Friday 24 July 2020

માસિક ધર્મ અને આપણે,









Vedas don't portray menstruating women as impure. Why should we?



માસિક ધર્મ અને આપણે,

        માસિક-ધર્મ, આ ધર્મ માત્ર સ્ત્રીઓને જ પાળવાનો હોય છે. દરેક સ્ત્રીના જીવન સાથે આ ધર્મ અતૂટ રીતે સંકળાયેલો હોય છે. આમ તો આ ધર્મ સ્ત્રીના જીવન સાથે સાથે આખી દુનિયાના અસ્ત્તિવ સાથે જોડાયેલો છે. પણ છતાં આખી દુનિયા તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે, અને વળી આ ધર્મથી ધર્મ-સ્થાનો પણ દૂર ભાગે છે! પણ હવે સ્ત્રીઓ સાથે જોડાયેલો છે, એટલે આપણે ચર્ચા કરીએ. 

અત્યારે સ્ત્રીઓ સાથે જોડાયેલું બધુ આમપણ બહુ ચર્ચામાં છે! વેલ મિત્રો માસિક ધર્મને હવે આપણે પિરિયડ્સ તરીકે આગળ ચર્ચામાં લઈશું. ગયા વર્ષે, જ્યારે આપણે કોરોનથી અજાણ હતા, ત્યારે તમને સૌને યાદ હોય તો એક મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ બાબતે માથાકૂટ ચાલતી હતી. અને એ મંદિરનુ નામ હતું, શબરીમાલા મંદિરનુ નામ સ્ત્રીના નામ પરથી પણ તેમાં સ્ત્રીઓને જ જવાની મનાઈ! કારણ સ્ત્રીઓ માસિક-ધર્મમાં બેસતી હોય એટલે અછૂત ગણાય અને અછૂત સ્ત્રીઓ મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આવું માત્ર ભારત નામના દેશમાં જ બની શકે! 

આપણા એકેય શાસ્ત્રમાં ક્યાય પિરિયડમાં થતી સ્ત્રીઓના ધર્મસ્થાનોમાં પ્રવેશની મનાઈ છે, એવું લખેલું નથી. સ્ત્રીઓને સ્ત્રીત્વ સાથે મંદિરમાં પ્રવેશવાની મનાઈ! ધર્મના નામે ઝડતા આચરવાની આપણને ટેવ પડી ગઈ છે. અને અમુક ટેવો આપણે ગમે તેટલા આગળ વધી જઈએ, છૂટતી હોતી નથી. ત્યાં ને ત્યાં રહી જવાની આપણને આદત પડી છે અને આજે આપણે ટેકનો એજમાં આવી ચૂક્યા છીએ, પણ આ પૂર્વગ્રહ છૂટતા નથી.

નાના હતા ત્યારે, આવી સ્ત્રીઓ વિષે અડેલી એવો શબ્દ વપરાતો. ઘરમાં કોઈ સ્ત્રી પિરિયડમાં થાય એટલે અમે પાળીએ છીએ એમ કહી ત્રણ કે પાંચ દિવસ તેને ક્યાય અડવા દેવામાં ના આવતી! તેના વાસણો અલગ, સુવાનું અલગ, ઘરના મંદિરમાં નો-એન્ટ્રી! ધર્મ-સ્થાનોમાં જવાની મનાઈ! કોઈ માતાને તેના સંતાનો પણ અડી ના શકતા!  હા લોહીથી ખરડાયેલા વસ્ત્રો જોવા મળતા!  આપણે પૂછી બેસતા, આ બધુ શું? અને જવાબ મળતો મોટા થશો એટલે ખબર પડી જશે. આપણે આતુરતાથી મોટા થવાની રાહ જોઈને બેસી રહેતા! કોઈ સમજાવતું નહીં, કે આ બધુ શું છે? 

આમપણ આવી જાણવા જેવી વાતો આપણે ત્યાં કરવી વર્જ્ય ગણાય છે! અને એક દિવસ સ્કૂલમાં કોઈ બીજી છોકરીના કે આપણા કપડાં લોહીથી ખરડાય અને આપણે ઘરે આવીને મમ્મીને કહીએ એટલે મમ્મી સમજાવે કે આપણે સ્ત્રીઓના માસિક ધર્મમાં પ્રવેશી ગયા છીએ. આપણામાં થતાં હોર્મોનલ ચેંજિસ, મૂડ-સ્વિંગ, શારીરિક દૂ:ખ, આ માસિક ધર્મ સાથે સંકળાયેલું છે, એવું કોઈ શીખવતું નથી.

