ગૃહિણી’................કુટુંબ...ઘર.............વર્કિંગવૂમન,આ રસ્તો વધુ સરળ છે......
“ મે દસ વર્ષો સુધી મારા સંતાનના ઉછેર માટે બીજું કશું જ ના કર્યું.” હમણાં કાજલબેનના એક ઇન્ટરવ્યુમાં આ વાક્ય સાંભળ્યુ. વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે આ હીરોઈને પોતાના સંતાનોને ઉછેરવા આટલા વર્ષો સુધી ફિલ્મો કરવાનું છોડી દીધું, આમાથી ઘણી હીરોઈનો તો પોતાની ફિલ્મ કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેઓએ આ નિર્યણ લીધેલો હતો! પેપ્સિકોની સી.ઈ.ઓ. ઇન્દ્રા નૂયીએ 2019માં પોતાના સંતાનો માટે એ પદ પરથી રાજીનામું આપ્યું.
આજની સ્ત્રીઓ ‘વર્કિંગ વીમેન’ v/s ‘હાઉસ વાઈફ’ આ બંને લાગણીઓ વચ્ચે પોતાના અસ્તિત્વને શોધી રહી છે. તે ઘર અને ઓફિસ વચ્ચે એવી રીતે દોડી રહી છે, જેવી રીતે કોઈ દોડવીર રેસમાં દોડી રહ્યો હોય. સંપૂર્ણ રીતે ઘરની થઈને રહેતી સ્ત્રીઓને આજકાલ વર્કિંગ વીમેન શબ્દ ખૂંચી રહ્યો છે. જે સ્ત્રીઓ ઘરની પૂરેપુરી વ્યવસ્થા કરી રહી છે, તેઓને એવું લાગી રહ્યું છે કે તેઓ કશું જ નથી કરી રહી! અને આ નકારાત્મક લાગણી સ્ત્રીઓને ઘરથી દૂર લઈ જઇ રહી છે.
કારકિર્દી માટે જાગૃત થવું એ સારી બાબત છે, અને આજની જરૂરિયાત પણ છે, પણ તેના માટે વગર વિચાર્યે ખોટા નિર્યણો લઈ લેવા કે કુટુંબની જરૂરિયાતોને ના સમજવી એ સાચો કે સારો રસ્તો તો નથી જ. સ્ત્રી વગરના મકાનમાં જીવંતતા હોતી નથી. એક સ્ત્રી ઘરને શું આપી શકે? આ પ્રશ્નનો જવાબ આપણાં દરેક શાશ્ત્રોંએ શ્રેસ્ઠ રીતે આપ્યો છે. અને આપણે સૌ પણ જાણીએ જ છીએ કે સ્ત્રી એ ઘરનો શ્વાસ પ્રાણ હોય છે. સ્ત્રીઓના કામને મહત્વ ના મળ્યું એટલે જ આ ‘સ્ત્રી-પુરુષ સમાનતા’ નું આંદોલન ઊભું થયું છે. સ્ત્રીઓને ઘરકામ કરીને જે દરજ્જો મળવો જોઈએ, એ દરજ્જો આપવામાં આપણો સમાજ પાછળ રહી ગયો છે. અને એટલે જ સ્ત્રીઓ આજે કારકિર્દી પાછળ દોડી રહી છે. માટે સમાજે પણ તેઓને અને તેઓના દરજ્જાને સમજવાની જરૂર છે. તેઓને પણ પોતાની કારકિર્દી ઘડવાનો મોકો મળી રહેશે એવું ફીલ કરાવવાની જરૂર છે.
સ્ત્રીઓના કામને ક્રેડિટ નથી મળતું એવું મોટા ભાગની સ્ત્રીઓને લાગતું હોય છે અને ઘણા ઘરોમાં આપણે જોતાં પણ હોઈએ છીએ કે લોકો બોલતા હોય છે કે સ્ત્રીઓને ઘરમાં કામ જ શું હોય છે? પુરૂષોએ કમાયેલા પૈસાનું વ્યવસ્થિત જગ્યાએ રોકાણ અને વપરાશ કરવાનું સૌથી અગત્યનું કામ સ્ત્રીઓ દ્વ્રારા થતું હોય છે. સ્ત્રી ઘરની માઇક્રો-પ્લાનર હોય છે. ઘરના ખૂણે ખૂણાને પ્રકાશિત કરવાનું કામ સ્ત્રીઓ જ કરી શકે છે. સ્ત્રી ઘરને પોતાનું સઘળું આપી દેતી હોય છે.
