Wednesday 30 August 2023

શું દીકરીઓ એટલી બધી ખર્ચાળ છે, કે આપણે તેઓને 'અફોર્ડ' કરી શકતા નથી!!!

 

 

 શું દીકરીઓ એટલી બધી ખર્ચાળ છે, કે આપણે તેઓને 'અફોર્ડ' કરી શકતા નથી!!!




સ્ત્રીનો સંઘર્ષ તેના અસ્તિત્વના સંઘર્ષથી જ શરૂ થતો હોય છે. પ્રથમ સંઘર્ષ તો ત્યારથી જ શરૂ થઈ જતો હોય છે, જ્યારથી તેણી માતાના ગર્ભમાં છે, તેવી જાણ માતાને અને ઘરના લોકોને થાય છે. આ ગર્ભમાં રહેલો જીવ ઉછેરવો કે ના ઉછેરવો? એ પ્રશ્નનો ઉકેલ મેળવવામાં કેટલા બધા લોકોની જરૂર પડે છે?

અને પછી એકદિવસ નક્કી થાય છે કે હવે આ દીકરી નથી જોઈતી! અને માતાને ભ્રૂણહત્યા માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવે છે, એ દીકરીનો સંઘર્ષ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. આવું હજી પણ આપણા સમાજમાં નિયમિત રીતે થઈ રહ્યું છે. સંપતિના અને કુળના વારસદાર તરીકે પુત્રનો જન્મ આજે પણ આપણા સમાજમાં ફરજિયાત વિષય છે!

  ઇ.સ. 1990માં નોબલ પુરુસ્કાર વિજેતા ડો.અમર્ત્ય સેને પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓના ઘટતા જતાં પ્રમાણને લઈને ચેતવણી આપી હતી. ભ્રૂણહત્યાને કારણે કુદરતી રીતે સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ અસંતુલિત થઈ રહ્યું છે. વિશ્વના અમુક વિસ્તારોમાં સ્ત્રીઓનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. ભારતમાં જ દરરોજ 2000 ભ્રૂણહત્યાઓ થાય છે.  અને સરકારના અથાક પ્રયાસો છતાં છેલ્લા રીપોર્ટ મુજબ ભારતના 17 રાજ્યોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે!

    ભારતમાં દીકરીઓના જન્મને ખર્ચાળ ગણવામાં આવે છે, જાણે કે દીકરીઓનો જન્મ લગ્ન કરવા માટે જ થયો હોય તેવું માનીને માતા-પિતા દીકરીના જન્મતાવેંત જ તેના લગ્ન અને દહેજ માટેની તૈયારીઓ કરવા લાગે છે! તેઓ માટે દીકરી એક એવી જવાબદારી છે, જે ઝડપથી પૂરી થઈ જાય તો સારું એવું તેઓ માનતા હોય છે. આપણા સમાજમાં સ્ત્રીઓને સોસાયટીની ઉત્પાદક સભ્ય નથી માનવામાં આવતી! તેણીના ઘરકામની કોઈ આર્થિક કિંમત જ નથી!

  ભણેલા અને ધનિક કુટુંબોમા ભ્રૂણહત્યાઓ સૌથી વધુ થાય છે! એક પાસે અલ્ટ્રા-સાઉન્ડ ટેકનૉલોજિની જાણકારી છે અને બીજા પાસે તેનો ઉપયોગ કરી શકે એટલું ધન છે! ઘણા ધનિક કુટુંબોમા હજી આજે પણ વહુ માટે કુટુંબને વારસદાર આપવાનું દબાણ છે, અનેક વખત ગર્ભપાત કરાવવો ફરજિયાત છે. પણ પુત્ર થવો જોઈએ!

 એકને જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે, અને એકને જન્મ સાથે જ ખાસ સ્ટેટસ મળી જતું હોય છે. આપણે સમાજ તરીકે ગમે તેટલા લેટેસ્ટ થઈ રહ્યા હોઈએ પણ દીકરીના જન્મ પ્રત્યે આપણે હજી પણ એટલા જ જુનવાણી છીએ. હજી આજે પણ પુત્ર મેળવવા માટે યજ્ઞો થાય છે, દીકરીઓના બલિદાનો પણ દેવાય છે.

    સંશોધનો મુજબ ઈએ.સ. 2000 થી 2019 સુધીમાં 90 લાખ દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવી છે. આ તો ઓફિસિયલ આંકડા છે, અનઓફિસિયલ આંકડો તો હજી ઘણો મોટો છે! આમાથી 86.7% હિન્દુઓ, 4.9% મુસ્લિમો અને 1.7% શીખો દ્વારા ભ્રૂણહત્યા થાય છે. આનો અર્થ એ થયો કે દરેક ધર્મના લોકો ભ્રૂણહત્યા કરે છે!  ધર્મ ગમે તે હોય, સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ફર્ક પડી નથી રહ્યો.

