Thursday, 14 September 2023

જીવનના સંઘર્ષોનો હસતાં હસતાં સામનો કરવો એટલ' 'કૃષ્ણત્વ'

જીવનના સંઘર્ષોનો હસતાં હસતાં સામનો કરવો એટલ' 'કૃષ્ણત્વ' 

Black Full HD Krishna Images HD Wallpapers With 100+ Status 


     એક એવું પાત્ર જેને આપણે કદી જોયું નથી,અને છતાં જે હમેંશા આપણી આસપાસ હોય એવું લાગ્યા કરે! આપણા દરેક સંબંધો આપણે ઈચ્છીએ તેના જેવા હોય! એક એવું વ્યક્તિત્વ જેને આપણે આપણી અંદર સતત ફીલ કર્યા કરીએ. એ કૃષ્ણ વિષે જાણવાની,તેની બાળ-લીલાઓ અને રાસ-લીલાઓ માણવાની આપણને ઈચ્છા થયા જ કરે, નાના હોઈએ ત્યારે એની બાળલીલાઓ દાદા-દાદી પાસેથી સાંભળવાની મોજ કરવાની, રાક્ષશો સાથેની લડાઈ,નાગદમન, ગોપીઓની પજવણી, વાંસળીના સૂર, નંદ અને યશોદામાતાનો સ્નેહ, ઇન્દ્ર સાથેની લડાઈ, ટચલી આંગળીએ ઉપાડેલ ગોવર્ધન પર્વતની વાત, કુદરત સાથે દોસ્તીની વાત, કંસના અન્યાયનો વિરોધ, ગાય સાથેની નિકટતા, ગોકુળની ગલીઓમાં કરેલા તોફાનો, માખણની ચોરી, ગોપીઓ સાથેની રાસ-લીલા, રાધા સાથેનો પ્રેમ, વૃંદાવન નિર્માણ, દરેક ઉત્સવોની ઉજવણી જીવન નામે ઉત્સવ જ સૌથી મસ્ત બનીને જીવ્યા, આજે પણ ગોકુળ જઈએ તો લાગે દરેક ડગલે કૃષ્ણ આપણી સાથે છે. આટલું ભરચક બાળપણ એક જ ઝાટકે, છોડી દઈ નીકળી પડ્યા મથુરા જવા, જન્મ આપનાર માતા-પિતાને બચાવવા! આખું ગોકુળ પોતાનામાં સમાવી, એવા નીકળી પડ્યા કે પછી કદી ગોકુળ પાછા ફર્યા જ નહીં! ગોકુળે કૃષ્ણને બે સ્ત્રીઓ આપી રાધા અને યશોદા જે તેઓના જીવનનો પર્યાય બની રહ્યા. વાંસળી રાધા પાસે છોડી ગયા, તેમને ખબર હતી, હવે એ નિખાલસતા અને નિર્દોષતા જીવનમાં પાછી આવવાની નથી!

આ આખું જીવન મનમાં સમાવી, તેઓ આગળ વધી ગયા. કંસને માર્યો, દેવકી અને વાસુદેવને છોડાવ્યા, મથુરા ઉગ્રસેનને સોંપી,સાંદીપની ઋષિના આશ્રમમાં રહી ભણ્યા, ગુરુને ગુરુદક્ષિણામાં પુત્ર પાછો લાવી આપ્યો. સુદામા જેવા મિત્ર મળ્યા, જેમની સાથેની દોસ્તી આજીવન રહી, અહી જ સુદર્શન ચક્ર પરશુરામ પાસેથી મળ્યું, મહાભારતમાં કૃષ્ણની એન્ટ્રી દ્રૌપદી સ્વયંવર સમયે થાય છે. દ્રૌપદી સાથેની મિત્રતા, અને સ્ત્રી-પુરુષના જીવનને આપેલૂ એક નવું વિઝન, જે આપણે ટેકનો એજમાં પણ આપી શકયા નથી! મિત્ર એવો હોવો જોઈએ જે જરૂર પડ્યે, સ્ત્રીના અસ્તિત્વનું રક્ષણ કરી આપે, દ્રૌપદી અને કૃષ્ણના સંબંધો મિત્રતાનો હાર્દ છે, જિંદગીના દરેક સંબંધોને જીવી બતાવનાર કોઈ હોય તો તે શ્રી કૃષ્ણ તેઓએ દરેક સંબંધો જીવ્યા, બાંધવાની કોશિશ કદી ના કરી. અર્જુન સાથેની મિત્રતા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને નિભાવી. કુરુક્ષેત્રના રણમાં તેમણે જે પાર્થને આપ્યું, આપણને પણ લડવાનું શીખવી ગયા. જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, લડવાનું છોડવાનું નહીં, પ્રયાસો કરતાં રહીશું તો જરૂર આગળ વધી શકીશું. જિંદગીના તમામ દૂ:ખો સાથે પણ આગળ વધતાં રહેવું પડે છે, જિંદગી ક્યારેય અટકતી નથી. શૂન્ય માથી સર્જન કેવી રીતે કરવું એ કૃષ્ણથી વિશેષ કોઈ ના શીખવી શકે.