આપણે જુદા જુદા ક્ષેત્રોમાં સફળ થનાર સ્ત્રીઓની ચર્ચાઓ અને મુલાકાતો કરતાં હોઈએ છીએ, પણ પોતાના સંતાનો અને ઘર માટે કારકિર્દી છોડી દેનાર કે પોતાના સપનાઓને અધૂરા છોડી દેનાર સ્ત્રીઓની કોઈ જ ચર્ચા થતી હોતી નથી. સ્ત્રીઓ એ સપોર્ટ છે, જેના આધારે પુરુષોને ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો આધાર મળી રહે છે. જે થશે જોઈ લઈશું એવું જ્યારે કોઈ સ્ત્રી મૂંઝાયેલા પુરુષને કહે છે, પુરુષનું અડધું દર્દ ત્યાં જ ખતમ થઇ જતું હોય છે. ઇન્ફોસિસના માલિક નારાયણ મુર્તિને નોકરી છોડીને નવો ધંધો શરૂ કરવા માટેનું મૂડીરોકાણ તેઓની પત્ની સુધામુર્તિએ જ પૂરું પાડ્યું હતું. સ્ત્રી જ આખા ઘરની સૌથી મજબૂત ‘સપોર્ટ સિસ્ટમ’ હોય છે.
કોઈ ક્ષેત્રમાં સફળ સ્ત્રીઓને જોઈને છોકરીઓ પ્રેરણા લે એ સારું છે, પણ સાથે સાથે એ પણ જાણી લેવું જરૂરી છે કે એ સફળતા માટે તેઓએ સૌથી પહેલા પોતાના ઘર અને કામના ક્ષેત્ર વચ્ચે સંતુલન સાધતાં શીખી લીધું હોય છે. સ્ત્રીઓ એ સમજી લેવાની જરૂર છે, કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા ‘કુટુંબ’ નો સાથ-સહકાર પણ જરૂરી છે અને તે મેળવા પોતે પણ સપોર્ટિવ થવું પડે છે. નવા ઘરને થોડો સમય આપવો પડે છે.
લગ્ન, બાળકો, વડીલો, એ બધુ પણ સ્ત્રીના વિકાસ માટે જરૂરી છે. જે સ્ત્રીઓ ફિગર જાળવી રાખવા ફીડિંગ નથી કરાવતી, તેઓનું વ્યક્તિવ પણ તેઓના ફિગરની જેમ ‘જીરો’ થઈ જતું હોય છે. ‘ડે-કેર’નો દરવાજો સીધો જ ‘ઓલ્ડ-એજ’ હોમમાં જઈને ખૂલે છે. બાળકોના ઉછેર માટે સ્ત્રી-પુરુષ બંનેનો સાથ જરૂરી છે જ, પણ જે બાબતોમાં ઈશ્વરે સ્ત્રીઓને બાળ-ઉછેરની ‘મોનોપોલી’ આપી છે, એ બાબતમાં શા માટે સંવાદ ને બદલે વિવાદ કરવો?
સ્ત્રીઓ આજે ઘરની ચાર દિવાલોમાં સમેટાઈને નથી રહેવા માંગતી અને એ સારું છે, પણ સાથે સાથે જે રીતે સ્ત્રીઓ કારકિર્દી માટે પોતાના વ્યક્તિત્વને હોડમાં મૂકી રહી છે, એ હોડને સાઇડમાં રાખીને, થોભીને વિચારવાની જરૂર છે કે ક્યાંક આપણે આપણાં અસ્તિત્વની શોધમાં ભૂલા તો નથી પડી ગયા ને? ગૃહિણી થઈને સમાજને સારા વ્યક્તિઓની ભેટ આપવી, સંતાનોને સારા સંસ્કારોની ભેટ આપવી, ઘરના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, વડીલોના આરોગ્યનું ધ્યાન રાખવું કે પછી ઘરને શુશોભિત કરવું, ઘરને સતત પોતાની હાજરી કે ગેરહાજરીનો અનુભવ કરાવતા રહેવું, એ પણ સ્ત્રીઓના અસ્તિત્વ અને વ્યક્તિવનો એક અભિન્ન હિસ્સો છે જ.
સ્ત્રીઓ પોતાનું અસ્તિત્વ અમુક ઉંમર બાદ પણ શોધી શકે છે. એના માટે ઘર અને કુટુંબને કારકિર્દી સાથે હોડમાં મૂકવાની જરૂર છે? આ પ્રશ્નનો જવાબ સ્ત્રીઓએ જલ્દીથી મેળવી લેવાની જરૂર છે.
No comments:
Post a Comment