Thursday 17 August 2017

ધર્મ,મુલ્યો અને આપણે,

ધર્મ,મુલ્યો અને આપણે,


                      





   ધર્મ અને નૈતિકમુલ્યોને વ્યસ્ત સંબંધ હોય તેવું લાગે છે.જે જે દેશોમાં ધર્મનું મહત્વ વધુ છે, ત્યા અપ્રમાણિકતા,રિશ્વત,ભ્રષ્ટાચારના પ્રશ્નો વધુ જોવા મળે છે.ધર્મની સ્થાપના લોકોને સારા માર્ગે વાળવા થઈ હતી.પણ એ જ ધર્મે આજે લોકોને ગલત માર્ગે દોરવાનું કામ કર્યું છે.માનવસમાજ પર નિયંત્રણ રાખી શકાય તે માટે આપણે ધર્મને જીવનમાં ઊંચું સ્થાન આપ્યું પણ એ ધર્મ જ અનેક સંપ્રદાયોમાં વહેચાઈ ગયો અને ધર્મની પરિભાષાઓ સરળ બનવાને બદલે અઘરી બનતી ગઈ.જે ધર્મની સ્થાપના માનવતાના રક્ષણ માટે થઇ તી તે ધર્મ જ માનવતાનો દુશ્મન બની બેઠા.ને આજે ધર્મના નામે જેહાદ જેવી ભયંકર પ્રવૃતિઓ પણ થતી રહે છે.આતંકવાદ જેવી ભયાનક પ્રવૃતિને પણ ધર્મના નામે ફેલાવવામાં આવે છે.દરેક વાતને ધર્મના નામ સાથે જોડી માણસ પર એટલા નિયંત્રણો લાદવામાં આવેલ છે કે માણસ જાહેરમાં ધર્મનું પાલન થાય એવી પ્રવૃત્તિ કરે છે,પણ ખાનગીમાંઅધર્મ આચરતા રહે છે.અત્યારે તો એવો માહોલ થઇ ગયો છે કે “ચોરી કરવી કે ખોટું કરવું પાપ નથી ગણાતું પણ એવું કરતા પકડાઈ જવું એ જ પાપ છે.” ધર્મ જેમ જેમ વધતા જાય છે નૈતિક મૂલ્યોનું ચલણ એટલુ જ ઘટતું જાય છે.
        વિશ્વમાં અનેક ધર્મોનું સ્થાપન થયેલું છે.એ પણ નથી સમજાતું કે ભગવાન શા માટે અલગ અલગ સ્વરૂપે પૃથ્વી પર આવતા હશે કે પછી એ પણ માણસનો જ બનાવેલો છે. દુનિયામાં અનેક ધર્મો પાળતી પ્રજા વસે છે.દરેક ધર્મની સ્થાપના એની પેલાના ધર્મમાં પ્રવેશેલી ગંદકી દુર કરવા થઇ છે, એવું માનવામાં આવે છે.દરેક ધર્મ એકબીજાનો પુરક નહિ પણ પ્રતિસ્પર્ધી હોય એમ ધર્મના અનુયાયીઓ ઝઘડતા રહે છે, ને જે ધર્મને માનવસમાજ નો મિત્ર માનવામાં આવે છે, એ ધર્મ જ એનો દુશ્મન બની બેસે છે.પ્રત્યેક ધર્મની સ્થાપના એના આદ્યસ્થાપક દ્વારા થઇ. એ આદ્યસ્થાપકે એ ધર્મને સમજાવવા ગ્રંથો અને ઉપદેશો આપ્યા. રામાયણ,મહાભારત,ભગવદગીતા,બાઈબલ,કુરાન,વેદો,ઉપનીષદો,વગેરે જેવા પુસ્તકો એનું ઉદાહરણ છે.આ બધા પુસ્તકોએ આપણને આદર્શ જીવન જીવવાના માપદંડો આપેલા છે અને આપણે સ્વીકાર્યા પણ ખરા! પણ શું આજે ખરેખર એ આદર્શોનો અમલ થાય છે ખરો? એ આદર્શો તો પુસ્તકોની શોભા માત્ર બની રહી ગયા છે! જીવનની જરૂરીયાતો પૂરી કરવાની દોડમાં આપણે અશાંત બની ગયા છે.ને શાંતિ મેળવવા ગમે તેના શરણે જવા તૈયાર થઇ ગયા છીએ.આપણી ધર્મ વિશેની ગલત માન્યતાઓએ જ આશારામ અને રાધેમાં જેવી વ્યક્તિઓને આટલા ઊંચા સ્થાન પર બેસાડી દીધા છે.ઈશ્વર અને આપણી વચ્ચે રહેલા આવા ખોટા સંતો અને સાધુઓએ જ ધર્મ અંગેની આપણી માન્યતાઓને ‘અંધશ્રદ્ધા’ માં કન્વર્ટ કરી દીધી છે. અને આપણે અંધશ્રદ્ધા- શ્રદ્ધા વચ્ચેનો ભેદ ભૂલી ચુક્યા છીએ.