હું તમને ધર્મના રસ્તે ચાલવા સાથ આપીશ, પણ ચાલવું તો તમારે જ પડશે. એટલે તો યુદ્ધમાં હથિયાર ના ઉપાડ્યા. ઈશ્વર આમપણ તેને જ મદદ કરે છે, જેઓ ખુદને મદદ કરતાં રહે છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, એમ એ ખેતરમાં કામ કરનાર ખેડૂત સાથે કે મહેનત કરનાર દરેક વ્યક્તિ સાથે હોય છે, કર્મથી ભાગનાર સાથે એ કદી હોતા નથી. કર્મથી નિવૃત થવાનું એમણે ક્યારેય શીખવ્યું જ નથી. ભગવદ-ગીતા આપણને જીવતા શીખવે છે, અને એટલે જ એ જીવતા હોઈએ ત્યારે એકવાર માત્ર વાચી નહીં સમજી લઈએ. જિંદગીના કુરુક્ષેત્રમાં લડવા એના જેવુ પ્રેરણાદાયી ઉપનિષદ કે પુસ્તક બીજું કોઈ નથી. સંવાદ દ્વારા શિક્ષણ આપનાર તેઓ પ્રથમ શિક્ષક હતા. કેટલું સરસ સમજાવ્યું કે તને જાણવાની ઈચ્છા હશે, તો જ હું તમને શીખવી શકીશ. અર્જુને પૂછેલા પ્રત્યેક સવાલનો જવાબ તેમણે આપેલો છે. જરૂર પડ્યે જિંદગીના કુરુક્ષેત્રમાં સગાવહાલા સામે લડવું પડે તો પણ લડી લેવાનું! અને જરૂર પડ્યે દુશ્મન આપણા કરતાં વધુ શક્તિશાળી લાગે તો રણ-મેદાન છોડી ભાગી પણ જવાનું!  જિંદગીમાં ફ્લેક્ષિબલ રહેનાર જ આગળ વધી શકે છે.

જુગાર અને દારૂના સખત વિરોધી હતા.આપણે તેઓની પુજા કરીએ છીએ, છપ્પન ભોગ ધરીએ છીએ, પણ તેઓને વિચારોથી અનુસરતા હોતા નથી! તેઓના જન્મના મહિના દરમિયાન જ સૌથી વધુ જુગાર રમાય છે. દુર્યોધનના પકવાન કરતાં વિદુરની ભાજી તેઓને વધુ પ્રિય હતી. લાગણીઓ થકી જ ક્રુષ્ણની નજીક જઇ શકાય. સ્ત્રી-સ્વાતંત્ર્યના હિમાયતી હતા. સ્ત્રીઓને સન્માન આપવામાં માનતા હતા. કુબ્જાથી લઈને કુંતી સુધી અને દ્રૌપદીથી લઈને આઠ મહારાણીઓ સુધી કે પછી 16000 સ્ત્રીઓ સુધી તેઓ વિસ્તરતા જ રહ્યા! કુંતીને પોતાની ભૂલ સંતાનો સામે લાવવા મદદ કરનાર કૃષ્ણ, યશોદા માતાને યુનિવર્સ બતાવનાર કૃષ્ણ, દ્રૌપદીના ચીર પૂરનાર પણ તે અને સુભદ્રાને અર્જુન સાથે ભગાડનાર પણ તે અને ઋક્મણીને ભગાડી જનાર પણ તે,ગાંધારીનો શ્રાપ લેનાર પણ તે અને છતાં રાધા સાથે કાયમ જોડાયેલા રહ્યા તે કૃષ્ણ! સ્ત્રીઓને જેટલું સન્માન શ્રીકૃષ્ણ એ આપ્યું છે, એટલું કોઈએ આપ્યું નથી. મીરાં સાથે પણ સમર્પણના સંબંધે જોડાયેલા રહ્યા!

