Sunday 18 September 2022

ઈશ્વરની ભેટ ગણાતા બાળકો ‘અનૌરસ’ કેમ??

 

 

 


"We need to live in a country where there will be no example to cite for the word 'bastard'," the Kerala high court said recently, while ruling that a child can use only the mother’s name on official documents

 રોહિત શેખરે 2012માં સાબિત કર્યું કે તે નારાયણ તિવારીનો દીકરો છે. તેના માટે તેઓ સાત વર્ષ સુધી કોર્ટમાં લડયા. તેઓના પિતાએ આખરે DNA-ટેસ્ટના રીપોર્ટના આધારે સ્વીકારવું પડ્યું કે રોહિત તેમનુ જ સંતાન છે.

  આવા તો કેટલાયે કિસ્સાઓ છે, જેમાં પિતાએ ના સ્વીકારેલા બાળકો કા તો માતાના સહારે કે પછી માતા દ્વારા તરછોડાઈને સંઘર્ષમય જીવન જીવતા હોય છે. તેઓ સમાજ દ્વારા અધિકૃત થવા લાખો પ્રયાસો કરતાં હોય છે, પણ સમાજ તેઓને અનૌરસ સમજીને ધિકકારતી જ રહે છે. બંને દ્વારા જન્મેલા બાળકની જવાબદારી જ્યારે પિતા નથી લેતા તો એ માં અને બાળક બંને જીંદગીભર સમાજના અપ્રુવલ માટે લડતા રહે છે. આ બાળકના પિતા કોણ છે? એના માટે જ્યારે કોર્ટમાં જવું પડે, સંબંધોની વચ્ચે કાયદો આવે તો એ અંગત સંબંધો જાહેરમાં ચર્ચાઇ જતાં હોય છે. અને એમાં સૌથી વધુ સ્ત્રીઓ એ જ સહન કરવાનું આવતું હોય છે. પેલા આવા બાળકોને સમાજ નફરતની નજરે જોતો, અને હવે આવા બાળકો કોઈપણ ક્ષેત્રમાં આગળ આવે તો, ટ્રોલ થતાં રહે છે! આવા બાળકોને જોવાનો ના આપણો અભિગમ બદલાયો, ના આપણે બદલાયા!

 મારે તો તમને સૌને એક જ પ્રશ્ન પૂંછવો છે, કે સ્ત્રી-પુરુષના સહવાસથી જન્મેલું બાળક માત્ર એકલી સ્ત્રીનું કેવી રીતે હોઇ શકે? કુંવારી માં આ શબ્દ આપણાં સમાજના શબ્દકોશમાં છે, પણ કુંવારો બાપ એ શબ્દ નથી! પુરુષપ્રધાન સમાજે આવા તમામ કિસ્સાઓની જવાબદારી માત્રને માત્ર સ્ત્રીઓ પર જ નાખી દીધી છે. પુરુષને પુરુષ તરીકે જે કઈ પણ કરે, તેમાથી છટકી જવાની છૂટ છે, પણ સ્ત્રીઓ માટે દરેક જગ્યાએ બંધનો જ છે. કોઈ બાળક કેવી રીતે અનૌરસ હોઇ શકે? સદીઓ પહેલા મહાભારતમાં કુંતીએ કર્ણ સાથે જે કર્યું હતું એ આજે પણ આપણાં સમાજમાં થઈ રહ્યું છે.

  કર્ણ જન્મતાવેંત તરછોડાયો એને કારણે મહાભારતનું સૌથી કરૂણ પાત્ર બનીને રહી ગયો. ક્ષમતા હોવા છતાં જીવનભર ખુદને સાબિત કરવા મથતો રહ્યો, પણ સાબિત ના કરી શક્યો. એમ જ તરછોડાયેલ બાળક મોટા ભાગે અનાથ તરીકે પોતાની જિંદગી જીવે છે, એક એવા અંધારામા જીવે છે, જ્યાં તેની આખી જિંદગી પ્રકાશ શોધતી રહે છે, પણ એ પ્રકાશ તેને મળતો નથી. માતા-પિતાના આધાર વિનાનું એ બાળક આખી જિંદગી પ્રેમ માટે તરસતું અને તડપતું રહે છે.

 સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની નૈતિકતાને આધારે બાળકોનું મૂલ્યાંકન કરવાનો હક સમાજને કોણે આપ્યો? સેક્સને લીધે જન્મતુ બાળક પોતાની સાથે લગ્ન નામની સંસ્થાનો સિક્કો લઈને ના આવે તો એ બાળક અનૌરસ કેવી રીતે થઈ જતું હોય છે. સમાજ આવા બાળકને બાળક તરીકે શા માટે નથી સ્વીકારતું? આવા બાળક માટે અંગ્રેજીમાં ‘unwanted’ એવો શબ્દ વપરાય છે. જો આપણે બાળકને ઈશ્વરનું સ્વરૂપ માનતા હોઈએ તો એ ‘unwanted’ કેવી રીતે હોઇ શકે? આવા બાળકો સતત પોતાના અસ્તિત્વને સાબિત કરવા મથતા રહે છે, પણ પિતા કે સમાજ દ્વારા તેઓ સ્વીકૃતિ પામતા હોતા નથી.

બાળકનો જન્મ એ કોઈપણ કુટુંબ માટે સૌથી મોટી ખુશીનો ઉત્સવ હોય છે.બાળક એ માતા-પિતાનું શ્રેસ્ઠ સર્જન છે. “આ પૃથ્વી પર અવતરતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરને માણસ પર હજી શ્રદ્ધા છે.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. પણ એ જ બાળકને જન્મતાવેંત જ્યારે કોઈ તરછોડી દે છે, તો હ્રદયમાં વેદના સાથે પ્રશ્નો પણ ઉદભવે છે. કે આ દુનિયામાં કેટલાયે માતા-પિતાઓ બાળક ના થાય તો ઘાંઘા થઈ જતાં હોય છે, બાધા માનતા રાખતા હોય છે. અને એ જ બાળક જ્યારે લગ્નના લાઇસન્સ વિના આવે, તો આપણો સમાજ તેને અપનાવતો નથી! કેમ?

 

  

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...