લગ્ન સૌથી અંગત સંબંધ, પણ સૌથી વધુ દખલગીરી પામતો સંબંધ!!!
હમણાં એક સગાઈમાં જવાનું થયું. બધા ભેગા થાય એટલે ગોસીપ તો થાય જ. એમાં કોઈ પાસેથી જાણવા મળ્યું કે છોકરાને સગાઈ નહોતી કરવી, પણ તેના કુટુંબમાં પ્રભુત્વ ધરાવતા એક મહાનુભાવના કહેવાથી સગાઈ કરવી પડી! લગ્ન જેવા આખી જિંદગીને અસર કરતાં નિર્યણમાં કોઇની આટલી બધી દખલગીરી આજની જનરેશન કેવી રીતે સહન કરી શકે? સાથે સાથે એ પ્રશ્ન પણ થયો.
આપણાં સમાજમાં કેટલાક લોકો એટલા સાર્વજનિક હોય છે, કે જે ગમે તે લોકોના અંગત જીવનમાં ઘૂંસીને તેઓને હેરાન કરતાં રહે છે. આપણાં સમાજમાં અમુક વ્યક્તિઓને કોઈના અંગત ઝોનમાં પ્રવેશવાની ગંદી આદત હોય છે. અને એ આદત ઘણાને હેરાન પરેશાન કરી દેતી હોય છે. દરેક કોલોનીમાં, દરેક કુટુંબમાં, કે દરેક ઘરમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે, જેઓનું કામ જ કોઈના આવા કજોડા બનાવવાનું હોય છે. તેઓ પોતાના સંબંધો અને સ્ટેટસ મજબૂત બનાવવા આવા સંબંધો કોઈ પણ પર ઠોકી બેસાડતા હોય છે. આવા લોકો પોતાની વાત મનાવવા સંબંધો પર ગજબનું દબાણ ઊભું કરતાં રહે છે. જો કોઈ લગ્ન માટે ના પડે તો આખી જિંદગી તેઓ સાથે સંબંધ પણ તોડી નાખતા હોય છે.ગરીબ કુટુંબોના લગ્નો આવા ધનિક સગાઓ દ્વારા જ નક્કી થતાં હોય છે!
જીવનસાથીની પસંદગીથી લઈને તેઓનું લગ્ન-જીવન કેવી રીતે ચલાવવું ત્યાં સુધી સતત સલાહોનો મારો ચાલુ જ રહે છે. ઘણીવાર તો યુવાન અને યુવતીને એકબીજાને ગમતું ના હોવા છતાં સગાઓના દબાણને લીધે એકબીજા સાથે લગ્ન કરી લેવા પડે છે. લગ્ન પછી બધુ સરખું થઈ જશે, સાથે રહેવાથી પ્રેમ થઈ જશે, એવી સલાહો દ્વારા સંબંધને બાંધી દેવામાં આવે છે, અને પછી એ લગ્નો હાંફતા હાંફતા પૂરા થાય છે.
ઘરમાં કોઈ કપલને જોઈતું અંગત વાતાવરણ આપણે પૂરું પાડી શકતા નથી. તેઓ સાથે સંકળાયેલી બાબતોને આપણે શ્વાસ લેવા દેતાં નથી! ને પરિણામે સંબંધો હાંફવા લાગે છે. આવી દખલગિરિને લીધે જ સંબંધોમાં સ્ટ્રેસ વધી જતું હોય છે. સંબંધોમાં હળવાશ આવતી નથી ને પરિણામે વ્યક્તિઓ મૂંઝવણ અનુભવતી રહે છે. મહાન વિચારક જોન સેલ્ડન એવું કહેતા કે લગ્ન એક એવી પ્રવૃતિ છે, જેમાં લોકોની દાખલ સૌથી ઓછી હોવી જોઈએ. પણ તેમાં જ સૌથી વધુ લોકો હસ્તક્ષેપ કરે છે!