 હવે આપણે પણ ત્રણ દિવસનો વનવાસ સહન કરવાનો! શરૂમાં શરૂમાં તો એવી બીક લાગે કે બે-ત્રણ દિવસ સ્કૂલે જતાં પણ ડર લાગે! બસ એટલી જાણકારી મળે કે હવે પેડ રાખવાનું છે અને ડર મહિને આ મહેમાન ઘરે આવવાના છે! ધ્યાન રાખવાની દરેક ટિપ્સ મમ્મી આપે પણ આને લગતી બીજી કોઇ ચર્ચા કરવાની હવે મનાઈ! મમ્મીઓ પણ કશું ના સમજાવવાની આ પરંપરાને આગળ વધારતી રહે. તમને થશે હું ક્યાં જમાનાની વાતો કરી રહી છુ તો કહી દઉં કે આ આજના જમાનાની જ વાત છે! આપણી રહેણી-કરણી અને પહેરવેશ બદલાયા છે, પણ માનસિકતા તો હજી ત્યાની ત્યાં જ છે.

આપણામાથી કેટલી સ્ત્રીઓ આજે પણ પિરિયડ દરમિયાન ધર્મ-સ્થાનોમાં જઇ શકે છે? કે કેટલી મમ્મીઓ પોતાની દીકરીઓને આ સમય દરમિયાન ધર્મ-સ્થાનોમાં જવા દે છે? અરે કેટલી સ્ત્રીઓ પોતાની દીકરીઓને બાજુમાં બેસાડી દીકરીમાં થતાં શારીરિક અને માનસિક ફેરફારોને સમજાવે છે? અરે લીટરલી ઘણી સ્ત્રીઓને તો એવું લાગે છે કે પિરિયડમાં થવું એ કોઈ પાપ કે અપરાધ છે! અરે જો આપણે આવું જ માનતા રહીશું તો આ દુનિયામાં દરેક વ્યક્તિનો જન્મ પાપ કે અપરાધ ગણાશે! કેમ ખરું ને? એના કરતાં આપણે દીકરીઓને સમજાવતા કેમ નથી કે,

હકીકતમાં તો સ્ત્રીઓનું સ્ત્રીત્વ જ આનાથી આકાર લેવાનું શરૂ કરે છે. મારે તને પહેલા જ સમજાવી દેવાની જરૂર હતી, પણ સમયના અભાવને લીધે, હું ઘણું-બધુ તારી સાથે શેર કરવાથી રહી ગઈ છુ. બેટા આજે તું પહેલીવાર પીરિયડસમાં થઈ છો. આ ત્રણ દિવસ,પાંચ દિવસ કે વધુ પણ ચાલશે. હજી તને વધુ બ્લીડિંગ પણ થશે, શરીરમાં દર્દ પણ થશે, તારા માનસિક હોર્મોન્સ પણ ઇમ-બેલેન્સ થશે, અને હવે દર મહિને તને આવું થશે. આપણો ધર્મ એને માસિક ધર્મ કહે છે, પણ ધર્મ માનતો નથી. 

હવે તને ત્રણ દિવસ ધર્મ-સ્થાનોમાં જવા પણ દેવામા નહીં આવે. જો કે હું આવું બધુ માનતી નથી,પણ ત્રણ દિવસ તું આપણા ઘરના મંદિરમાં પણ નહી જતી. આમ તો આ ઘટના સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, પણ આપણે ધર્મ સાથે જોડી દીધી છે, જો કે બેટા આપણા પૂર્વજો ધર્મને જ વિજ્ઞાન માનતા અને તેઓએ સ્ત્રીઓની આ સમય દરમિયાનની પીડા અને દર્દ માટે ત્રણ દિવસના સંપૂર્ણ આરામની વ્યવસ્થા કરી, અને તેના માટે એ લોકોએ એવું નક્કી કર્યું કે ત્રણ દિવસ સુધી સ્ત્રી કશું કામ ના કરે અને ઘરમાં એક જગ્યાએ શાંતિથી આરામ કરી શકે! 

ભગવાનના રૂમમાં નહીં જવાનું એવું તો મને ખબર નથી કે કોણે શીખવ્યું?, પણ એ માન્યતા હવે એવો પૂર્વગ્રહ બની ગઈ છે કે લોકો એને સ્ત્રીની જિંદગીમાથી કાઢવાનું નામ લેતા નથી. આ દિવસોને અપવિત્ર સમજવાનું કોણે શરૂ કર્યું એ ઇતિહાસ તો મને પણ ખબર નથી. હું નાની હતી ત્યારે મારા મમ્મીએ મને સમજાવેલું, આજે હું તને સમજાવી રહી છુ.

