ડીપ ફેક.. AI આપણાં અંગત જીવનને વાઇરલ કરી રહ્યું છે....
હમણાં થોડા દિવસો પહેલા સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો વિડીયો વાઇરલ થયો. તે વિડીયો જોઈએ તેણીને ખુદને પણ નવાઈ લાગી કે મે તો મારા કોઈપણ સોસિયલ એકાઉન્ટ પર આવો કોઈ વિડીયો શેર નથી કરેલ! તો કોઈએ આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગરબા રમતા હોય તેવો વિડીયો ઇનસ્ટા પર મૂકી દીધો. આવું હવે વારંવાર જુદા જુદા ક્ષેત્રની સેલિબ્રેટીઝ સાથે થવાનું! આજે હું આ લેખ લખી રહી છુ, ત્યારે ફિલ્મ અભિનેત્રી કાજોલનો પણ આવો ડીપ ફેક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે!
તો ખુદ વડાપ્રધાને કહ્યું કે AI ટેક્નોલોજીના આ ગલત ઉપયોગ સામે સિગ્નલ આપતા કહ્યું કે મીડિયાએ લોકોને આ બાબતે ખાસ જાગૃત કરવા જોઈએ. આર્ટિફિસિયલ ઇંટેલિજન્સ ના ઉપયોગ દ્વારા કોઈ વ્યક્તિની જાણ બહાર તેના જ ફોટાઓનો ઉપયોગ કરી તેઓના ફેક વિડીયો બનાવી વાઇરલ કરી દેવાની આ કળાને ‘ડીપ ફેક ઇફેક્ટ’ કહે છે. ડીપ ફેક્સ થકી ઓરિજિનલ વ્યક્તિના શબ્દો અને ફોટાઓને મેન્યુપ્લેટ કરીને તેનો ગલત રીતે ઉપયોગ કરવામાં આવે છે.
ફોટો મેન્યુપેલેટ કરવાની આ ટેક્નોલોજીની શરૂઆત 19મી સદીમાં થઈ અને તુરંત જ તેનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં થવા લાગ્યો. 20મી સદી દરમિયાન આ ટેકનોલોજીમાં નવું નવું ઉમેરાતું ગયું. ડીપ ફેક ટેકનૉલોજી ઇ.સ. 1990 બાદ શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકો દ્વારા શોધવામાં આવી હતી. અને ત્યારબાદ ઓનલાઇન સમુદાયો દ્વારા તેનો ગલત ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. આ અંગેનો પહેલો પ્રોજેકટ જે ઇ.સ. 1997માં બહાર પડેલો એ વિડીયો રી-રાઇટ પ્રોગ્રામ હતો. આ ટેક્નોલોજીની મદદથી દુનિયાના કોઈપણ નેતાએ બીજા નેતાઓ વિષે બોલેલા શબ્દોને ગલત રીતે રજૂ કરવામાં આવી શકે છે.
આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમેરીકામાં બરાક ઓબામાને ડોનાલ્ડ ટ્રંપને "સંપૂર્ણ ડીપશીટ"કહેતા કરોડો લોકોએ જોયા! જેમણે ગેમ ઓફ થ્રોન્સના નિરાશાજનક અંત માટે જોન સ્નોની માફી માગતા જોયા છે, તેમણે બધાએ આ ડીપ ફેકના વિડિયોઝ જોયા છે. આપણાં દેશમાં અત્યાર સુધી એકબીજાની, રાજકારણીઓની કે સેલેબ્રેટીઝની મજાક ઉડાવવા એડિટ કરેલા વિડિયોઝ મૂકવામાં આવતા, તેની પાછળ માત્ર મજાક સિવાય બીજો કોઈ ઉદેશ નહોતો, પણ હવે AI ટેકનૉલોજીને લીધે આવા ડીપ-ફેક વિડિયોઝના ઉદેશો પણ બદલાઈ રહ્યા છે.
શૈક્ષણિક અને ઔદ્યોગિક સંશોધકોથી લઈને કલાપ્રેમી ઉત્સાહીઓ, વિઝ્યુઅલ ઈફેક્ટ સ્ટુડિયો અને પોર્ન નિર્માતાઓ સુધી દરેક, આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એકબીજાને છેતરી શકે છે. ખાસ કરીને ‘પોર્ન વિડિયોઝ’ બનાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. કોઈ છોકરી છોકરાએ કરેલી પ્રપોઝલનો અસ્વીકાર કરશે, તો છોકરો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તે છોકરીને બદનામ કરી શકે છે. તેના ‘પોર્ન વિડિયોઝ’ બનાવી શકે છે.
આનો ઉપયોગ ખોટા પ્રચાર માટે, કોઈને બ્લેકમેલ કરવા, કોઈ સંસ્થાની ઇમેજ બગાડવા, જાહેર વ્યક્તિઓની ઇમેજ બગાડવા, ડીપફેક ટેક્નોલોજી વ્યક્તિઓની ગોપનીયતા,પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન કરી શકે છે ડીપ ફેક લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને નુકસાન પહોંચાડી શકે છે, કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બદલો લેવા આ ડીપ-ફેકનો ઉપયોગ કરી શકે છે.
એટલું જ નહી જાહેર વ્યક્તિઓના અવાજની પણ નકલ થઈ શકે છે અને તેનો પણ ગલત ઉપયોગ થઈ શકે છે. ગયા માર્ચમાં,જર્મન એનર્જી ફર્મની યુકેની પેટાકંપનીના વડાએ જર્મન સીઈઓના અવાજની નકલ કરનાર છેતરપિંડી કરનાર દ્વારા ફોન કર્યા પછી હંગેરિયન બેંક ખાતામાં લગભગ £200,000 ચૂકવ્યા હતા. એવી જ રીતે આપણી આસપાસની વ્યક્તિઓના અવાજની નકલ પણ થઈ શકે છે! કોઈ આપણને આપણાં માતા-પિતા કે બીજા કોઈ સગા-સંબંધી જેવો અવાજ કાઢીને પણ છેતરી શકે છે!
ભારતમાં ડીપફેક ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ કે નિયમન કરતા ચોક્કસ કાયદા કે નિયમો નથી. ભારતે "નૈતિક" AI સાધનોના વિસ્તરણ પર વૈશ્વિક માળખા માટે હાકલ કરી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (2000) ની કલમ 67 અને 67A જેવા હાલના કાયદાઓમાં એવી જોગવાઈઓ છે જે બદનક્ષી અને સ્પષ્ટ સામગ્રી પ્રકાશિત કરવા જેવા ઊંડા બનાવટીના અમુક પાસાઓ પર લાગુ થઈ શકે છે.
ભારતીય દંડ સંહિતા (1860)ની કલમ 500 માનહાનિ માટે સજાની જોગવાઈ કરે છે.ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, વ્યક્તિગત ડેટાના દુરુપયોગ સામે થોડું રક્ષણ પૂરું પાડે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021, અન્યની નકલ કરતી સામગ્રી અને કૃત્રિમ રીતે મોર્ફ કરેલી છબીઓને 36 કલાકની અંદર દૂર કરવાનો આદેશ આપે છે.
દુનિયાભરની ટેકનો સંસ્થાઓ આ ડીપ-ફેક વિડિયોઝને ઓળખીને દૂર કરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. આપણે પણ આપણી ગમે તે શેર કરી દેવાની વૃતિ પર કાબૂ રાખવાનો સમય આવી ગયો છે. કોઈપણ વિડીયો વાઇરલ ત્યારે જ થાય છે, જ્યારે વધુ પડતો શેર થાય છે.......
No comments:
Post a Comment