વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાવને સમજાવતા
એક હતો રાજા, એક રાણી અને એક રાક્ષસ. રાક્ષસ રાણીને હેરાન કરતો હતો, એટલે રાજાએ તેને મારી નાખ્યો. ને રાજા-રાણી એ ખાધું, પીધું અને રાજ કર્યું ,અને અમે બોલી ઉઠતાં કારેલાનું શાક કર્યું. નાના હતા, ત્યારે દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળવાની મોજ જ કઈક અલગ હતી. દાદા-દાદી પાસે વાર્તાઓનો અખૂટ ખજાનો ભરેલો રહેતો, જેમાથી રોજ એક નવી વાર્તા નીકળતી અને આપણે સૌ સાંભળતા. દાદા-દાદી સાથે લાગણીના તારે આપણને આ વાર્તાઓ જ જોડતી, જે તાંતણા જીંદગીભર તૂટતાં નહી. ઘણીવાર કોઈ વાર્તા એટલી બધી ગમી જતી કે દાદા-દાદીએ નિયમિતપણે એ રીપીટ કરવી પડતી. રામાયણ અને મહાભારતના મોટા ભાગના પ્રસંગો વાર્તા સ્વરૂપે જ સૌપ્રથમ આપણે સાંભળી હતી.
દાદા-દાદીની વાર્તાઓના પાત્રો જંગલના પશુ-પક્ષીઓ બધુ જ આવી જતું. તેઓને બોલતા કરીને આપણને નાનપણમાં જીવન જીવવા માટે ઉપયોગી મૂલ્યો શીખવવામાં આવતા. સત્ય અને પ્રામાણિકતાના પાઠ ભણાવવામાં આવતા. ઇસપની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, વગેરે દ્વારા આપણામાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતું. મનોવિજ્ઞાન મુજબ જે બાબતો બાળકોને અને હવે તો યુવાનો, પ્રોઢો, વૃદ્ધોને વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે, તે તેઓને તરત જ યાદ રહી જાય છે અને એ લાંબો સમય સુધી યાદ પણ રહે છે.
સદીઓ પહેલા રાજા અમરશકિતના ત્રણ તોફાની રાજકુમારોને જીવનના મૂલ્યો અને સંસ્કારો શીખવવા વિષ્ણુગુપ્ત નામના આચાર્યએ પંચતંત્રની વાર્તાઓ બનાવેલી. અને આજે આપણું ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારનું શિક્ષણ આ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. આજના પ્રખ્યાત યુ-ટ્યૂબર વિરલ ખાન સર અને મોટી-વેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ કપિલ શર્મા શોમાં કહેલું કે જે બાબતો આપણે વિદ્યાર્થીઓને વાર્તાઓ દ્વારા શીખવીએ છીએ, તે બાબતો તેઓને તરત યાદ રહી જતી હોય છે. એટલે ભણવામાં દરેક ટોપીક જેમાં વાર્તા બનાવવી શકય હોય એમાં વાર્તા-પદ્ધતિનો ઉપયોગ કરવો.
હનુમાન કે કૃષ્ણના પાત્રો આપણી કાલ્પનિક દુનિયામાં આ વાર્તાઓ થકી જ એન્ટર થયેલા. હનુમાન જેવા શક્તિશાળી બની આકાશમાં ઉડવાના સપના આપણે વાર્તા થકી જ જોતાં શિખેલા. એ વાર્તાઓની જ દુનિયા હતી, જેણે આપણાં ઈમેજીનેશન પાવરને રીચાર્જ કરવાનું કામ કરેલું. નાનપણ ગયું, પણ હજી કોઈ વાર્તા કહે તો આપણે એના તરફ તરત આકર્ષાઈ જતાં હોઈએ છીએ. અને હવે એ જ વાર્તાઓ ‘સ્ટોરી-ટેલિંગ’ સ્વરૂપે અપડેટ થઈને આપણાં સૌની જિંદગીમાં પાછી આવી છે.
“સ્ટોરીટેલિંગ એટલે સાંભળનારની કલ્પનાને પ્રોત્સાહિત કરવા માટે વાર્તા કહેતી વખતે વાર્તાના પાત્રો અને તત્વોને પ્રગટ કરવા માટે શબ્દો અને ક્રિયાઓનો ઉપયોગ કરવાની ઇન્ટરેક્ટિવ કળા.” સરળ શબ્દોમાં કહીએ તો વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર વચ્ચે પુલ બાંધવાની કળા એટલે સ્ટોરી-ટેલિંગ. આ બીજી કળાઓની જેમ એક કળા છે, જેમાં સર્જનાત્મકતા, આવડત, વિઝન અને પ્રેક્ટિસ જરૂરી છે. એક સારો વાર્તાકાર સાંભળનાર વ્યક્તિઓની આસપાસ એક એવું દ્રશ્ય ખડું કરી દે છે, કે સાંભળનાર એ દુનિયામાં જ ખોવાય જાય છે.
