ચુંટણીમાં મત આપવા જઈએ ત્યારે.........સાથે શું લઈ જવું?
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ પોતાના દેશની પ્રજા પર પૂરેપુરું ‘નિયંત્રણ’ ધરાવે છે. આ દેશમાં બહુ વિચિત્ર બાબતો માટે લોકોને સજા આપવામાં આવે છે. જો કોઈ વિદેશી ફિલ્મો જુએ કે વિદેશોમાં કોલ કરે તો તેઓને જેલની સજા આપવામાં આવે છે, એટલું જ નહી કોઈપણ ગુના માટે ત્યાં આખા કુટુંબને સજા કરવામાં આવે છે. અરે લોકો પોતાને ગમતી ‘હેર-સ્ટાઈલ’ પણ રાખી શકતા નથી! પોતાના જ દેશમાં રહેવા ત્યાનાં લોકોએ વારંવાર પરમીશન લેવી પડે છે!
ચીનમાં ત્યાના ccp લીડર અને જીન પિંગે દેશના લોકો પર અને લોકોની સ્વતંત્રતા પર અનેક નિયંત્રણો લાદેલા છે. હમણાં જ ત્યાની એક મહિલાનો વિડીયો વાઇરલ થયો હતો, જેમાં તે પોતાની જાતને પ્લાષ્ટિક વડે ઢાંકીને છાનામાના ‘કેળું’ ખાઈ રહી છે! કારણકે ત્યાની સરકારે ‘ઝીરો કોવિડ પોલિસી’ અંતર્ગત લોકો માટે મુસાફરી સમયે કશું ખાવા પર પ્રતિબંધ મૂકેલો છે! ત્યાની સરકારે લોકોની જિંદગીના દરેક પાસા પર નિયંત્રણો મૂકેલા છે! ત્યાં લોકો જાહેરમાં સરકારની કોઈપણ ના ગમતી નીતિઓ વિષે પણ કશું બોલી શકતા નથી. ત્યાં મીડિયા પર પણ પ્રતિબંધ છે! જીન પિંગે પોતે જીવે ત્યાં સુધી ખુદને ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરી દીધેલ છે!
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ સ્ત્રીઓ પર અને ત્યાની પ્રજા પર કેવા કેવા અત્યાચારો કરી રહ્યા છે કે કર્યા હતા? એ આપણે સૌ વારંવાર જુદા જુદા મીડિયાઝ દ્વારા જોઈએ, વાંચીએ કે સાંભળીએ જ છીએ. પ્રેમ કરવાની પણ ત્યાં સજા આપવામાં આવે છે! સ્ત્રીઓના ભણવા પર, મેક-અપ કરવા પર, ઘરની બહાર નિકળવા પર, અરે હસવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે! આ દેશોમાં લોકોને ચૂંટણીઓ થકી પોતાની સરકાર નકકી કરવાનો અધિકાર નથી! પણ આપણને આ હક મળેલો છે.
આ બધુ તમને એટલા માટે જણાવી રહી છુ કે હમણાં જ આપણાં ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આપણાં ગુજરાતનો પણ આમાં સમાવેશ થાય છે. લોકશાહી દેશની જનતા માટે ‘ચૂંટણી’ એક એવું પર્વ છે, જેના થકી તેઓ દેશ અને પોતાના માટે વિકાસનો રોડમેપ તૈયાર કરી શકે છે. કહો ને કે ચૂંટણી થકી જ લોકો પોતાના માટે સાચું કે ખોટું શું છે? તે જાતે નકકી કરી શકે છે. ચૂંટણી જ લોકોને પોતાનું ભાવી નક્કી કરવાની છૂટ આપે છે. પણ આપણે આપણાં મતનો એક મજબૂત હથિયાર તરીકે ઉપયોગ કરીએ છીએ ખરા? આ સવાલનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.
