Monday, 14 October 2024

સીને મે જલન આંખોમે તૂફાન સા ક્યૂ હે? ઇસ શહેરમે હર શખ્સ પરેશાન સા ક્યૂ હે?

 

સીને મે જલન આંખોમે તૂફાન સા ક્યૂ હે? ઇસ શહેરમે હર શખ્સ પરેશાન સા ક્યૂ હે?

 Work Stress Relief Therapy - Heal & Recharge at FHE Health

 

  યે બેચારા કામ કે બોજ કા મારા’, નાના હતા ત્યારે ટી.વી. પર આવી એક જાહેરાત આવતી. આજે આ કામનો બોજ માણસોને ડીપ્રેશનમાં ધકેલી રહ્યો છે. લોકો પાસેથી તેઓનો નવરાશનો અને ફેમિલી ટાઈમ છીનવી રહ્યો છે. સવારે ઘરેથી થેલો લઈને નીકળતા સ્ત્રીઓ અને પુરુષો સાંજે (રાત્રે) પાછા આવે, ત્યારે પણ ઢગલાબંધ કામો લઈને ઘરે પાછા આવે છે કા તો ઓફિસમાં જ એટલું કામ કરતાં રહે છે કે તેઓનું શારીરિક અને માનસિક આરોગ્ય બહુ નાની ઉંમરે કથળી રહ્યું છે!

કામ અને સંબંધોમાં જેમ જેમ અપેક્ષાઓ વધતી જાય છે, વ્યક્તિઓ ડીપ્રેશન માં સરી પડતાં હોય છે. ટારગેટ્સ, ટાઈટ ડેડલાઇન્સ, કર્માચારીઓ પાસેથી કલાકો ના કલાકો સુધી કામ કરાવતા રહેવું, એ આજના ઓફિસ કલ્ચરની કડવી વાસ્તવિકતા બની ગઈ છે. કામના ઢગલાઓ નીચે માણસો રીતસરના કચડાઈ રહ્યા છે. તેઓના અંગત જીવન જેવુ કશું જાણે કે રહ્યું જ નથી.

કેરળની એક યુવા આશાસ્પદ દીકરી જેણે સી.એ. કરેલું હતું, તે  21મી જુલાઈએ, કામના પ્રેશર અને લાંબા કામના કલાકોને લીધે મૃત્યુ પામી. તેણીના પિતાના કહેવા મુજબ દીકરી ફોન પર કામના દબાણને લીધે રડતી હતી, અને આખરે કામના દબાણને લીધે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામી! કામના દબાણને લીધે લોકોના પોતાના જ કુટુંબ સાથેના સંબંધોમાં પણ તિરાડો પડવા લાગી છે. કામના ઓવરલોડને લીધે તેઓ કામ અને કુટુંબ વચ્ચે બેલેન્સ નથી રાખી શકતા.

આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.  હૈદરાબાદમાં એક મોટી આઈ.ટી. કંપનીના વાઇસ-પ્રેસિડેંટે 2015માં કામના ઓવરલોડને લીધે આપઘાત કરેલો. રંજન દાસ કે જેઓ ભારતમાં SAP કપનીના સી.ઈ.ઑ. હતા, તેઓ કામના ઓવરલોડને લીધે મેસિવ હાર્ટ-એટેક આવતા મૃત્યુ પામેલા.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક રીપોર્ટ મુજબ કામના ઓવરલોડના દબાણને લીધે કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને ઊંઘમાં ખલેલનું જેવા રોગોનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે. માનસિક આરોગ્ય વ્યક્તિના જીવનના દરેક પાસાને સ્પર્શતું હોય છે. વ્યક્તિની કામની ગુણવત્તા, સર્જનાત્મકતા, સામાજિક જીવન વગેરેમાં ડીપ્રેશનને લીધે નકારાત્મક અસરો ઊભી થાય છે. એટલું જ નહી, એકાગ્રતાની ખોટ, નબળી નિર્ણયશક્તિ, અસ્વસ્થતા પણ કામના બોજને લીધે લોકો ફીલ કરી રહ્યા છે.

