Tuesday, 1 April 2025

હાય યંગ જનરેશન, ઓય યંગ જનરેશન, ઓહ યંગ જનરેશન!

 હાય  યંગ જનરેશન, ઓય યંગ જનરેશન, ઓહ યંગ જનરેશન!

 India's youth population is not just a statistic; it's a symbol of hope and  promise for a brighter tomorrow! 🌟🇮🇳 #YouthMovement #NYPF2024  #IndiaPride #Fact #YouthEmpowerment #NYKS


 

    ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો અને યુવતીઓ ધરાવતો દેશ છે. આ દેશની યંગ જનરેશન કઈ દિશામાં જઇ રહી છે અને શું કરી રહી છે? તેના પરથી દેશનું ભાવી નકકી થતું હોય છે. જેમ આપણે આપણી મહેનત થકી કમાયેલા નાણાનું આપણને શ્રેસ્ઠ વળતર  મળી રહે એવી જગ્યાએ તેનું રોકાણ કરતાં હોઈએ છીએ એવી જ રીતે આ યુવાનો અને યુવતીઓને આપણે એવી રીતે હેન્ડલ કરવાના છે કે તેઓ થકી આપણે શ્રેસ્ઠ ભારતનું નિર્માણ કરી શકીએ.

  આપણને લાગે છે કે આ યંગ જનરેશન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને લીધે કે પછી ફિલ્મોને લીધે કે પછી પશ્ચિમી સંસ્કૃતિને લીધે ગલત રસ્તે જઇ રહી છે, પણ આપણી આ ધારણાઓ એકદમ ખોટી છે. તેઓને આપણા તરફથી જે હુંફ, પ્રેમ કે સારા વિચારો મળવા જોઈએ એ આપણે તેઓને નથી આપી શકતા. એટલે તેઓ કોઈને કોઈ ખરાબ આદતોના ભોગ બની રહ્યા છે. એવી મોટા ભાગની બાબતો જેના આધારે તેઓનું જીવન ઘડાતું, એ બાબતો આપણે તેઓની પાસેથી છીનવી લીધી છે.

  આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે આ યંગ જનરેશન આજે કઈ દિશામાં ભટકી રહી છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે રચેલી જાળમાં તેઓ ફસાઈ રહ્યા છે. ડ્રગ્સ, દારૂ, માવા, ગુટકા, વગેરે વ્યસનોમાં તેઓ ઝકડાઈ ગયા છે. આ બંને વ્યસનોને લીધે તેઓની જિંદગી નિરાશા અને હતાશાની ઊંડી ખીણોમાં ગરકાવ થઈ રહી છે. આ આખી પેઢીએ પોતાનાથી આગળની પેઢી સાથે જાણે કે અબોલા લઈ લીધા છે. તેઓને પાસે બેસીને સમજાવી શકે એવું જાણે કે કોઈ બચ્યું જ નથી.

  તેઓ જુદી જુદી ચેનલો પર મોટીવેશનલ સ્પીકર્સને બહુ સાંભળે છે, પણ તેઓ જે કહે છે, તેને અનુસરી શકતા નથી. તેઓની આસપાસ એટલા બધા બિનજરૂરી નોટિફિકેશન્સ છે, કે તેઓ કોઈ મહત્વની બાબત પર એકાગ્ર જ થઈ શકતા નથી. ઉંમર અને સમય પહેલા તેઓ કેટલીક બાબતો શીખી રહ્યા છે, જે તેઓને સતાવી રહી છે, તેઓમાં બિનજરૂરી આવેગો ઊભા કરી રહી છે. તેઓની દુનિયા એટલી બધી લેટેસ્ટ અને ડિજિટલ થઈ ગઈ છે કે તેઓ પોતે રચેલી આભાસી દુનિયામાથી બહાર જ નથી આવી રહ્યા! પોતાના વડિલો, શિક્ષકો અને ગુરુઓ કરતાં તેઓને ગૂગલ વધુ જ્ઞાની લાગી રહ્યું છે. ગૂગલ નક્શો દેખાડી શકે, પણ રોડમેપ તો વડીલો અને ગુરુઓ થકી જ બનાવી શકાય એ બાબત તેઓને આપણે સમજાવવાની છે.

