Monday 20 March 2023

બોડી શેમિંગ, દરેક ભસતા કૂતરાને જવાબ આપવા રોકાશો નહી.....

 

બોડી શેમિંગ, દરેક ભસતા કૂતરાને જવાબ આપવા રોકાશો નહી.....

 

Fat, dark...': Why body shaming children should stop | Deccan Herald

 

અનંત અંબાણીની સગાઈ હમણાં રાધિકા મર્ચન્ટ સાથે થઈ અને બંનેની સગાઈના વિડીયો, ફોટા વગેરે વગેર સોસિયલ મીડિયા પર વાઇરલ થયા. જેમાં અનંત અંબાણીના વધી ગયેલા શરીર વિશે લોકોએ બહુ કોમેંટ્સ કરી. એડિટિંગ કરીને અનંતઅંબાણીની રીલ્સ જુદા જુદા સોસિયલ મીડિયા પર વાઇરલ કરી. પૈસો બધુ જ કરાવી શકે છે, એવી નીચલી કક્ષાની કોમેંટ્સ પણ લોકોએ કરી!

તે જ રીતે પ્રિયંકા ચોપરા, વિદ્યા બાલન, ઇલિયાના ડીક્રુઝ, હુમાકુરેશી, નેહાધુપીયા,સોનાક્ષીસિંહા વગેરે હીરોઈનોને પણ પોતાના બોડી માટે લોકો વારંવાર ટ્વિટર કે બીજી કોઈ સોસિયલ સાઇટ પર ટ્રોલ કરતાં રહે છે. સોસિયલ મીડિયાના ગાંડપણે લોકોમાં કોઈના બોડી વિષે ખરાબ કોમેંટ્સ કરવાનો આ નવો ટ્રેન્ડ ઊભો કરી દીધો છે. જેના લીધે વધુ ને વધુ લોકો આજે બોડી-શેમિંગ નો શિકાર બની રહ્યા છે.

બોડી-શેમિંગ એટલે કોઈ બીજાના અભિપ્રાય કે સરખામણીના આધારે પોતાના શરીર બાબતે શરમ અનુભવવી. કોઈ વ્યક્તિની તેની જ  હાજરીમાં તેના દેખાવ વિષે ટીકા કરવી. અને બીજા લોકોના દેખાવની તેઓ વિષે પૂરેપુરી જાણકારી મેળવ્યા વિના ટીકાઓ કરવી. ઘણીવાર લોકો આપણી સફળતાને પચાવી નથી શકતા એટલે પણ બોડી-શેમિંગ કરતાં રહે છે.

કાળા-ગોરા લોકો વચ્ચે ઘણા દેશોમાં ભેદ કરવામાં આવતો હતો, એ પણ એક પ્રકારનું બોડી શેમિંગ જ હતું. જે આજે પણ અમુક દેશોમાં થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિને તેના શારીરિક દેખાવને આધારે આવી રીતે નીચુ ફીલ કરાવવું એ આપણામાં રહેલી ખામીઓ દર્શાવે છે. અમુક લોકોની શારીરિક રચનામાં તેઓના હોર્મોન્સ અગત્યનો ભાગ ભજવતા હોય છે. અને હોર્મોન્સને લીધે થતાં ફેરફારો કુદરતી હોય છે. તેમાં વ્યક્તિની પોતાની કોઈ ખામી નથી હોતી.

આપણે સૌ કોઈને કોઈ અસલામતીની ભાવનાથી પીડાતા જ હોઈએ છીએ. કોઈને વજનની, કોઈને પોતાના દેખાવની, કોઈને પોતાની નોકરીની, કોઈને આર્થિક-સામાજિક સ્ટેટસની, તો કોઈને સમાજના માપદંડોએ ખરા ઉતરવાની અસલામતીથી પીડાતા હોઈએ છીએ. આ અસલામતી સાથે આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય છે, અને આ પરિસ્થિતી ખરાબ ત્યારે થાય છે, જ્યારે લોકો આ લાગણીઓનો લાભ ઉઠાવતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની ખામીઓને બધાની હાજરીમાં હાઇલાઇટ કરે છે, તો એ બાબત કોઈપણ વ્યક્તિ માટે ડરામણી બની જતી હોય છે.

