જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!

પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે ‘હે પ્રભુ આ શું થઈ ગયું?
એક કુટુંબ જે વર્ષો બાદ સેટલ થવા લંડન જઇ રહ્યું હતું, તે આખું કુટુંબ આગની જવાળાઓમાં બળીને રાખ થઈ ગયું. તેઓની પ્લેનમાં બેઠા ત્યારની સેલ્ફી સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. રાજસ્થાનનું એ કુટુંબ પતિ-પત્ની અને ત્રણ બાળકો કાયમ માટે ભારત છોડીને લંડન શિફ્ટ થઇ રહ્યા હતા, જેનું ઈશ્વરે સ્વર્ગમાં શિફ્ટિંગ કરી દીધું. છેલ્લી સેલ્ફીમાં આખું કુટુંબ એકદમ ખુશખુશાલ દેખાય રહ્યું છે. નવી જીંદગીની શરૂઆત કરવા જનારને મૃત્યુ આંબી ગયું.
આજે ફરી સાબિત થઈ ગયું કે આપણે ગમે તેટલું પ્લાનિંગ કરીએ પણ જો ઉપરવાળો નથી ઈચ્છતો તો બધા જ પ્લાનિંગ ઉંધા વળી જતાં હોય છે. બંને પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, કૌમી વ્યાસ કે જેણી એક ડોકટર હતી, તે એક ખાનગી દવાખાનામા કામ કરતી હતી, જ્યારે કૌમીનો પતિ લંડનમાં કામ કરતો હતો. અલગ-અલગ રહી કમાઈ લઈએ, પૈસા બનાવી લઈએ પછી મોજથી સાથે જીવીશું એ માન્યતાને આ દુર્ઘટનાએ ધક્કો પહોંચાડ્યો છે.
આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તે જાણીને, જોઈને એવું ફીલ થવા લાગ્યું છે કે આપણી પાસે જીવવા માટે જે કઈ પણ છે, તે છે, આજ! અત્યારે આપણે જે જીવી શકીશું એ જ જિંદગી છે. જે ક્ષણોને આપણે પેન્ડિંગ રાખીએ છીએ, તે જીવી જ શકીશું એની કોઈ ગેરંટી નથી. ભવિષ્યના પ્લાનિંગમાં આજની અમૂલ્ય અને અતુલ્ય ક્ષણોને આપણે વેડફી નાખતા હોઈએ છીએ.
બસ થોડા વર્ષો હજી થોડા વર્ષો હજી.... અલગ અલગ રહી લઈએ, પછી તો જિંદગી સેટ જ છે ને! પણ હકીકત તો એ છે કે જિંદગી છેક છેલ્લા શ્વાસ સુધી સેટલ થતી જ નથી. અને એટલે જ આજે જે મળે એ ક્ષણોને જીવી લઈએ. મોજ કરી લઈએ. હું એમ નથી કહેતી કે ભવિષ્યનું પ્લાનિંગ ના કરવું જોઈએ. બસ મારુ એટલું જ કહેવું છે કે જિંદગી સાવ ટાઈમ-ટેબલ મુજબ ગોઠવેલી ના હોવી જોઈએ. આપણી જીંદગીની ડાયરી અપોઇનમેંટ ડાયરી જેવી ના હોવી જોઈએ.
પછી જીવી લઈશું એ શબ્દથી બને તેટલા દૂર રહીએ. ભલે થોડી ઓછી વસ્તુઓ સાથે જીવવું પડે, પણ આજે જે કઈ મળે છે, તેને માણી લઈએ. શું છે? ખુશીની પરિભાષા આપણાં સૌ માટે? બસ શાંતિથી જીવન જીવીએ અને મોજ-મસ્તી કરતાં રહીએ. આપણે મોટા બંગલામાં રહેવા, કે ફાઇવ-સ્ટાર હોટેલમાં જમવા કે પછી લેટેસ્ટ બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા કે પછી હાઇ-ફાઈ લાઈફ જીવવા નથી જન્મ્યા. અરે આપણે કરોડપતિ થવા પણ નથી જન્મ્યા. આપણે તો યાર જીવવા માટે જન્મ્યા છીએ.
અને જીવવાથી જ મોટા ભાગની ખુશીઓ આપણાં જીવનમાં એન્ટ્રી લેતી લઈ લેતી હોય છે. દરેક ક્ષણોની સેલ્ફી લેવી જરૂરી નથી પણ દરેક ક્ષણોમાં સેલ્ફને જોડવો જરૂરી છે. દુર્ઘટનાઓ પર આપણો કોઈ જ કંટ્રોલ નથી, ખુદની બીજા સાથે સરખામણી ના કરવા પર આપણો કંટ્રોલ છે જ...
કોની કેટલી મિનિટમાં કેટલી આવક છે? તેઓની એક સેકન્ડ કેટલી કિંમતી છે? એ માત્ર આંકડાઓ છે. અગત્યનું તો એ છે કે આપણે એ ક્ષણોમાં જીવ્યા કેટલું? જે કઈ ભેગું કર્યું છે, તેને પામ્યા કેટલું? અમુક બાબતો ક્યારેય માપી શકાતી નથી, બસ પામી જ શકાય છે. જીવનનું પણ એવું જ છે. જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!
જે આપણે જીવતા નથી, એ વેડફાય જતું હોય છે. રીટાયર્ડ થઈને જીવી લઈશું, જીવનની છેલ્લી ક્ષણો સાથે જીવી લઈશું. આજે નહી કાલે જીવી લઈશું. સાલું આ ગણિત જ ખોટું છે. અને ગણિતનો તો નિયમ છે, પહેલું સ્ટેપ ખોટું, તો આખો દાખલો ખોટો....

No comments:
Post a Comment