લગ્ન-જીવન બેડરૂમમાં અંગત જીવાવું જોઈએ. પણ જ્યારે એ ડ્રોઈંગરૂમમાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે, તો જીવંત રહેતું નથી. સાથે રહીને પ્રેમ જાળવી રાખવો સૌથી અઘરો હોય છે, અને એમાં પણ આસપાસના લોકોની બિનજરૂરી દખલગિરિથી કોઈપણ વ્યક્તિના જીવનના સૌથી અગત્યના સંબંધો મૂંઝાયેલા મૂંઝાયેલા રહે છે. સગા-વહાલાઓ જાણે દંપતિઓના જીવનમાં દબાણ ઊભા કરવામાં જ પોતાનું સુખ માનતા હોય છે. એમાં પણ જે દંપતિઓને મુક્ત જીવવા ના મળ્યું હોય તેઓ સૌથી વધુ કોઈના લગ્ન-જીવનમાં દખલગિરિ કરતાં હોય છે.
કોઈના જીવનમાં અંગત બાબતોમાં પડવું, એવું શા માટે કરવું જોઈએ? કોઈ બીજાની જિંદગીમાં એન્ટર થવાની આપણી કુટેવો સામેની વ્યક્તિના જીવનમાથી આપણાં માટેનું સન્માન લઈ જતી હોય છે! આપણે મોટાભાગે અંગત સંબંધોને સ્પેસ આપવાનું ભૂલી જતાં હોઈએ છીએ. બે નજીકની વ્યક્તિઓએ પોતાના જીવનમાં શું કરવું કે શું ના કરવું? એ આપણો પ્રશ્ન જ નથી, પણ આપણે તો પતિ-પત્ની પર સમાજની અપેક્ષાઓનો મારો ચલાવ્યે જ કરીએ છીએ.
હવે બાળક ક્યારે? એ પ્રશ્ન આપણાં કુટુંબના દંપતીને પુંછાતો સૌથી સામાન્ય પ્રશ્ન છે. કોઈપણ પતિ-પત્નીના લગ્ન-જીવન સાથે આ પ્રશ્ન સૌથી ફેવિકોલની જેમ ચોંટેલો રહે છે. લગ્નનું એકમાત્ર ધ્યેય જાણે કે આ ગૂડ-ન્યૂઝ હોય એવું લાગતું રહે છે. આપણી કુટુંબ વ્યવસ્થામાં પતિ અને પત્ની આ બંને પાત્રોને જાણે કે પોતાની કોઈ અંગત જિંદગી જ ના હોય એવું આપણાં સમાજમાં જોવા મળે છે. બાળક ક્યારે કરવું?, કેટલા બાળકો કરવા? દીકરી થાય તો શું કરવું? વગેરે વગેરે પ્રશ્નો પતિ-પત્નીના અંગત જીવનનો એક ભાગ હોય છે, પણ તેમાં પણ કુટુંબના લોકોનું દબાણ જોવા મળે છે. માતા-પિતા ના બની શકવું એ જાણે કોઈ ગુનો હોય એવું વાતાવરણ આપણાં સમાજમાં જોવા મળે છે.
લગ્ન બે કુટુંબોને જોડે છે, એ સાચું પણ એ બે વ્યક્તિઓને બાંધી દેતી વ્યવસ્થા હોય એવું લાગતું રહે છે. પતિ-પત્નીની અંગત જિંદગીને આપણું કુટુંબ જરાપણ અંગત નથી રહેવા દેતું! લગ્નના અમુક વર્ષો બાદ બાળક ના થાય તો તો પતિપત્ની પર જાણે કે પહાડ તૂટી પડે છે. કુટુંબની અપેક્ષાઓ જ મોટાભાગના લગ્ન-જીવનોમાં વિસંવાદ ઊભો કરે છે. પતિ-પત્નીને માતા-પિતા બનવું છે કે નહી? એ તેમણે જ નક્કી કરવા દેવું જોઈએ. અમુક બાબતો જે પતિ-પત્નીના અંગત દાયરામાં આવે છે, તેમાં કોઈએ પ્રવેશ ના કરવો જોઈએ.
ના તો જીવનસાથી પસંદ કરવામાં કે ના તો લગ્ન-જીવન ચલાવવામાં, સગાવહાલાઓ એ આ રસ્તે ખરેખર એન્ટર થવાની જરૂર નથી ને નથી જ.
No comments:
Post a Comment