સ્ત્રીઓને ધર્મસ્થાનોની, અંદર આવવાની મનાઈ છે....કારણકે?
હમણાં હમણાં દિલ્હીની જામા મસ્જિદમાં સ્ત્રીઓએ અંદર આવવું નહી એવા બોર્ડે બહુ વિવાદ જગાવ્યો. અંગે બહુ ચર્ચાઓ ચાલી. અંતે એ બોર્ડ લઈ લેવામાં આવ્યું. તો 2016 પહેલા શિંગળાપૂરના શનિદેવના મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવાની મનાઈ હતી! 2016 પછી તૃપ્તિ દેસાઈની ચળવળને લીધે સ્ત્રીઓને શનિદેવના મંદિરમાં પ્રવેશ મળવા લાગ્યો.
કેરલના Pathanamthitta district માં આવેલા શબરીમાલા મંદિરમાં સદીઓથી સ્ત્રીઓ માટે ‘નો એન્ટ્રી’ છે! 1991માં થયેલી એક પિટિશનને લીધે 10 થી 50વર્ષની સ્ત્રીઓને શબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મનાઈ હાઇ-કોર્ટે ફરમાવેલી છે. જે સ્ત્રીઓ પિરિયડસમાં હોય તેઓને અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી. જેનો 2018 બાદ ખૂબ જ વિરોધ થયેલો. ઘણી સ્ત્રીઓએ મંદિરના પરિસરમાં જવાના પ્રયાસો કરેલા. ઘણી સ્ત્રીઓ સફળ પણ થઈ. પણ તેઓના ગયા બાદ મંદિરને ફરીથી પવિત્ર કરવામાં આવ્યું! સ્ત્રીઓ વિના કોઈ ધર્મસ્થાન પવિત્ર કેવી રીતે થઈ શકે? ને હાઈકોર્ટે સ્ત્રીઓને મદિરમાં જવાની મંજૂરી આપતા ત્યાં રમખાણો પણ ફાટી નીકળ્યા હતા!
જે ધર્મસ્થાનોને આપણે ઈશ્વરનું ઘર માનીએ છીએ, એ ઘરોમાં સ્ત્રીઓને શા માટે પ્રવેશ નથી મળતો? સ્ત્રી એ પરમ પિતા પરમાત્માનું સર્જન છે, તો પછી તેઓને શા માટે ધર્મસ્થાનોમાં પ્રવેશવા દેવામાં નથી આવતી? એક સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ ધર્મના અસ્તિત્વને વધુ ઝડપથી સ્વીકારતી હોય છે, તો પછી શા માટે તેઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે?
સ્ત્રી જ્યારે પિરિયડ્સમાં હોય ત્યારે તેઓને ધર્મસ્થાનોમાં જવાની મનાઈ કરવામાં આવે છે, એ પૂર્વગ્રહ હવે બદલવાની જરૂર છે. પિરિયડસમાં હોવું એ સ્ત્રીના અસ્તિત્વ સાથે સંકળાયેલી ઘટના છે, તે એવું ઋતુચક્ર છે, જે પૃથ્વી પરના લોકોના જન્મ સાથે સંકળાયેલું છે. એ દિવસો કેમ કરીને ઈશ્વરથી દૂર રહેવાના દિવસો હોય શકે? પ્રાચીન સમયથી આપણાં દેશમાં આ માન્યતા ચાલી આવે છે, જેને હવે આપણે બદલવાની જરૂર છે. આપણે આપણાં વિચારોને બદલવાની જરૂર છે. પ્રાચીન સમયમાં જે કાઇપણ કારણો હતા, તે યુગ બદલાય તેની સાથે બદલાઈ જવા જોઈએ. જેટલી ઝડપથી આપણે ટેકનૉલોજિ બદલી રહ્યા છીએ, તે ઝડપે આવા જુનવાણી વિચારો પણ બદલવાની જરૂર છે.
બીજું કારણ પ્રવેશનિષેધનું ખરેખર જાણવા જેવુ છે. જામા મસ્જિદના ઈમામે બોર્ડનો વિરોધ થતાં એવું કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ અહી સેલ્ફી અને ફોટા પાડવા આવે છે, એટલે આવું બોર્ડ મૂકવું પડ્યું. અરે છોકરીઓ સાથે છોકરાઓ પણ આ બધુ કરતાં હતા, તો તેઓ માટે શા માટે આવું બોર્ડ ના મુકાયું? હકીકત તો એ છે કે પુરુષપ્રધાન સમાજમાં સમાજને જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીઓ પર નાખી દેવામાં આવે છે. એટલે આવા પ્રવેશનિષેધના નિયમો પણ સ્ત્રીઓ માટે જ મૂકવામાં આવે છે. છોકરાઓ માટે પણ આવું બોર્ડ મૂકી શકાયું હોત...
પુરુષો તો હોય જ એવા, પણ સ્ત્રીઓએ આવું ના કરવું જોઈએ. એવું કહીને સ્ત્રીઓ પર નિયંત્રણ લાદી દેવામાં આવે છે. મને તો એ જ નથી સમજાતું કે સમાજ શા માટે સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવા માંગે છે? જો સ્ત્રી અને પુરુષ બંને ઉપરવાળાનું જ સર્જન હોય તો પછી સ્ત્રીઓ માટે આવા નિયમો શા માટે? તો વળી ઘણા ધર્મસ્થાનોમાં સ્ત્રીઓને જીન્સ કે બીજા કપડાં પહેરીને ના આવવું, એવી સૂચનાઓનું પાલન કરવું પડે છે.
તો વળી ઘણા ધર્મોમાં સ્ત્રીઓને જોવાની પણ મનાઈ કરી દેવામાં આવે છે. ના જોવાથી અંદરના જે કઈ હોર્મોન્સ છે, એ બદલાઈ જવાના? પુરુષો અને સ્ત્રીઓના ધર્મસ્થાનો પણ અલગ અલગ બાંધવામાં આવે છે! તેઓને બને તેટલા દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. શું થશે એનાથી? પરિણામો આપણી સામે જ છે! જે લોકો ધર્મને સમજવા માંગે છે, તેમણે એક વાત સમજી લેવાની જરૂર છે કે સ્ત્રીઓથી અલગ રહેવાથી તેઓ ક્યારેય ઉપરવાળાની નજીક નથી જઇ શકવાના. આપણાં ઋષિમુનિઓ હમેંશા સાંસારિક જીવન જીવીને જ આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકયા હતા.
સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના આ કારણો સાવ પાયા વિનાના છે. યોગામાં શ્વાસને રોકી રાખવાની ક્રિયા નકારાત્મક ગણાય છે. તેમજ સ્ત્રીઓના પ્રવેશને ધર્મસ્થાનોમાં રોકવાની ક્રિયા પણ નકારાત્મક છે. આપણાં કોઈપણ ધર્મગ્રંથોમાં સ્ત્રીઓને ધર્મસ્થાનોમાં પ્રવેશવા ના દેવી, કે તેઓની સામે પણ ના જોવું, એવું કઈ લખેલું જ નથી. તો પછી આપણે ક્યાં આધારે આ બધા પૂર્વગ્રહો પાછળ દોડી રહ્યા છીએ. ધર્મસ્થાનોમાં જો ખરેખર સૃષ્ટિના સર્જક્નુ અસ્તિત્વ હોય તો સ્ત્રીઓ પણ ત્યાં એન્ટર થઈ શકતી હોવી જોઈએ. એના માટે સ્ત્રીઓએ લડવું પડે એનો અર્થ એ છે કે ત્યાં સર્જકનું અસ્તિત્વ નથી.
No comments:
Post a Comment