Saturday, 18 November 2023

સુખ, શોધવાથી નહી, જીવવાથી મળતું રહે છે....

 સુખ, શોધવાથી નહી, જીવવાથી મળતું રહે છે....

 ખુશી કોને કહેવાય? | chitralekha

અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ, એવું જીવન જીવવા ઘણા મથી રહ્યા હોય છે. પણ આપણે જ્યાં સુધી આ બાબતનો સ્વીકાર નહી કરીએ, ત્યાં સુધી આપણને આપણી જિંદગી બીજા કરતાં અધરી અને અધૂરી જ લાગતી રહેશે.

આપણે જ્યારે જ્યારે કોઈ બીજાની જિંદગીથી અંજાઈ જઈએ આ વાક્ય યાદ રાખીએ. ઈશ્વર સૌના માટે તેની ક્ષમતા મુજબનું જીવન ઘડતા જ હોય છે, જે બાકી રહે તે ભાગ આપણે ઘડવાનો હોય છે, અને કદાચ થોડું કશુંક ના મળી શકે તો તેના માટે અફસોસ કરવાનું છોડી દઈને મોજથી જીવવાનું શીખી લઈએ.

  દરેકની જિંદગી અલગ અલગ હોય છે, તેમ જ સૌની જિંદગી જીવી લેવાની સ્ટાઈલ પણ અલગ અલગ હોય છે. તો શા માટે કોઈના જેવુ જીવવાના પ્રયાસો કરવામાં મૌલિકતાને ભૂલી જવી! આપણે સાપેક્ષ જીવીશું તો હમેંશા એવું જ લાગતું રહેશે કે જિંદગીમાં કશુંક ખૂંટી રહ્યું છે. અને આ જે કઈ ખૂંટતું છે, એ લાગણી આપણને દોડતા કરી મૂકતી હોય છે.

   કોઈ પાસે આપણાં કરતાં વધુ સંપતિ છે, એટલે તેઓ આપણાં કરતાં વધુ સુખી છે, એવું માની લેવાની ભૂલ નથી કરવા જેવી, તમામ જરૂરિયાતો પૂરી થાય, લેવીશ લાઈફ જીવવા મળે એટલે તેઓનું જીવન આપણાં કરતાં બેટર છે, એવું માની લઈને શા માટે એક એવી દોડમાં સામેલ થઈ જવું, જેની કોઈ ફિનિશીંગ લાઇન જ નથી!

  આજકાલ હાઇ-ફાઈ જીવી લેવાની જાણે કે ફેશન થઈ ગઈ છે. મોટા મોટા બંગલાઓ, મોટી મોટી ગાડીઓ, બ્રાન્ડેડ વસ્તુઓ, એટલે ખુશીઓથી ભરેલું જીવન એ વ્યાખ્યા આંશિક સાચી છે. આટલું આટલું હોવા છતાં જેઓને સંતોષ નથી, તેને વળી સુખ કેવું?  જીવી શકાય એટલું સાચવી લઈએ, બિનજરૂરી બધુ ભેગું કરીને શું કરીશું? આસપાસ નજર ફેરવજો, કેટલું બધુ એવું છે, જે આપણે ભેગું તો કરી લઈએ છીએ, પણ માણતા આવડતું હોતું નથી.

  જિંદગીમાં આપણે આગળની જિંદગીનું પ્લાનિંગ કરતાં રહીએ છીએ, પણ આજનું, અત્યારનું જે કઈ જીવવાનું છે, તેને તો અભેરાઈ પર જ મૂકી દેતાં હોઈએ છીએ, આપણે આપણાં વર્તમાનને અભેરાઈ પર ચડાવી દીધો છે. અરે ઉતારો તેને અને જીવી લ્યો.... આપણાં કરતાં ઈશ્વરનું પ્લાનિંગ અલગ હશે, તો જે કઈ ભેગું કર્યું છે, તેને પામ્યા વિના જ ચાલ્યા જઈશું.

  બીજાની સાપેક્ષે આપણું સુખ, એ સરખામણી જ આપણને દૂ:ખ તરફ ખેંચી જતી હોય છે. આપણે જાણે કે એ દૂ:ખનાં પ્રવાહમાં ખેંચાતા જઈએ છીએ, અને પછી બહાર નીકળવા માટે ફાંફા મારતા રહીએ છીએ. આપણું સુખ પેરેલાઇઝ્ડ થઇ જાય ત્યાં સુધી આપણે તેને કોઈને કોઈ દબાણ હેઠળ કચડતા રહીએ છીએ.

   જીવનમાથી બધુ જ ચાલ્યું જાય તો ચાલશે, પણ સંતોષ અને જીવી લેવાનો ઉત્સાહ એ બે બાબતો ડિલીટ ના થવી જોઈએ. મારી પાસે આ હશે, તો જ હું સુખ મેળવી શકીશ, એ શરત જ ખોટી છે. જેમ પ્રેમ વિના શરતે તેના સાચા સ્વરૂપ સુધી પહોંચી શકે છે, એમ જ જિંદગીને જીવી લેવા માંગતા લોકોએ, જિંદગી સાથે કોઈ શરત ના લગાડવી.

  હકીકત તો એ છે કે સુખ એ લાગણી છે, જે માત્ર સુખી થવાથી જ અનુભવી શકાય છે. ના સમજાયું બે વાર અને નહી તો ના સમજાય ત્યાં સુધી વાંચજો, સમજાય જશે. સુખ એ બાળક જેવુ નિર્દોષ અને નિખાલસ હોય છે, પણ આપણે બાળપણ છોડી દઈએ એટલે આ બંને લાગણીઑને બાય બાય કહી દેતાં હોઈએ છીએ, અને એટલે જ સુખ પણ આપણને છોડીને ચાલ્યું જતું હોય છે.

  સુખના સ્ત્રોતને ઓળખી લેવાની જરૂર છે, અને માઇન્ડ-વેલ, એ સ્ત્રોત બહાર ક્યાય નથી, આપણી અંદર જ રહેલો છે. અને એ પણ ઉપલા સ્તરમાં જ છે, એને ખોદવું પડે તેમ પણ નથી. બસ આપણે ક્યાય ખોટા રસ્તે ખોવાય ના જવા જોઈએ!!!

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...