   ઇ.સ. 1990ની આગળના તબક્કામાં ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ જાણવા માટે અલ્ટ્રાસાઉંડ ટેક્નોલોજીનો ઉદભવ થયો, જેનો ગેરુપયોગ કરીને લોકોએ ગર્ભમાં દીકરી છે કે દીકરો એ જાણી લઈને દીકરીઓની ગર્ભમાં બેફામ હત્યાઓ કરી. આ હત્યાઓને રોકવા ભારત સરકારે ઇ.સ. 1994માં ગર્ભ-પરીક્ષણ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો.

  પણ એ કાયદાનું બરાબર પાલન ના થયું અને હરિયાણા, ગુજરાત, પંજાબ, તામિલનાડુ વેગેરે રાજ્યોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ વધતું જ ગયું. એવી પરિસ્થિતિ આવી ગઈ કે હરિયાણાના યુવકોએ પોતાના માટે પત્ની કેરાલા, ઉત્તરાખંડ, ઓડિશા,બિહાર, ઝારખંડ, પશ્ચિમબંગાળ, આસામ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાથી લાવવી પડી કે ખરીદવી પડી! જેઓ હરિયાણામાં મોલ્કિસ તરીકે ઓલખાય છે.

  આવી રીતે લાવવામાં આવેલી દીકરીઓને હરિયાણાની સંસ્કૃતિ મુજબ અગ્નિપરીક્ષા માથી પસાર થવું પડે છે, તેઓ પર શારીરિક, માનસિક, નૈતિક અને ઈમોશનલ ટોર્ચરિંગ કરવામાં આવે છે. આવી સ્ત્રીઓને તેઓના મૂળભૂત હકો પણ મળતા નથી! આપણું ગુજરાત પણ આ બાબતે બહુ હકારાત્મક નથી, 2011ની વસ્તી-ગણતરી મુજબ ગુજરાતમાં જેન્ડર રેશિયો 919 છે. અને ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં પણ યુવકો પત્ની માટે બીજા રાજ્યોમાં નજર દોડાવતો રહે છે!

    આપણા પ્રાચીન ગ્રંથો મુજબ, પ્રાચીન  ભારતીય સંસ્કૃતિમાં પણ દીકરીઓના જન્મને ખુશીનો પ્રસંગ માનવામાં નહોતો આવતો. એ સમયમાં દીકરીઓને જન્મ્યા બાદ તુરંત જ દૂધપીતી કરી દેવામાં આવતી! પ્રાચીન ભારતમાં દીકરીને ગર્ભમાં મારી નાખવા પ્લેબિંગો ગુલાબના મૂળ અને આર્સેનિકનો ઉપયોગ થતો! આ કામ સ્ત્રીઓ દ્વારા થતું અને ઘણીવાર તો આ કામ માતા દ્વારા પણ થતું!

    ભ્રૂણહત્યા રોકવા માટે બે બાબતો સૌથી જરૂરી છે, સ્ત્રીશશક્તિકરણ અને સ્ત્રી-શિક્ષણ. સ્ત્રીઓ જે સમાજમાં મુક્ત ના રહી શકતી હોય, જન્મ પણ ના લઈ શકતી હોય તે સમાજે હજી કોઈ વિકાસ જ કર્યો નથી!

 

 

 

 

Monday 28 August 2023

આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?

 

આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?

 What Indian Youth Need to Know About Indian Culture

 

 

 

 

 

         આજકાલ એક ચર્ચા જે સૌથી વધુ થતી રહે છે એ છે, આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?’ લગભગ યુવાન ના હોય તેવા મોટા ભાગના પ્રૌઢો અને ઘરડા લોકોને આ બાબતે યુવાધનથી શિકાયત છે. તેઓની રીતભાત, રંગ-ઢંગ, પહેરવેશ, ફેશન, પેશન વગેરે વગેરે બાબતોથી તેઓથી આગળની જનરેશનને પ્રોબ્લેમ છે. તેઓ અમારી પાસે થોડીક વાર પણ બેસતા નથી કે ખુદ અમારી સાથે પણ અટેચ થતાં નથી! આવી ફીલિંગ મોટા ભાગના વડીલોને આજકાલ થઈ રહી છે.

