુ જોવા મળે છે. એકવાર મળી જાઉં એટલે આખી
જિંદગી સ્થિર! એવી માન્યતા સાથે ડિગ્રી પર ડિગ્રી મેળવતા જાય છે, પણ જ્ઞાન કે આવડત
પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા નથી.સરકારી નોકરી એવી સ્થિરતા કે સલામતી આપે કે નવું
કશું કરવાની ઇચ્છા જ ના થાય. ૧૦ થી ૫ ની નોકરી. બસ બીજું કશું નહિ.
વિદેશોમાં aptitude ટેસ્ટ લઇ વિદ્યાર્થીનું
ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. આપણી શાળાઓ એ પણ કરતી નથી. વિદેશોમાં આવી ટેસ્ટ લઇ
માતા-પિતા,શાળાઓ વિદ્યાર્થીઓને એ જ ક્ષેત્રમાં આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે, જયારે
આપણા દેશમાં માતા-પિતા અને શાળાઓ વિદ્યાર્થીઓને ડોક્ટર કે એન્જીનીર બનાવવા સિવાય
ત્રીજું ક્ષેત્ર વિચારતી જ નથી.બોર્ડની પરિક્ષાઓ પૂરી થતા જ મોટા મોટા હોડીગ્ઝમાં
ટોપ-ટેન વિદ્યાર્થીઓના નામ ગુંજતા રહે છે.ને બાકીના બિચારા હિજરાતા રહે છે.બાળકોના
એડમીશન માટે માં-બાપ મહિનાઓ સુધી દોડ-દોડ કરતા રહે છે ને પોતાના જીવનની તમામ કમાણી
આપીને પણ ડોક્ટર કે એન્જીનીયર બનાવતા રહે છે!આપણી શિક્ષણ પ્રથાએ વિદ્યાર્થીઓને
નંબરની ગેમના એટલા વ્યસ્ત ખેલાડી બનાવી દીધા છે, જ્યાં ટોપ-ટેન સિવાય એકેય નંબર
ધ્યાનમાં જ આવતા નથી.જ્યાં વિદ્યાર્થીઓના માત્ર માર્ક્સ કે ગ્રેડ જ અગત્યના છે
તેના કૌશલ્ય કે આવડતનું મહત્વ જરાયે રેવા દીધું નથી.
જે દિવસ થી આપણે ડિગ્રી કે નંબર કરતા વધુ
અગત્યનું કૌશલ્ય ગણીશું. ઓલમ્પિક રમતોસ્વમાં મેડલ ટેલીમાં આપણે પણ ટોપ-ટેન દેશોમાં
હોઈશું!
“Your school may have done away with winners
and losers, but life HAS NOT. In some schools they have abolished failing
grades and they’ll give you as MANY TIMES as you want to get the right answer.
This doesn’t bear the slightest resemblance to ANYTHING in real life.” BILL
GATES
No comments:
Post a Comment