Thursday 20 October 2022

કુટુંબ...........જરૂરિયાતો ---------પુરુષ--------------ભ્રષ્ટાચાર!!!

 

કુટુંબ...........જરૂરિયાતો ---------પુરુષ--------------ભ્રષ્ટાચાર!!!

900+ Family Man Clip Art | Royalty Free - GoGraph

 અર્થશાસ્ત્રની રોબિન્સને આપેલી વ્યખ્યાને આજના સંદર્ભમાં લખવી હોય તોં આ મુજબ લખી શકાય, “ કુટુંબની જરૂરિયાતો અનંત છે, અને તેને સંતોષવા મથનાર પુરુષ પાસે આવકના સ્ત્રોતો મર્યાદિત છે, ને વળી એમાં પણ ગળાકાપ હરીફાઈ છે. જેમ એક સ્ત્રી માતા, બહેન, દીકરી, પત્ની વગેરે વગેરે હોય છે, તેમ જ એક પુરુષ પણ દીકરો, ભાઈ, પિતા, પતિ વગેરે વગેરે હોય છે. પણ આજકાલ ફેમિનિઝમના વાયરામાં આવી અભિવ્યક્તિઓ બિચારી પોતાનો દમ તોડી રહી છે. સ્ત્રી-શશક્તિકરણની જરૂર છે, જ પણ શું પુરુષોના બોજને પણ થોડો હળવો કરવાની જરૂર નથી? આજનો પુરુષ જવાબદારીઓ નહી પણ જરૂરિયાતોના ભાર નીચે દટાઈને ગલત રસ્તે વળી રહ્યો છે.

  વર્ષો પહેલા વાલિયા લૂંટારાએ તેને પૂંછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં એમ કહ્યું હતું કે હું અત્યારે જે કઈ લૂંટફાંટનું કામ કરી રહ્યો છૂ, તે મારા કુટુંબના ભરણ-પોષણ માટે છે. આજે પણ કોઈ પુરુષને આ પ્રશ્ન પૂંછવામાં આવે તો જવાબ થોડો અલગ હશે, કે હું આ  ભ્રષ્ટાચાર મારા કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કરી રહ્યો છુ. કુટુંબો નાના થઈ ગયા છે, પણ મોજશોખો મોટા મોટા થઈ ગયા છે. કોઈને કોઈ જરૂરિયાતો વિના ચલાવી જ નથી લેવું! કોઈપણ સમાજમાં જ્યારે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ કરતાં મોજશોખોને વધુ મહત્વ આપવામાં આવે છે, એ સમાજના પુરુષોને લૂંટફાંટ કરવી જ પડે છે. જેને આપણે અત્યારે ભ્રષ્ટાચાર કહીએ છીએ.

   રોટી,કપડાં અને મકાન પછીની બે સૌથી જરૂરી બાબતો શિક્ષણ અને આરોગ્ય પાછળ આજનો પુરુષ સતત ખર્ચાતો રહે છે. લોકો રોગ કરતાં પણ વધુ રોગોની સારવારથી ડરી રહ્યા છે. કોરોના સમયે ઘણા એવા લોકો હતા, જેમણે દવાખાનાના બિલ્સ ભરવાની જગ્યાએ મૃત્યુને વધૂ વહાલું કર્યું હતું! તો શિક્ષણ પણ તેની હરીફાઈમાં પાછળ રહે તેમ નથી. પોતાના બાળકોને સારામાં સારી જગ્યાએ ભણાવવા પાછળ આજનો પિતા સૌથી વધુ ખર્ચાઈ રહ્યો છે. ભવ્ય કેમ્પસોમાં અપાઈ રહેલું શિક્ષણ આજે મોટા ભાગના પિતાશ્રીઓની કમર તોડી રહ્યું છે. ટોલ્સટોયની વાર્તામાં જેમ એક માણસને કેટલી જમીન જોઈએ? એ પ્રશ્નનો ઉકેલ વાર્તાનાયક પાસે ના હતો, તેમજ આપણાં કુટુંબનાયક પાસે આજે એ જ પ્રશ્ન નવા સ્વરૂપે આવીને ઊભો રહી ગયો છે અને એ છે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કેટલું કમાતા રહેવું?