ભારત એક લોકશાહી દેશ છે, જેમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે છે, લોકો માટે કામ કરે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા આપણને સૌને એક એવી સરકાર ચૂંટવાની છૂટ મળે છે, જે આપણાં હિત માટે અને દેશના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કામ કરતી હોય. એક એવી સરકાર જે લોકોના કદમ થી કદમ મિલાવીને કામ કરતી હોય. જેના માટે લોકોનું આરોગ્ય, શિક્ષણ, જીવનધોરણ, તેઓની પ્રાથમિક જરૂરિયાતો સૌથી અગત્યની હોય. એવી સરકાર જેના માટે દેશનો વિકાસ જ સૌથી મોટી પ્રાથમિકતા હોય. સ્થાનિક સ્વરાજથી માંડીને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી.... દરેકની ચુંટણીમાં આ બાબતો મહત્વની હોય છે. જીવંત રહેવા માટે જેમ લાગણીઓ જરૂરી છે, તેમ જ દેશને ધબકતો રાખવા આ દરેક ચૂંટણીઓમાં આપણો મત જરૂરી છે. અને છે જ.
પણ મત આપવા જતી વખતે કેટલાક સવાલો ખુદને કરી લઈએ.
હું જેને મત આપવા જઇ રહ્યો કે રહી છુ એ વ્યક્તિ મારા મતનું મૂલ્ય સમજે છે ખરો?
હું ધર્મ કે જ્ઞાતીના આધારે મતદાન કરવા જઇ રહ્યો છુ કે રહી છું?
હું કોઈપણ પ્રકારની લાલચમાં આવીને મારા અગત્યના પાંચ વર્ષો ગુમાવી રહી/રહ્યો છુ?
હું પૈસા કે શરાબ માટે કોઈને મત આપી રહી/રહ્યો છુ?
હું કોઈ વ્યક્તિ કે સંગઠનના દબાણમાં આવીને મત આપી રહી/રહ્યો છું?
હું માત્ર કોઈની વોટબેંકનો હિસ્સો જ તો નથી બની રહી/રહ્યો ને? વગેરે વગેરે ...
આપણી લોકશાહી હવે શિક્ષિત બની રહી છે, ત્યારે આપણે સૌ માત્રને માત્ર જ્ઞાતીવાદને આધારે જ કે પછી ધર્મના આધારે જ મતદાન ના કરીએ એ ખાસ જરૂરી છે. આપણાં દેશમાં મોટા ભાગની ચૂંટણીઓનો આધાર આ બંને બાબતો જ હોય છે. ચૂંટણીઓને આ જ્ઞાતિવાદ અને ધર્મના વાડામાં સંકુચિત કરી દઇશું તો તેના વિપરીત પરિણામો આપણે અત્યાર સુધી તો ભોગવતા આવ્યા છીએ, હજી પણ ભોગવતા રહીશું.
જો આપણે તટસ્થ સરકાર ઇચ્છતા હોઈએ તો આપણે પણ તટસ્થ બની મત આપવો પડશે. કોઈપણ પ્રકારની લાલચને ધ્યાનમાં લીધા વિના મતદાન કરવું પડશે. જે દેશોના લોકોને ચુંટણીમાં મત આપવાનો અધિકાર નથી મળ્યો, એવા દેશોમાં જનતાની હાલત કેવી છે? એ આપણે ઉપરના ઉદાહરણો દ્વારા જોયું. આપણને આપણાં બંધારણે આ હક આપ્યો છે, તો તેનો ઉપયોગ દેશના વિકાસ માટે કરીએ નહી કે પોતાના અંગત સ્વાર્થની સફળતા માટે. કોઈ નેતા આપણી જ્ઞાતીનો હોય એટલે મત તેને જ આપીએ એ સંકુચિતતામાથી આપણે આપણાં દેશની ચૂંટણીઓને બહાર લઈ આવવાનો સમય આવી ગયો છે.
જે હક દુનિયાની વિકસિત જનતાને નથી મળી રહ્યો એ આપણને મળી રહ્યો છે, તો તેનો આપણાં ખુદના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીએ અને લોકશાહીને જીતાડીએ. મત આપવા જઈએ ત્યારે જરૂરી ડોક્યુમેન્ટની સાથે આ વિચારને પણ સાથે લઈને જઈએ.
No comments:
Post a Comment