Sunday 18 March 2018

શિક્ષણના ત્રણ પાયા અને આપણે,


શિક્ષણના ત્રણ પાયા અને આપણે,








દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વૈચારિક પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબુત આધાર ગણાય છે. એવું મનાય છે કે કોઇપણ દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. આ દુનિયામાં જયારથી જ્ઞાન ઉદભવ્યું હશે, શિક્ષણની જરૂરિયાત ઉભી થઇ હશે. હકીકત તો એ છે કે કોઈપણ સંસ્કૃતિ વિકસી હશે કે નાશ પામી હશે, કોઈપણ ઈતિહાસ રચાયો હશે કે કોઇપણ નવી શોધ થઇ હશે, જે તે પેઢીઓ સુધી પહોચાડવાનું કામ શિક્ષણે જ કર્યું છે. જેમ દરેક દેશની કોઈ ને કોઈ પ્રાચીન સંસ્કૃતિ છે, એમ જ દરેક દેશની એક ચોક્કસ શિક્ષણ-પદ્ધતિ હતી, છે અને રહેશે. આપણા દેશમાં પ્રાચીન સમયથી એક સુંદર શિક્ષણ વ્યવસ્થા રહી છે. આપણી પાસે નાલંદા,તક્ષશિલા, વલ્ભ્ભીપૂર જેવી વિદ્યાપીઠો હતી, જ્યાં વિશ્વનું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું, જ્યાં વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યનુ સર્જન થયેલું. એવી વિદ્યાપીઠો જેણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું સ્થાન બનાવેલું. આ બધી વિદ્યાપીઠોની સૌથી અગત્યની બાબત અને આપણી પ્રાચીન શિક્ષણ પ્રથાની સૌથી મહત્વની બાબત એ હતી કે ત્યારે શિક્ષક ગુરુ તરીકે પૂજાતો. એ બાળકના સર્વાંગી વિકાસનો પ્રણેતા ગણાતો. કોઈ રાજ્યમાં તેનું સ્થાન રાજા કરતાયે ઊંચું ગણાતું. અરે એ એવા શિષ્યો નિર્મિત કરી સકતો કે જે ભારતનો ઈતિહાસ બદલી શકે. એ આ સમ્રગ ભારત વર્ષનો રાજા બની શકે. એવી શિક્ષણ-પ્રથા જ્યાં રાજા કે રંક બંનેના સંતાનો એકસાથે ભણતા અને એ પણ કોઈપણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વગર. એ શિક્ષણ-વ્યવસ્થા એટલી સચોટ અને સુંદર હતી કે આજે પણ આપણે અંદરથી તો એવું માનીએ જ છીએ કે આજ કરતા એ સારી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે એ જ શિક્ષણ-વ્યવસ્થા યોગ્ય હતી. બાળકોને જીવન ઉપયોગી તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ગુરુનું સ્થાન વિદ્યાર્થીના જીવન ઘડતરમાં સૌથી અગત્યનું રહેતું.
