Sunday, 15 June 2025

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

 

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

Conflict in Israel and Gaza, in Photos - The New York Times

 

             પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે હે પ્રભુ આ શું થઈ ગયું?

      પણ જ્યાં છેલ્લા બે-ત્રણ વર્ષોથી રોજ જ્યાં માનવતા અને જિંદગી બંને ક્રેશ થઈ રહી છે, સેંકડો લોકો રોજ મોતને ઘાટ ઉતરી રહ્યા છે. આકાશમાથી કે પછી સૈનિકોની બંદુકોમાથી ગમે ત્યારે મોત વરસી રહ્યું છે, અને હવે નવા બે રાષ્ટ્રો વળી પાછા યુદ્ધના ઓછાયા હેઠળ આવી રહ્યા છે, ત્યારે આપણે કોની તરફ જોઈ પૂંછવાનું કે આ શું થઈ રહ્યું છે?’ યુક્રેન અને રશિયા વચ્ચે અને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધો હજી સમાપ્ત નથી થયા, ત્યાં તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

  આ બધા રાષ્ટ્રો છેલ્લા ત્રણ ત્રણ વર્ષોથી રોજ એક જ સમાચાર વાંચી રહ્યા છે. આજના યુદ્ધમાં કેટલા મર્યા અને કેટલા ઘાયલ થયા. ક્યો પ્રદેશ કોના કબજામાં આવ્યો? અને કોને ક્યો પ્રદેશ ગુમાવ્યો? પણ આ બધા વચ્ચે રોજ સેંકડો બાળકો પોતાના માતા-પિતા અને સેંકડો માતા-પિતા પોતાના બાળકો ગુમાવી રહ્યા છે? તેનો હિસાબ કોઈ નથી કરી રહ્યું? આ પ્લેન ક્રેશની હ્રદયદ્રાવક તસ્વીરો આપણે બે-ત્રણ દિવસોથી જોઈ રહ્યા છીએ, અને ઘણા તો જોઈ પણ શકતા નથી. ને આપણે ધ્રુજી જઈએ છીએ, તો જેઓ રોજ આવા દ્રશ્યો જોઈ રહ્યા છે, તેઓની સંવેદનાઓનું શું? તેઓના આંસુઓનું શું?

  ખબર નથી ક્યારે કોના શરીરના ટુકડે-ટુકડા વિખેરાઈને અલગ અલગ જગ્યાએ પડશે? ઘરમાં બેઠા છે, લોકો અને ધડ દઈને બોમ્બ કે મિસાઇલ ઝીંકાય છે અને હસતું-રમતું ઘર થોડી જ ક્ષણોમાં સુમશાન ખંડેરમાં ફેરવાઇ જાય છે. જે શેરીઓમાં રમીને મોટા થયા હોય છે, તે શેરીઓ સુની સુની થઈ જતી હોય છે. કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓ શ્વાસ માંગે છે, પણ એ શ્વાસ પૂરવા વાળું કોઈ મળતું નથી. જ્યાં જિંદગીઓ રોજ કચડાય રહી છે, ત્યાં એ કચડાતી જિંદગીઓને કાંધો આપનાર પણ કોઈ નથી! યુદ્ધને લીધે સેંકડો લોકો હેંડિકેપ્ટ થઈ જતાં હોય છે.

   શેરીઓ અને ગલીઓમાં ભૂખ્યા બાળકોની ચીસ સાંભળવાવાળું કોઈ નથી. આપણે રોટલીને બદલે તેઓને ગોળીઓ અને દારૂગોળો આપી રહ્યા છીએ. છેલ્લા એક દસકામા યુદ્ધને લીધે 20 લાખ બાળકો મૃત્યુ પામ્યા છે. ઈશ્વરે માણસો પર શ્રદ્ધા રાખી આ પૃથ્વી પર મોકલેલા બાળકોને આપણે રક્તથી રંજિત દુનિયા આપી રહ્યા છીએ. એ ફૂલો ખીલે એ પહેલા જ આપણે તેઓને મૂરઝાતા જોઈ રહ્યા છીએ. રોજ નવી સવાર તેઓ માટે માત્ર ને માત્ર મૃત્યુ લઈને આવે છે.

        લોકોને પોતાના વતનને છોડીને જવું પડી રહ્યું છે. હવે એ માતૃભૂમિમાં બીજીવાર આવવા મળશે કે કેમ? એ પ્રશ્નનો જવાબ તેઓની ઉદાસ આંખો માંગી રહી છે. રશિયન સૈનિકો દ્વારા યુક્રેનની સ્ત્રીઓ પર રેપ થઈ રહ્યા છે. આવું દરેકે દરેક યુદ્ધ વખતે થાય છે. આ બળાત્કારીઓને કોણ સજા આપશે? મહાભારત થી લઈને આજના આ યુદ્ધો સુધી મુઠ્ઠીભર લોકોની મહત્વાકાંક્ષાઓનો ભોગ કરોડો લોકો બની રહ્યા છે.

  શું આપણે વિશ્વશાંતિનો મંત્ર ભૂલી ગયા છીએ? યુદ્ધોથી વેરાન થઈ ગયેલી આ ધરતીને ફરીથી સજીવન કોણ કરશે? યુદ્ધમાં અનાથ થયેલા બાળકોને માતા-પિતાનું સુખ કોણ આપશે? રોજ દારૂગોળાના ધુમાડામાં મૂંઝાતી જિંદગીઓને નવા શ્વાસો કોણ આપશે? કોણ આ યુદ્ધોને સ્ટોપ કરાવશે? કે પછી આપણા પછીની પેઢીઓને પણ યુદ્ધ અને યુદ્ધની અસરો વાળું સાહિત્ય જ ભણવું પડશે?

 

No comments:

Post a Comment

બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

 બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું? હેડિંગ:  हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह ये बन्दूकें क्यों बोते हैं?  जब दोनों ही की गलियो...