 રહી વાત જૂના ગાદલાં-ગોદડાંમા સુવાની, તો બેટા કોઈ સ્ત્રીને બહુ બ્લીડિંગ થતું હોય તો તેના માટે આ વ્યવસ્થા રહેતી. ત્યારે જ્યારે કોઈ છોકરીને વધુ પડતું બ્લીડિંગ થતું તો બ્લડને લીધે, નવા ગાદલાં-ગોદડા બગડી જતાં! એટલા માટે છોકરીઓને જૂના ગાદલાં-ગોદડાંમાં સુવડાવતા પણ હવે તો આપણી પાસે સેનેટરી પેડ છે, એટલે એવી કોઈ જરૂરિયાત નથી રહી. ચલ તને હવે પેડ કેમ રખાય? એ શીખવું.  હું સ્કૂલે જઈશ તો મારા કપડાં નહીં બગડે ને? બેટા ચિંતા નહીં કરવાની સાથે બીજું પેડ રાખવાનું, જરૂર પડે તો વોશ-રૂમમાં જઇ બદલાવી આવવાનું. પેટમાં દૂ:ખે કે બીજી કોઈ શારીરિક પીડા થાય તો ટીચરને કહી દેવાનુ. આ દિવસોમાં મન ઉદાસ રહે તો મને કહી દેવાનું. રડવાનું નહીં, 

આ દિવસો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા જ રહેવાના છે, એને સ્વીકારી લેવાના! થોડા મહિનાઓમાં તું પણ ટેવાય જઈશ. મોમ આ બધુ કેટલા વર્ષ ચાલે? બેટા દરેક સ્ત્રીમાં આ સમયગાળો અલગ અલગ હોય છે. પણ મોટા ભાગે ચાલીસ પિસ્તાલીશ વર્ષો બાદ ધીમે ધીમે જતું રહે છે. એને મેનોપોઝ વિષે પણ સમજાવી દઈએ.

કેટલી સરળ વાતને આપણે અઘરી કરી દીધી છે! હવે આવી કોઈ જ જરૂર નથી. આપણે પિરિયડમાં થઈને પણ ધર્મ-સ્થાનોમાં જઇ શકીએ છીએ. આ બધુ કુદરતી છે. અને આપણે સૌએ સ્વીકારી લેવાનું છે, પણ આપણે હજી એ જૂની ઘરેડમાથી બહાર આવતા નથી. સ્ત્રીઓને શા માટે મંદિરોમાં જવા લડવું પડે? ખરેખર અમુક ઝડ માન્યતાઓને આપણે છોડી દેવાની જરૂર છે. આપણા પૂર્વજોએ વિજ્ઞાનને ધર્મ સાથે જોડી આપણને સમજાવ્યા તો આપણે ધર્મ પાછળ નું વિજ્ઞાન સમજવાનું છોડી દીધું!

માત્ર જીન્સ પહેરવાથી કે ટૂંકા કપડાં પહેરવાથી કોઈ આધુનિક નથી થઈ જતું હોતું! એના માટે મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓને છોડવી પડે છે, ભુલાવવી પડે છે. માસિક ધર્મ વિષેની આપણી માન્યતાઓને બદલવાનો સમય આવી ગયો છે! સ્ત્રી તરીકે તો ખાસ! સ્ત્રીઓ સ્ત્રીઓને સમજશે તો સમાજની સ્ત્રીઓ વિષેની માન્યતાઓ જલ્દી બદલી શકીશું!

  “Women complain about premenstrual syndrome, but I think of it as the only time of the month that I can be myself.”

― Roseanne Barr

 

 

 

 


Sunday 12 July 2020


 

 

 

 

 

 