 આ બધું હતું હતું એવું આપણે રોજ સાંભળતા વાચતા અને ચર્ચતા રહીએ છીએ. પણ આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પરીક્ષા ચાલુ છે ને એટલે મન થઇ ગયું. હા તો પ્રશ્ન એ છે કે આપણી શિક્ષણ- પ્રથામાં જે કઈ ખૂંટે છે એનો બધો ભાર શા માટે શિક્ષક મહોદય પર નાખી દેવામાં આવે છે. હા એ શિક્ષણ-વ્યવસ્થાનો સૌથી અગત્યનો પાયો છે અને તે મજબુત હોવો જોઈએ એ પણ કબૂલ પણ બાકીના બે પાયા એટલે કે ‘શિષ્ય’ અને ‘માતા-પિતાનો’ પણ આમાં ફાળો હોવો જોઈએ કે નહિ? આધુનિક શિક્ષણ-વ્યવસ્થા વિદ્યાર્થી લક્ષી છે એ વાંધો નથી પણ શિક્ષકને સાવ નબળો પાડી દીધો છે. વાંધો ત્યાં છે. આપણા દેશમાં જેમ કંઈપણ બને બધો વાંક સરકાર પર ઢોળી દેવામાં આવે છે, એમ જ શિક્ષણ-પ્રથાની તમામ ઉણપો શિક્ષક પર ઢોળી દેવામાં આવે છે. જાણે બધી બાબતો માટે તે જ જવાબદાર હોય એવો વ્યવહાર તેની સાથે કરવામાં આવે છે. હકીકત તો એ છે કે આજે પણ એવા શિક્ષકો છે જે વિદ્યાર્થીના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહે છે, પણ એવી બાબતોને છાપાઓની માત્ર શોભા બનાવી ક્યાંક ખૂણે ખાચરે છાપી દેવામાં આવે છે. હવે વાત કરીએ બાકીના બે પાયાની તો મને કહો જોઈએ ક્યાં વિદ્યાર્થીને સ્ટ્રીક શિક્ષક કે પરીક્ષામાં ચોરી ના કરવા દે તેવા શિક્ષકો ગમે છે? જો કોઈ શિક્ષક પરીક્ષામાં ચોરી ના કરવા દે તો ઘણીવાર તો એને માર પણ ખાવો પડે છે. અને આમપણ પ્રમાણિક માણસ હમેંશા આપણા દેશમા એકલો પડી જાય છે. એમ એ શિક્ષક પણ એકલો પડી જાય છે. ક્લાસમાં ઊંડાણપૂર્વક ભણાવનાર શિક્ષકો વિદ્યાર્થીને ગમતા નથી એને તો માત્ર પરીક્ષાલક્ષી માહિતી માં જ રસ હોય છે. આપણે ‘આદર્શ શિક્ષક’ ની વાતો બહુ કરતા હોઈએ છીએ પણ ‘આદર્શ વિદ્યાર્થી’ ચર્ચાતો જ બંધ થઇ ગયો છે. વિદ્યાર્થી ને આમ કરવું આમ ના કરવું, મારવા નહિ ટેન્શન આવી જાય એવું કશું કહેવું નહિ. જો બધું પરિપત્ર જ નક્કી કરે તો શિક્ષકે કરવાનું શું?
  હવે તો એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે વિદ્યાર્થી થી શિક્ષકે ડરી ડરી રહેવું પડે છે કે એને કઈ કહેવાય ના જાય કે એની પર હાથ ઉપાડાય ના જાય! આમ પણ કોઈએ સાચું જ કહ્યું છે કે, “ જ્યારથી શિક્ષક ના હાથમાંથી લાકડી છીનવાય ગઈ છે, પોલીસે વધુ ઉપાડવી પડે છે.”  કેમ ખરું ને? જે શિક્ષકો પરિક્ષામાં જવાબો લખાવી દે કે imp પ્રશ્નો આપી દે તેવા જ શિક્ષકો વિદ્યાર્થીઓને ગમે છે. આપણે સૌ એક શિક્ષક પાસેથી અપેક્ષા બહુ રાખીએ છીએ પણ એને એવા અધિકારો આપી એ છીએ ખરા કે તેઓ એ અપેક્ષા પર ખરા ઉતરી સકે? જવાબ આપવો હોય તે આપી સકે છે.અત્યારે પરિસ્થિતિ એવી છે કે એકાએક વિદ્યાર્થીઓ હોશિયાર નથી થઇ ગયા પણ પરીક્ષા પદ્ધતિ જ સાવ સરળ બની ગઈ છે. અત્યારના શિક્ષકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓને ભણવું જ નથી, જે માત્ર સમય પસાર કરવા જ શાળા કે કોલેજમાં આવે છે, એને ભણાવવા કેવી રીતે? ભણાવનાર ગમે તેટલો ભણાવવા તૈયાર હોય પણ જેને ભણવું જ ના હોય એના માટે કોઈ ઉપાય ખરો? શિક્ષણને રસપ્રદ બનાવવાનું કામ શિક્ષકનું છે એ કબૂલ પણ એને રસથી ભણવાનું કામ તો વિદ્યાર્થીએ જ કરવું રહ્યું!
