Wednesday 31 May 2023

યંગ જનરેશન’ લાગણીઓ પર કાબૂ ગુમાવી રહી છે.....

 

‘યંગ જનરેશન’ લાગણીઓ પર કાબૂ ગુમાવી રહી છે..... 

 Delhi Murder Case साहिल से पूछताछ चल रही है सबूतों के आधार पर जल्द फाइल  करेंगे चार्जशीट साक्षी मर्डर केस में दिल्ली पुलिस का बयान - Sakshi Murder  Case Accused ...

 

 

       દીલ્હીમાં આજે 20વર્ષના એક યુવાને બહુ જ બેરહેમીથી પોતાની ગર્લ-ફ્રેંડને છરીના 16 ઘા મારીને મારી નાખી. 16 ઘા માર્યા બાદ તેણીને મોટો પથ્થર મારીને પોતાની ક્રૂરતા દર્શાવી. જે યુવતીને પ્રેમ કર્યો તેની એવી તો શું ભૂલ થઈ ગઈ? કે આટલી ક્રૂરતાથી તેણીને મારી નાખી? તે યુવતી કોઈ બર્થડે પાર્ટીમાં જઇ રહી હતી, અને એ યુવાન નહોતો ઈચ્છતો કે યુવતી જાય.... આવા નજીવા કારણોસર એ યુવકે પોતાની પ્રેમિકાને મારી નાખી!

 જે કોઈએ તે સીસીટીવી-ફૂટેજ જોયું હશે, તેને કંપારી છૂટી જાય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આસપાસ ઘણા બધા લોકો પસાર થઈ રહયા છે, પણ કોઈ એ છોકરીને બચાવી નથી રહ્યું! ભારત આશ્ચર્યોનો દેશ છે, એટલે આવા આશ્ચર્યો વારંવાર સમાચારોમાં સાંભળવા મળે છે. આજે છાપુ કે બીજા કોઈ સોસિયલ મીડિયામાં આપણે જોઈશું તો સમજાશે કે દર બીજા દિવસે આવા સમાચારો આપણને મળતા રહે છે.

 આજની જનરેશન પોતાની જાત પરનો કાબૂ ગુમાવી રહી છે. આકર્ષણને લીધે પ્રેમની શરૂઆત તો થઈ જાય છે, પણ એ આકર્ષણ પછી આવી ક્રૂરતામાં ફેરવાઇ જાય છે. સંબંધો બહુ ઝડપથી તેઓને ભાર-રૂપ લાગવા માંડે છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને લીધે આવેલી ઝડપની અસર આજકાલ સંબંધો બાંધવા અને તૂટવા બંને પર થઈ રહી છે.

 જે વ્યક્તિ વિના થોડા સમય પહેલા તેઓ રહી નહોતા શકતા એ વ્યક્તિ સાથે રહેવું તેઓને એટલું બધુ અસહ્ય લાગી રહ્યું છે કે છાશવારે આવી ઘટનાઓ થતી રહે છે. આજની જનરેશન એકબીજાને ઝડપથી સમજી લેવાના ચક્કરમાં સાવ સમજવાનું જ ભૂલી જતી હોય છે. મનથી તન સુધી પહોંચવાને બદલે તેઓ તનને જ મહત્વ આપી રહ્યા છે.

  એકબીજાને સમજવા માટે જે લાગણીઓ જોઈએ, તેને તેઓ સમજી નથી રહ્યા. એકબીજાને સમજવાને બદલે એકબીજા પર પ્રભુત્વ જમાવવાની જ તેઓ કોશીશો કરી રહ્યા છે. અને એટલે જ આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. મૂવીઝ, વેબ-સીરિઝ કે સીરિયલ્સે તેઓ સમક્ષ પ્રેમનું જે સાવ ખોટું ચિત્ર રજૂ કર્યું છે, તેને જ તેઓ સાચું સમજી રહ્યા છે.

   તેઓ માટે પ્રેમનો અર્થ એટલે માત્ર ભેટો આપવી, માત્ર સરપ્રાઈઝ આપવી. તેઓ માટે પ્રેમ માત્ર રેપિંગ કે પેકિંગ બનીને રહી ગયું છે. ઉપરાંત આજકાલ માતા-પિતા પાસે એટલો સમય નથી કે પોતાના સંતાનોને બાજુમાં બેસી તેઓમાં આવતા હોર્મોન્સના ફેરફારોને સમજાવી શકે. તેને લીધે પણ યુવાઓ ભટકી રહ્યા છે.