ભારત વિશ્વની પ્રાચિનતમ સંસ્કૃતિ ધરાવતો દેશ છે.આપણી સંસ્કૃતિમાં ‘ધર્મને’ સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે,ને આમ છતાં અપ્રમાણિકતાનું પ્રમાણ અહી વધુ જોવા મળે છે.પ્રાચીન ગ્રંથો માં ધર્મ અર્થ,કામ,અને મોક્ષ એમ માનવજીવનના ચાર ધ્યેયો વર્ણવ્યા છે. જેમાં આપણે મોક્ષ ને સૌથી ઊંચું સ્થાન આપીએ છીએ,જેમાં ધર્મ થકી જ મોક્ષ પ્રાપ્તિને અગત્યનું ગણ્યું છે ને છતાં આપણે અધર્મ આચરતા રહીએ છીએ.આવું માત્ર કોઈ એક ધર્મ માટે નહિ દરેક ધર્મોના પ્રતિનિધીઓએ પોતાના ધર્મનું ગલત અર્થઘટન કર્યું છે.ને પરિણામે દરેક ધર્મ પાળતી પ્રજા પોતાનો મૂળ ધર્મ ભૂલી માત્ર સંપ્રદાયો પાળતી પ્રજા બની ગઈ છે.એટલું જ નહિ ધર્મસ્થાનો પણ કમાણીના સ્થાનો માત્ર બની રહી ગયા છે.ને તેની આસપાસના સ્થળો માત્ર શ્રધ્ધાળુઓને લુટવાના માત્ર માધ્યમ બની ગયા છે.માણસના ડરને,ગ્રહોને,દુખોને,મુશ્કેલીઓને દરેક ધર્મોએ કમાવવાનું સાધન બનાવી લીધું છે.એટલે જ તો પી.કે. મૂવીમાં આમીરખાન કહે છે, “ जो डर गया वो मंदिर गया”
ને એટલે જ તો આપણે ધર્મને તેના સાચા અર્થમાં સમજી જ શકતા નથી ને ખોટા રસ્તે જલ્દી વળી જઈએ છીએ.ઋષિમુનીઓ ના આ દેશમાં આજે ભ્રષ્ટાચાર તો સાવ સામાન્ય બની ગયો છે.અરે એ તો આપણો સ્વભાવ બની રહી ગયો છે.અત્યારે આપણા દેશમાં અપ્રમાણિકતાનું મહત્વ એટલું વધી ગયું છે કે ‘પ્રમાણિક’ માણસ જાણે અન્ય ગ્રહનો વ્યક્તિ હોય એવું લાગે છે. આ દેશમાં પ્રમાણિક વ્યક્તિ સાવ એકલો બની જાય છે. એટલું જ નહિ વેદિયો માની તેનું અપમાન કરવામાં આવે છે.અને હકીકત તો એ છે કે એ પ્રામાણિક માણસ બધાને નડતો થઇ જાય છે ને લોકો તેને અનુસરવાને બદલે જલ્દીથી તેને દુર કરવાના પ્રયત્નો કરતા રહે છે.સાચું કહેજો ક્યાં વિદ્યાર્થીને પરીક્ષામ ચોરી ના કરવા દે એવા શિક્ષક ગમતા હશે! શાળા,કોલેજો,બેંકો,તમામ વેપારી સંસ્થાઓ,સરકારી સંસ્થાઓ,રાજકારણીઓ,સામાન્ય માણસો,ધનિકો,બધાજ ભ્રષ્ટાચારના મોટા કેન્દ્રો બની ગયા છે.જે દેશે સમ્રગ વિશ્વને જીવન જીવવાના શ્રેષ્ઠ મુલ્યો આપ્યા છે એ જ આજે માંનવ-મુલ્યો બાબતે તળિયે આવી ગયું છે.ચોરી ના કરવી, ખોટું ના બોલવું, લાંચ ના લેવી વગેરે અભ્યાસક્રમના માત્ર મુદ્દા બની ગયા છે.પણ વાસ્તવિક કેળવણીમાં કોઈ એને સ્થાન આપતું નથી.પાપ કરી ગંગામાં ડૂબકી મારી પાપ ધોવાની આપણી માન્યતાએ તો ગંગા જેવી પવિત્ર નદીને પણ ગંદી બનાવી દીધી છે.પણ અધર્મ જ ના થાય તો અપવિત્રતાનો સવાલ જ ના ઉદભવે ને?
