શું દીકરીઓ એટલી બધી ખર્ચાળ છે, કે આપણે તેઓને 'અફોર્ડ' કરી શકતા નથી!!!
સ્ત્રીનો સંઘર્ષ તેના અસ્તિત્વના સંઘર્ષથી જ શરૂ થતો હોય છે. પ્રથમ સંઘર્ષ તો ત્યારથી જ શરૂ થઈ જતો હોય છે, જ્યારથી તેણી માતાના ગર્ભમાં છે, તેવી જાણ માતાને અને ઘરના લોકોને થાય છે. આ ગર્ભમાં રહેલો જીવ ઉછેરવો કે ના ઉછેરવો? એ પ્રશ્નનો ઉકેલ મેળવવામાં કેટલા બધા લોકોની જરૂર પડે છે?
અને પછી એકદિવસ નક્કી થાય છે કે હવે આ ‘દીકરી’ નથી જોઈતી! અને માતાને ભ્રૂણહત્યા માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવે છે, એ દીકરીનો સંઘર્ષ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. આવું હજી પણ આપણા સમાજમાં નિયમિત રીતે થઈ રહ્યું છે. સંપતિના અને કુળના વારસદાર તરીકે ‘પુત્રનો જન્મ’ આજે પણ આપણા સમાજમાં ફરજિયાત વિષય છે!
ઇ.સ. 1990માં નોબલ પુરુસ્કાર વિજેતા ડો.અમર્ત્ય સેને પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓના ઘટતા જતાં પ્રમાણને લઈને ચેતવણી આપી હતી. ભ્રૂણહત્યાને કારણે કુદરતી રીતે સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ અસંતુલિત થઈ રહ્યું છે. વિશ્વના અમુક વિસ્તારોમાં સ્ત્રીઓનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. ભારતમાં જ દરરોજ 2000 ભ્રૂણહત્યાઓ થાય છે. અને સરકારના અથાક પ્રયાસો છતાં છેલ્લા રીપોર્ટ મુજબ ભારતના 17 રાજ્યોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે!
ભારતમાં દીકરીઓના જન્મને ખર્ચાળ ગણવામાં આવે છે, જાણે કે દીકરીઓનો જન્મ લગ્ન કરવા માટે જ થયો હોય તેવું માનીને માતા-પિતા દીકરીના જન્મતાવેંત જ તેના લગ્ન અને દહેજ માટેની તૈયારીઓ કરવા લાગે છે! તેઓ માટે દીકરી એક એવી જવાબદારી છે, જે ઝડપથી પૂરી થઈ જાય તો સારું એવું તેઓ માનતા હોય છે. આપણા સમાજમાં સ્ત્રીઓને સોસાયટીની ઉત્પાદક સભ્ય નથી માનવામાં આવતી! તેણીના ઘરકામની કોઈ આર્થિક કિંમત જ નથી!
ભણેલા અને ધનિક કુટુંબોમા ભ્રૂણહત્યાઓ સૌથી વધુ થાય છે! એક પાસે અલ્ટ્રા-સાઉન્ડ ટેકનૉલોજિની જાણકારી છે અને બીજા પાસે તેનો ઉપયોગ કરી શકે એટલું ધન છે! ઘણા ધનિક કુટુંબોમા હજી આજે પણ વહુ માટે કુટુંબને વારસદાર આપવાનું દબાણ છે, અનેક વખત ગર્ભપાત કરાવવો ફરજિયાત છે. પણ પુત્ર થવો જોઈએ!
એકને જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે, અને એકને જન્મ સાથે જ ‘ખાસ સ્ટેટસ’ મળી જતું હોય છે. આપણે સમાજ તરીકે ગમે તેટલા લેટેસ્ટ થઈ રહ્યા હોઈએ પણ દીકરીના જન્મ પ્રત્યે આપણે હજી પણ એટલા જ જુનવાણી છીએ. હજી આજે પણ પુત્ર મેળવવા માટે યજ્ઞો થાય છે, દીકરીઓના બલિદાનો પણ દેવાય છે.