  યંગ જનરેશનમાં રહેલી મોટા ભાગની ક્ષમતાઓ રીલ બનાવવામાં, વાઇરલ થવામાં, કે પછી ટ્રેન્ડ પાછળ દોડવામાં ખર્ચાઈ રહી છે. બાકીની ઉર્જા ઓનલાઈન ગેમ્સ પાછળ વપરાઇ રહી છે. ઓનલાઈન ગેમ્સને લીધે તો આ જનરેશનનો મોટા ભાગનો સમય વેડફાઇ રહ્યો છે. તેઓ પોતાનું શારીરિક અને માનસિક સંતુલન આ ગેમ્સને લીધે સાવ ખોરવાઈ ગયું છે. તેઓ ચિડિયા અને દુનિયાથી સાવ એકલા થઈ ગયા છે. આ ગેમ્સ રમવા ના મળે તો તેઓ કોઈનું ખૂન કરવા પણ તૈયાર થઈ જાય છે. તેઓની દુનિયા જ આ સ્ક્રીનમાં જાણે કે સમાય ગઈ છે. તેઓને આ દુનિયામાં ધકેલનાર પણ આપણે જ છીએ. આપણે જ તેઓને પુસ્તકો અને સંસ્કારોને બદલે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને જરૂરિયાતોના ઢગલા તરફ વાળી દીધા છે!  આ ગેમ્સના વળગણે તેઓને આપઘાત કરતાં પણ કરી દિધા છે.

   ટેકનૉલોજી તેઓની સમક્ષ રોજ કઈક નવું નવું લઈને આવી રહી છે અને આપણે તેઓને પરંપરાગત બાબતો તરફ ખેંચી રહ્યા છીએ. આ ખેંચાખેંચી પણ તેઓને ભિસમાં લઈ રહી છે. હકીકતમાં તો આપણે આ પેઢી માટે જે અને જેટલું કરવું જોઈએ એવું કશુ જ કરી નથી રહ્યા. ણે પરિણામે તેઓએ પોતાનો રસ્તો ખુદ પસંદ કરી લીધો છે. ઘણા યંગ-સ્ટર્સ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ તેઓને પ્રોત્સાહન આપનારું કોઈ નથી. આપણે સૌ એવું ઈચ્છી રહ્યા છીએ કે તેઑ આપણે દેખાડેલા રસ્તે જ ચાલે, પોતાનો કોઈ નવો રસ્તો ના કંડારે. અને આ સંઘર્ષે જ તેઓને હેરાન-પરેશાન કરી દીધા છે.

   કેટલાક માતા-પિતાએ પોતાના સંતાનોની દરેક જરૂરિયાત પૂરી કરવાના સોગંધ લીધા છે. અમને ના મળ્યું એ બધુ જ તેઓને પણ મળવું જોઈએ. આ વિચાર આખા સમાજને નડી રહ્યો છે. હાઇ ફાઈ જિંદગી આપીને આવા માતા-પિતા પોતાના સંતાનોને રસ્તા પર મોંઘીદાટ ગાડીઓ લઈને ખુલ્લા છોડી રહ્યા છે, જેઓ રસ્તે ચાલ્યા જતાં કે ફૂટપાથ પર સૂતેલા લોકોને મનફાવે તેમ કચડી રહ્યા છે. કેટલાક નેતાઓના સંતાનો પોતાના પિતા કે માતાના હોદ્દાની રૂએ દીકરીઓ પર બળાત્કાર કરવા જેવા ગુનાઓ કરીને પણ ખુલ્લે આમ સાંઢની જેમ સમાજમાં ફરી રહ્યા છે. તેઓને કોઈ કાયદો લાગુ પડતો નથી!

