સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?
આટકોટ નજીકના એક ગામમાં સાત વર્ષની બાળકી પર એક વિકૃત વ્યક્તિએ રેપ કરવાની કોશિશ કરી, જેના માતા-પિતા ખેતીમાં કામ કરી રહ્યા હતા.રેપ કરવામાં નિષ્ફળતા મળતા તે માણસે એ કુમળી દીકરીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘૂંસાડી દીધો. દીકરી ના મળતા માતા-પિતાએ શોધ આદરી અને એ લોહીલુહાણ હાલતમાં એ જગ્યાએથી મળી આવી. આરોપી પકડાય ગયો અને જેલભેગો પણ થયો. જો કે હવે તેને આ કુકર્મની સજા મળશે કયારે? તેની રાહ માતા-પિતા અને તે દીકરી સિવાય કોઈ નહી જુએ... આપણે સૌ તો થોડા દિવસો સુધી અફસોસ વ્યક્ત કરીને આ દુર્ઘટનાને ભૂલી પણ જઈશું. જેમ આ દેશમાં રોજ 86 દીકરીઓ પર બળાત્કાર થાય છે, એમાં એક આ પણ ગણાઈ જશે.
નિર્ભયા કાંડ થી લઈને આટકોટની આ દુર્ઘટના સુધીના સમયગાળા પર નજર કરીશું તો સમજાશે કે દિન-પ્રતિદિન આવી દુર્ઘટનાઓ વધતી જ જઇ રહી છે. હવે તો આ દુર્ઘટનાઓ વધારે ઘાતકી અને ક્રૂર બની ગઈ છે. આ વિકૃતિ પાછળના કારણો આખરે શું છે? એમાં પણ દીકરીઓનો ઇજ્જત બચાવવા પ્રતિકાર જેટલો જોરદાર એટલું ઘાતકીપણું વધતું જાય છે. મરદાની મુવીમાં એક સાયકો વ્યક્તિ સ્ત્રીઓને સમાજમાં આગળ વધતી નથી જોઈ શકતો, એટલે તે સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેની સાથે પાશવી વર્તન કરે છે.
આજે સમાજમાં આવા સાયકોની સંખ્યા વધી રહી છે. આ સાયકોની સંખ્યા વધવાનું સૌથી મોટું કારણ છે, સેક્સ વિષેની અધુરી અને છીછરી સમજણ! છોકરો કે છોકરી ઉંમરલાયક થાય એટલે જાતિય અને હોર્મોનલ્સ ફેરફારો થવાના જ! આપણી પાસે આ ફેરફારો વિષે તેઓને સમજાવવાનો સમય જ નથી કે કોઈ એવો કાઉન્સેલર નથી કે જે તેઓને પોતાનામાં થતાં હોર્મોનલ્સ ફેરફારો વિષે સમજાવે. બાયોલોજી જેવો વિષય ભણતા વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે જાજી સમજણ નથી હોતી... કારણકે જેવુ બાયોલોજીમાં એ ચેપ્ટર આવે, તેને સ્કીપ કરાવી દેવામાં આવે છે. ઘણી સ્કૂલોમાં તો એ ચેપ્ટરને પિન મારી દેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ માટે સેક્સ અજાણ્યો વિષય જ રહી જાય છે. સેક્સ વિષે જાણવાની તેમની ઉતેજના અધૂરી જ રહી જાય છે..
આપણા સમાજમાં ખૂલીને સેક્સ વિષે ચર્ચાઓ જ થતી નથી. જાણે કે એ કોઈ અછૂત વિષય હોય, તેવું વર્તન તેની સાથે કરવામાં આવે છે. સેક્સના લાયસન્સ માટે લગ્નો થાય છે, પણ ઘણા એવા છે કે તેઓને લગ્ન પછી સેક્સ વિષે પ્રાથમિક બાબતોની પણ ખબર હોતી નથી. ખાનગીમાં આ વિષય કાયમ ચર્ચાતો રહે છે, પણ જાહેરમાં આ શબ્દ વિષે બોલવું અપરાધ માનવામાં આવે છે. એઝ્યુકેટેડ અને સમૃદ્ધ વાલીઓ પણ પોતાના બાળકો સાથે આ બાબતે ખૂલીને ચર્ચા કરતાં નથી..
તો બીજી બાજુ અભણ લોકો પાસેથી તો આ બાબતે જ્ઞાનની અપેક્ષા રાખવી જ વધુ પડતી છે. એમાં પણ જે લોકો પોતાના કુટુંબના ભરણપોષણ માટે પોતાનું વતન અને કુટુંબ બંને છોડીને બીજી જગ્યાએ કામ કરતાં હોય, તેઓની સેક્સની જરૂરિયાતો સંતોષાતી નથી. જેને સંતોષવા તેઓ ભૂખ્યા વરૂની જેમ આવી માસૂમ દીકરીઓ પર તૂટી પડતાં હોય છે. સેક્સ એ ભૂખ, તરસ, વગેરેની જેમ એક અનિવાર્ય જરૂરિયાત છે. જેમ ભૂખ્યો માણસ પેટની આગ બુઝાવવા ગમે તે હદે જઇ શકે છે, એવું જ સેક્સની જરૂરિયાત બાબતે થતું હોય છે.
એમાં અધુરામાં પૂરું ઑ.ટી.ટી. પ્લેટફોર્મે તો સેક્સ્યુઅલ કન્ટેન્ટ દેખાડવામાં બધા જ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. બાળકોથી લઈને યંગ જનરેશન અને તેનાથી વાયા આ પ્લેટફોર્મ દેશના લગભગ દરેક મોબાઈલ યુઝર્સ સુધી પહોંચી ગયું છે. જેઓ પાસે શિક્ષણ નથી તેવા લોકોના હાથમાં રહેલું આ કન્ટેન્ટ તેઓના આવેગોને વધુ વેગીલા બનાવી રહ્યું છે. અને એ આવેગો દીકરીઓ પરના રેપનું મહત્વનુ કારણ બની ગયા છે.
આપણા દેશમાં સૌપ્રથમ રઘુનાથ કર્વેજીએ 100 વર્ષો પહેલા સેક્સ અંગેના શિક્ષણની શરૂઆત કરેલી. આપણા દેશમાં સેક્સ હમેંશા કંટ્રોવર્સિયલ વિષય રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, આ રાજ્યોમાં સ્કૂલોમાં સેક્સ એઝ્યુકેશન પર બેન લાગેલો છે! હજી આપણે સેક્સ શિક્ષણની જરૂરિયાતને સમજી નથી રહ્યા!
આપણી પ્રાચીન કલાકૃતિઓમાં સેક્સને ક્લાત્મક રીતે કોતરવામાં આવ્યું છે, પણ આપણે એ સુંદરતાને વિકૃતિમાં કન્વર્ટ કરી દીધી છે. .

No comments:
Post a Comment