આપણને ખુશ કોણ રાખી શકે?
મૂડ સુધારવા કે ઊંઘ સુધારવા હમણાં એક ‘લ્યુમિનેટ’ ચશ્માની જાહેરાત વાંચી! દરરોજ સવારે 30 મિનિટ સુધી એ ચશ્મા પહેરી રાખવાના, અને 7 દિવસમાં જ મૂડ સુધરવા લાગશે. આ મનની શાંતિ અને મુડને આપણે ક્યાં મૂકી આવ્યા છીએ? કે તે મેળવવા આવા આવા સાધનો વિકસાવવા અને ખરીદવા પડે છે!
કે પછી વધુ પડતી સુખ-સુવિધાઓએ જ આપણે હેંડિકેપ્ટ કરી દીધા છે? જેમ જેમ આપણે સગવડો પાછળ પાછળ દોડતા જઈએ છીએ, તેમ તેમ આપણે હાંફી રહ્યા છીએ. તમે માર્ક કરજો, સોસિયલ મીડિયા પર સતત એવા વિડિયોઝ કે પોસ્ટસ આવતી રહે છે કે જેમાં આપણા માનસિક આરોગ્યને સાચવવા અને જાળવી રાખવા પર એકાગ્ર થવાનું આપણને શીખવવામાં આવી રહ્યું છે. લોકો રીતસરના શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે.
જેમ જેમ તેઓ શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે, તેમ તેમ જિંદગી વધુ ને વધુ ખલેલમય બની રહી છે. કારણકે શાંતિ મેળવવાના જે રસ્તાઓ તેઓ પસંદ કરી રહ્યા છે, તે ગલત સાબિત થઈ રહ્યા છે. આપણે બીજાની સુવિધાઓ સભર જિંદગીઓ જોઈને એવું માનવા લાગ્યા છીએ કે સુવિધાઓ થકી જીવન શાંતિવાળું બની રહેશે. પણ જ્યારે આપણે આ બધુ ભેગું કરવામાં જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ, ત્યારે સમજાતું હોય છે કે આપણે તો ગલત રસ્તે આવી ગયા!
લોકો બહારનું દેખાડાનું જીવન જીવવા અંદરના જીવનને સતત અવગણી રહ્યા છે. અને એમાં ને એમાં જ મનનું જીપીએસ ખોરવાય રહ્યું છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સને લીધે આપણે એક વર્ચુયલ દુનિયામાં ખોવાય ગયા છીએ કે શાંતિ પણ આપણે વર્ચુઅલ દુનિયામાં શોધવા લાગ્યા છે. અને શાંતિ એ તો મનનો વિષય છે, માટે એ ત્યાં મળી નથી રહી.
હકીકત તો એ છે કે આપણે જેટલા વધુ પ્રયાસો સુખી થવાના કરી રહ્યા છીએ, એટલા જ આપણે વધુ ને વધુ દૂ:ખી થઈ રહ્યા છીએ. કારણકે સુખી થવા માટે પ્રયાસો નહી, પણ લાગણીઓ જરૂરી હોય છે. દરેક સંબંધો પાછળ કારણો શોધવાની આપણને આદત પડી ગઈ છે. અને એ કારણોમાં જ આપણી ખુશીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. જે ખુશીઓની ચાવી આપણે જરૂરિયાતોની દુનિયામાં શોધી રહ્યા છીએ, એ તો જરૂરિયાતોના ઢગલા નીચે જ ક્યાંક દટાઇ ગઈ છે.
જેમ ઘણીવાર સામે રહેલી કોઈ વસ્તુ આપણને ના દેખાય અને તેને શોધવા આપણે ફાંફા મારતા રહીએ છીએ, તેમજ આપણે અત્યારે ફાંફા મારી રહ્યા છીએ, જ્યારે ખુશીઓ આપણી સામે જ છે! કેવા કેવા સાધનો અને સગવડો વડે આપણે ખુદને ખુશ કરવાના મોકાઓ શોધતા રહીએ છીએ. જ્યારે જ્યારે આપણે આપણી ખુશીઑ કોઈને આધીન કરી દેતાં હોઈએ છીએ, આપણી અંદરનો આનંદ ખોવાઈ જતો હોય છે. અને મિત્રો જે કઈ ખોવાય ગયું છે, એને શોધવાથી એ જરૂર પાછું મળી જતું હોય છે, બસ શરત એટલી છે કે એને કોઈ સાધનો કે સગવડોમાં નહી પણ ખુદની અંદર જ શોધતા રહીએ. બાળકોની જેમ જેમ નાની નાની બાબતોમાં ખુશ થતાં આપણે શીખી લેવાનું છે.
સુખ સાથે ભલે સુવિધા શબ્દ બોલાતો પણ સુખને અને સુવિધાઓને કોઈ જ લેવાદેવા નથી. જો એવું હોત તો પશ્ચિમના દેશો આપણી ખુશીઓની થીયરી પાછળ ના દોડતા હોત! વધુ પડતી સુવિધાઓ આપણને પરતંત્ર બનાવી દેતી હોય છે, અને જ્યાં પરાવલંબન હોય છે, ત્યાં સુખ હોતું નથી. માટે જ્યાથી જેવી અને જેટલી ખુશીઓ મળે મેળવતા રહીએ.
ખુશ થવા અને રહેવા માટે વિશિષ્ટ પ્રયાસોની કોઈ જ જરૂર નથી. માટે મોજથી જીવીએ. કોઈપણ પરિસ્થિતિમાં સંતોષ મેળવી શકનારને સુખી થવા કોઈપણ ગેઝેટ્સની જરૂર પડતી નથી. જેટલા આપણે આવા સાધનો પાછળ દોડતા રહીશું એટલા આપણે હાંફતા અને થાકતા જઈશું.
યાદ રહે, આપણે અહી ભેગું કરવા માટે નથી આવ્યા. જીવવા માટે આવ્યા છીએ. અને જીવવાનું કોઈ સાધન આપણને શીખવી શકવાનું નથી. તે તો આપણે જાતે જ શીખવાનું છે. આપણી અંદરનું જીવન આપણને બોલાવતું રહે છે, બસ આપણે સાંભળવા તૈયાર હોવા જોઈએ. ખુશ રહેવું એ એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. ખુશ રહેવા માટે બસ ખુશ રહેવાની જરૂર હોય છે.
આપણા આનંદને કોઈ પણ સગવડ કે સુવિધા સાથે ના જોડીએ, મુક્ત રહીએ અને મોજથી જીવીએ. આપણે જેટલું સમજીએ છીએ, ખુશ રહેવું એટલું અઘરું નથી ને નથી જ!
No comments:
Post a Comment