  હવે આ સમસ્યા આપણને સૌને ફીલ થઈ રહી છે, તો એનો ઉકેલ પણ આપણે જ લાવવો પડશે ને.... તમારી દરેક પાસે આનો અલગ અલગ ઉકેલ હશે, પણ હું તો મારી રીતે તમને તેનો ઉકેલ આપવાની કોશિશ કરી રહી છુ. પેલા તો આપણે આપણી જાતને પુંછી લઈએ કે શું આપણે આપણાં સાંસ્કૃતિક વારસાથી અટેચ છીએ?’ શું આપણે આપણાં સાંસ્કૃતિક વારસા પાછળ રહેલા વિજ્ઞાન અને ધર્મને સમજીને તેઓને તે રસ્તે લઈ જવાની કોશિશ કરી રહ્યા છીએ કે પછી આપણે જ તેમાં આગળ વધવું કે ના વધવું એ મૂંઝવણમાં મુકાય ગયા છીએ?

  આઝાદ દેશમાં નવા વિચારોનો પગરવ થવો જ જોઈએ, પણ એ નવીનતા આપણાં દેશમાં જે કઈ સારું છે, તેના પાયા પર રચાવું જોઈએ. નહી કે જે કઈ આપણી પાસે જૂનું સારું છે, તેને દૂર કરીને આપણે નવું જે કઈ પણ ખરાબ છે, તેને પણ ફેશન અને વ્યસનના નામે આપણી અંદર દાખલ કરી દઈએ. બસ આજે આપણે સૌ આ જ કરી રહ્યા છીએ, અને આપણને જોઈને નવી પેઢી પણ એ જ અપનાવી રહી છે. જેમ કે આજે આપણે કુદરતથી દૂર થતાં જઈએ છીએ, આપણે જ તેઓને કુદરતથી દૂર લઈ ગયા છીએ, આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ વિના આપણે સૌ અધૂરા છીએ, એ પણ આપણે તેઓને સમજાવી નથી રહ્યા. આપણું ઘર એટલે જેમાં રોજ ગાય/કુતરાં માટે અલગ રોટલી રાખવામા આવતી કે પછી આંગણામાં ઝાડ વિના દિવસ ના ઊગતો, એ તો ખુદ આપણે પણ ભૂલી ગયા છીએ. તો તેઓ પણ એ જ કરી રહ્યા છે,

 આજે આપણે ધર્મથી દૂર થઈ રહ્યા છીએ તો તેઓ પણ એ જ કરી રહ્યા છે. આપણે ધર્મગ્રંથોને નથી વાંચી રહ્યા, તો તેઓ પણ એ જ કરી રહ્યા છે. હનુમાન કે કૃષ્ણને વાર્તા નાયક તરીકે આપણે જ તેઓની સામે મૂકી શક્યા નથી. રામના આદર્શો કે એકલવ્યની ગુરુભક્તિ આપણે જ તેઓને સમજાવી નથી શક્યા. આપણે નથી તેઓને રામાયણની કલ્પના સમજાવી શક્યા કે નથી તેઓને મહાભારતની વાસ્તવિકતામાં જીવતા શીખવી શક્યા! ધર્મ એટલે માત્ર ધર્મસ્થાનોની મુલાકાત નહી, પણ ધર્મ એટલે સાચા રસ્તે ચાલવું અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી, આ લાઇન તો જો કે આપણે આપણાં જીવનમાં પણ ઉતારવાની છે!

હકીકત તો એ છે કે આપણે ખુદ જ આપણાં ધર્મ પ્રત્યેની લાગણીથી કંફ્યૂઝ છીએ, તો એ લોકોને આપણે કેમ ધર્મની સાચી પરિભાષા સમજાવી શકીશું? આપણી ધાર્મિક બાબતો પાછળ રહેલા વિજ્ઞાનને આપણે તેઓ સુધી પહોંચાડી જ ના શક્યા! ના તો તુલસી-વિવાહ સમજાવી શક્યા કે ના તો ધનતેરસની પૂજા સમજાવી શક્યા! દરેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ ની પૂજા સાથે કરવી એ કહ્યું પણ શા માટે આવું કરવું જોઈએ એ પ્રેમથી ના સમજાવી શક્યા!