    લોકોના વજન, શરીર પરના વાળ, ખોરાક,  કપડાં, ઉંમર, આકર્ષકતા, મેકઅપ વગેરે બાબતોને ધ્યાનમાં લઈને તેઓનું બોડી-શેમિંગ થતું હોય છે. હમણાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપડાને આવી હલકી કોમેંટ્સનો ભોગ બનવું પડ્યું. કોઈ વ્યક્તિએ તેણીને એવી બાબતો કહી કે તે પોતાના પતિ પાસે રડવા લાગી. જો આવી મજબૂત સ્ત્રીની આ હાલત થતી હોય, તો બીજા લોકોનું શું થતું હશે?

 બોડી-શેમિંગ ને લીધે લોકો માનસિક રીતે તૂટી જતાં હોય છે. ઘણીવાર તો તેઓને અરીસા સામે ઊભા રહેવું પણ નથી ગમતું હોતું. લોકો ખુદને નફરત કરવા લાગતાં હોય છે. અને આ બાબત ક્યારેક યંગ-જનરેશન તો આપઘાત સુધી લઈ જતી હોય છે. કિશોરાવસ્થામાં થતું બોડી શેમિંગ લોકોમાં ચિંતા, હતાશા, સ્ટ્રેસ, પોતાની જાત પ્રત્યે અસંતોષ, વગેરે માનસિક બીમારીઓ જન્માવે છે.

બોડી-શેમિંગ થાય એનાથી જરાપણ ના શરમાવું. હકીકત તો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને આવી રીતે નીચી દેખાડવાનો પ્રયાસ કરે છે, તો એ પોતે જ નિચે ઉતરી જતી હોય છે. આપણાં ખુદના શરીર વિષે બને તેટલા હકારાત્મક રહીએ. કોઈ બીજી વ્યક્તિઓને પણ રોકીએ કે કોઈ વીશે આવી ગલત વાતો ના કરે. કોઈના કહેવા મુજબ ખુદને ક્યારેય ના બદલવાની કોશિશ કરવી. આપણે જાડા છીએ, પાતળા છીએ, કાળા છીએ, ઊંચા છીએ, જેવા છીએ ખુદને સ્વીકારીએ. જેઓ ખુદને સ્વીકારી શકે છે, તેઓ જ ગમે તેવા બોડી-શેમિંગનો સામનો કરી શકે છે. કોઈના ટ્રોલ કરવાથી આપણને કશો ફેર ના પડવો જોઈએ.

 “Be proud of who you are and not ashamed of how someone else sees you.”

 

 

Thursday 2 March 2023

સ્ત્રીનો સંઘર્ષ, સ્ત્રીનું અસ્તિત્વ, સ્ત્રીનું શરીર.......

 

સ્ત્રીનો સંઘર્ષ, સ્ત્રીનું અસ્તિત્વ, સ્ત્રીનું શરીર.......

 45 Best Inspirational Quotes for Women | Strong Women Quotes

   હમણાં જાન્યુઆરી માહિનામાં ભારતની બે ટોપ મોસ્ટ વીમેન બોકસર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ ફેડેરેશનના અધ્યક્ષ બ્રિજ ભુષણ પર જાતિય શોષણનો આરોપ મૂક્યો. જંતર મંતર પર જઇ ન્યાય માટે માંગણીઓ પણ કરી. તે પહેલા હરિયાણાના પ્રધાન સંદીપ સિંઘ પર એક લેડી કોચે જાતિય શોષણનો આરોપ મૂકેલો. ભારતમાં સ્ત્રી ખેલાડીઓ માટે ઓલમ્પિક કે કોમનવેલ્થ ગેમ્સ કે બીજી કોઈ આંતરાષ્ટ્રિય સ્પર્ધાઓમાં પહોંચવા માટે જાતિય શોષણનો ભોગ બનવું પડે છે! ત્યાં સુધી પહોંચવાની ખુદની ક્ષમતા હોવા છતાં!

એક સ્ત્રી માટે સફળતાના શિખરે પહોંચવું અને ટકી રહેવું પુરુષ કરતાં વધુ અઘરું હોય છે? આનો જવાબ હું આપ સૌ પર છોડું છુ. જો કે એક સ્ત્રી તરીકે મને આનો જવાબ ખબર છે. પણ બાકીની સ્ત્રીઓ આ બાબતે શું વિચારે છે? એ જાણવું પણ જરૂરી છે. આ પ્રશ્ન મને એટલા માટે થયો કે થોડા દિવસ પહેલા અમુક બહેનોની ચર્ચા મે સાંભળેલી કે જે સ્ત્રીઓ કોઈપણ ક્ષેત્રે આજે સફળતાના શિખરે છે, તેઓએ જિંદગીમાં એક્સ્ટ્રા સંઘર્ષ કર્યો હશે. એટલું જ નહી એ પણ સાંભળ્યુ કે એમાથી ઘણી સ્ત્રીઓએ આ સ્થાને પહોંચવા પોતાના શરીર સાથે પણ કોમ્પ્રોમાઈઝ કર્યું હશે.