   યુવાઓ વારંવાર પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવી રહ્યા છે, તે માટેના કારણો જોઈએ તો, તેઓ પોતાની લાગણીઓને ખોટી રીતે જજ કરી રહ્યા છે, તેઓ પોતાના શરીરનું ધ્યાન નથી રાખી રહ્યા, બીજા પર વધુ પડતો આધાર રાખી રહ્યા છે, સહન કરવાની શક્તિ ઘટી રહી છે, અને સૌથી અગત્યનું કારણ છે, તેઓ લાગણીઓને નકારાત્મક રસ્તે લઈ જઇ રહ્યા છે.

  આ નકારાત્મકતા અને ક્રોધ હોય છે, ક્ષણિક પણ તેને લીધે ઘણીવાર આખી જિંદગી તેઓને જેલમાં વિતાવવી પડતી હોય છે. તેઓ પર અપરાધીનું લેબલ લાગી જતું હોય છે. અને તેને લીધે તેઓના કુટુંબોને પણ ઘણું બધુ સહન કરવું પડતું હોય છે. આવા યુવાનો માનસિક રોગોના પણ શિકાર થઈ જતાં હોય છે. હતાશા અને નિરાશામાં તેઓ એવા ગરકાવ થઈ જતાં હોય છે કે ક્યારેક આપઘાત પણ કરી લેતા હોય છે.

   આવી ઘટનાઓ વિષે માત્ર ચર્ચાઓ કરવાથી કશું થવાનું નથી. જો આપણે આવી ઘટનાઓ રોકવા માંગતા હોઈશું તો યંગ જનરેશન નેસમજવાની અને સમજાવવાની જવાબદારી આપણે લેવી પડશે. તેઓને માત્ર શારીરિક રીતે જ નહી, પણ માનસિક રીતે પણ ફીટ રાખવા પડશે. તેઓને શીખવવું પડશે કે લાગણીઓ અને મન પર કાબૂ કેવી રીતે રાખવો?

 સામેવાળું પાત્ર આપણી કોઈ વાતને માન્ય ના રાખે તો, એ ગલત નથી થઈ જતું. આવી પરિસ્થિતિમાં મનને સમજાવવાનું હોય છે કે સામેવાળી વ્યક્તિ પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, અને તેઓને પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર છે.

 

 

Saturday 27 May 2023

આર્ટિફિશ્યલ ઈંટેલિજન્સ, મશીનો સ્માર્ટ થતાં જાય છે અને માણસો.... ???

 

આર્ટિફિશ્યલ ઈંટેલિજન્સ, મશીનો સ્માર્ટ થતાં જાય છે અને માણસો.... ???

 Building a New Type of Efficient Artificial Intelligence Inspired by the  Brain

     Geoffrey Hinton, જેઓ ‘AI’ ટેક્નોલોજીના ગોડફાધર મનાય છે, તેમણે હમણાં ગૂગલમાથી એમ કહીને રાજીનામું આપ્યું કે “હવે મને મારા કામ માટે પસ્તાવો થઈ રહ્યો છે.”  રાજીનામું આપતા સમયે તેમણે ન્યુયોર્ક-ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું કે મે આ રાજીનામું એટલા માટે આપ્યું છે કે જેથી હું વિશ્વને AI ટેકનૉલોજિની કેટલીક ડરામણી વાસ્તવિકતાઓ જણાવી શકું.

આ ટેક્નોલોજીની શરૂઆત આમ તો ઇ.સ. 1308માં કેતલાન અને રામોન લ્યુઈએ કરી હતી. પણ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે તેની શરૂઆત જ્હોન મેકાર્થી, માર્વિન મિસ્કી અને નાથેનિયલ રોચેસ્ટરે ઇ.સ. 1955માં કરી હતી. તો તેજ વર્ષે ડીસેમ્બરમાં હરબર્ટ સિમોન અને એલેન નેવેલે સૌથી પ્રથમ એ.આઈ. પ્રોગ્રામ' લૉજિક થિયરિસ્ટ ની રચના કરી હતી. આ બંને સદીઓ વચ્ચે ઘણા બધા લોકોએ એ.આઈ. ટેકનૉલોજિ ક્ષેત્રે નવા નવા સંશોધનો કરેલા. આપણે સૌ કમ્પ્યુટર સાથે ગેમ્સ રમીએ છીએ, ખાસ કરીને ચેસ,.આઈ.ટેકનોલોજિ જ છે.