  2021માં થયેલા એક સર્વે મુજબ ભારતમાં 55% લોકો કામના સ્થળે કામના દબાણને લીધે સ્ટ્રેસ અનુભવે છે. જ્યારે કોર્પોરેટ જગતમાં થયેલા સર્વે મુજબ 42.5%લોકો કામના સ્થળે ચિંતા અને સ્ટ્રેસને લીધે કામ પર પૂરેપુરૂ ધ્યાન નથી આપી શકતા. રોજ સવારે ઉઠીને કામ માટે નીકળી પડવું એ બાબત તેઓને સતત સ્ટ્રેસની ફીલિંગ આપે છે. કામની તાણને કારણે વ્યક્તિની કામગીરી અને કામ પર અને સંસ્થાના વિકાસ બંને પર નકારાત્મક અસર કરે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદના એક સંશોધન અહેવાલ મુજબ કામનો તણાવ એ ભારતમાં કર્મચારીઓમાં બર્નઆઉટનું મુખ્ય કારણ હતું. વર્ક-લોડ માત્ર કામના સ્થળો દ્વારા જ નથી ઊભો થતો. વ્યક્તિ પોતે પણ ઘણીવાર પોતાની મહાત્વાકાંક્ષા પૂરી કરવા આખી ઓફિસનું કામ પોતાની માથે ઇયલને ફરતો રહે છે. ગળાકાપ સ્પર્ધાને લીધે લોકોને જે સ્થાને ઊભા છે, તે સ્થાને ઊભા રહેવા માટે પણ દોડતા રહેવું પડે છે અને તેને લીધે પણ આજે લોકો સ્ટ્રેસ અને ચિંતા જેવી માનસિક બીમારીઓથી પીડાય રહ્યા છે.

દરેકને કામના સ્થળે પોતાનું શ્રેસ્ઠ આપવું છે અને એ બાબત જ લોકોમાં ડીપ્રેશન વધારી રહી છે. દરેકને એકબીજા કરતાં આગળ વધવું છે અને એટલે જ આપણે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે મન અને શરીર બંને ચોક્કસ સમયના અંતરે આરામ માંગે છે, અને આપણે આરામ આપવો પણ પડે છે. પણ આપણે કામના બોજ હેઠળ જાણે કે ખુદને જ ભૂલી ગયા છીએ.

  કુટુંબની અનલિમિટેડ જરૂરિયાતો પણ લોકો પાસે ગજા બહારનું કામ કરાવી રહી છે. ઘરનું પ્રેશર, કામના સ્થળનું પ્રેશર.... આ બધા દબાણે માણસને માનસિક અને શારીરિક રીતે જ હંફાવી દીધો છે. બહુ નાની ઉંમરે વ્યક્તિઓમાં મોટા રોગો આ દબાણને કારણે એન્ટર થઈ રહ્યા છે. આ અનલિમિટેડ જરૂરિયાતો અને અપેક્ષાઓ સામે આપણે આપણી સીમાઓ બાંધવી પડશે.

  ધંધાકીય એકમોએ પણ સમજવું પડશે કે જો કર્મચારીઓ શારીરિક અને માનસિક ફીટ હશે તો તે પૂરેપુરી સ્વસ્થતાથી કામ કરી શકશે. જે તેઓના વર્ક-પ્લેસ માટે સારા પરિણામો લઈને આવશે. અને આપણે સૌએ બિનજરૂરી રીતે દોડવાનું બંધ કરવું પડશે.

 જો કે કોઈપણ જાતની ફરિયાદ વિના સ્ત્રીઓ સતત કામ કરતી રહે છે. તેને પડતાં કામના બોજ વિષે અને તેઓના ડીપ્રેશન બાબતે આપણે જાગૃત થઈશું ખરા!

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...