Thursday 20 October 2022

કુટુંબ...........જરૂરિયાતો ---------પુરુષ--------------ભ્રષ્ટાચાર!!!

 

કુટુંબ...........જરૂરિયાતો ---------પુરુષ--------------ભ્રષ્ટાચાર!!!

900+ Family Man Clip Art | Royalty Free - GoGraph

 અર્થશાસ્ત્રની રોબિન્સને આપેલી વ્યખ્યાને આજના સંદર્ભમાં લખવી હોય તોં આ મુજબ લખી શકાય, “ કુટુંબની જરૂરિયાતો અનંત છે, અને તેને સંતોષવા મથનાર પુરુષ પાસે આવકના સ્ત્રોતો મર્યાદિત છે, ને વળી એમાં પણ ગળાકાપ હરીફાઈ છે. જેમ એક સ્ત્રી માતા, બહેન, દીકરી, પત્ની વગેરે વગેરે હોય છે, તેમ જ એક પુરુષ પણ દીકરો, ભાઈ, પિતા, પતિ વગેરે વગેરે હોય છે. પણ આજકાલ ફેમિનિઝમના વાયરામાં આવી અભિવ્યક્તિઓ બિચારી પોતાનો દમ તોડી રહી છે. સ્ત્રી-શશક્તિકરણની જરૂર છે, જ પણ શું પુરુષોના બોજને પણ થોડો હળવો કરવાની જરૂર નથી? આજનો પુરુષ જવાબદારીઓ નહી પણ જરૂરિયાતોના ભાર નીચે દટાઈને ગલત રસ્તે વળી રહ્યો છે.

  વર્ષો પહેલા વાલિયા લૂંટારાએ તેને પૂંછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં એમ કહ્યું હતું કે હું અત્યારે જે કઈ લૂંટફાંટનું કામ કરી રહ્યો છૂ, તે મારા કુટુંબના ભરણ-પોષણ માટે છે. આજે પણ કોઈ પુરુષને આ પ્રશ્ન પૂંછવામાં આવે તો જવાબ થોડો અલગ હશે, કે હું આ  ભ્રષ્ટાચાર મારા કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કરી રહ્યો છુ. કુટુંબો નાના થઈ ગયા છે, પણ મોજશોખો મોટા મોટા થઈ ગયા છે. કોઈને કોઈ જરૂરિયાતો વિના ચલાવી જ નથી લેવું! કોઈપણ સમાજમાં જ્યારે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ કરતાં મોજશોખોને વધુ મહત્વ આપવામાં આવે છે, એ સમાજના પુરુષોને લૂંટફાંટ કરવી જ પડે છે. જેને આપણે અત્યારે ભ્રષ્ટાચાર કહીએ છીએ.

   રોટી,કપડાં અને મકાન પછીની બે સૌથી જરૂરી બાબતો શિક્ષણ અને આરોગ્ય પાછળ આજનો પુરુષ સતત ખર્ચાતો રહે છે. લોકો રોગ કરતાં પણ વધુ રોગોની સારવારથી ડરી રહ્યા છે. કોરોના સમયે ઘણા એવા લોકો હતા, જેમણે દવાખાનાના બિલ્સ ભરવાની જગ્યાએ મૃત્યુને વધૂ વહાલું કર્યું હતું! તો શિક્ષણ પણ તેની હરીફાઈમાં પાછળ રહે તેમ નથી. પોતાના બાળકોને સારામાં સારી જગ્યાએ ભણાવવા પાછળ આજનો પિતા સૌથી વધુ ખર્ચાઈ રહ્યો છે. ભવ્ય કેમ્પસોમાં અપાઈ રહેલું શિક્ષણ આજે મોટા ભાગના પિતાશ્રીઓની કમર તોડી રહ્યું છે. ટોલ્સટોયની વાર્તામાં જેમ એક માણસને કેટલી જમીન જોઈએ? એ પ્રશ્નનો ઉકેલ વાર્તાનાયક પાસે ના હતો, તેમજ આપણાં કુટુંબનાયક પાસે આજે એ જ પ્રશ્ન નવા સ્વરૂપે આવીને ઊભો રહી ગયો છે અને એ છે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કેટલું કમાતા રહેવું?