  આજે પણ આપણા સૌના જીવનમાં આ ટેકનોલોજીનો જુદી જુદી જગ્યાએ આપણે ઉપયોગ કરી જ રહ્યા છીએ. જુદા જુદા સર્ચ એંજિન્સ, ઓનલાઈન એપ્લીકેશન્સ , યુ-ટ્યુબ, એમેઝોન, નેટફ્લિક્સ, ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સ વગેરે આ જ ટેકનૉલોજિ આધારિત છે. તો વળી માણસની ભાષાને સમજતા એલેક્ઝા અને ગૂગલ આસિસ્ટન્ટ પણ આ જ કેટેગરીમાં આવે છે. કેટલીક સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સમાં પણ આ ટેકનૉલોજિનો ઉપયોગ વધી રહ્યો છે.

  આજે જ્યાં જ્યાં ઓટોમાઈજેશન છે, ત્યાં ત્યાં માણસોની જગ્યા આ ટેક્નોલોજિ લઈ રહી છે. હવે તો આ ટેકનૉલોજિ માણસો વતી વિચારવાનું અને નિર્યણો લેવાનું કામ પણ કરશે. અને એટલે જ આજકાલ તે વધુ ને વધુ ચર્ચામાં છે. ખાસ કરીને ‘chatgpt’ જેવા પ્રોગ્રામ્સ ના નવેમ્બર-2022 માં લોન્ચ થયા પછી આ ચર્ચાએ પાછું જોર પકડ્યું છે કે આ ટેકનૉલોજિ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?

 સતત અપડેટ થઈ રહેલી આ ટેકનોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. જે કામો પહેલાના જમાનામાં આપણને અશક્ય લાગતાં હતા એ કામો આજે આ ટેકનોલોજીએ શકય બનાવી દીધા છે. આના ફાયદા જોઈએ તો, 24*7 કામ કરવું, કંટાળ્યા કે થાક્યા વિના સતત કામ કરતાં રહેવું, પૂર્વગ્રહરહિત નીર્યણો, પડતર ઘટે છે, માનવીય ભૂલો ઘટાડે છે, સુધારે છે, માહિતીનું સરળતાથી વિશ્લેષણ કરી આપે છે, આપણને આરોગ્ય વિષે માહિતી આપે છે, પર્યાવરણ બચાવવામાં મદદ કરે છે, નવા નવા સંશોધનો થઈ શકે છે. વગેરે વગેરે ...

સૌથી મહત્વનુ એ છે કે આ ટેકનૉલોજિને માણસની જેમ લાગણીઓ નથી હોતી, એટલે લાગણીઓને કારણે કામના સ્થળે જે કઈ સમસ્યાઓ ઊભી થાય છે,તે આ ટેક્નોલોજીને લીધે ઊભી થતી નથી! માણસોના મેનેજમેન્ટ કરતાં મશીન્સનું મેનેજમેન્ટ હવે સરળ લાગવા લાગ્યું છે. રોબોટને આપણે કહીએ એટલું કામ કોઈપણ જાતની કચ કચ વિના કર્યે રાખે છે. એકવાર એક પ્રોગ્રામ ફીટ કરી દઈએ એટલે એ આપણી સૂચના મુજબ કામ કર્યે રાખે છે.

 તો વળી આ એ.આઈ. પર કેટલાક આક્ષેપો પણ છે, આને લીધે બેરોજગારી વધશે, એક રીપોર્ટ મુજબ એ.આઈ. ને લીધે 300 મિલિયન લોકો પોતાની રોજગારી ગુમાવશે! આના સર્જન પાછળ ખર્ચો બહુ થાય છે, વ્યક્તિઓમાં રહેલી સર્જનાત્મકતા ઘટતી જશે, માણસો પોતાની ભૂલો સુધારવા પર ધ્યાન નહી આપે, આને લીધે સાઇબર ક્રાઇમ વધી રહ્યો છે, અને આજે સમાજ પર આ ટેક્નોલોજીની જે કઈ ખરાબ અસરો થઈ રહી છે, તે આપણે જોઈ જ રહ્યા છીએ. મશીન્સને અપડેટ કરતો રહેતો માણસ પોતાની જાતને અપડેટ કરવાનું ભૂલતો જશે.

