Saturday, 29 March 2025

બળાત્કારની પૂર્વતૈયારી અને બળાત્કાર બંનેની વ્યાખ્યાઓ અલગ અલગ! સજા પણ અલગ!

 

 બળાત્કારની  પૂર્વતૈયારી અને બળાત્કાર બંનેની વ્યાખ્યાઓ અલગ અલગ! સજા પણ અલગ! 

Understanding "rape culture" in ...


 

        પ્રયાગરાજમાં હમણાં મહિના પહેલા જ 144 વર્ષો પછી આવેલી ધન્ય ક્ષણોને આ દેશના લગભગ 67 કરોડ લોકોએ નિહાળી અને આજે એક મહિનો પૂરો થયા બાદ અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2021માં એક માતા દ્વારા પોતાની 11 વર્ષની દીકરીના જાતીય શોષણના કેસના ચુકાદામાં આપેલ એકદમ અસંવેદનશીલ રીમાર્ક્સ થકી દેશની 65.19 કરોડ સ્ત્રીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કોર્ટના ચુકાદા મુજબ રેપ માટે તૈયારી કરવી અને રેપ કરવો એ બંને અલગ અલગ ઘટના છે. માટે કોઈ પુરુષ/પુરુષો સ્ત્રીના સ્તન પકડે કે તેના પાયજામાની નાડી ખોલે કે તેણીને રેપ કરવા માટે નિર્જન સ્થળે ઢસડી જાય એ બળાત્કાર નથી!

  આ કેસની એફ.આઈ.આર લખાવવા જ્યારે માતા ગઈ હતી, તો પોલીસે લખી પણ નહોતી! અને કોઈ પગલાં પણ નહોતા લીધા. એટલે તેણીએ કોર્ટમાં આવેદન આપ્યું, જે અંતર્ગત 2022માં આ કેસની સુનાવણી શરૂ થઈ. અને સુનાવણી પણ કેવી થઈ? કે આરોપીઓને બચાવવા કોર્ટે ધારાઓ જ બદલી નાખી?

    બળાત્કાર એટલે શું? શું બળાત્કારની કોઈ વ્યાખ્યા હોઇ શકે? બળાત્કારને વર્ણવી શકાય ખરા! બળાત્કાર સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ? સ્ત્રીના આત્મા પર થતાં ઘા ને સાબિત કેવી રીતે કરવા? બળાત્કારનો ભોગ બનેલી કોઈ સ્ત્રી જ્યારે એફ.આઇ.આર. લખાવવા જાય તો એ ઘટનાને અનંત વેદના સાથે ઠાલવતી હશે. હકીકત તો એ છે કે જ્યારે જ્યારે કોઈ બળાત્કારનો કેસ ચાલતો હોય, ત્યારે ત્યારે જેટલો સમય એ કેસ ચાલે, એટલા સમય માટે એ સ્ત્રીને ક્ષણે ક્ષણે પોતાના પર થયેલા બળાત્કારને રીવાઇઝ કરવો પડતો હોય છે.  

    જે ઘટનાએ તેના અસ્તિત્વના લીરેલીરા ઉડાડી દીધા હોય છે, એ ઘટનાને તેણીએ વારંવાર સાબિત કરવી પડે છે. સ્ત્રી પર થતાં બળાત્કારની શરૂઆત આમ તો જે ક્ષણે કોઈ પુરુષ તેણી પર વાસનાભરી નજરે જુએ ત્યાંથી જ થઈ જતી હોય છે. સ્ત્રીઓ આમ તો સતત રેપના ભયના ઓથાર હેઠળ જીવતી હોય છે. કામના સ્થળે, કામના સ્થળેથી મોડી રાત્રે એકલા ઘરે જતાં સમયે, વાડી-ખેતરોમાં કામ કરતાં સમયે, અરે ઘરમાં ઘરના પુરુષ સભ્યો થકી પણ તેણી રેપના ભય હેઠળ ધ્રૂજતી હોય છે.

  ગમતી સ્ત્રી પુરુષના શારીરિક આધિપત્યનો અસ્વીકાર કરે તે બાબત પુરુષોને ગમતી નથી. મોટા ભાગના બળાત્કારો પાછળ આ જ માનસિકતા જવાબદાર હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બળાત્કારની પેટર્નમાં ફેરફાર થયો છે. સેક્સની સમજણ વગર બહુ નાની ઉંમરે પોર્ન વિડિયોઝ અને ફિલ્મો જોતાં બાળકો પણ હવે બળાત્કાર કરવા લાગ્યા છે અને મોટી ઉંમરના પુરુષો નાની બાળકીઓ પર પણ બળાત્કાર કરવા લાગ્યા છે! નવ મહિનાથી માંડીને નેવું વર્ષની સ્ત્રીઓ પર થતાં બળાત્કારોને અદાલત જે  રીતે ડીફાઇન કરી રહી છે, એ દીકરીઓ માટે ચિંતાજનક છે.

  બાળકીઓ અને છોકરીઓ પર થતી જાતીય સતામણીની અસરો તેઓના જીવન અને મન પર આજીવન રહેતી હોય છે. ઘણી છોકરીઓ તો આવું થયા બાદ લાંબા સમય સુધી માનસિક રીતે બીમાર રહેતી હોય છે. કોઈ અજાણી વ્યક્તિ કે કુટુંબના સભ્યો દ્વારા જ્યારે સ્ત્રીઓ કે બાળકીઓને અણગમતો સ્પર્શ થાય છે, તો એ સ્પર્શ તેઓને લાંબા સમય સુધી ટચ કરતો રહે છે. તેઓ માનસિક રીતે એકદમ પડી ભાંગે છે. આ દેશમાં મોટા ભાગના બળાત્કારો તો સરકારી ચોપડે નોંધાતા પણ નથી.

  બળાત્કાર કરનાર આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. તેઓને સજા ના મળતી હોવાને લીધે તેઓ બીજી સ્ત્રીઓની પણ જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. ત્યારે કોર્ટના આવા નિવેદનોથી આવા આરોપીઓને વધુ ને વધુ પ્રોત્સાહનો મળશે. ઘણા રેપ-કેસ વર્ષોના વર્ષો ચાલતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્ત્રીઓ અને બાળકીઓ પર જે રીતે અમાનુષી બળાત્કાર થઈ રહ્યા છે, તો આપણે જાજીસની એ બેચને પૂંછવું રહ્યું કે શું સ્ત્રીઓની યોનિમાં બોટલ કે સળિયો ઘૂંસાડી દેવાને બળાત્કાર ગણવો કે બળાત્કારની તૈયારી...

  કોઈ છોકરી તેના બોયફ્રેંડ સાથે એકાંત માણતી હોય ત્યારે થતાં બળાત્કારને બળાત્કાર ગણવો કે કેમ? બળાત્કાર એટલે શું? એ માત્ર તે જ જાણી શકે જેણે એ સહન કર્યો હોય છે. જો આપણે જાતીય શોષણને નહી રોકીએ તો એ પણ બળાત્કાર સુધી પહોંચીને જ રહેશે. બળાત્કાર ની તૈયારી અને બળાત્કાર વચ્ચે કોઈ ભેદ પાડી જ શકાય નહી..... માટે બંનેની સજા એક જ હોવી જોઈએ.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         

 

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...