Wednesday 27 December 2023

મોટીવેશનનો ધસમસતો પ્રવાહ 'યંગ જનરેશન' ને ડૂબાડી રહ્યો છે........

 મોટીવેશનનો ધસમસતો પ્રવાહ  'યંગ જનરેશન' ને ડૂબાડી રહ્યો છે........

Understanding Intrinsic and Extrinsic Employee Motivation


  હમણાં F.Y.B.A. ના ક્લાસમાં ચર્ચા દરમિયાન એક છોકરીએ કહ્યું, મેડમ મારે બેંકમાં નોકરી લેવી છે, અને મે આર્ટ્સ રાખી લીધું છે. હવે હું બેન્કની નોકરી કરી શકીશ? એટલે મે એને પૂંછયું કે જો તારે બેંકમાં જ જવું હતું, તો પછી આર્ટ્સ શા માટે રાખ્યું? તો કહે મેડમ અમે સ્કૂલમાં ભણતા ત્યારે એક મોટીવેશનલ સ્પીકરે અને એક ક્લાસીસ વાળાએ એવું કીધેલું કે I.A.S. કે I.P.S. બનવું હોય તો આર્ટ્સ રખાય. તેમણે એવા મોટા મોટા ઉદાહરણો આપ્યા કે મે ભ્રમમાં પડી મારૂ ગણિત સારું હતું, છતાં આર્ટ્સ રાખી લીધું! હવે મને પણ અફસોસ થાય છે,પણ શું થાય?

  મોટીવેશન આજકાલ આ શબ્દ બહુ ટ્રેન્ડમાં છે. જેની પાસે જેટલું જ્ઞાન છે, તેને લોકો વોટ્સ-એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ કે બીજા કોઈ સોસિયલ મીડિયા પર ઠલવતાં જ રહે છે. બાકીનું વધે એ સેમિનારો દ્વારા ઠલવાતું રહે છે. તેઓ વોટસએપ પર મેસેજ બનીને, ફેસબૂક પર પોસ્ટ બનીને, ઇનસ્ટા પર રીલ બનીને કે પછી યુ-ટ્યુબ પર વિડીયો કે શોર્ટ્સ દ્વારા પ્રગટતાં જ રહે છે.

  કોઈને પ્રેરણા આપતા રહેવી એ સારી બાબત છે, પણ હવે આ મોટીવેશન નો ઓવરડોઝ થઈ રહ્યો છે. ઘણીવાર તો એવું લાગે છે કે આ ઓવરડોઝને લીધે આજના લોકો વધુ સ્ટ્રેસ અનુભવતા થઈ ગયા છે. મોટીવેશન લોકોમાં રહેલી ક્ષમતાઓને બહાર લઈ આવવા માટે હોય છે, નહી કે જે ક્ષમતાઓ તેઓમાં છે જ નહી, તેના વિશે તેઓમાં ગલતફેમી એન્ટર કરવામાં!

   હવે જે વિદ્યાર્થી માંડ માંડ પાસ થઈ શકે એમ છે, તેને વિજ્ઞાન પ્રવાહમાં તું જઇ શકે એમ છો, એવી પ્રેરણા આપવાનો શો અર્થ? આ મોટીવેશનલ સેમિનારોને કારણે આજે યુવાનો અને યુવતીઓ ઓવર એમ્બીસિયસ બની રહ્યા છે. તેઓની પોતાની જાત પાસેથી અપેક્ષાઓ વધી રહી છે, જે પૂરી ના થતાં તેઓ વધુ હતાશા અને નિરાશા ફીલ કરી રહ્યા છે.

   નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ વધુ પડતું નથી, જિંદગીમાં ઘણા લોકો માટે ઘણું શકય નથી હોતું. પ્રેરણાનો એક અર્થ એ પણ છે કે લોકોને એ જે કરી શકે એમ નથી, તે મર્યાદાઓ પણ જણાવવી. પણ આજકાલ આ વધુ પડતી પ્રેરણા આપનારા લોકો ખાસ કરીને યંગ જનરેશનને ગલત રસ્તે લઇ જઇ રહ્યા છે. આવી મોટી મોટી વાતો સાંભળીને તેઓ પોતાની જાતને ઓવરસ્માર્ટ સમજવા લાગતાં હોય છે અને એ બાબત જ તેઓ માટે ખતરનાક સાબિત થતી હોય છે.

