Friday 26 April 2024

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?
मानसिक रूप से मजबूत बनने के तरीके और उपाय - Mansik roop se majboot kaise  bane aur iske upay

   તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપશે. એમાં પૂંછવાનું શું હોય, જેને અમે સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ તેઓ અમારા મન અને મગજમાં રહેતા હોય છે. પણ શું આ જવાબ સાચો છે! આ એક પ્રશ્ન મોટા ભાગની વ્યક્તિઓએ પોતાની જાતને પુંછી લેવાની જરૂર છે. હવે તેમ કહેશો કેમ? આપણામાથી મોટા ભાગના લોકોના મન અને મગજમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ એવી રહે છે, જેને આપણે જરાપણ પસંદ નથી કરતાં પણ કોઈને કોઈ કારણોસર આપણે તેઓને એવોઈડ નથી કરી શકતા. તેમની સાથે જરૂરી ના હોવા છતા સરખામણી કરતાં રહીએ છીએ અને માનસિક રોગોને આમંત્રણ આપતા રહીએ છીએ.

તમે મને કામ ગમે તેટલું આપો, હું નહી થાકું, પણ કચ કચ અને માનસિક ટોર્ચરિંગથી થાકી જવાય છે. આવું આજકાલ સતત આપણે ઘરોમાં અને કામ કરવાના સ્થળે સાંભળી રહ્યા છીએ. માણસો કામના ઓવરડોઝથી નહી, પણ માનસિક ત્રાસથી કંટાળી જતાં હોય છે. માણસનું મશીન સાથેનું કોમ્યુનિકેશન એકદમ સરળ છે, પણ માણસ-માણસ વચ્ચેનું કોમ્યુનિકેશન દિવસે ને દિવસે વધુ ને વધુ કોમ્પલીકેટેડ બનતું જાય છે. એકબીજાને પાછળ રાખી દેવાની હોડમાં માણસો પોતે પાછળ રહી જતાં હોય છે, પણ એક બાબત તેઓ નથી સમજતા કે જિંદગીમાં આગળ વધવા દરેકનો હાઇ-વે અલગ અલગ હોય છે. અકસ્માત ત્યારે જ થાય છે, જ્યારે આપણે કોઈને બિનજરૂરી રીતે ઓવર-ટેક કરવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ!

        સતત સ્ટ્રેસ હેઠળ જિંદગીઓ ખર્ચાઈ રહી છે. એકબીજાની પાસે રહેનાર વ્યક્તિઓ સાથે રહેવાની લાગણીઓને જાણે કે હાંસિયામાં ધકેલીને બિનજરૂરી સંબંધો પાછળ દોડી રહી છે. સાથે રહી જ નહી શકાય એવી પરિસ્થિતિઓના સુનામી આવી રહ્યા છે. ઘરોમાં સૌથી મોટું ધમસાણ સાસુ અને વહુ વચ્ચે થતું રહે છે. એક પોતાનું વર્ષો જૂનું સ્થાન ટકાવી રાખવા અને એક પોતાનું સ્થાન જમાવવા સતત પ્રયાસો કરતાં રહે છે. અને એ પ્રયાસોને લીધે મોટા ભાગના ઘરોમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. અને પુરુષો શાંતિ શોધવા ઘરની બહાર નીકળી પડતાં હોય છે.

  નાની નાની બાબતોમાં એકબીજા વચ્ચેનું અંતર વધતું જ જાય છે. તું આમ કરતી નથી, અમારા સમયે તો અમારે આવું કરવું જ પડતું હતું! એવી કચ કચ મોટા ભાગની સાસુઓ કરતી જ રહે છે. અને એ કહે એમ જ મારે જીવવાનું એમ કહીને વહુઓ ફરિયાદ કરતી રહે છે. આમ થવું જોઈએ અને આમ નહી, એની લાંબી યાદીઑ ઘરમાં ઘોંઘાટ ઊભા કરતી રહે છે. તેણીને કામ કરવું ગમતું જ નથી અને મારે જ બધુ કામ કરવાનું! આ બંને વાક્યો ઘરોને રોજ ધમરોળતા રહે છે.

   જેઓને એકબીજા સાથે સતત રહેવાનુ છે, તેઓ જ એકબીજા માટે માનસિક ટેન્શન ઊભું કરતાં રહે છે. ઘણીવાર તો બેમાથી એકને મનોચિકિત્સક પાસે લઈ જવા પડે છે. સ્ત્રીઓની વાતોનો મોટો હિસ્સો આ સંબંધોની ચર્ચાઓમાં ખર્ચાઈ જતો હોય છે. સ્વભાવ ફેરને કારણે એકબીજા સાથે ના બને એ વાતને આ સંબંધો એટલી સિરિયસલી લઈ લેતા હોય છે કે ઘરોમાં હેપી વાઈબ્સ જાણે કે ઊભા થવાના જ બંધ થઈ જાય છે. ડ્રોઈંગરૂમના ઝઘડા બેડરૂમની લાગણીઓને પણ વીંખી નાખતા હોય છે. એકબીજાની નાની નાની બાબતોમાં વાંધા શોધ્યા વિના એકબીજાને સહારે જીવનને આગળ લઈ જઈશું તો મકાન ઘર બની જશે અને સુખના સરનામાં બહાર શોધવા નહી નીકળવું પડે.

 સેમ આ પરિસ્થિતી કામના સ્થળની હોય છે. અહી તો એવી હોડ છે, જેની કોઈ ફિનિશિંગ લાઇન જ નથી. “ યહાં કિસી કો કોઈ રસ્તા નહી દેતાં મુજે ગિરા કે અગર તુમ સંભલ સકો તો ચલો. બસ આ લાઇન મુજબ જિંદગી દોડતી રહે છે, અને જ્યાં દોડધામ વધુ હોય ત્યાં કલેશ પણ વધુ હોવાના જ. અહી પણ વાક્યો એના એજ રહે છે, બસ માત્ર સ્થાનો બદલાતા રહે છે. બોસથી કર્મચારીઓ ખુશ નથી અને કર્મચારીઓથી બોસ! મોટા ભાગના લોકોની જિંદગીમાં મહાભારતના કર્ણની જેમ એક અર્જુન છે, જેને પાછળ રાખી દેવા તે અધર્મ અને અનીતિના રસ્તે નીકળી પડે છે. આખી જિંદગી આવા બિનજરૂરી સંઘર્ષોમાં ખર્ચાઈ જાય છે. અને આપણને લાગતું રહે છે કે દુનિયામાં સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે. પણ ખુદને અને દુનિયાને એ લેવલે લઈ જવા માટે આપણી આ એકબીજાને હેરાન કરવાની વૃતિ જ જવાબદાર છે.

  આવી પરિસ્થિતિઓમાં આપણા જીવનની અને કામની ગુણવત્તા ઘટી જતી હોય છે અને આપણે ખુદ આગળ નથી વધી શકતા. હકીકત તો એ છે કે આપણા મોટા ભાગના શારીરીક અને માનસિક રોગોનું મૂળ ક્યાંક ને ક્યાંક આ માનસિક ટોર્ચરિંગ સાથે બંધાયેલું છે. માટે જિંદગીને રેસ નહી, રીલે રેસ સમજીએ અને એકબીજાને આગળ લઈ જવામાં મદદ કરતાં રહીએ.

 

 

 



Inline image

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...