 હવે વાત કરીએ ત્રીજા પાયાની એટલે કે માતા-પિતા! એવો પાયો જેને પોતાના સંતાનોને એની ક્ષમતા ઓળખ્યા વિના જ ભણાવવા હોય છે. જેઓ પોતાના સંતાનોને માત્ર ડોકટર વકીલ કે એન્જીનીયર કે પછી વ્હાઈટ કોલર જોબ હોલ્ડર જ બનાવવા જ ઈચ્છે છે. જેઓ માટે બાળકોમાં રહેલી આવડત નું કોઈ મુલ્ય જ નથી. જેઓ બાળકોને રેસના ઘોડા જ સમજે છે. જેઓ બાળકોને માત્ર સરખામણી કરવાનું સાધન જ સમજે છે. બાળકોને શું ગમે છે? એના કરતા તેઓને મન ડીગ્રીઓનું જ મહત્વ હોય છે. જેઓ સ્કૂલ પસંદ કરતી વખતે માત્ર બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ જુએ છે પણ કોણ કેવું ભણાવે છે કે મારા સંતાનનો અહી સર્વાંગી વિકાસ થશે કે નહિ? એના પર જરા સરખું પણ ધ્યાન આપતા નથી! જ્યાં ફીસ ઉંચી ત્યાં શિક્ષણ સારું એવી માન્યતાઓમાં જેઓ રાચે છે. જેઓ પોતાના સંતાનોને માત્ર દેખાડો કરવાનું માધ્યમ જ માને છે. અરે ઘણા માતા-પિતા તો માત્ર જ્ઞાતિ જોઈ એ જ્ઞાતિની સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા મુકે છે. હવે તમે જ વિચારજો આવા માપદંડો સાથે કોઈ માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ કેવી રીતે આપી સકે? અને અંતે બધો વાંક શિક્ષકો પર આવી રહી જાય છે. દર વર્ષે ૧૧ માં ધોરણમાં ૮૦ % વિદ્યાર્થીઓ એવા હોય છે જેને સાયન્સ નથી રાખવું હોતું પણ માતા-પિતાના દબાણને કારણે તેઓ આ પ્રવાહમાં જાય છે અને પ્રવાહ સાથે તરવાને બદલે ડૂબી જાય છે. હવે તમે જ કહેજો જેને મન જ ના હોય એ માળવે તો શું બાજુના ગામ સુધી પણ કેવી રીતે જવાના? સાયન્સની પરિક્ષામા પણ જો વિદ્યાર્થીઓ માત્ર ચોરી પર નભતા હોય તો બીજાની વાત જ શી કરવી?
 તમને થશે શિક્ષકોની વાત તો કરી જ નહિ, એ પાયો પણ નબળો હોય સકે, પણ તો પછી કેમ કદી વાલીઓ આવા શિક્ષકો સામે અવાજ ઉઠાવતા નથી. આપણે ચલાવી લઈએ એટલે બધું ચાલે છે. શિક્ષકો ને મજબુત કરવા એ આ બંને પાયાનું કામ છે. ના ભણાવતા શિક્ષકો સામે ફરિયાદ કરવાનું કામ આ બંને પક્ષકારોનું જ છે. આપણે જેટલા જાગૃત રહીશું આ પાયો મજબુત બનશે. કેમ ખરું ને ? શિક્ષકોને અપ-ડેટ થવું પડે એવું વાતાવરણ આપણે જ ઉભું કરવાનું છે. કોઈપણ દેશની શિક્ષણ-વ્યવસ્થા આ ત્રણેય પાયા પર નભે છે અને એ ત્રણેય પાયા સક્ષમ અને મજબુત હોવા જોઈએ. તો જ આપણે સારું શિક્ષણ માળખું ઉભું કરી શકીશું અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકીશું. માત્ર સાક્ષરતા એ આપણો ઉદેશ નથી પણ ભણવાનું પણ ગળે ઉતરવું જોઈએ. એટલીસ્ટ હું શા માટે ભણું છું એવો સવાલ જયારે વિદ્યાર્થીને થશે, ને શિક્ષકો ને એવું થશે કે હું જે કામ કરું છું એના પર રાષ્ટ્ર નભે છે તો અને હા માતા-પિતા જયારે એવું સ્વીકારશે કે મારા સંતાનોને જે ભણવું હોય અને જે આવડત ખીલવવી હશે,એ હું કરવા દઈશ ત્યારે આપણે ખરા અર્થમા રાષ્ટ્ર-નિર્માણ કરી શકીશું. બોલો આમીન...........