  કા તો એવી વાતો ચાલતી હોય છે કે ભણે એ જ આગળ વધે એવું જરૂરી નથી, તમારી અંદર બીજી કોઈ ક્ષમતા હોય તો પણ તમે આગળ વધી શકો છો, અરે યાર ક્ષમતા હોય તોના હોય તો..... તો ફરજિયાત ભણવું જ પડે છે. ડીગ્રીઓ લેવી જ પડે છે. સચિન તેંડુલકર, લતા મંગેશકર, ધીરુભાઈ અંબાણી, ભલે ઓછું ભણીને સફળ થયા છે, પણ એવી ક્ષમતા પણ હોવી જરૂરી છે ને?  તેઓ સમાજથી અલગ રહીને આપણને જીવવાનું કે સમાજથી અલગ રસ્તાઓ પકડીને આગળ વધવાનું શીખવે છે, પણ બધામાં એ ક્ષમતા હોતી નથી.

  જેવી રીતે આજના યુવાનો અને બાળકો પર માતા-પિતાની અપેક્ષાઓનું દબાણ હોય છે, તેમજ આવા મોટા મોટા વાક્યો પણ દબાણ ઊભું કરતાં રહે છે. માઇન્ડ મેનેજમેન્ટ શીખવતા શીખવતા તેઓ જ લોકોના માઇન્ડ પર હાવી થઈ રહ્યા છે.

  સંબંધોના મેનેજમેન્ટ બાબતે પણ આ લોકો પોતાના જ્ઞાનના ઓવરડોઝ લોકોને આપતા રહે છે. આમ કરાય અને આમ ના કરાય એની લાંબી યાદી તેઓ લોકો પર થોપતા રહે છે. જેઓ આપણને માફ કરીને શાંતિ મેળવી લેવાનું શીખવતા હોય છે, તેઓ પાછા તેઓની આસપાસ કામ કરતાં લોકોને નાની ભૂલ માટે પણ માફ કરવા તૈયાર નથી હોતા!

   જેમ દવાનો ઓવરડોઝ આપણને નુકસાન કરે છે, તેમજ મોટીવેશનનો ઓવરડોઝ પણ નુકસાન જ કરે છે. કોઈ શીખવે એમ જિંદગી જીવી શકાતી નથી. કારણકે દરેકની પરિસ્થિતી અને સમસ્યાઓ અલગ અલગ હોય છે.

  એમાં પણ જે ક્ષમતાઓ બાળકોમાં કે યુવાનોમાં છે જે નહી, એને તમે પ્રેરણા આપી આપીને કેવી રીતે બહાર લાવી શકશો?  આ સોસિયલ મીડિયા ને સેમિનાર્સના ચક્કરમાથી બહાર આવી જવાની જરૂર છે. ખુદને ઓળખી લઈએ બસ એટલું પૂરતું છે. તમને થશે તમે પણ મોટીવેશન આપવાનું ચાલુ કર્યું કે શું?

     

   

  

  

Friday 15 December 2023

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે.

 

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે. 

 Negative Effects of Parental Stress on Students - Bay Atlantic University -  Washington, D.C.

 

 

     હમણાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં  આપણી ટીમ હારી ગઈ, એનું સૌથી મોટુ કારણ હતું, આખા રાષ્ટ્રનું દબાણ. આપણે જીતવા જ જોઈએ, એવી આપણાં સૌની અપેક્ષાઓના ભાર હેઠળ ટીમ ઈન્ડિયા પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન ના કરી શકી. જિંદગીમાં નાના મોટા દબાણો સામે સૌ કોઈ ટકી જતાં હોય છે, પણ સતત અને એ પણ આપણે જાતે જ ઊભા કરેલા દબાણને ઘણીવાર આપણે જીરવી શકતા નથી.

  જીંદગી પ્રેશર કુકર જેવી બની ગઈ છે. આપણે સૌ એટલા બધા દબાણમાં જીવી રહ્યા છીએ કે એ ગમે ત્યારે ફાટી જવાનો ડર લાગ્યા કરે છે. આપણને બધુ જ ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. જમવાનું અને સફળતા પણ! વળી જેઓ જે તે ક્ષેત્રમાં સફળ ના થઈ શકે એમ હોય તેને પણ આપણે દબાણ કરતાં રહીએ છીએ. 90% થી 99.99% લાવનાર પણ દબાણમાં છે અને બિચારા જેઓને ભણવું નથી ગમતું તેઓ પણ દબાણમાં છે! તેઓ પર તો આખું ગામ તૂટી પડતું હોય છે. સફળ થઈ ગયેલાઓને એ સફળતા ટકાવી રાખવાનું દબાણ છે અને જેઓ સફળ નથી તેઓને સફળ થવાનું દબાણ છે.

