Friday, 3 May 2024

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

Happy women's day with the banner template

 

   હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી, એક નિદાન-કેમ્પની જાહેરાત હતી, તમને ભવિષ્યમાં ક્યાં રોગો થવાની સંભાવના છે? એ પ્રશ્નનો જવાબ આજે મેળવો અને એ રોગો ના થાય તે માટે અત્યારથી જાગૃતિ કેળવો એ પણ દવા લઈને! અને પછી નીચે જાહેરાતમાં જુદા જુદા રોગો અંગે જાગૃતિ લાવવા આપણે જે જે દિવસો ઉજવીએ છીએ, તેનું મેનુ આપેલું હતું, જે વાંચીને મને પ્રશ્ન થયો કે શું આ દિવસો ઊજવતાં રહેવાથી ખરેખર જાગૃતિ આવે છે કે પછી નવું બજાર ઊભું કરવાની આ નવી માર્કેટિંગ સ્ટાઈલ છે? જવાબ તમારા પર છોડું છુ.

       જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના મહિનાઓની યાદી તૈયાર કરીશું તો સમજાશે કે દરેક માહિનામાં 20/25 દિવસો તો એવા છે જ જેને આપણે જે તે દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ.  મહિનાનો દરેક દિવસ કોઈને કોઈએ બાબત પ્રત્યે જાગૃતિ લાવવા ઉજવાતો રહે છે. પણ માત્ર ઉજવાતો રહે છે, એ બાબતો પ્રત્યે જાગૃતિ આવે છે ખરી? મોટાભાગના દિવસો વર્ષોથી ઉજવાતા આવે છે. શું આપણને એ બાબતોને લઈને સમાજ જરાપણ જાગૃત થયો હોય એવું લાગે છે ખરી? આ દિવસો માત્ર ને માત્ર જનરલ નોલેજના પેપર્સના પ્રશ્નો બની રહી ગયા હોય એવું લાગતું રહે છે.

  વિશ્વ પર્યાવરણ દિવસ છેલ્લા 52 વર્ષોથી આપણે ઉજવીએ છીએ, શું આપણે પર્યાવરણની સુરક્ષા બાબતે જાગૃત થયા છીએ? છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પર્યાવરણની જે હાલત જોઈ રહ્યા છીએ, ક્યાય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની અસરો દેખાતી હોય એવું નથી લાગી રહ્યું! વૃક્ષો કપાય રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, પ્લાસ્ટિકનો વપરાશ જરાપણ ઘટી નથી રહ્યો. ઋતુઓનો મિજાજ બદલાઈ રહ્યો છે. પૃથ્વી વધુ ને વધુ ગરમ થઈ રહી છે.  પર્યાવરણ જાગૃતિ બાબતે હજી આપણે સુષુપ્ત અવસ્થામાં જ છીએ.

    આવા દિવસોનું મહત્વ ફોટા પાડ્યા સિવાય કશું રહ્યું નથી.  મોટા મોટા કાર્યક્રમો થાય, સરકારે આપેલી ગ્રાન્ટ થોડી થોડી વપરાય ( બાકીની ક્યાં જાય છે? બધાને ખબર છે) વિશ્વ પર્યાવરણ દિવસે ઉગાડેલા વૃક્ષોમાથી 95% વૃક્ષોનું ચાર-પાંચ દિવસો બાદ અસ્તિત્વ પણ હોતું નથી. નથી વૃક્ષો ઉછરતા કે નથી પૃથ્વીની શોભા વધતી! આવું મોટા ભાગના દિવસો વખતે થતું હોય છે. 1 દિવસ ઉજવવાનો અને બાકીના 364 દિવસો દરમિયાન જેમ હતું તેમ ને તેમ! તે દિવસે સોસિયલ મીડિયામાં દિવસનો ચળકાટ રહે અને બાકીના દિવસો દરમિયાન અંધારું!

     કેટલા બધા રોગોને લઈને દિવસો ઉજવાતા રહે છે, કેટલા લોકોમાં એ રોગો પ્રત્યે સભાનતા આવી? રોગ કરતા પણ વધુ ખતરનાક રોગનો ડર હોય છે, અને દિવસોની ઉજવણી કરીને જાણે કે લોકોમાં એ ડર ઊભો કરવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. વિશ્વ કેન્સર દિવસ ઉજવીએ કે ડાયાબિટીસ ડે ઉજવીએ આ રોગ ધરાવનાર લોકોની સંખ્યા ઘટી નથી રહી! ઉલટાનું વધી રહી છે. આ દિવસોની ઉજવણી જાગૃતિ લાવી રહી છે કે ડર ઊભો કરી રહી છે? એ નક્કી કરવા વળી એક નવો દિવસ ઊભો કરવો પડશે!

   સ્માઇલ કરવાના કે ખુશ રહેવાના પણ દિવસો ઉજવવામાં આવે છે. શું આપણે હવે માણસોને ખુશ રહેવા પ્રત્યે પણ જાગૃત કરવા પડશે! અરે સંબંધોના પણ દિવસો મધર્સ-ડે, ફાધર્સ-ડે, ડોટર-ડે, બ્રધર્સ-ડે, વગેરે વગેરે યાદી લાંબી છે. ડે-સેલિબ્રેટ કરવા માતા-પિતાને ઘરે લઈ આવવાના અને પછી બીજા દિવસે..... આપણી પાસે મજબૂત ફેમેલી સિસ્ટમ છે, અરે 24* 365 જે સંબંધો હોય એના માટે પણ દિવસો ઉજવવાના!  ડોટર્સ-ડે ઉજવાતો રહે છે, પણ ભ્રૂણ-હત્યાઓ અટકી નથી રહી!  વીમેન્સ-ડે ઉજવીએ છીએ, પણ ગામડાની સ્ત્રીઓ હજી આજે પણ 16મી સદીઓના પ્રશ્નો સામે ઝઝૂમી રહી છે. સમાન વેતન માટે પણ ફાંફા મારી રહી છે.

        હકીકત તો એ છે કે આમાથી મોટા ભાગના દિવસો બજારે નક્કી કરેલા છે.  જેમકે વેલેન્ટાઇન ડે આ દિવસ હવે પ્રેમનો દિવસ નથી રહ્યો એ તો ફૂલો, ભેટો અને પાર્ટીઓના સેલિબ્રેશનનો દિવસ બની રહી ગયો છે!  જેના દ્વારા વેપારી કંપનીઓનો નફો સતત વધી રહ્યો છે. એસોચેમના 2023ના રીપોર્ટ મુજબ એકલા ભારતમાં જ વેલેન્ટાઇન ડે નું માર્કેટ 25000 કરોડનું છે! આવું લગભગ મોટા ભાગના દિવસોની ઉજવણીમાં થઈ રહ્યું છે. જે દિવસને પ્રખ્યાત કરવો હોય તેના પ્રમોશન માટે આખું એક નેટવર્ક ઊભું થઈ જતું હોય છે. અને એ નેટવર્કમાં લોકો ફસાઈ જતાં હોય છે. દવાથી માંડીને બીજી તમામ કંપનીઓ દિવસોની ઉજવણીમાં આ જ કામ કરતી હોય છે.  દિવસોની ઉજવણી એ મોટી મોટી કંપનીઓ દ્વારા ઊભું કરેલું એ જાળું છે, જેમાં ગ્રાહકો ફસાઈ રહ્યા છે અને ખર્ચાઈ રહ્યા છે.

  

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...