  રોબોટ મુવીમાં રજનીકાંતે માણસ જાતની રક્ષા કરવા અને માણસોની જેમ લાગણીઓ અનુભવતો એક રોબર્ટ બનાવેલો, જે તેના માટે જ સૌથી મોટો દુશ્મન બની જાય છે.  જોફરી હિનટોને પણ આવી જ ચેતવણી આપીને કહ્યું છે કે એ.આઈ. ટેકનૉલોજિ ભવિષ્યમાં માણસ જાત પર મોટું દબાણ ઊભું કરશે. તેમણે ખાસ કહ્યું છે કે આ ટેકનૉલોજિ જો કોઈ અયોગ્ય માણસના હાથમાં આવી જશે તો એના ભયંકર પરિણામો આપણે સૌએ ભોગવવા પડશે. હવે સમજવાનું આપણા પક્ષે છે. આપણને ઈશ્વરે બુદ્ધિ સાથે વિવેકબુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ કરીએ.

  

 

 

Sunday 21 May 2023

ઇતિહાસ એ મગજ પરનો ભાર નથી, પણ હ્રદયનો પ્રકાશ છે!!!

 

ઇતિહાસ એ મગજ પરનો ભાર નથી, પણ હ્રદયનો પ્રકાશ છે!!!

210 History Quotes That Will Surprise And Inspire You

 

 

  રામ કે કૃષ્ણનું અસ્તિત્વ હતું કે કેમ? ઈશુ ખ્રિસ્તના માતા-પિતા કોણ હતા? કઈ કઈ સંસ્કૃતિઓ ક્યારે વિકસી? ક્યાં ક્યાં ધર્મોનો વિકાસ અને વિસ્તાર કેવી રીતે થયો? ક્યાં રાજાના સમયમાં દેશ વધુ સમૃદ્ધ હતો? આર્યો કોણ હતા? આપણાં દેશનું નામ ભારત કેમ અને કેવી રીતે પડ્યું? રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન,વેદો, ઉપનિષદો, વગેરે ધાર્મિક ગ્રંથો કોણે અને ક્યારે લખ્યા? આપણાં પહેલાની પ્રજાઓ કેવું જીવન જીવતી હતી? અમુક સંસ્કૃતિઓનો વિકાસ અને વિનાશ કેવી રીતે થયો?

 આપણે સૌ ટેક્નોએજ સુધી કેવી રીતે પહોંચ્યા? રાજાશાહી સમયે લોકોનું જીવન કેવું હતું? અખંડ ભારત વિખંડિત કેવી રીતે થયું? ભારત એક સમૃદ્ધ દેશથી ગુલામ કેમ થયો? અને કેવી રીતે આપણે અંગ્રેજોના શાસનમાથી મુક્ત થયા? વિશ્વયુદ્ધો ક્યારે ક્યારે થયા? અને ત્યાર પછી શું થયું? બધુ જાણવા માટે આપણે ઇતિહાસનો અભ્યાસ કરતાં હોઈએ છીએ.ઇતિહાસ આમ તો સમય સાથે જોડાયેલો વિષય છે, એટલે ઘણાને જે તે વર્ષ યાદ ના રહે તો વિષય અઘરો અને કંટાળાજનક લાગતો રહે છે. પણ સાથે સાથે હકીકત પણ છે કે વ્યક્તિ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે કોઈપણ વિદ્યાશાખાનો હોય, તેની થોડી ઘણી અભિરુચિ તો દેશના કે દુનિયાના ઇતિહાસમાં રહે છે.  

 કોઈપણ દેશ પોતાના શિક્ષણમાં ઇતિહાસ એટલા માટે વિદ્યાર્થીઓને શીખવે છે, જેથી આપણે ઈતિહાસમાં એટલે  કે ભૂતકાળમાં કરેલી ભૂલોમાથી બોધપાઠ લઈ શકીએ શકીએ. જે ભૂલો એ સમયે થઈ હતી, તે ભૂલોનું પુનરાવર્તન ના થાય એટલા માટે આપણે ઇતિહાસ શિખતા હોઈએ છીએ. પણ ખરેખર શું આપણે ઇતિહાસમાથી કશું શિખતા હોઈએ છીએ, ખરા?