   સ્ત્રીઓ પર કુટુંબને દીકરો આપવાનું દબાણ છે અને દીકરીઓ પર તો દબાણનું એક આખું લાંબુ લિસ્ટ થોપી દેવામાં આવ્યું છે. બાળક હજી તો ચાલતા શીખે ત્યાં નિશાળના પગથિયાં ચડવાનું દબાણ છે. તેના પર તો બાજુવાળાના બાળકોને આવડતું બધુ જ શીખી લેવાનું દબાણ છે, એ દબાણમાં ને દબાણમાં તો તેઓનું બાળપણ બિચારુ ડૂસકાં ભરતું ભરતું ક્યાંક ખોવાઈ ગયું છે. આજે જ એક સર્વેમાં વાંચ્યું કે અમેરીકામાં માતાપિતા બાળકોના સુખ પર વધુ ધ્યાન આપે છે, જ્યારે ભારતમાં બાળકોના સફળ થવા માટે વધુ ભાર આપવામાં આવે છે.

  લગ્ન અને બીજા સારા પ્રસંગોએ સૌથી સારો પૈસાનો બગાડ કોણ કરે? એ દબાણ હોય છે. અરે પ્રસંગોમાં ક્યારેક ધ્યાનથી સાંભળીશુ તો જાણી શકીશું કે વર-વધુથી લઈને સગા-સંબંધીઓ બધા પર સારા કપડાં પહેરવાનું કે સારા દેખાવાનું જબરદસ્ત દબાણ હોય છે. વળી દરેક પ્રસંગોમાં બીજા કરતાં અલગ શું કર્યું? એ દબાણ તો આખા પ્રસંગની આન, બાન અને શાન બની રહેતું હોય છે! અરે દૂ:ખદ પ્રસંગોએ રડવાનું પણ દબાણ હોય છે! જાણે આંસુઓ એ લાગણીઓનો મોટો માપદંડ હોય એવું લાગતું રહે છે.

  મોટા ભાગના સંબંધો અપેક્ષાઓના બોજ હેઠળ દટાઈ રહ્યા છે. એકબીજા પર લાગણીઓને બદલે આપણે અપેક્ષાઓ જ જાણે કે થોપી રહ્યા છીએ. એ અપેક્ષાઓના દબાણને લીધે લોકો આજકાલ સંબંધોથી ભાગતા થઈ ગયા છે. સંબંધોનું દબાણ માણસને માનસિક બીમારીઓ તરફ ધકેલી રહ્યું છે. કોઈ કોઈને જોઈતી સ્પેસ નથી આપી રહ્યું ને પરિણામે સંબંધોમાં ગેપ વધી રહ્યો છે.

   પુરુષો પર ઘરની તમામ જરૂરી ઓછી ને બિનજરૂરી વધારે એવી તમામ જવાબદારીઓ પૂરું કરવાનું દબાણ છે. બીજા કરતાં વધુ હાઇ-ફાઈ જીવન એ જાણે કે આપણી પ્રાથમિકતાઓ બની ગઈ છે. અને તેના દબાણ હેઠળ પુરુષો રીતસરના કચડાઈ રહ્યા છે. સમાજમાં વધી રહેલો ભ્રષ્ટાચાર પણ આ દબાણનું જ પરિણામ છે. આ દબાણને લીધે જ મોટા ભાગના ઘરોમાં ઝઘડાઓ વધી રહ્યા છે. કામના સ્થળે ટાર્ગેટસ પૂરા કરવાનું દબાણ તો કાયમ હોય જ છે.