Tuesday 6 March 2018

પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,




પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,


પરીક્ષા આપણી શિક્ષણ પ્રથાનો એક અગત્યનો હિસ્સો છે.વર્ષ દરમિયાન એક વર્ગમાં આપણે કેટલું શીખ્યા તેનું મૂલ્યાંકન પરીક્ષા દ્વારા થાય છે.આપણી પરીક્ષા પદ્ધતી વિષે ઘણું લખાતું રહે છે, ને સરકાર દ્વારા વારંવાર એમાં ફેરફારો થતા રહે છે.પરીક્ષાઓ હોવી જોઈએ કે ના હોવી જોઈએ તેના વિષે અઢળક ચર્ચાઓ થતી રહે છે.પણ પરીક્ષા તો લેવાય જ છે. આપણી શિક્ષણપદ્ધતિ પાસે એનો કોઈ વિકલ્પ પણ નથી. પરીક્ષા માત્ર વિદ્યાર્થીની માહિતી જ ચકાસે છે, જ્ઞાન નહિ એવું આપણને હમેંશા લાગે છે. પરીક્ષાને લીધે ગોખણપટ્ટી ને જ મહત્વ મળે છે, એવી આપણી સતત ફરિયાદ રહે છે.પરીક્ષાથી માત્ર ડિગ્રી મળે છે,કૌશલ્ય વિકસતું નથી એવું પણ આપણે માનીએ છીએ.પણ હકીકત તો એ છે કે  પરીક્ષા નો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી.પરીક્ષા ના રાખીએ તો વિદ્યાર્થીઓ માટે ભણવાની  કોઈ પ્રેરણા જ નહિ રહે. પરીક્ષા જ આપણા વિદ્યાર્થીઓને પ્રેશર લેતા શીખવે છે.તમે જ વિચારો ક્રિકેટ શીખનાર કોઈ ક્રિકેટર ને અન્ય કોઈ ટીમ સામે મેચ જ રમવા ના મળે તો એની પ્રેકટીસનું કોઈ મહત્વ રહેશે ખરું! કે પછી કોઈ કળા ધરાવનાર વ્યક્તિને પોતાની કળા રજુ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ના મળે તો! કે પછી કોઈ અભિનેતાને એક્ટિંગ માટે કોઈ સ્ટેજ જ ના મળે તો? એની એક્ટિંગ શું કામની? પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એવું જ સ્થાન ધરાવે છે, હા આપણે તેને થોડી વધુ ગંભીર લઇ લીધી છે, એ વાત સાચી છે. પણ પરીક્ષા વિના મૂલ્યાંકન શક્ય જ નથી. તમે જ કહો વક્તૃત્વની કસોટી વિના કોઈ સારો વક્તા આપણને મળે ખરો! હકીકત તો એ છે કે પરીક્ષા વિના આપણામાં વિપરીત પરિસ્થિતિ સામે લડવાની તાકાત આવતી નથી. પરીક્ષા છે, તો આપણે આપણામાં રહેલું શ્રેષ્ઠ બહાર લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.ત્રણ કલાકમાં આખા વર્ષનું મૂલ્યાંકન ના થાય એવી આપણી દલીલ હોય છે,પણ એ ત્રણ કલાક એવા કલાકો છે,જેમાં તમે જેવી રજૂઆત કરશો એવું પરિણામ આવશે.એ ત્રણ કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ અગત્યનું છે.તમે કહેશો એમાં શું આવડતું હોય તે લખવાનું અને ના આવડતું હોય તે છોડી દેવાનું કે પછી પેલો સગો તે પાડોશી! પણ પેપર હાથમાં આવે તમે વાચી જાઓ અને નક્કી થઇ જાય આટલું આવડે અને આટલું નહિ, પછી જ સમસ્યા શરુ થાય છે.હવે વિદ્યાર્થીનું ધ્યાન આવડતા કરતા ના આવડતા સવાલોમાં વધુ અટવાઈ જાય છે. જે આવડે છે, તે લખવાનું શરુ તો કરી દઈએ પણ મગજ ના આવડતા પ્રશ્નોમાં વધુ અટવાયેલુ રહે છે.નથી આવડતું તેનું શું કરીશું? અને ઘણીવાર તો ૧૦૦ માર્કસના પેપરમાં ૯૦ માર્કસનું આવડતું હોય છતાં વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે! ૧૦ નું શું કરીશું?