  બીજા વિશ્વયુદ્ધમાં પોતાના બે મહત્વના શહેરોના વિનાશને જોઈને જાપાન જેવા દેશે શીખી લીધું કે યુદ્ધને લીધે વિનાશકતા સિવાય બીજું  કઈ સર્જન થતું નથી. ને પરિણામે તે દેશે યુદ્ધને છોડીને પોતાના દેશને ટેકનૉલોજિ તરફ વાળ્યો. માત્ર દેશમાં જ બનતી વસ્તુઓનો વપરાશ કરવાનો નિયમ લઈ દેશને વિકસિત બનાવી દીધો. એવી જ રીતે ડેન્માર્ક, જર્મની, સ્વીડન વગેરે જેવા દેશોએ પણ પોતાના ઇતિહાસમાથી બોધપાઠ લઈ પોતાનો વિકાસ સાધ્યો છે.

 પણ આજકાલ આપણાં દેશમાં જે તે સમયના ઇતિહાસને” લઈને વારંવાર બિનજરૂરી વિવાદો થતાં રહે છે. ભૂતકાળમાં જે તે સમયે જે કઈ થયું તે, તે સમયની પરિસ્થિતી અને સંજોગોને ધ્યાનમાં લઈને થયું હોય છે. એ ઈતિહાસને વિકૃત રીતે છાપીને કે પછી ખોટી રીતે રજૂઆત કરીને તેના પર બિન-જરૂરી ચર્ચાઓ કરવાની આજકાલ આપણાં દેશમાં ફેશન ચાલી રહી છે.

 ઘણીવાર તો આ ઇતિહાસને રાજકીય રીતે એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જે તે પક્ષની હાર-જીતનું કારણ એ ઇતિહાસ પર આધારિત થઇ જતું હોય છે. હવે સદીઓ પહેલા જે કઈ થયું? એની સામાજિક કે રાજકીય અસરો અત્યારે આ દેશ પર શા માટે થવી જોઈએ? અરે ઘણીવાર તો ઈતિહાસને પકડીને આપણે ત્યાં બે કોમો કે ધર્મો વચ્ચે રમખાણો પણ ચાલુ થઈ જતા હોય છે.

  આપણાં ભવ્ય અને વિવિધતાસભર ઈતિહાસને હિન્દુ,મુસ્લિમ, ખ્રિસ્તી, પંજાબી, પારસી, વગેરે કોમોમાં વહેંચી દેવો એ બાબત દેશની શાંતિ માટે ખરેખર ભયંકર કામ છે. જે કઈ આજે આપણે આપણાં બાળકો અને યુવાનોને ઇતિહાસ ના નામે શીખવી રહ્યા છીએ, એમાં ક્યાય ધર્મના નામે ઝઘડા કે રાગ, દ્વેષ ના હોવા જોઈએ. જે તે સમયે જે થયું એના માટે અત્યારે લડી-ઝઘડીને આપણે ઈતિહાસને બદલી શકવાના નથી, પણ આવી રીતે લડી ઝઘડીને આપણે આપણાં ભવિષ્યને જરૂર અંધારામાં ધકેલી રહ્યા છીએ. કોઈ હિન્દુ જે મુસ્લિમ રાજાએ ભૂતકાળમાં જે કાઇપણ કર્યું, તેનો બદલો આજની પ્રજા સાથે લેવાની આ જીદ કેવી?

 ઇતિહાસ ભૂતકાળને બદલી નથી શકતો, પણ તે ભવિષ્યને બદલી શકે છે. ઈતિહાસની ઘટનાઓનો ઉપયોગ સમાજમાં નફરત કે રાગ દ્વેષ ફેલાવવા માટે ના થવો જોઈએ. અને સાથે સાથે ઇતિહાસ સાચી રીતે પણ રજૂ થવો જોઈએ. જેઓ ઇતિહાસ પાસેથી કશું શિખતા નથી, તેમણે એ ઇતિહાસ ફરીથી જીવવો પડે છે. માટે આપણે આપણાં જ્ઞાનમાં વધારો કરવા ઈતિહાસ ભણીએ, પણ ઇતિહાસમાં જે કઈ અંધકાર હતો, તેના અંધારા હેઠળ આપણો વર્તમાન કચડાઈ ના જવો જોઈએ.

 

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...