  શિક્ષણથી માંડીને ધર્મ સુધી અને ધર્મથી લઈને કર્મ સુધી દરેક બાબતોમાં દબાણ જ દબાણ જ અનુભવાય રહ્યું છે. સમાજને અનુરૂપ થવાનું દબાણ ઘણા જીરવી શકતા હોતા નથી ને પરિણામે તેઓ પોતાનું શ્રેસ્ઠ જીવન જીવી શકતા નથી. ઘણીવાર આર્થિક અને સામાજિક દબાણ એટલું બધુ વધી જતું હોય છે કે હસતી રમતી વ્યક્તિઓ મૃત્યુ તરફ ધકેલાઇ જતી હોય છે. વૈચારિક રીતે આપણે હજી બહુ બદલાયા નથી. ને પરિણામે ધર્મ, રીત-રીવાજો, પરંપરાઓ, વગેરેના દબાણ હેઠળ લોકો એટલા કચડાઈ જતાં હોય છે કે શ્વાસ રુંધાઇ જતાં હોય છે. 
       મોટા ભાગના લોકો આ દબાણ હેઠળથી નીકળી જવા માંગે છે, પણ નીકળી શકતા નથી. આ દબાણને કારણે જ આપણે આજે અનેક રોગોને આમંત્રણ આપી ચૂક્યા છીએ. જે રોગો પ્રાચીન સમયમાં ક્યારેક જ થતાં હતા, તેવા રોગો આજે રૂટિન બની ગયા છે. દબાણને કારણે આપણે આપણી શારીરિક અને માનસિક ક્ષમતાઓને પૂરેપુરી નથી ખીલવી શકતા. બાળકો પર તો દબાણની ગઝબ અસરો થતી હોય છે. 
  દબાણ મુક્ત ભારત આજની તાતી જરૂરિયાત છે...... 

 

  

 

 

 

Wednesday 6 December 2023

ઓપરેશન ‘જીંદગી’ બોધપાઠ લઈશું ખરા????

 

ઓપરેશન ‘જીંદગી’  બોધપાઠ લઈશું ખરા????

 ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ધરાશાયી થયેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41  શ્રમિકોને બચાવવાનું કામ હજુ પણ ચાલુ છે

 

    જીંદગીથી મોટું સસ્પેન્સ થ્રીલર નથી. ક્યારે કઈ ક્ષણે શું થશે? એ આપણે જાણી શકતા નથી અને એટલે જ આ થ્રીલર જીવવાની અને ઝીલી લેવાની મોજ જ કઈક અલગ છે. જિંદગીમાં નિરાશા કરતાં આશા હમેંશા બે કદમ આગળ હોય છે. દરેક અંધકારની ટનલના છેડે પ્રકાશનું એક કિરણ હોય છે. જિંદગી આશા, શ્રદ્ધા અને ઉમીદોથી જીવવાથી વધુ સારા અને હકારાત્મક પરિણામો મેળવી શકાતા હોય છે.

   41 પરિવારો અને 140 કરોડ ભારતવાસીઓની આશા અને આશીર્વાદને લીધે 41 જીંદગીઓ 17 દિવસો સુધી મૃત્યુ સામે લડીને જ્યારે બહાર આવી, ત્યારે તેઓના ચહેરા પરનું સ્મિત, એ હાસ્ય જ મિત્રો ઈશ્વર હોવાનો સંકેત છે! તેઓની એ 17 દિવસોની લડતને શત શત વંદન!

  12મી નવેમ્બરે દેહરાદૂનના સિલ્કયારામાં ટનલનો એક ભાગ તૂટી જવાના કારણે, ટનલની અંદર કામ કરતાં 41 કામદારો ફસાઈ ગયા હતા. 17 દિવસોની મહેનત બાદ આપણી રેસક્યું ટીમે રેટ માઇનિંગ દ્વારા તેઓને નવજીવન આપ્યું. આ 17 દિવસો દરમિયાન ટનલમાં એક નાની પાઇપલાઇન દ્વારા તેઓને ખોરાક, પાણી, ઑક્સીજન, દવાઓ વગેરે સુવિધાઓ પહોંચાડવામાં આવી.

  મોનું કુમાર, વકીલખાન, ફીરોઝ, મુન્ના કુરેશી, પરસાદી લોધી અને વિપિન રાજપૂત આ પાંચ રેટ માઇનર્સ સૌથી પહેલા તે લોકો સુધી પહોંચ્યા. 17 દિવસો સુધી આસપાસના તમામ લોકોની મદદ થકી આ 41 જિંદગીઓને આપણે પુનર્જન્મ લેતા જોઈ. રોજે રોજ કોઈ સસ્પેન્સ થ્રીલરની જેમ આપણને સોસિયલ મીડિયા પર અપડેટ્સ મળતી રહેતી હતી. એ લોકો સાથે કોઈપણ જાતનો સંબંધ ના હોવા છતાં આપણે સૌ પણ તેઓના જીવ બચી જાય એ માટે પ્રાર્થના કરતાં હતા. આ જ ધર્મની સાચી પરિભાષા છે. જે આપણે મોટા ભાગના સમયે ભૂલી જતાં હોઈએ છીએ.