        એમાયે જો ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી,જેવા અગત્યના વિષયો હોય તો તો ઘણા એટલા મૂંઝાઈ જાય કે આખું પેપર આવડતું હોય છતાં ભૂલાય જવાય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ તો આપઘાત કરી લે છે.અને સઘળો વાંક આખરે આપણી પરિક્ષાપદ્ધતિ પર આવી જાય છે.પણ હકીકત તો એ છે કે આપણે વિદ્યાર્થીઓને પેપરમાં અનપેક્ષિત સવાલો પુછાય તો શું કરવું એ શીખવતા જ નથી. તમે માર્ક કરજો કોઈપણ સરળ પ્રશ્ન થોડો પણ બદલાવી પૂછાય તો એનો જવાબ લખવામાં તકલીફ પડે છે.આપણું શિક્ષણ એટલું બધું પરીક્ષા લક્ષી થઇ ગયું છે કે આ પૂછાવાનું નથી તો સર કે મેમ શું કામ ભણાવો છો? એવું વિદ્યાર્થી પૂછતાં થઇ જાય છે.પરિણામે અમુક પ્રકરણ વિદ્યાર્થીઓ શીખતા જ નથી. ઓપશનમાં કાઢી લઈશું, એવું કહેતા રહે છે.પણ વિચારો તો કોઈ ડોક્ટર કોઈ સર્જરી કે રોગ વિશેની માહિતી ઓપશનમાં કાઢી નાખે તો શું થાય? well આપણે વાત કરતા હતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ક્ષમતા હોવા છતાં વ્યવસ્થિત રજૂઆત કેમ નથી કરી શકતા? કારણકે તેઓ પ્રેશરને ટેકલ કરી શકતા નથી. તેઓ પેપર વાચી કેમ લખવું તેનું આયોજન કરવાને બદલે નથી આવડતું તેનું શું કરીશું? તેના પર એકાગ્ર થઇ જાય છે,ને પરીણામેં આખા વર્ષની મહેનત પર પાણી ફરી જાય છે.શિક્ષણમાં થોડીક પ્રેક્ટીકલ ટ્રેનીંગ પણ હોવી જોઈએ. વિજ્ઞાનપ્રવાહ માં તો હોય જ છે,પણ આર્ટસ અને કોમર્સ કે અન્ય ફેકલ્ટીમાં પણ હોવી જોઈએ! જેથી વિદ્યાર્થી લખતી વખતે માત્ર ગોખેલું ના લખે પણ મૌલિક પણ લખી શકે.શબ્દ-ભંડોળ એટલું ઓછું હોય છે કે નિબંધ પણ ગોખીને લખે છે. આપણે શિક્ષણને રસપ્રદ બનાવવાને બદલે ફરજીયાત બનાવી દીધું એટલે પરીક્ષાઓ ભારરૂપ લાગવા માંડી છે.