  એક બાજુ તેઓ પોતાની અંદર ઉછળી રહેલા હોર્મોન્સથી અપરિચિત અને હેરાન છે, તો બીજી બાજુ કરિયર અંગેના સવાલો તેઓને મૂંઝવી રહ્યા છે. તેઓના સવાલોને સમજી શકે એવા માતા-પિતા બહુ ઓછા છે. કારણકે મોટા ભાગના માતા-પિતા પોતાની મહાત્વાકાંક્ષાઓ સંતાનો પર ઠાલવતાં હોય છે. તેઓ પર એકબાજુથી પિયર્સ પ્રેશર છે, તો બીજી બાજુ પાડોશી કે સગાવહાલાના દીકરા/દીકરી પોતાના કરતાં આગળ નીકળી ગયા છે, એવું કુટુંબ અને સમાજનું પ્રેશર તેઓને શાંતિ લેવા દેતું નથી. તેઓનું મન આ બધા પ્રેશરને લીધે સતત સ્ટ્રેસ ફીલ કરી રહયું છે. અને એ સ્ટ્રેસ જ એકદિવસ તેઓને આપઘાત તરફ દોરી જતું હોય છે.

  જુદા જુદા ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સ પર વળી તેઓ કઈક અલગ દુનિયા જ જોઈ રહ્યા છે. બેશુમાર દોલત, આલીશાન બંગલાઓ, હાઇ-ફાઈ ગાડીઓ, સેક્સના દ્રશ્યો, ડ્રગ્સ અને દારૂની રેલમછેલ, એક એવું કલ્ચર જે તેઓની પહોંચથી બહુ દૂર છે, પણ એકદમ આકર્ષક છે. સપનાઓની એક એવી દુનિયા જ્યાં તેઓ હકીકતમાં જવા માંગે છે. પણ ત્યાં પહોંચવા તો અઢળક પૈસા જોઈએ અને પૈસા કમાવવાનો સાચો રસ્તો તો બહુ લાંબો છે. એટલે તેઓ શોર્ટકર્ટ તરફ વળી જતાં હોય છે. અને એ શોર્ટકર્ટ્સ તેઓને એવા અંધકારમાં લઈ જાય છે, જેનું કોઈ અંજવાળું હોતું નથી.

  યંગ જનરેશનને સારા અને સાચા રસ્તે લઈ જવા આપણે જ તેઓને સમય આપવો પડશે. શાળાઓ અને કોલેજોએ તેઓમાં જરૂરી મૂલ્યોનું સિંચન કરવું પડશે. આપણું આ મહામૂલું ધન સાવ ગલત રસ્તે વેડફાઇ ના જાય એ જોવાની જવાબદારી આખા સમાજની છે. તેઓને જરૂરિયાતો નહી સમય આપીએ. તેઓને નડતી સમસ્યાઓ બાબતે તેઓ સાથે શાંતિથી બેસી ચર્ચા કરીએ. તેઓ કોઈ ભૂલ કરે તો એ ભૂલ સુધારવાની તેઓને તક આપીએ. તેઓમાં આવતા શારીરક અને માનસિક ફેરફારોને આપણે પણ સમજીએ અને તેઓને પણ સમજાવીએ. રીલ અને રિયલ દુનિયા વચ્ચેનો તફાવત આપણે તેઓને સમજાવવો પડશે.

  આપણે તેઓમાં આપણા સમયનું મૂડીરોકાણ કરીશું તો તેઓને આવનાર સમય માટે આપણે તૈયાર કરી શકીશું. તેઓને સારા રસ્તે વાળી શકીશું. આપણો હેપ્પીનેસ ઇંડેક્સ તેઓ સાથે જ જોડાયેલો છે. માટે તેઓને ખુશ રાખીશું તો આપણે પણ ખુશ રહી શકીશું.

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...