  હવે જે સ્ત્રીઓ કમ્ફર્ટ ઝોન માં રહેવાનુ પસંદ કરે છે, તેના મોજશોખની જરૂરિયાતોનું લિસ્ટ અનંત હોય છે, કોઈ મોટી પાર્ટી કે પ્રસંગમાં ભેગી થયેલી સ્ત્રીઓના શોખો પાછળ થતાં ખર્ચાઓની વિગતો સાંભળીએ તોં ખબર પડશે કે સમાજને ભ્રષ્ટાચાર તરફ લઈ જનારી સન્નારીઓ આ જ છે. ડ્રેસિંગ, ઘરેણાં, ફેશન,મેકઅપ વગેરે વગેરે પાછળ તેઓ દ્વારા થતાં ખર્ચાઓની યાદી બનાવીએ તોં સમજાશે કે પુરુષોની આવકનો એક બહુ મોટો હિસ્સો આ બધા પાછળ ખર્ચાઈ જતો હોય છે. બીજા કરતાં અલગ અને બધાથી સારા લાગવાની હોડમાં સ્ત્રીઓ પુરૂષોને બિનજરૂરી રીતે ખર્ચી નાખતી હોય છે.

    આજે લગભગ મોટા ભાગના કુટુંબો જરૂરિયાતોના બજારમાં પુરૂષોને ભીંસી રહ્યા છે. ઘરની એક એક વ્યક્તિદીઠ અલગ અલગ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, વાહનો, મોટા મોટા મકાનો, બિનજરૂરી ઉજવણીઓ, હાઇ-ફાઈ ઓળખાણો, મોંઘીદાટ ફેશનો, દેખાડા, વગેરે વગેરે બાબતોથી આજના કુટુંબોમા પિતાઓ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓની પોતાની જિંદગી જેવુ કશું રહ્યું જ નથી. સુખના સ્ત્રોતોની જગ્યાએ આપણે સૌ કમાણીના સ્ત્રોતો તરફ વળી ગયા છીએ. ને પરિણામે કુટુંબો પણ દાદા-દાદી વગરના થઈ ગયા છે. શહેરોમાં મોજશોખો વાળી જિંદગી પાછળ દોડવાની આપણી આદતોએ વડીલોને ગામડાઓમાં એકલવાયું જીવન જીવવા મજબૂર કરી દીધા છે!

  કુટુંબની જરૂરિયાતોની યાદી જોઈશું તોં સમજાશે કે એમાં ઘણું બધુ એવું છે, જેને આપણે સ્કીપ કરી શકીએ એમ છીએ. પણ કરતાં નથી. પહેલા જરૂરિયાતો ક્રમમા ઊભી થતી, પણ હવે તોં એ એકસાથે ઊભી થવા લાગી છે. માર્કેટ અને માર્કેટિંગ આપણી જરૂરિયાતોના એકસીલેટરને બ્રેક જ નથી લાગવા દઈ રહ્યા. ને પરિણામે પુરુષ નામનો વ્યક્તિ દોડી દોડી ને હાંફી રહ્યો છે, કુટુંબને સમય આપવો કે સંપતિ?  એ જ તેને નથી સમજાઈ રહ્યું. મહિનાના અંતે એકસાથે બિલો ચૂકવતો પુરુષ દર વખતની એક નવી જરૂરિયાતથી વધુ ને વધુ ભ્રષ્ટાચાર તરફ વળી રહ્યો છે. સાંજે ઘરે પાછો ફરે ત્યારે એને કુટુંબના સભ્યોને મળવાનો આનંદ નહી, પણ રોજ એક નવી જરૂરિયાતનો ડર લાગી રહ્યો છે!

   આ ડરને દૂર કરવામાં કુટુંબના સભ્યોએ જ પુરૂષોને મદદ કરવાની છે, આપણાં માટે સાથે બેસીને હસતા હસતા આખા દિવસનો થાક ઉતારવો જરૂરી છે કે પછી મોજશોખોની જરૂરિયાતો? પિતાની હુંફ જરૂરી છે કે હીટર? તેના ચહેરા પરના હાસ્યની ઠંડક જરૂરી છે કે એ.સી.? ટૂંકમાં ઘરમાં પુરુષ ની હાજરી જરૂરી છે કે ગેરહાજરી? બસ આપણે માત્ર આવા કેટલાક પ્રશ્નોનાં જવાબો મેળવવાના પ્રયાસો કરીશું તોં પણ ઘરના પુરૂષોને ભ્રષ્ટાચારથી બચાવી શકીશું અને સાથે સાથે સમાજને પણ!    