  2013માં સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓ પર કામના સ્થળે થતાં જાતિય શોષણને રોકવા poshનો કાયદો કરેલો. અને તે સમયે જજે આ શબ્દો કહેલાં. “Gender equality includes protection from sexual harassment and right to work with dignity, which is a universally recognised basic human right”

 દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ સાથે આવી હરકતો થતી હોય છે. સ્ત્રીઓ જેની સાથે કામ કરે છે, અને જેઓની અંડરમાં કામ કરે છે, તેવા મોટા ભાગના પુરુષો સ્ત્રીઓ સાથે છૂટછાટ લેવાની કોશિશો કરતાં હોય છે. અને જો સ્ત્રીઓ આવી છૂટછાટનો સ્વીકાર ના કરે તો કા તો તે આગળ નથી વધી શકતી અને કા તો એના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાની હરીફાઈ ચાલુ થઈ જતી હોય છે.

  મોટા મોટા નેતાઓ, પદાધિકારીઓ પર લાગેલા આરોપોનો ચુકાદો આવતા વર્ષો લાગી જતાં હોય છે. આમાથી મોટા ભાગના તો પદ અને પૈસાના જોરે છૂટી જતાં હોય છે. વળી કેટલાક મહાનુભાવો સ્ત્રીઓના કપડા બાબતે ચિંતિત થઈ જતાં હોય છે. અને એટલે દુપટ્ટો ભારતીય સ્ત્રીઓનો સૌથી મોટો અવરોધ બની ગયો છે. ખુદ સ્ત્રી પોતે પણ દુપટ્ટા વિના ખુદને સુરક્ષિત નથી સમજતી!

  ઇ.સ. 2006માં સૌપ્રથમવાર ‘mee too’ એવા શબ્દો જાતિય શોષણ સામે લડનાર સ્ત્રી કાર્યકર્તા તરાના બુર્કે સોસિયલ મીડિયા પર વહેતા કર્યા હતા.અને ત્યારબાદ ઇ.સ. 2017માં અમેરિકન એક્ટ્રેસ અલીસા મિલાનોએ ટ્વિટર પર આ શબ્દોને ‘#mee too’ મૂવમેંટ રૂપે વહેતા કર્યા અને લખ્યું કે જે કોઈ સ્ત્રી જાતિ શોષણનો ભોગ બની હોય તે પોતાના સ્ટેટસમાં ‘mee too’ લખે. અને થોડા જ સમયમાં લાખો સ્ત્રીઓએ આ મૂવમેંટને પોતાના અસ્તિત્વ સાથે જોડી દીધી. આમાં ઘણી સ્ત્રીઓ એવી પણ હતી જે સફળતાના શિખરે હતી! ભારતમાં પણ 2018માં તનુશ્રી દત્તા એ નાના પાટેકર પર જાતિય શોષણનો આરોપ મૂકી આ આંદોલનની શરૂઆત કરી. પછી તો ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં કેટલીયે સ્ત્રીઓએ પોતાના પર થયેલા જાતિયશોષણને #mee too’ થકી વાઇરલ કર્યું.

  હજી આજે પણ આ પરિસ્થિતિમાં બહુ જાજો ફેરફાર નથી થયો. સફળ થવા માટે કે આગળ વધતાં રહેવા માટે સ્ત્રીઓએ પોતાના શરીરને દાવ પર મૂકવું પડે છે. કાયદાઓ સ્ત્રીઓ તરફી છે, પણ મોટાભાગની સ્ત્રીઓ હજી આ બાબતે અવાજ ઉઠાવવા તૈયાર નથી. પોતાની આસપાસના લોકોની બીકે તે હજી આ દિશામાં આગળ વધતાં ડરી રહી છે. હવે જ્યારે સ્ત્રીઓ મોટા પાયે દરેક ક્ષેત્રોમાં એન્ટર થઈ રહી છે, તો જાતિય શોષણનો સામનો કરવાની હિંમત પણ વધવી જોઈએ. એક સ્ત્રી તરીકે આજે આપણે ઉઠાવેલું એક કદમ આવનારી દીકરીઑ માટે સુરક્ષિત સમાજ લઈને આવશે.

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...