Monday 28 August 2023

આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?

 

આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?

 What Indian Youth Need to Know About Indian Culture

 

 

 

 

 

         આજકાલ એક ચર્ચા જે સૌથી વધુ થતી રહે છે એ છે, આજનું યુવાધન શા માટે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસા સાથે અટેચ નથી થઈ રહ્યું?’ લગભગ યુવાન ના હોય તેવા મોટા ભાગના પ્રૌઢો અને ઘરડા લોકોને આ બાબતે યુવાધનથી શિકાયત છે. તેઓની રીતભાત, રંગ-ઢંગ, પહેરવેશ, ફેશન, પેશન વગેરે વગેરે બાબતોથી તેઓથી આગળની જનરેશનને પ્રોબ્લેમ છે. તેઓ અમારી પાસે થોડીક વાર પણ બેસતા નથી કે ખુદ અમારી સાથે પણ અટેચ થતાં નથી! આવી ફીલિંગ મોટા ભાગના વડીલોને આજકાલ થઈ રહી છે.

  હવે આ સમસ્યા આપણને સૌને ફીલ થઈ રહી છે, તો એનો ઉકેલ પણ આપણે જ લાવવો પડશે ને.... તમારી દરેક પાસે આનો અલગ અલગ ઉકેલ હશે, પણ હું તો મારી રીતે તમને તેનો ઉકેલ આપવાની કોશિશ કરી રહી છુ. પેલા તો આપણે આપણી જાતને પુંછી લઈએ કે શું આપણે આપણાં સાંસ્કૃતિક વારસાથી અટેચ છીએ?’ શું આપણે આપણાં સાંસ્કૃતિક વારસા પાછળ રહેલા વિજ્ઞાન અને ધર્મને સમજીને તેઓને તે રસ્તે લઈ જવાની કોશિશ કરી રહ્યા છીએ કે પછી આપણે જ તેમાં આગળ વધવું કે ના વધવું એ મૂંઝવણમાં મુકાય ગયા છીએ?

  આઝાદ દેશમાં નવા વિચારોનો પગરવ થવો જ જોઈએ, પણ એ નવીનતા આપણાં દેશમાં જે કઈ સારું છે, તેના પાયા પર રચાવું જોઈએ. નહી કે જે કઈ આપણી પાસે જૂનું સારું છે, તેને દૂર કરીને આપણે નવું જે કઈ પણ ખરાબ છે, તેને પણ ફેશન અને વ્યસનના નામે આપણી અંદર દાખલ કરી દઈએ. બસ આજે આપણે સૌ આ જ કરી રહ્યા છીએ, અને આપણને જોઈને નવી પેઢી પણ એ જ અપનાવી રહી છે. જેમ કે આજે આપણે કુદરતથી દૂર થતાં જઈએ છીએ, આપણે જ તેઓને કુદરતથી દૂર લઈ ગયા છીએ, આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ વિના આપણે સૌ અધૂરા છીએ, એ પણ આપણે તેઓને સમજાવી નથી રહ્યા. આપણું ઘર એટલે જેમાં રોજ ગાય/કુતરાં માટે અલગ રોટલી રાખવામા આવતી કે પછી આંગણામાં ઝાડ વિના દિવસ ના ઊગતો, એ તો ખુદ આપણે પણ ભૂલી ગયા છીએ. તો તેઓ પણ એ જ કરી રહ્યા છે,

 આજે આપણે ધર્મથી દૂર થઈ રહ્યા છીએ તો તેઓ પણ એ જ કરી રહ્યા છે. આપણે ધર્મગ્રંથોને નથી વાંચી રહ્યા, તો તેઓ પણ એ જ કરી રહ્યા છે. હનુમાન કે કૃષ્ણને વાર્તા નાયક તરીકે આપણે જ તેઓની સામે મૂકી શક્યા નથી. રામના આદર્શો કે એકલવ્યની ગુરુભક્તિ આપણે જ તેઓને સમજાવી નથી શક્યા. આપણે નથી તેઓને રામાયણની કલ્પના સમજાવી શક્યા કે નથી તેઓને મહાભારતની વાસ્તવિકતામાં જીવતા શીખવી શક્યા! ધર્મ એટલે માત્ર ધર્મસ્થાનોની મુલાકાત નહી, પણ ધર્મ એટલે સાચા રસ્તે ચાલવું અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી, આ લાઇન તો જો કે આપણે આપણાં જીવનમાં પણ ઉતારવાની છે!

હકીકત તો એ છે કે આપણે ખુદ જ આપણાં ધર્મ પ્રત્યેની લાગણીથી કંફ્યૂઝ છીએ, તો એ લોકોને આપણે કેમ ધર્મની સાચી પરિભાષા સમજાવી શકીશું? આપણી ધાર્મિક બાબતો પાછળ રહેલા વિજ્ઞાનને આપણે તેઓ સુધી પહોંચાડી જ ના શક્યા! ના તો તુલસી-વિવાહ સમજાવી શક્યા કે ના તો ધનતેરસની પૂજા સમજાવી શક્યા! દરેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ ની પૂજા સાથે કરવી એ કહ્યું પણ શા માટે આવું કરવું જોઈએ એ પ્રેમથી ના સમજાવી શક્યા!

  ખુદ આપણે આપણી કુટુંબ-પ્રથા નથી સાચવી શક્યા! કેટલા બધા જાણીતા સંબંધોની બાદબાકી કુંટુંબમાથી થઈ રહી છે. આજની યંગ-જનરેશન પાસેથી આપણે ઘણા બધા સંબંધોની હુંફ છીનવી લીધી છે. તેઓ પાસે સમય હતો, ત્યારે આપણે ના આપી શક્યાં,એટલે હવે તેઓ પાસે આપણી માટે સમય નથી! તેઓની બધી જરૂરિયાતો પૂરી કરવાની દોડમાં આપણે એ પણ ભૂલી ગયા કે તેઓને લાગણીઓની પણ જરૂરિયાતો હોય છે, તેઓ પણ આપણો ખભ્ભો અને ખોળો ઈચ્છી રહ્યા હતાં, પણ આપણે તેઓને જીંદગીની રેસમાં દોડવા મોકલી દીધા! અને આ અપેક્ષાઓ ખૂબ વધી ગઈ ત્યારે તેઓ ડીપ્રેશનમાં આવી ગયા અને હતાશ અને નિરાશ થઈને તેમણે આ દુનિયા જ છોડી દીધી! આપણે તેઓને જિંદગી સાથે જ નથી જોડી શક્યા તો પછી સાંસ્કૃતિક વારસા સાથે!

હજી હમણાં સુધી થોડી નજદિકી હતી, પણ હવે એ પણ છીનવાઈ ગઈ! કારણ તેઓની ધિંગા-મસ્તીને કંટ્રોલ કરવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દીધા! આપણા સમયને સાચવવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વચ્ચે ઉછેરવા માંડ્યા અને પછી તો જે દ્રશ્ય ભજવાયા, આપણી સામે છે અને વળી તાજા છે! આપણે યુવા-ધન અને સાંસ્કૃતિક વારસા વચ્ચે સેતુ બનવાનું હતું,પણ આપણે તો દીવાલ બની ગયા અને પરિણામે.......તેઓ માત્ર આપણી સંસ્કૃતિથી જ નહી, પણ આપણાંથી પણ દૂર ચાલ્યા ગયા.

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...