અમુક લેખોને કોઈ શિર્ષકની જરૂર નથી હોતી. અમુક વ્યક્તિત્વો જ એવા હોય છે, જેને તમે આલેખો એટલે શબ્દો પણ ઓછા પડે! ‘larger than life’ એવું આપણે ઘણા લોકો માટે કહેતા હોઈએ છીએ. એકવાર મે મારી એક સંસ્કૃત શીખવતી ફ્રેંડને પૂછેલું “ મોક્ષ એટલે શું?” અને તેને મને જવાબ આપેલો કે તમે તમને સોંપેલું કામ પૂરેપુરી પ્રતિબદ્ધતા અને કર્તવ્ય-નિષ્ઠાથી કરો અને જે શાંતિ પ્રાપ્ત થાય એ મોક્ષ! છે ને મિત્રો જીવનમાં ઉતારવા જેવી વાત. મોટાભાગના લોકો નથી ઉતારતા અને એટલે તેઓને ઈશ્વરને શોધવા કે મળવા ધર્મ-સ્થાનોમાં જવું પડે છે, પણ જેઓ પોતાની ફરજને શ્રેષ્ઠ રીતે નિભાવે છે, તેઓને ઈશ્વર ખુદ શોધતા આવે છે. તેઓ માટે પોતાનું કામ એ જ તેઓની પૂજા હોય છે. આવા લોકો પોતાને સોંપેલું કામ પૂરેપુરી એકાગ્રતા અને કુશળતાથી કરતાં હોય છે. આપણે જીવનમાં સફળ થવા ઇચ્છતા હોઈએ છીએ. પણ એ નથી સમજતા કે સફળતા માત્ર સેલિબ્રેટી બનવામાં નથી હોતી. આપણે આપણા રોજના કાર્યને શ્રેષ્ઠ રીતે કરતાં રહીશું, તો પણ સફળ જ હોઈશું. સફળતાના માપદંડો ભલે સમાજ નક્કી કરે, પણ એનો એક છેડો ઈશ્વર પોતાની પાસે પણ રાખે છે. અને એ છેડા પર જ્યારે કામ આવીને અટકે, આપણે ધર્મમાં ઉતરવાની જરૂર નથી રહેતી, ધર્મ જ આપણામાં ઉતરી જતો હોય છે.

    આજે આપણે જે વ્યક્તિની વાત કરવાના છીએ, એ કોઈ સેલિબ્રેટી નથી, પણ તેણે પોતાના કામને ઉત્સવ બનાવી એવી મસ્ત રીતે સેલીબ્રેટ કર્યું છે કે આપણે સૌએ પણ તેઓના જીવનમાથી એ શીખવાનું છે કે કોઈ કામ કદી નાનું કે મોટું નથી હોતું. આપણે જો કોઈપણ કાર્યને આપણા અસ્તિત્વ અને વ્યક્તિત્વ સાથે જોડી દઇશું, તો એ કામ યજ્ઞ બની રહેશે. અને યજ્ઞ થકી જીવનનું વાતાવરણ હમેંશા શુદ્ધ જ રહે છે! હવે આપણી આજની વ્યક્તિ પર આવીએ, તમને પેલા થોડો પરિચય આપી દઉં,

   નામ :  ડી. સિવન કુનૂરે

   ગામ: કુનનુર ( તમિલનાડુ)

   કામ : ટપાલી

હવે તમને થશે, ટપાલી વિષે આજે હું લખી રહી છુ, મે તમને આગળ જ કહ્યું આપણે એક સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિ વિષે લખવાનું છે. તો ચાલો એક સંઘર્ષ-કથાની સફરે.......

  સ્ટીવ જોબ્સે તેમની આત્મ-કથામાં એક સરસ વાક્ય લખ્યું છે, “ કા તો ગમતું કામ કરો અને નહીં તો કામને ગમતું કરો.” આ સંઘર્ષ-કથાના નાયકે કામને ગમતું કર્યું છે. અત્યારે તો ઝડપી પ્રત્યાયનનો જમાનો છે, પત્રોનું સ્થાન એ-મેઇલ જેવી સર્વિસે લઈ લીધું છે. પણ હજી આપણા જીવનમાં ટપાલીનું સ્થાન અકબંધ રહ્યું છે. જ્યારે આ ઝડપી સર્વિસો નહોતી ટપાલી કુટુંબનો એક સભ્ય ગણાતો! મોટા-મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ટપાલી સારા અને ખરાબ સંદેશાઓ પહોચાડતાં. લોકો તેમની રાહ જોઈ બેસતાં. એમાં પણ કોઈ પ્રિય વ્યક્તિનો પત્ર આવવાનો હોય, ત્યારે તો ઘણા ડેલીએ જ બેસી રહેતા! વળી કોઈ ગામમાં કોઈ વ્યક્તિને વાચતાં ના આવડતું હોય તો એ સંદેશ વાચવાનું કામ પણ ટપાલી જ કરતો. આમ ટપાલી લોકોના સુખ-દૂ:ખ સાથે જોડાયેલું પાત્ર હતું.