  ખુદ આપણે આપણી કુટુંબ-પ્રથા નથી સાચવી શક્યા! કેટલા બધા જાણીતા સંબંધોની બાદબાકી કુંટુંબમાથી થઈ રહી છે. આજની યંગ-જનરેશન પાસેથી આપણે ઘણા બધા સંબંધોની હુંફ છીનવી લીધી છે. તેઓ પાસે સમય હતો, ત્યારે આપણે ના આપી શક્યાં,એટલે હવે તેઓ પાસે આપણી માટે સમય નથી! તેઓની બધી જરૂરિયાતો પૂરી કરવાની દોડમાં આપણે એ પણ ભૂલી ગયા કે તેઓને લાગણીઓની પણ જરૂરિયાતો હોય છે, તેઓ પણ આપણો ખભ્ભો અને ખોળો ઈચ્છી રહ્યા હતાં, પણ આપણે તેઓને જીંદગીની રેસમાં દોડવા મોકલી દીધા! અને આ અપેક્ષાઓ ખૂબ વધી ગઈ ત્યારે તેઓ ડીપ્રેશનમાં આવી ગયા અને હતાશ અને નિરાશ થઈને તેમણે આ દુનિયા જ છોડી દીધી! આપણે તેઓને જિંદગી સાથે જ નથી જોડી શક્યા તો પછી સાંસ્કૃતિક વારસા સાથે!

હજી હમણાં સુધી થોડી નજદિકી હતી, પણ હવે એ પણ છીનવાઈ ગઈ! કારણ તેઓની ધિંગા-મસ્તીને કંટ્રોલ કરવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દીધા! આપણા સમયને સાચવવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વચ્ચે ઉછેરવા માંડ્યા અને પછી તો જે દ્રશ્ય ભજવાયા, આપણી સામે છે અને વળી તાજા છે! આપણે યુવા-ધન અને સાંસ્કૃતિક વારસા વચ્ચે સેતુ બનવાનું હતું,પણ આપણે તો દીવાલ બની ગયા અને પરિણામે.......તેઓ માત્ર આપણી સંસ્કૃતિથી જ નહી, પણ આપણાંથી પણ દૂર ચાલ્યા ગયા.

Friday 4 August 2023

ટીમ ઈન્ડિયા હવે બની ‘ડ્રીમ ઇલેવન’ !!! સેમ ઓન ઇંડિયન ક્રિકેટ બોર્ડ .....

 

ટીમ ઈન્ડિયા હવે બની ‘ડ્રીમ ઇલેવન’ !!! સેમ ઓન ઇંડિયન ક્રિકેટ બોર્ડ .....

 

 

 ટીમ ઈન્ડિયા હવે બની ‘ડ્રીમ ઇલેવન’ !!! સેમ ઓન ઇંડિયન ક્રિકેટ બોર્ડ .....

 Dream 11 to become jersey sponsor of Team India

 

   ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી જોઈ? ના જોઈ હોય તો ધ્યાનથી જોઈ લેજો. હવે તે જર્સી પર એક નવો લોગો આવી ગયો છે અને તે લોગો છે, ડ્રીમ ઇલેવન કંપનીનો! જેણે ભારતની ક્રીકેટ ટીમની જર્સી પર પોતાનો લોગો હાઇ-લાઇટ કરવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને 358 કરોડ રૂ. આપ્યા છે! આમ તો કોઈ કંપની પોતાના માર્કેટિંગ માટે આવું કરે એવું તો વર્ષોથી ચાલ્યું આવે છે, પણ એક ઓનલાઈન જુગાર રમાડતી કંપનીને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર સ્થાન આપવું એ જરા વિચારીને કહેજો તમને કેવું લાગ્યું? 

   ભારતમાં ક્રીકેટ ધર્મ સમાન મનાય છે. કરોડો ભારતીય નાગરિકો ક્રિકેટની રમત પાછળ પાગલ છે. અહી ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ ક્રિકેટ રમાતું રહે છે. લોકોની રગે રગમાં ક્રીકેટ વહી રહ્યું છે. આ દેશમાં ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. એ ભગવાન હવે ઓનલાઈન જુગાર રમવાની લોકોને અપીલ કરશે! આ ડીલથી ભારતીય ક્રિકેટ બોર્ડને ભલે કરોડો રૂપિયાની આવક થઈ પણ, તેને લીધે દેશના કરોડો યુવાનો અને ઓનલાઈટીન-એજર્સ જુગારની લતે ચડી જશે, એનું શું?

  જ્યારે જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે, એ લોગો તેઓની સાથે રહેશે. આ ડ્રીમ ઇલેવન કેટલાયે ભારતીય માતા-પિતાઓના અને યુવાનોના ડ્રીમ ને અંધકારમાં ગરકાવ કરી દેશે, તેના વિષે આપણા બુદ્ધિશાળી વેપારીઓએ જરાપણ ના વિચાર્યું! એક તો ક્રિકેટની રમતને આઈ-પી-એલ જેવી લીગના હવાલે કરી, ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટને ઓલરેડી બહુ નુકસાન કરી જ દીધું છે, અને હવે આવી જુગાર રમાડતી કંપનીને મેન ઇન બ્લૂની જર્શી પર લાવીને આપણું ક્રિકેટ બોર્ડ રહી-સહી કસર પણ પૂરી કરી રહ્યું છે.