બજારમાં અત્યારે અભ્યાસક્રમને લગતા કેટલા બધા પુસ્તકો મળે છે, જેમાં તૈયાર મટીરીયલ્સ જાજુ હોય છે. વિદ્યાર્થીઓને જવાબો તૈયાર મળે છે એટલે તેઓ મૌલિક કશું વિચારતા નથી.અરે ઘણા તો ગણતરીના વિષયોમાં પણ નવનીતનો ઉપયોગ કરે છે,દાખલો ના આવડે કે ખોટો પડે તેને સમજવાને બદલે વિદ્યાર્થીઓ તરત એમાં જોઈ જવાબ મેળવી લે છે, તેથી તેની ભૂલ તેને સમજાતી જ નથી કે મેં દાખલાનું કયું સ્ટેપ ખોટું કર્યું? ને પરિણામેં પરીક્ષામાં દાખલા થોડા અઘરા પૂછાય એટલે પેપર બગડી જાય.જાતે શીખવાની આદતો આપણને કલાસીસ અને આ તૈયાર મટીરીયલ વાળાએ સાવ ભુલાવી જ દીધી છે.એટલે પરીક્ષા અઘરી લાગે છે.ઘણા વિદ્યાર્થી એકાગ્ર થઈને વાચતા હોતા નથી.એટલે બધું ભૂલાય જતું હોય છે. પછી પરીક્ષા વખતે એટલા ઉજાગરા કેરે કે પેપર પૂરી સ્વસ્થતાથી લખી જ ના શકે.પેપર કેમ લખાય એના વિશે શિક્ષકો આખું વર્ષ સમજાવતા રહે છે,પણ મોટાભાગના વિદ્યાર્થીઓ તે ધ્યાન દઈને સંભાળતા જ નથી.મોટાભાગના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રોબ્લેમ રજુઆતનો જ હોય છે.રજૂઆત પરીક્ષામાં બહુ અગત્યની બાબત છે, પણ વિદ્યાર્થીઓ તેના પ્રત્યે પૂરું ધ્યાન આપતા નથી.નવો પ્રશ્ન નવા પાને લખવો છતાં તેઓ બે વિભાગોને ભેગા કરી જ આપે છે.ક્રમ જાળવતા નથી ને પરિણામે પેપર અસ્તવ્યસ્ત થઇ જાય છે.ઘણીવાર તો વિદ્યાર્થીએ જવાબ સાચો લખ્યો હોય તો પણ રજુઆત નબળી હોવાને લીધે પરીક્ષકને વાંચવામાં કંટાળો આવે છે, ને માર્ક્સ ઓછા મુકે છે.માટે રજૂઆત ધારદાર રાખો. આયોજન પૂર્વક લખો.મુદાસર જવાબ લખો.અપેક્ષિત જવાબ લખો. માર્ક્સ અનુસાર જવાબ લખો.
ગભરાઈ ના જાવ.શાંતિ રાખો. પેપર હાથમાં આવ્યા બાદ પૂરું વાચી આવડતું હોય તે લખવા માંડો અને ના આવડતું હોય તે છોડી દયો.કે.બી.સી. જુઓ છો ને? એમાં તમે અમુક રકમ જીત્યાં બાદ પ્રશ્નનો જવાબ ના આવડે તો કવીટ કરી શકો છો ને. તમે જોજો ઘણીવાર લોકો ના આવડતું etempt કરી મોટી રકમ ગુમાવી દેતા હોય છે.એમ તમે પણ ના આવડતું હોય તેની લાયમાં આવડતું ના ભૂલી જતા.જેટલું આવડે એટલું perfect લખો. પરીક્ષામાં આયોજન સૌથી અગત્યનું હોય છે. આખુ પેપર કેવી રીતે લખવું? એનું પહેલેથી આયોજન કરી લેવું. અને એ મુજબ જ પેપર લખવું. માત્ર તમારા પેપરમાં જ ધ્યાન આપવું. અને યાદ રાખજો અઘરું પૂછાય જાય તો પણ મન શાંત રાખી પેપર લખવા માંડવું. અને યાદ રાખજો કદાચ ફેલ થશો તો જિંદગી ખતમ થઇ નથી જવાની. મન હળવું કરી પેપર દેવા જજો.
best luck






તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...