આપણે સૌ શા માટે ગણેશોત્સવ ઉજવીએ છીએ?
આપણે સૌ શા માટે ગણેશોત્સવ ઉજવીએ છીએ? આ પ્રશ્ન પૂંછવામાં આવે તો કેટલા લોકો જવાબ આપી શકે? આપણને સૌને who, why, what? આવી જિજ્ઞાસાઑ થવાની બંધ જ થઈ ગઈ છે. આપણી આસપાસ જે કઈ થઈ રહ્યું છે, તેના મૂળમાં કોઈને કોઈ વાર્તા કે પ્રસંગ હોય છે, પણ આપણે એ જાણવાનો પ્રયાસ જ કરતાં નથી!
ઈશ્વર મને ખબર છે, શ્રદ્ધાનો વિષય છે, પણ એ શ્રદ્ધામાં પણ તર્ક હોવો જરૂરી છે. અને એ તર્ક વિશે જ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણા ઋષિમુનિઓ અને વડવાઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, તેઓ જે પણ કઈ કરવાનું કહેતા, તેની પાછળ વિજ્ઞાન અને જ્ઞાન સમાયેલું હતું. જેમ કે તેઓ કહેતા કે ‘આરાગ્યમ ધન સંપદા’ તો એ આજે આપણે સૌ સ્વીકારી અને સમજી રહ્યા છીએ કે આરોગ્ય સાચવીશું તો છેક છેલ્લા શ્વાસ સુધી મસ્ત જીવન જીવી શકીશું. અને આરોગ્ય સારું નહી હોય તો ગમે તેટલી જાહોજલાલી હશે, છતાં જીવન જીવવાની મજા નહી આવે.
એમ જ ગણેશજીને આ દસ દિવસ દરમિયાન આપણે ઘરે લાવીએ છીએ, અને પછી વિસર્જન કરીએ છીએ, તેની પાછળ પણ શ્રદ્ધા, વિજ્ઞાન અને વાર્તા છે. પહેલા વાર્તા જોઈ લઈએ, દેવી પાર્વતીએ શિવજીની ગેરહાજરીમાં પોતાનું રક્ષણ કરવા માટીમાથી એક બાળક બનાવ્યું અને તેમાં જીવ પુર્યોં. એકવાર દેવી સ્નાન કરવા ગયા અને એ બાળકને કહીને ગયા કે કોઈ અંદર ના આવવું જોઈએ.
બાળકે માતાની આજ્ઞાનું પાલન કરીને શિવજીને પણ અંદર આવતા રોક્યા. શિવજીએ ક્રોધમાં આવી જઇ, એ બાળકનનું માથું ધડથી અલગ કરી દીધું. બાળકની આ હાલત જોઈને માતા પાર્વતીએ બાળકને જીવીત કરવાનું કહ્યું, શિવજીએ પોતાના સાથીઓને કહ્યું જઈને જે પહેલા મળે તેનું માથું લઈ આવો, તેઓ હાથીનું લઈ આવ્યા, જે શિવજીએ લગાડી દીધું અને આવી રીતે ગણપતિનો ફરીથી જન્મ થયો.
ગણપતિના આ હાથી વાળા જન્મદિવસને આપણે ગણેશ-ચતુર્થી તરીકે ઉજવીએ છીએ. ગણેશજીના બીજા 108 નામો છે, અને તેઓના હકારાત્મક કામો તો એથીયે અનેક છે. અને એ છે આ ઉત્સવ પાછળ રહેલી શ્રદ્ધા!
ચારેય તીર્થ જઈને જે પહેલો કૈલાશ પાછો આવે એ વિજેતા એવી શરત ભાઈ કાર્તિકેય સાથે લગાવી અને માતા-પિતાને આસન પર બેસાડી, તેઓની પૂજા કરી, પ્રદક્ષિણા કરી કહ્યું સાચું તીર્થ તો માતા-પિતા છે, મે આજે તેઓની પ્રદક્ષિણા કરી એટલે હું જીત્યો, ખુશ થઈને શિવ અને પાર્વતીએ વરદાન આપ્યું આજથી લોકો કોઈપણ શુભ કામ કરતાં પહેલા તને યાદ કરશે.
ગણેશજી પોતાના દરેક કામમાં પછી ભલે એ કામ અઘરું હોય કે સહેલું, હકારાત્મક રહેતા અને એટલે જ તેઓ વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય છે. તેમ આપણે પણ જો કોઈપણ કામ શરૂ કરતાં પહેલા હકારાત્મક રહીશું તો ગણેશની જેમ બધા કાર્યો પાર પાડી શકીશું. જેઓ હકારાત્મક થઈને આગળ વધે છે, તેઓની દરેક અડચણો આપોઆપ દૂર થઈ જતી હોય છે.
ગણપતિ જેવા હતા, તેવા ખુદને સ્વીકારીને આગળ ચાલતા હતા, જિંદગીમાં આવતા સંઘર્ષો સામે તેઓ કદી હાર્યા નથી અને એટલે જ તેઓ બધાના પ્રિય બની રહ્યા છે. વેદ વ્યાસજીએ મહાભારત ગણેશજી પાસે લખાવ્યું હતું, લખતા લખતા કલમ તૂટી ગઈ તો પોતાનું દંતશૂળ તોડીને તેની કલમ બનાવીને તેમણે એ કામ પૂરું કર્યું. કોઈપણ કામ પ્રત્યેનું આવું ડેડિકેશન જ આપણને જિંદગીમાં આગળ લઈ જતું હોય છે.
હવે સમજાયું શા માટે ગણપતિનું નામ લઈને શરૂ કરેલું કાર્ય વિના અડચણ પૂરું થઈ જતું હોય છે. જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, નક્કી કરેલા ધ્યેયથી ડગી જવું નહી, આવી રીતે પૂરેપૂરા પ્રયાસો થકી આગળ વધતાં રહેવું. આ થઈ વાત શ્રદ્ધાની!
અને રહી વાત વિજ્ઞાનની તો જ્યાં, શ્રદ્ધા હોય છે, ત્યાં તર્ક પણ હોય જ છે ને તર્ક એટલે જ તો વિજ્ઞાન! આ 10 દિવસ દરમિયાન પૂરેપુરી શ્રદ્ધાથી આ હકારાત્મક દેવને ભજીએ અને વિસર્જન કરતાં સમયે જળસંપતિ અને પર્યાવરણને લગતા નિયમોનું પાલન કરીએ. પી.ઓપી. વાળા ગણપતિ નહી, પણ માટીમાથી બનાવેલા ગણપતિનું વિસર્જન કરીએ.
યાદ રહે માં પાર્વતીએ ગણપતિનું સર્જન માટી વડે કરીને પછી જ તેમાં જીવંતતા પૂરી હતી.
No comments:
Post a Comment