  આવી ઓનલાઈન ગેમ રમાડતી કંપનીઓ ભલે તે ગેમને ફેન્ટસી અને સ્કીલ ગેમ નું બિરુદ આપતી હોય, પણ કોઈ બાળકને પણ સમજાય એવું છે કે આ બધી ગેમ્સ વહેલા કે મોડા લોકોને જુગારની લત તરફ જ લઈ જતી હોય છે. ભારતમાં કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અને કેરલ જેવા રાજ્યોએ આવી ઓનલાઈન ગેમ્સ ના વિરોધમાં ક્યારનાએ પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.

  ભારતમાં આવી ગેમ્સનું બજાર 431 મિલિયન ડોલર્સનું થઈ ગયેલ છે. ભારતમાં લગભગ 61 મિલિયન યુજર્સ આવી જુદી જુદી ગેમ્સમાં ફસાયેલા છે, જેમાથી 65% લોકો નાના શહેરોના છે. જબલપુર હાઇકોર્ટના વકીલ શશાંક તિવારીના કહેવા મુજબ ભારતમાં આવા ખતરનાક ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સને રોકવા માટેનો મૂળ કાયદો ઈ.સ. 1867નો પબ્લિક ગેમિંગ એક્ટ છે. આવી ગેમ્સની જાહેરાતો આજના યુવાનોને ગેરમાર્ગે લઈ જઇ રહી છે. વધુ કમાણીના સપના દેખાડી આવી એપ્સ ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોના કુટુંબોની મહેનતની કમાણીને પણ લૂંટી રહી છે.

 ક્રિકેટ મેચ ચાલતી હોય, ત્યારે દર ત્રીજી જાહેરાત આવી ગેમ્બલિંગ-કંપની ઓની હોય છે. મે માહિનામાં પૂરા થયેલ આઈ.પી. એલ. ની મુખ્ય સ્પોન્સર્સ જ આવી ઓનલાઈન જુગાર રમાડતી કંપની હતી! દેશના મોટા ભાગના રાજ્યોમાં રોજ કેટલાયે યુવાનો અને ટીન-એજર્સ આવી કોઈ ગેમ્બલિંગ-ગેમના ચક્ર-વ્યૂહમાં ફસાઈને આપઘાત કરી રહ્યા છે. કોઈ કુટુંબના એક ના એક સંતાનો આવી ગેમ્સમાં ફસાઈને આપઘાતનો રસ્તો પસંદ કરી રહ્યા છે.

  ગયા જાન્યુઆરી મહીનામા મધ્યપ્રદેશમાં એક અગિયાર વર્ષના છોકરાએ આ લતને લીધે આપઘાત કરી લીધેલ. તો માર્ચ માહિનામાં ચેન્નઈમાં 37 વર્ષના એક યુવકે પોતાની પત્ની અને બે બાળકોના ભાવિ વિષે વિચાર્યા વિના ઓનલાઈન ગેમ્સમાં ફસાયા બાદ આપઘાત કરી લીધો અને પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે હું સરકારને વિનંતી કરું છુ કે આવી ઓનલાઈન ગેમ્સ પર બેન લગાવી દે, જેથી હજી વધુ લોકોના જીવ ના જાય!

  આવી યાદી હજી ઘણી લાંબી છે, રોજ છાપાઓમાં અને બીજા સોસિયલ મીડિયા પર આવા આપઘાતના કિસ્સાઓ વધતાં જ જઇ રહ્યા છે. અરે આવી ગેમ્સના લીધે ટીન એજર્સ અને યુવાનો પોતાના ઘરના સભ્યોના ખૂન પણ કરી રહ્યા છે. દેશનું યુવાધન આના લીધે હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ રહ્યું છે.  તેઓ ભણવાનું છોડી જુગારી બની રહ્યા છે. ક્રિકેટ ફેન્સે પણ જુદી જુદી સોસિયલ સાઇટ્સ પર આનો વિરોધ કર્યો છે.

  શું ટીમ-ઈન્ડિયા ભારતના યુવાનોને આ રસ્તે લઈ જવા માંગે છે, સરકારે પોતે વહેલી તકે આવા લોગો હટાવવા બાબતે પગલાં લેવાની જરૂર છે. શું કોઈ સ્કિલ જ્ઞાન અને અટેન્શનના નામે જુગાર રમાડતી કંપનીને ભારતની ક્રિકેટ ટીમ વિશ્વભરમાં રીપ્રેઝેન્ટ કરશે?

 

 

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...