ઘણા લોકો આજકાલ આ કલાને પ્રોફેશન પણ બનાવી રહ્યા છે. પુખ્તવયના લોકો પણ વાર્તા સાંભળવાનો આનંદ માણી શકે તે માટે સ્ટોરી-ટેલિંગ ના ફેસ્ટિવલ્સ પણ યોજવામાં આવે છે. લોકોમાં મોટી ઉંમરે પણ બાળકોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતા જાળવી રાખવા માટે ઘણી જગ્યાએ માત્ર પુખ્તવયના લોકો માટે આ ફેસ્ટિવલ્સનું આયોજન કરવામાં આવે છે. સ્પોકન ફેસ્ટ, બોમ્બે સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ, કથાકાર, કથાલોક અને ઉદયપુર ટેલ્સ જેવી મોટી ઈવેન્ટના ભાગરૂપે વાર્તા કહેવા અથવા તેને દર્શાવવા પર કેન્દ્રિત વિવિધ તહેવારો છે..વાર્તાઓ સાંભળવાના નિર્ભેળ આનંદ માટે આ તહેવારોની શરૂઆત થઈ હતી. તમિલ ભયાનક લોક વાર્તા, રાજસ્થાની ફાડ કલાકારો, સંગીતની વાર્તા કહેવાની અને વ્યક્તિગત વાર્તાઓ. વૈવિધ્યસભર ભાષાઓ, ચહેરાના હાવભાવ, અવાજ મોડ્યુલેશન, હલનચલન અને ગીતનો ઉપયોગ કરીને, વાર્તાકારોએ દ્રશ્ય સહાય વિના દરેક વાર્તામાં પોતાનો જીવ રેડી દીધેલો. આ કલાકારો ત્યાં હાજર પુખ્તવયના લોકોને તેઓના બાળપણની દુનિયામાં લઈ જાય છે.
મોટા મોટા ઔદ્યોગિક ગૃહોમાં આજકાલ કર્મચારીઓને તાલીમ અને મોટીવેશન આપવા આ સ્ટોરી-ટેલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 1996 માં, વાર્તાકાર ગીતા રામાનુજમે બેંગલુરુમાં કથાલય ઇન્ટરનેશનલ એકેડમી ઓફ સ્ટોરીટેલિંગની સ્થાપના કરી. પુખ્ત વયના લોકો અને બાળકો માટે વાર્તા કહેવાની જાગૃતિ પેદા કરવા ઇ.સ. 2005માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉત્સવનું આયોજન કરેલૂ. ઇ.સ. 2003 માં, અકાદમીએ મૂળભૂત અને અદ્યતન વાર્તા કહેવાના અભ્યાસક્રમો શરૂ કર્યા અને ત્યારથી વર્કશોપ અને અભ્યાસક્રમો દ્વારા 99,000 લોકોને તાલીમ આપી છે. આવી રીતે અનેક લોકો સ્ટોરી-ટેલિંગ દ્વારા બાળકો અને વૃદ્ધો સુધી પહોંચી રહ્યા છે.
જો કે આજકાલ મોટા ભાગના ઘરોમાં દાદા-દાદીની બાદબાકી થઈ રહી છે. એટલે બાળપણ અને ઘડપણ વચ્ચેનો સ્ટોરી-ટેલિંગનો સેતુ તૂટી રહ્યો છે. દાદા-દાદી પાસે વાર્તા સાંભળવા બેઠેલા બાળકોનું ચિત્ર આજે ઘરોમાથી ભૂંસાઈ રહ્યું છે. દાદા-દાદી તરફથી બાળકોને મળતો આ ભવ્ય વારસો આજે લુપ્ત થઈ રહ્યો છે. જો આપણે આપણાં બાળકોને આપણાં રીતિ-રિવાજો, સંસ્કૃતિ અને તહેવારો સાથે જોડવા ઇચ્છતા હોઈશું તો સ્ટોરી-ટેલિંગ પાછું લાવવું પડશે.
No comments:
Post a Comment