  આ લોકોને બચાવવા જે જે લોકોએ અથાક પ્રયાસો કર્યા તેઓનો ધર્મ ક્યો હતો? શું એ પ્રશ્ન આપણાં મનમાં ત્યારે ઉદભવ્યો હતો? નહી ને, તો પછી ધર્મના નામે આપણે શા માટે લડતા ઝઘડતાં રહીએ છીએ? સંકટના સમયે એકબીજાને મદદ કરતી વખતે આપણે ક્યારેય એકબીજાના ધર્મ અંગે કોઈ પ્રશ્નો નથી કરતાં હોતા. આ ફીલિંગ આપણે અગાઉ પણ જ્યારે જ્યારે કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓનો સામનો કર્યો છે, ત્યારે ફીલ કરી છે. આ ફીલિંગ સામાન્ય સંજોગોમાં આપણાં અંદરથી ડિલીટ થઈ જતી હોય એવું લાગે છે.

  જે લોકો જેહાદનો સાચો અર્થ ભૂલી ગયા છે, તેમણે સમજી લેવાની જરૂર છે કે કોઈપણ ધર્મ ક્યારેય બીજાને મારી નાખવાની પ્રક્રિયાને જેહાદ માનતો નથી. ધર્મ તો લોકોને નવજીવન આપવામાં માને છે. માનવતા એ જ ધર્મ છે, એવું આવી ઘટનાઓ આપણને સ્પષ્ટ રીતે સમજાવતી હોય છે, પણ આપણે એ સમજણને ધર્મના જુનુનની આડમાં ભૂલી જતાં હોઈએ છીએ.

  ઉપરની ઘટનાને આપણે આપણી જિંદગી સાથે જોડીને જોઈશું તો સમજાશે કે આપણે સૌ પણ સમસ્યાઓની, મુશ્કેલીઓની ટનલમાં આમ જ ફસાઈ જતાં હોઈએ છીએ. ઘણીવાર આપણને પણ બહાર નિકળવાનો રસ્તો સુઝતો નથી હોતો, તે સમયે યાદ રાખીએ કે લડતા રહીશું તો દરેક સમસ્યાનો ઉકેલ મળી રહેશે. એકદિવસ આપણે પણ એ અંધકારની ટનલમાથી બહાર નીકળી શકીશું. જ્યાં સુધી આપણે હારતા નથી કોઈ આપણને હરાવી શકતું નથી. ટનલમાથી બહાર આવેલી વ્યક્તિઓએ પોતાના જે અનુભવો સોસિયલ મીડિયા પર શેર કર્યા એ એકવખત ખાસ ફીલ કરી લેજો. મૃત્યુ સામે હોય અને મોર્નિંગ વોક અને યોગાના વિચારો ત્યારે જ આવે, જ્યારે આપણે લડતા રહેવા તૈયાર હોઈએ.

  આ 41 કામદારો નસીબદાર હતા કે બચી ગયા, આવી ટનલોમાં કામ કરતાં લાખો મજૂરો પોતાની રોજી રોટી માટે રોજ જીવ હથેળીમાં લઈને કામ કરતાં હોય છે. સરકાર આ ઘટનાની તપાસ કરાવશે પણ એને માટે જવાબદાર લોકોને સજા મળશે ખરી? છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટનલ 20વાર આવા અકસ્માતો થયા છે, એટલું જ નહી, સેંકડો કામદારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. શું વિકાસની આંધળી દોડ સામે આપણે માનવ જિંદગીઓને પણ દાવ પર લગાવી રહ્યા છીએ? કુદરત સામેની આ લડાઈ આપણને મોંઘી ના પડી જાય? હિમાલયની સુંદર પર્વતમાળાઓને આપણે માણસો માટે જોખમી શા માટે બનાવી રહ્યા છીએ? કુદરત સાથેના આપણાં ગાઢ સંબંધોને આપણે શા માટે બગાડી રહ્યા છીએ?

     આ કેટલાક બોધપાઠ છે, જે આ અને આવી દુર્ઘટનાઓમાથી આપણે લઈ શકીએ એમ છીએ. લેવા ના લેવા આપણી પર નિર્ભર કરે છે! આપણે આઝાદ દેશના નાગરિકો છીએ ને?

 

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...