 

  

 

 


Wednesday 12 October 2022

’રેન્ક' આ શબ્દથી બાળકોનો હેપ્પીનેસ ઇન્ડેક્સ માઈનસ તરફ ઢળી રહ્યો છે!!!

‘રેન્ક’ આ શબ્દથી બાળકોનો હેપ્પીનેસ ઇન્ડેક્સ માઈનસ તરફ ઢળી રહ્યો છે!!!


   નવરાત્રિ પૂરી થઈ ગઈ. આપણે સૌ બહુ ગરબે ઘૂમ્યા. ગુજરાતીઓ માટે ગરબા એટલે અસ્તિત્વ સાથે સંકળાયેલી બાબત હોય એવું લાગે. દુનિયામાં જ્યાં જયા ગુજરાતીઓ હોય ત્યાં ગરબા હોય જ ! જો કે આપણાં દરેક નાના-મોટા પ્રસંગે ગરબાની ઝલક તો મળી જ રહે. મહિનાઓની તૈયારી પછી આજની યંગ-જનરેશન પોતાની બધી એનર્જી ગરબા-ગ્રાઉન્ડ પર ખર્ચે, એ દ્રશ્ય ખરેખર આહલાદક હોય છે. વેલકમ નવરાત્રિથી માંડીને ગૂડ-બાય નવરાત્રિ સુધી ગરબાની રમઝટ થતી રહે છે.  

  વેલ તમને થશે નવરાત્રિ પર નિબંધ લખી રહી છું કે શું? ના ના એવું નથી. પણ મારે તમને એક બાબત ફીલ કરાવવી છે કે જિંદગીમાં જે જે ક્ષેત્રોમાં આપણે વધુ પડતી સ્પર્ધા અને વ્યવસાયીકરણ દાખલ કરી દીધું છે, એ ક્ષેત્રોમાં રહેલો ઓરિજિનલ આનંદ આપણે ગુમાવી દીધો છે. એ બાબતોમાં રહેલું મૂળ સત્વ જ જાણે કે ખલાસ થઈ રહ્યું છે.

  એક નાનકડી છોકરીને તેની મમ્મી તૈયાર કરી રહી છે, છોકરી અકળાઈ રહી છે. પણ મમ્મીને હજી અમુક સાજ-શણગાર બાકી રહી ગયા છે. પરાણે જેમ-તેમ કરીને તેને તૈયાર કરીને તેને પાર્ટી-પ્લોટમાં રમવા લઈ આવે છે, બાળકી મમ્મીએ ઘરે શીખવ્યું હતું, તેમાથી થોડું ઘણું યાદ કરીને મને-કમને ગરબાના બે-ત્રણ સ્ટેપ્સ રમે છે અને અંતે તેને વેલ-ડ્રેસ પ્રિન્સેસ નો એવોર્ડ મળી જાય છે! સ્ટેજ પરથી ઇનામો લઈ આવ્યા બાદ નીચે આવીને બાળકી મમ્મીને પુંછે છે, મમ્મી રેન્ક એટલે શું? પ્રિન્સેસ એટલે શું? શું જવાબ આપવો એ વિચારીને મમ્મી મૌન થઈ જાય છે!

   બીજા એક કિસ્સામાં એક છોકરી નંબર ના આવતા, રડી રહી છે કે મારી બહેનપણીનો રેન્ક આવ્યો અને હું કેમ રહી ગઈ? રેંકનું કેવડું મોટું દબાણ આપણે બાળકો પર મૂકી દઈએ છીએ કે તેઓ પૂરેપૂરા દટાઇ જતાં હોય છે. ઘણીવાર તો તેઓ નંબર ના આવે તો માતા-પિતાના મારની બીકે ધ્રૂજતા હોય છે. આમાં ક્યાય ડર કે આગે જીત નહી પણ ડર કે આગે ડર જ હોય છે.