‘સત્ય મેવ જયતે’ માત્ર એક વિધાન બની રહી ગયું છે, જે માત્ર એક સ્લોગન બની વિવિધ કચેરીઓની શોભા વધારે છે પણ માણસો ખુદની શોભા વધારવા એનો જરાયે ઉપયોગ કરતા નથી.”આત્મા એ માણસની સૌથી મોટી અદાલત છે” પણ એ અદાલત કોઈને યાદ જ નથી. એ અદાલત વારંવાર સાચો અવાજ કરતી રહે છે,પણ એને પૈસા,સંપતિ,કે અન્ય જરૂરિયાતોના ઘોંઘાટમાં સાંભળનાર કોઈ રહ્યું નથી.સત્ય,ધર્મ,જેવા શબ્દો પુસ્તકો કે પ્રવચનોની શોભા વધારનારા બની રહી ગયા છે.જીવનમાં કે વ્યવહારમાં કોઈ એનો અમલ કરતા નથી. સત્ય પર પ્રવચનો આપનાર બહુ મળી રહે છે,પણ સત્યના માર્ગે જનાર બહુ ઓછા મળે છે.જયારે વિદેશમા ધાર્મિકતા ઓછી હોવા છતાં લોકો પ્રમાણિક જોવા મળે છે.તેઓ કોઈ કામ ચોઘડિયા જોઈ કરતા નથી છતાં આપણા કરતા દરક બાબતોમાં આગળ છે.,વધુ  વિકસિત છે.જયારે આપણે દરેક બાબતોમાં ધર્મને વચ્ચે લાવતા રહીએ છીએ ને એક કુવામાંના દેડકાની જેમ સંકુચિત બનતા રહીએ છીએ.નવી બાબતો સ્વીકારવામાં પણ અચકાતા રહીએ છીએ.આપણે એવા દરેક કામ કે જે ધાર્મિક દ્રષ્ટીએ અયોગ્ય લાગે છે,તેને જાહેરમાં બધાની દેખતા નથી કરતા તો ખાનગીમાં કરતા હોઈએ છીએ.ને એટલે જ તો આપણે આપણી આજુબાજુ દંભનું કવચ રચી બેઠા છીએ, જેને કોઈ વીંધી શકતું નથી.આ એવો દેશ છે, જ્યાં પાણીની પરબ પર રહેલા ગ્લાસ કોઈ લઇ ના જાય એટલે સાંકળથી બાંધીને રાખવા પડે છે.બોલો આમાં પ્રમાણીકતા,સત્ય,જેવા નૈતિક મુલ્યોને કઈ સાંકળથી બાંધીને રાખવા.
આપણા દેશમાં જેટલા ધાર્મિક્સ્થાનો છે,એટલા બીજા કોઈ દેશમાં નહિ હોય.એક ગામમાં સરેરાશ ૪-૫ ધર્મસ્થળો હોય જ છે, ને છતાં આપણે ધર્મને સાચા અર્થમાં સમજી શકતા નથી.આ દેશમાં ધર્મના નામે ઝઘડા સતત થતા રહે છે.કોમી રમખાણો થતા જ રહે છે.ધર્મ જો એક રાખવાનું કાર્ય કરતો હોત તો આવા ઝઘડા શા માટે? હકીકત તો એ છે કે ધર્મ જ લોકોને લડાવવાનું મોટું માધ્યમ બની ગયા છે.જે ધર્મની સ્થાપના લોકોને એક કરવા માટે થઇ હતી તે જ ધર્મે લોકોને જુદા કરી નાખ્યા છે.અહી ધર્મના નામે કરોડો રૂપિયા ભેગા થતા રહે છે,ને પછી એ ધન માટે ગાદીપતિઓ લડતા રહે છે.ને ઈશ્વર એક સાઈડ રહી જાય છે.અહી લોકો ગરીબ છે,પણ ધર્મસ્થાનો ધનિક છે. લોકો ભૂખ્યા સુવે છે,પણ પથ્થરના કે માનેલા ભગવાન જાતજાતના પકવાન આરોગતા રહે છે.પથ્થરની મુર્તીઓને હઝારો લીટર દૂધ ચડાવાતું રહે છે, ને દુધના અભાવે લાખો બાળકો કુપોષિત રહી જાય છે.અહી ધર્મના નામે લોકો દિવસમાં ૩-૪ વાર તન સાફ કરતા રહે છે પણ મન સાફ કરવાનું કોઈને સુઝતું નથી. સ્ત્રીઓને માતાજી બનાવી પૂજતા રહે છે પણ ભ્રુણ-હત્યા રોકવાનું કે બળાત્કાર રોકવાનું કોઈને સુઝતું નથી.દહેજ જેવા રાક્ષસને અટકાવવાનું કોઈને સુઝતું નથી.આ એવો દેશ છે જ્યાં લોકો અદાલતમાં પોતાના ધર્મના ગ્રંથ પર હાથ મૂકી ખોટું બોલે છે ને નાર્કોટેસ્ટ વખતે સાચું બોલે છે! કેમ ખરું ને? અહી ધર્મના નામે પ્રેમીઓને લવ જેહાદ નો ભોગ બનવું પડે છે. હવે તમે જ કહો ધર્મ અને નૈતિકતા વચ્ચે.......સંબંધ.
 

                      

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...