  આજે આપણે જે ટપાલીની વાત કરી રહ્યા છીએ, એ ટપાલીએ સતત 30 વર્ષો સુધી અટક્યાં વિના લોકોને પત્રો પહોંચાડવાનું કામ કરેલ છે. ડી.સિવને દુર્ગમ વિસ્તારોમાં અત્યાર સુધીમાં હજારો લોકોને પત્રો પહોચાડયા છે. તેઓને રોજ જંગલોમાથી પસાર થવું પડતું. ઘણીવાર તો જંગલી પ્રાણીઓ પણ તેઓની પાછળ પડતાં. પણ તેઓ અટકતા નહીં. એટલું જ નહીં, તેઓ રોજ 15 કિમી ચાલતા અને પત્રો પહોચાડતાં! એમનો રસ્તો એકદમ ભયજનક હતો, ત્યાં પાકી સડકો નથી, ગમે ત્યારે લપસી જવાનો પણ ડર રહે છે, પણ તેઓ પોતાના કામમાથી ક્યારેય લપસ્યા નહીં. ચાલતા જ રહ્યા ચાલતા જ રહ્યા! તેઓના લીધે 30 વર્ષોથી લોકો એક-બીજાના સંપર્કમાં રહી શક્યા. તેમણે પોતાના જીવના જોખમે લોકોને સંદેશાઓ પહોંચાડવાનું કામ કર્યું. અને મિત્રો જ્યાં તમારું કામ બોલતું હોય, તમારે બોલવું પડતું નથી. આવી કર્તવ્ય-નિષ્ઠા નિભાવી હમણાં જ તેઓ નિવૃત થયા. અને આપણને સૌને શીખવતા ગયા કે જો કોઈપણ કામ પ્રતિબદ્ધતાથી કરવામાં આવે તો એ કામ બીજા લોકોને પણ કામ કરવાની પ્રેરણા આપી શકે છે. આ ટપાલીએ આપણા સૌ સુધી એક સંદેશો પહોંચાડ્યો છે કે

योग: कर्मसु कौशलम्

કેટલાક લોકોને કામ કરતાં કરવા કોઈપણ પ્રકારના કેમેરાની જરૂર હોતી નથી. તેઓ પોતાનું કામ એટલી નિષ્ઠાથી કરતાં હોય છે કે તેઓનું કામ જ તેઓના વ્યક્તિત્વથી મોટું બની રહે છે. આપણામાં રહેલી શ્રેષ્ઠતા આપણા કામ થકી જ બહાર આવતી હોય છે. માટે સોંપેલું કામ કરતાં રહીએ. કોઈપણ વ્યક્તિમાં રહેલી હકારાત્મકતા આપણા જીવનમાં માર્ગદર્શક બની રહેવી જોઈએ. જીવનમાં જે વ્યક્તિ પાસેથી જે શીખવા મળે શીખી લેવું જોઈએ. એક ટપાલી જો પોતાના કામને આટલું મહત્વ આપી શકતા હોય તો આપણે કેમ નહીં? આપણે પણ આપણને સોંપેલું કામ પૂરેપુરી કર્તવ્ય-નિષ્ઠાથી કરીએ.

  આવા કામને બિરદાવવું પણ જોઈએ. ભારતીય ડાક વિભાગે ડી.સીવનના કામને સલામ કરી છે. ત્યાની આઈ.એ.એસ. અધિકારી સુપ્રિયા સાહુએ તેઓના કામની ખાસ નોંધ લીધી છે. તેમણે નિવૃતિ તો લઈ લીધી, પણ તેઓના કામને લોકો કાયમ યાદ રાખશે. ગમે તેવી પરિસ્થિતિમાં કામને વળગી રહેવું એ જ આપણી ઈશ્વરને આપેલી સૌથી મોટી ભેટ છે. ભગવદ-ગીતા માત્ર વાચવાથી કે મોઢે રાખી લેવાથી કશું થતું નથી, એને જીવનમાં પણ ઉતારવી રહી. અને આ વ્યક્તિએ શ્રી-કૃષ્ણ ભગવાને આપેલ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. વ્યક્તિ પોતાના કામ થકી જ મહાન બનતી હોય છે.

ગૂગલ કે વિકેપીડિયામાં આ વ્યક્તિત્વ તમને સર્ચ કરવાથી નહીં મળે. એને તો આપણે આપણાં કામમાં શોધવા પડશે. જીવનમાં પ્રેરણા કોઈ સાઇટ પરથી ડાઉન-લોડ કરી શકાતી નથી. એને સતત કામ કરતાં રહી અપલોડ કરવી પડે છે.

30 વર્ષો સુધી પોતાની અવિરત સેવા આપનાર આ કર્મ-યોગીને સત સત વંદન!

 

 

 

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

(द्वितीय अध्याय, श्लोक 47) 


તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...