  હવે જે સ્ત્રીઓ કમ્ફર્ટ ઝોન માં રહેવાનુ પસંદ કરે છે, તેના મોજશોખની જરૂરિયાતોનું લિસ્ટ અનંત હોય છે, કોઈ મોટી પાર્ટી કે પ્રસંગમાં ભેગી થયેલી સ્ત્રીઓના શોખો પાછળ થતાં ખર્ચાઓની વિગતો સાંભળીએ તોં ખબર પડશે કે સમાજને ભ્રષ્ટાચાર તરફ લઈ જનારી સન્નારીઓ આ જ છે. ડ્રેસિંગ, ઘરેણાં, ફેશન,મેકઅપ વગેરે વગેરે પાછળ તેઓ દ્વારા થતાં ખર્ચાઓની યાદી બનાવીએ તોં સમજાશે કે પુરુષોની આવકનો એક બહુ મોટો હિસ્સો આ બધા પાછળ ખર્ચાઈ જતો હોય છે. બીજા કરતાં અલગ અને બધાથી સારા લાગવાની હોડમાં સ્ત્રીઓ પુરૂષોને બિનજરૂરી રીતે ખર્ચી નાખતી હોય છે.

    આજે લગભગ મોટા ભાગના કુટુંબો જરૂરિયાતોના બજારમાં પુરૂષોને ભીંસી રહ્યા છે. ઘરની એક એક વ્યક્તિદીઠ અલગ અલગ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, વાહનો, મોટા મોટા મકાનો, બિનજરૂરી ઉજવણીઓ, હાઇ-ફાઈ ઓળખાણો, મોંઘીદાટ ફેશનો, દેખાડા, વગેરે વગેરે બાબતોથી આજના કુટુંબોમા પિતાઓ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓની પોતાની જિંદગી જેવુ કશું રહ્યું જ નથી. સુખના સ્ત્રોતોની જગ્યાએ આપણે સૌ કમાણીના સ્ત્રોતો તરફ વળી ગયા છીએ. ને પરિણામે કુટુંબો પણ દાદા-દાદી વગરના થઈ ગયા છે. શહેરોમાં મોજશોખો વાળી જિંદગી પાછળ દોડવાની આપણી આદતોએ વડીલોને ગામડાઓમાં એકલવાયું જીવન જીવવા મજબૂર કરી દીધા છે!

  કુટુંબની જરૂરિયાતોની યાદી જોઈશું તોં સમજાશે કે એમાં ઘણું બધુ એવું છે, જેને આપણે સ્કીપ કરી શકીએ એમ છીએ. પણ કરતાં નથી. પહેલા જરૂરિયાતો ક્રમમા ઊભી થતી, પણ હવે તોં એ એકસાથે ઊભી થવા લાગી છે. માર્કેટ અને માર્કેટિંગ આપણી જરૂરિયાતોના એકસીલેટરને બ્રેક જ નથી લાગવા દઈ રહ્યા. ને પરિણામે પુરુષ નામનો વ્યક્તિ દોડી દોડી ને હાંફી રહ્યો છે, કુટુંબને સમય આપવો કે સંપતિ?  એ જ તેને નથી સમજાઈ રહ્યું. મહિનાના અંતે એકસાથે બિલો ચૂકવતો પુરુષ દર વખતની એક નવી જરૂરિયાતથી વધુ ને વધુ ભ્રષ્ટાચાર તરફ વળી રહ્યો છે. સાંજે ઘરે પાછો ફરે ત્યારે એને કુટુંબના સભ્યોને મળવાનો આનંદ નહી, પણ રોજ એક નવી જરૂરિયાતનો ડર લાગી રહ્યો છે!

   આ ડરને દૂર કરવામાં કુટુંબના સભ્યોએ જ પુરૂષોને મદદ કરવાની છે, આપણાં માટે સાથે બેસીને હસતા હસતા આખા દિવસનો થાક ઉતારવો જરૂરી છે કે પછી મોજશોખોની જરૂરિયાતો? પિતાની હુંફ જરૂરી છે કે હીટર? તેના ચહેરા પરના હાસ્યની ઠંડક જરૂરી છે કે એ.સી.? ટૂંકમાં ઘરમાં પુરુષ ની હાજરી જરૂરી છે કે ગેરહાજરી? બસ આપણે માત્ર આવા કેટલાક પ્રશ્નોનાં જવાબો મેળવવાના પ્રયાસો કરીશું તોં પણ ઘરના પુરૂષોને ભ્રષ્ટાચારથી બચાવી શકીશું અને સાથે સાથે સમાજને પણ!    

 

  

 

 


No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...