ઓપરેશન ‘જીંદગી’ બોધપાઠ લઈશું ખરા????
‘જીંદગી’થી મોટું સસ્પેન્સ થ્રીલર નથી. ક્યારે કઈ ક્ષણે શું થશે? એ આપણે જાણી શકતા નથી અને એટલે જ આ થ્રીલર જીવવાની અને ઝીલી લેવાની મોજ જ કઈક અલગ છે. જિંદગીમાં નિરાશા કરતાં આશા હમેંશા બે કદમ આગળ હોય છે. દરેક અંધકારની ટનલના છેડે પ્રકાશનું એક કિરણ હોય છે. જિંદગી આશા, શ્રદ્ધા અને ઉમીદોથી જીવવાથી વધુ સારા અને હકારાત્મક પરિણામો મેળવી શકાતા હોય છે.
41 પરિવારો અને 140 કરોડ ભારતવાસીઓની આશા અને આશીર્વાદને લીધે 41 જીંદગીઓ 17 દિવસો સુધી મૃત્યુ સામે લડીને જ્યારે બહાર આવી, ત્યારે તેઓના ચહેરા પરનું સ્મિત, એ હાસ્ય જ મિત્રો ઈશ્વર હોવાનો સંકેત છે! તેઓની એ 17 દિવસોની લડતને શત શત વંદન!
12મી નવેમ્બરે દેહરાદૂનના સિલ્કયારામાં ટનલનો એક ભાગ તૂટી જવાના કારણે, ટનલની અંદર કામ કરતાં 41 કામદારો ફસાઈ ગયા હતા. 17 દિવસોની મહેનત બાદ આપણી રેસક્યું ટીમે રેટ માઇનિંગ દ્વારા તેઓને નવજીવન આપ્યું. આ 17 દિવસો દરમિયાન ટનલમાં એક નાની પાઇપલાઇન દ્વારા તેઓને ખોરાક, પાણી, ઑક્સીજન, દવાઓ વગેરે સુવિધાઓ પહોંચાડવામાં આવી.
મોનું કુમાર, વકીલખાન, ફીરોઝ, મુન્ના કુરેશી, પરસાદી લોધી અને વિપિન રાજપૂત આ પાંચ રેટ માઇનર્સ સૌથી પહેલા તે લોકો સુધી પહોંચ્યા. 17 દિવસો સુધી આસપાસના તમામ લોકોની મદદ થકી આ 41 જિંદગીઓને આપણે પુનર્જન્મ લેતા જોઈ. રોજે રોજ કોઈ સસ્પેન્સ થ્રીલરની જેમ આપણને સોસિયલ મીડિયા પર અપડેટ્સ મળતી રહેતી હતી. એ લોકો સાથે કોઈપણ જાતનો સંબંધ ના હોવા છતાં આપણે સૌ પણ તેઓના જીવ બચી જાય એ માટે પ્રાર્થના કરતાં હતા. આ જ ધર્મની સાચી પરિભાષા છે. જે આપણે મોટા ભાગના સમયે ભૂલી જતાં હોઈએ છીએ.
આ લોકોને બચાવવા જે જે લોકોએ અથાક પ્રયાસો કર્યા તેઓનો ધર્મ ક્યો હતો? શું એ પ્રશ્ન આપણાં મનમાં ત્યારે ઉદભવ્યો હતો? નહી ને, તો પછી ધર્મના નામે આપણે શા માટે લડતા ઝઘડતાં રહીએ છીએ? સંકટના સમયે એકબીજાને મદદ કરતી વખતે આપણે ક્યારેય એકબીજાના ધર્મ અંગે કોઈ પ્રશ્નો નથી કરતાં હોતા. આ ફીલિંગ આપણે અગાઉ પણ જ્યારે જ્યારે કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓનો સામનો કર્યો છે, ત્યારે ફીલ કરી છે. આ ફીલિંગ સામાન્ય સંજોગોમાં આપણાં અંદરથી ડિલીટ થઈ જતી હોય એવું લાગે છે.
જે લોકો જેહાદનો સાચો અર્થ ભૂલી ગયા છે, તેમણે સમજી લેવાની જરૂર છે કે કોઈપણ ધર્મ ક્યારેય બીજાને મારી નાખવાની પ્રક્રિયાને જેહાદ માનતો નથી. ધર્મ તો લોકોને નવજીવન આપવામાં માને છે. માનવતા એ જ ધર્મ છે, એવું આવી ઘટનાઓ આપણને સ્પષ્ટ રીતે સમજાવતી હોય છે, પણ આપણે એ સમજણને ધર્મના જુનુનની આડમાં ભૂલી જતાં હોઈએ છીએ.
ઉપરની ઘટનાને આપણે આપણી જિંદગી સાથે જોડીને જોઈશું તો સમજાશે કે આપણે સૌ પણ સમસ્યાઓની, મુશ્કેલીઓની ટનલમાં આમ જ ફસાઈ જતાં હોઈએ છીએ. ઘણીવાર આપણને પણ બહાર નિકળવાનો રસ્તો સુઝતો નથી હોતો, તે સમયે યાદ રાખીએ કે લડતા રહીશું તો દરેક સમસ્યાનો ઉકેલ મળી રહેશે. એકદિવસ આપણે પણ એ અંધકારની ટનલમાથી બહાર નીકળી શકીશું. જ્યાં સુધી આપણે હારતા નથી કોઈ આપણને હરાવી શકતું નથી. ટનલમાથી બહાર આવેલી વ્યક્તિઓએ પોતાના જે અનુભવો સોસિયલ મીડિયા પર શેર કર્યા એ એકવખત ખાસ ફીલ કરી લેજો. મૃત્યુ સામે હોય અને મોર્નિંગ વોક અને યોગાના વિચારો ત્યારે જ આવે, જ્યારે આપણે લડતા રહેવા તૈયાર હોઈએ.
આ 41 કામદારો નસીબદાર હતા કે બચી ગયા, આવી ટનલોમાં કામ કરતાં લાખો મજૂરો પોતાની રોજી રોટી માટે રોજ જીવ હથેળીમાં લઈને કામ કરતાં હોય છે. સરકાર આ ઘટનાની તપાસ કરાવશે પણ એને માટે જવાબદાર લોકોને સજા મળશે ખરી? છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટનલ 20વાર આવા અકસ્માતો થયા છે, એટલું જ નહી, સેંકડો કામદારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. શું વિકાસની આંધળી દોડ સામે આપણે માનવ જિંદગીઓને પણ દાવ પર લગાવી રહ્યા છીએ? કુદરત સામેની આ લડાઈ આપણને મોંઘી ના પડી જાય? હિમાલયની સુંદર પર્વતમાળાઓને આપણે માણસો માટે જોખમી શા માટે બનાવી રહ્યા છીએ? કુદરત સાથેના આપણાં ગાઢ સંબંધોને આપણે શા માટે બગાડી રહ્યા છીએ?
આ કેટલાક બોધપાઠ છે, જે આ અને આવી દુર્ઘટનાઓમાથી આપણે લઈ શકીએ એમ છીએ. લેવા ના લેવા આપણી પર નિર્ભર કરે છે! આપણે આઝાદ દેશના નાગરિકો છીએ ને?
No comments:
Post a Comment