સંશોધનો મુજબ ઈએ.સ. 2000 થી 2019 સુધીમાં 90 લાખ દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવી છે. આ તો ઓફિસિયલ આંકડા છે, અનઓફિસિયલ આંકડો તો હજી ઘણો મોટો છે! આમાથી 86.7% હિન્દુઓ, 4.9% મુસ્લિમો અને 1.7% શીખો દ્વારા ભ્રૂણહત્યા થાય છે. આનો અર્થ એ થયો કે દરેક ધર્મના લોકો ભ્રૂણહત્યા કરે છે! ધર્મ ગમે તે હોય, સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ફર્ક પડી નથી રહ્યો.
ઇ.સ. 1990ની આગળના તબક્કામાં ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ જાણવા માટે અલ્ટ્રાસાઉંડ ટેક્નોલોજીનો ઉદભવ થયો, જેનો ગેરુપયોગ કરીને લોકોએ ગર્ભમાં દીકરી છે કે દીકરો એ જાણી લઈને દીકરીઓની ગર્ભમાં બેફામ હત્યાઓ કરી. આ હત્યાઓને રોકવા ભારત સરકારે ઇ.સ. 1994માં ગર્ભ-પરીક્ષણ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો.
પણ એ કાયદાનું બરાબર પાલન ના થયું અને હરિયાણા, ગુજરાત, પંજાબ, તામિલનાડુ વેગેરે રાજ્યોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ વધતું જ ગયું. એવી પરિસ્થિતિ આવી ગઈ કે હરિયાણાના યુવકોએ પોતાના માટે પત્ની કેરાલા, ઉત્તરાખંડ, ઓડિશા,બિહાર, ઝારખંડ, પશ્ચિમબંગાળ, આસામ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાથી લાવવી પડી કે ખરીદવી પડી! જેઓ હરિયાણામાં ‘મોલ્કિસ’ તરીકે ઓલખાય છે.
આવી રીતે લાવવામાં આવેલી દીકરીઓને હરિયાણાની સંસ્કૃતિ મુજબ ‘અગ્નિપરીક્ષા’ માથી પસાર થવું પડે છે, તેઓ પર શારીરિક, માનસિક, નૈતિક અને ઈમોશનલ ટોર્ચરિંગ કરવામાં આવે છે. આવી સ્ત્રીઓને તેઓના મૂળભૂત હકો પણ મળતા નથી! આપણું ગુજરાત પણ આ બાબતે બહુ હકારાત્મક નથી, 2011ની વસ્તી-ગણતરી મુજબ ગુજરાતમાં જેન્ડર રેશિયો 919 છે. અને ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં પણ યુવકો પત્ની માટે બીજા રાજ્યોમાં નજર દોડાવતો રહે છે!
આપણા પ્રાચીન ગ્રંથો મુજબ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પણ દીકરીઓના જન્મને ખુશીનો પ્રસંગ માનવામાં નહોતો આવતો. એ સમયમાં દીકરીઓને જન્મ્યા બાદ તુરંત જ દૂધપીતી કરી દેવામાં આવતી! પ્રાચીન ભારતમાં દીકરીને ગર્ભમાં મારી નાખવા પ્લેબિંગો ગુલાબના મૂળ અને આર્સેનિકનો ઉપયોગ થતો! આ કામ સ્ત્રીઓ દ્વારા થતું અને ઘણીવાર તો આ કામ માતા દ્વારા પણ થતું!
ભ્રૂણહત્યા રોકવા માટે બે બાબતો સૌથી જરૂરી છે, સ્ત્રીશશક્તિકરણ અને સ્ત્રી-શિક્ષણ. સ્ત્રીઓ જે સમાજમાં મુક્ત ના રહી શકતી હોય, જન્મ પણ ના લઈ શકતી હોય તે સમાજે હજી કોઈ વિકાસ જ કર્યો નથી!
No comments:
Post a Comment