  નવરાત્રિના પેલા થી છેલ્લા દિવસ સુધી આપણાં સૌનું ધ્યાન કોણ પ્રિન્સ કે પ્રિન્સેસ બન્યું? તેના તરફ જ રહે છે. આ સમય દરમિયાન આ એક રાષ્ટ્રીય પ્રશ્ન બની રહે છે. ઓલમ્પિકમાં મળતા ગોલ્ડ-મેડલની જેટલી ચર્ચાઓ નથી થતી હોય એટલી ચર્ચા કોને ગરબામાં રેન્ક મળ્યો તેની થતી રહે છે. ક્યાં પાર્ટી-પ્લોટમાં કોને પ્રથમ દ્વિતીય કે તૃતીય રેન્ક મળ્યો એ જ વાત! આ રેંકના ચક્કરમાં આપણે સૌ ગરબાના સાચા આનંદને ઓલરેડી ભૂલી ચૂક્યા છીએ. આ બધુ માતાજીની પ્રાર્થના સાથે સંકળાયેલું છે, એ તો જો કે ઘણા વર્ષોથી આપણને યાદ કરાવવામાં આવી રહ્યું છે.

   આ રેન્ક પ્રથાની સૌથી ઊંડી અને ઘાતક અસર બાળકો પર થતી હોય છે. રેન્ક ના આવે તો પેલી બીક માતા-પિતાની હોય છે. કે ઘરે જઈશું એટલે તેઓ મારશે! બાળકોને પરાણે પરાણે તૈયાર કરીને ઇનામોના બજારમાં ઊભા રાખી દેવામાં આવે છે. અને બાળકો જેઓને હજી ખબર પણ નથી કે રેન્ક એટલે શું? તેઓને પોતાના સ્ટેટસ માટે માતા-પિતા રેંકની લાઇનમાં ઊભા રાખી દેતાં હોય છે. મારા સંતાનોનો નંબર આવવો જ જોઈએ, તેવી ઝડતામાં માનતા માતા-પિતા પોતાના સંતાનોનું બાળપણ જ છીનવી લેતા હોય છે!

  ઘણા વગદાર માતા-પિતા આયોજક કે સ્પોન્સર બનીને આવા ઇનામો ખરીદી લેતા હોય છે. શું કરીશું આવા કપ, મેડલ કે ટ્રોફીઓ ભેગી કરીને? આવા બાળકો જ્યારે વાસ્તવિક દુનિયામાં પગ મૂકે છે, તેઓના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે. તેઓ પોતાની ઓરિજિનલ પ્રતિભા તો ઓલરેડી ભૂલી જ ગયા હોય છે, આવા બાળકોનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ક્યાય ખીલી શકતું નથી, તેઓ પ્લાષ્ટિકના ફૂલો જેવા થઈ જતાં હોય છે, જેમાં કોઈ જ પ્રકારની મહેંક નથી હોતી!

  શા માટે રેન્ક પાછળ જિંદગીના સાચા આનંદને ગુમાવી દેવો? શું આપણે શોખ માટે કે મોજ માટે કશું ના કરી શકીએ? બાળકોને તેઓમાં રહેલી પ્રતિભાને આધારે આગળ વધવા દઇશું તો ભલે થોડા મોડા તો મોડા તેઓ પોતાનો વિકાસ કરી જ શકશે અને જે તે ક્ષેત્રમાં આગળ વધી જ શકશે. ઘણા માતા-પિતા તો રેન્ક સાથે ફેવિક્વીકની જેમ ચીપકેલા રહે છે. ગમે તે ભોગે, ગમે તે રીતે મારા બાળકને બીજા કરતાં આગળ નંબર મળવો જ જોઈએ, તેવી ઘેલછામાં તેઓ બાળક પાસેથી તેઓની નિર્દોષતા અને નિખાલસતા છીનવી લેતા હોય છે.

   આ બધુ શીખવીને આપણે બાળકોને એ સમજાવી રહ્યા છીએ કે જીતવા માટે કે રેન્ક મેળવવા માટે ગમે તેવા અસત્યના રસ્તા પસંદ કરવા પડે તો કરી લેવા! આ તો એક ઉદાહરણ છે, આપણે દરેક ક્ષેત્રોમાં આપણાં બાળકોને રેસના ઘોડા બનાવીને દોડાવી રહ્યા છીએ. ખબર નહી, આપણે તેઓને દોડવા કરતાં જીવવું વધુ જરૂરી છે, તે સમજાવીશુ કે નહી? જો કે આ છેલ્લી લાઇન પહેલા માતા-પિતા એ સમજવાની ખાસ જરૂર છે.

    

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...