Tuesday, 20 December 2022

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!!

 

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!

 Self-acceptance quotes | The World of English

 

     કરણ જોહરે પોતાની આત્મકથા An Unsuitable Boyમાં હું ગે છુ એવું સ્વીકાર્યું છે. લોકો તરફથી વારંવાર કરણની જેન્ડરને લઈને થતી પંચાતોનો જવાબ આપતા તેણે જવાબ આપ્યો હતો કે,  "Everybody knows what my sexual orientation is. I don't need to scream it out. If I need to spell it out, I won't only because I live in a country where I could possibly be jailed for saying this". પોતાના શરીરને અને મનને તેમણે સ્વીકારી લીધું છે. માટે જ તેમણે સરોગેસી થકી બે સુંદર બાળકોના પિતા બનવાનું પસંદ કર્યું છે.

  શું આપણે આવી રીતે ખુદને સ્વીકારી શકીએ છીએ ખરા? આપણે આપણા વિકસવાના વર્તુળની ત્રિજ્યા જ એટલી સાંકડી કરી લીધી છે કે સમાજના વર્તુળની બહાર આપણે નીકળી જ નથી રહ્યા. અને એટલે આપણે બીજાને પણ વિકસવા નથી દેતાં! હકીકત તો એ છે કે આપણે ખુદને ક્યારેય નજીકથી જોવાનો કે સમજવાનો જ પ્રયાસ નથી કરતાં હોતા. હેલન કેલરે પોતાનામાં રહેલી શારીરિક ખામીઓને સ્વીકારી લીધી એટલે તેણી માનસિક રીતે મજબૂત બની આગળ વધી શકી. અને એવું કામ કરી બતાવ્યુ જે શારીરિક રીતે ફીટ માણસો પણ નથી કરી શકતા.

   આપણી આસપાસ એવા ઘણા લોકો વસે છે, જેમણે પોતાની જાતને સ્વીકારી લીધી છે, એટલે તેઓ સફળ છે. તેઓને આવી રીતે સફળ થતાં જોઈને પણ આપણે પ્રેરણા લેતા નથી. આપણે ખુદને અને ખુદમાં રહેલી ખામીઓને સમાજથી છુપાવતા રહીએ છીએ. અને તેને લીધે આપણે આપણી વિશિષ્ટતાઓ પર પણ ધ્યાન નથી આપી શકતા.

 આપણે કાળા છીએ, આપણે જાડા છીએ, આપણે ઠીંગણા છીએ, આપણે ઓછાબોલા છીએ, આપણે ગરીબ છીએ, આપણે અશક્ત છીએ, સમાજે નકકી કરેલા માપદંડો મુજબ આપણને જીવવું નથી ગમતું, વગેરે વગેરે બાબતો આપણે આપણા મનમાં એવી રીતે ભરી લેતા હોઈએ છીએ, કે નવી કોઈ વાતો મનમાં દાખલ થઈ જ શકતી નથી! અરે યાર આપણે જેવા હોઈએ ખુદને પસંદ હોવા જોઈએ. જો આપણે આવી બિનજરૂરી બાબતોને જીવનમાં સ્થાન આપતા રહીશું તો ખુદનું જીવન કદી નહી જીવી શકીએ.

આપણે જ્યારે કોઈ સ્થળે કિન્નરને જોઈએ છીએ, તો મજાક ઉડાવતા હોઈએ છીએ. જેઓના આશીર્વાદ લેવા આપણને ગમતા હોય છે, એ વ્યક્તિઓને આપણે એવી નજરથી જોતાં હોઈએ છીએ કે માતા-પિતાને આવા બાળકો જન્મે એ સાથે જ તેઓનો ત્યાગ થઈ જતો હોય છે. છતાં કેટલાક લોકો પોતાના એ શરીરને પણ સ્વીકારીને આગળ વધી જતાં હોય છે. એ શરીરને પણ આપણે સ્વીકારી લેવું જોઈએ.

આપણે જેટલી જલ્દી ખુદને ઓળખી અને સ્વીકારી લઈશું, એટલૂ વહેલા જીવન જીવવાની મોજ માણી શકીશું. આપણે અહી સમાજના માળખામાં ફીટ થવા નથી આવ્યા, પણ ઈશ્વરે આપણા પર મૂકેલી શ્રદ્ધાને ફીલ કરવા આવ્યા છીએ. આપણને એકપણ ફિલટરની જરૂર નથી, કે કોઈના અપ્રૂવલની પણ જરૂર નથી. આપણે જેવા છીએ તેવા રહીએ, જરૂર મુજબ ખુદને અપડેટ કરતા રહીએ અને જિંદગીમાં જીવંતતા ઉમેરતા રહીએ.

  આપણી કોઈપણ ખામી ક્યારેય આપણા પર હાવી ના થવી જોઈએ. આપણે શારીરિક રીતે ભલે વિકલાંગ હોઈએ, પણ માનસિક રીતે આપણે દિવ્યાંગ હોવા જોઈએ. આપણી અંદર જે કઈ હોય તેને સાથે લઈને ચાલવું જરૂરી છે. ટ્રોલ થઈ જવાની બીકે આપણે આપણી જિંદગી વિષે ટ્વિટ કરવાનું છોડી દેવાની જરાપણ જરૂર નથી. સમાજની ચર્ચાની એરણે સૌ કોઈ ચડતું રહે છે, આગળ તેઓ જ વધી શકે છે, જેઓ આ ચર્ચાને અવગણતા રહે છે.

  ખુદનો સ્વીકાર આપણામાં આત્મવિશ્વાસ પેદા કરે છે. જેઓ ખુદને જેવા છે, તેવા સ્વીકારી લે છે, તેઓ માનસિક રીતે મજબૂત બની જતાં હોય છે. જેઓ ખુદને સ્વીકારી લેતા હોય છે, તેઓ પોતાની અંદર રહેલી નકારાત્મકતાને સરળતાથી દૂર કરી લેતા હોય છે. તેઓ જીંદગીને વધુ ઝડપથી હકારાત્મક બનાવી શકતા હોય છે. સમાજે ફૂંકેલા વાવાઝોડાનો તેઓ દ્રઢતાથી સામનો કરી શકતા હોય છે.

 આપણે દેખાવડા ના હોઈએ તો ક્યારેય લઘુતાગ્રંથિથી પીડાવું ના જોઈએ. દુનિયામાં ઘણી એવી વ્યક્તિઓ છે, જે સુંદર ના હોવા છતાં સફળતાના શિખરે છે. આપણી અંદરની ગુણવત્તા જ આપણને બીજાથી અલગ પાડતી હોય છે. સમાજના માપદંડો જ કઈક એવા છે કે સમાજની વ્યાખ્યાઓથી અલગ વ્યક્તિઓ પોતાની જાતને અભિવ્યક્ત કરતાં ડરતી રહે છે અને ક્યારેક તો આવી વ્યક્તિઓ હતાશા અને નિરાશામાં પણ ગરકાવ થઈ જતી હોય છે.

  માટે ખુદને જેવા છીએ, તેવા સ્વીકારવાની હિંમત રાખીએ અને આપણી ખામીઓ અને નિષ્ફળતાને સ્ટેટસમાં મૂકતાં ના ડરીએ. ખુદને અપડેટ કરવા લોકોની કમેંટસને અવગણતા રહીએ. આપણી જિંદગી  કોઈના લાઈક, કમેંટ્સ કે શેર પર આધારિત ના હોવી જોઈએ. આપણી જિંદગી ખુદ પર આધારિત હોવી જોઈએ.

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...