સુદામા સાથેની મિત્રતા શ્રેષ્ઠ રીતે નિભાવી, દુનિયાને સમજાવ્યું કે મિત્ર કદી ધનવાન કે ગરીબ નથી હોતો! કશું કહ્યા વિના મિત્રને મદદ કરી, તેની ગરીબી દૂર કરી. તેની સાથે ઝઘડી તેના તાંદુલ ખાધા. ઈશ્વરે આપણને ઓલરેડી સમજાવ્યું જ છે કે હું લાગણીઓ અને શ્રદ્ધા સાથે જોડાયેલો છુ અને છતાં આપણે તેને ધર્મ-સ્થાનોમાં શોધતા રહીએ છીએ. બહુ સરળ રીતે તેમણે સમજાવ્યું છે કે  કુદરતની નજીક રહેવાથી ઈશ્વર નજીક રહી શકાય છે,પણ આપણે…..

યુદ્ધ રોકવા પોતાનાથી બનતા પ્રયાસો કર્યા, તેઓ પ્રયાસો કદી છોડતા નહીં, વસ્ત્રાહરણ બાદ પણ દ્રૌપદીને સમજાવે છે, માફ કરી દેવાનું! આપણા મનની શાંતિ માટે પણ બીજાને માફ કરતાં શીખી જવાનું! સાથે સાથે સમજાવે પણ છે કે સ્ત્રીનું અપમાન કરનાર સમાજ કદી સુખી રહી શકતો નથી. જીવનમાં ગમે તેટલા કષ્ટો આવે, જીવવાનું છોડવાનું નહીં. જ્યાં જીવન છે, ત્યાં સંઘર્ષ છે અને સંઘર્ષ થકી જ આપણે ઘડાતા રહીએ છીએ. તેઓ રસ્તો બતાવીને તે રસ્તે જવું કે ના જવું એ આપણા પર છોડી દે છે. હું માત્ર મદદ કરીશ કામ તો તમારે જ કરવાનું છે!

કૃષ્ણ વિષે લખવા બેસીએ તો એક આખું જીવન નાનું પડે, દુનિયામાં સૌથી વધુ તેઓ ચર્ચાયા છે. યુવાનો માટે ભગવદ-ગીતા જેવો ગ્રંથ તેમણે આપ્યો છે. નાના બાળકોને તેઓ કહે છે, થાય એટલા તોફાનો કરો, નાનપણ તો નિર્દોષ અને નિખાલસ જ હોવું જોઈએ. આખી દુનિયાએ જેમને માન્યા, તેઓના ખુદના વંશજો જ પરસ્પર લડી મર્યા! તેઓ પોતાના રથની લગામ પોતાની પાસે જ રાખતા. એમ આપણે પણ આપણો જીવનરથ આપણી જાતે જ ચલાવવાનો છે! જેટલો ખુદ પર વિશ્વાસ રાખીશું સુખી થઈશું. પ્રેમ સફળ-નિષ્ફળ ક્યારેય હોતો નથી, બસ પ્રેમ હોય છે, એવું આપણને કૃષ્ણ સિવાય કોણ સમજાવી શકે. કૃષ્ણને આપણે ખૂબ અનુસરીએ છીએ, એને અનુસરવાના કેટલાક માર્ગો

સત્ય અને પ્રામાણિકતાના રસ્તે ચાલો.

પ્રયત્નો કરતાં રહો.

જુગાર અને દારૂથી દૂર રહો.

સ્ત્રીઓનું સન્માન કરો.

જાત પ્રત્યે શ્રદ્ધા રાખો.

ધર્મના રસ્તે ચાલો.

જિંદગીના કુરુક્ષેત્રમાં લડતા રહો.

પોતાના કર્તવ્યનું પાલન કરો.

હમેંશા જીવંત રહો.

મુશ્કેલીઓનો સામનો કરો.

પરીવર્તન સ્વીકારતા રહો.

સંબંધોને જીવો, બાંધો નહીં.

હવે કૃષ્ણ અને આપણે

 આમાં આપણે ક્યાં છીએ? એ આપણે નક્કી કરવાનું છે.

કૃષ્ણની નજીક રહેવું હશે, તો આપણે તેની સાથે જોડાવું રહ્યું!


No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...