માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

તમે ઘરમાં હોવ કે ઓફિસમાં કે પછી વિદ્યાર્થી તરીકે તમે સ્કૂલમાં હોવ કે કોલેજમાં કે બીજા કોઈ ફિલ્ડમાં તમારી આસપાસ તમે નજર કરશો તો સમજાશે કે આજે આપણી પાસે દરેક વસ્તુઓ અને સેવાઓનું સ્પેશ્યલાઈઝ બજાર છે. આપણને સૌને એ માર્કેટ સુધી લઈ જનાર માર્કેટિંગના બદલાતા માધ્યમોના ફ્લેશબેકમાં આજે આપણે જવું છે.
સમય વિતતો ગયો તેમ માર્કેટિંગના માધ્યમો પણ બદલાતા ગયા. એમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં માર્કેટિંગમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. પ્રિન્ટ જાહેરાતો અને બિલબોર્ડના યુગથી લઈને સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના યુગ સુધી, માર્કેટિંગના ઉત્ક્રાંતિને ટેકનોલોજીકલ પ્રગતિ અને બદલાતા ગ્રાહક વર્તન દ્વારા વેગ મળ્યો છે. ઇન્ટરનેટની આપણાં સૌના જીવનમાં એન્ટ્રી પહેલાં, માર્કેટિંગ મુખ્યત્વે પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો અને ડાયરેક્ટ મેઇલ જેવી પરંપરાગત ચેનલો પર જ આધારિત હતું. ભારતમાં માર્કેટિંગની ઓફિસિયલ શરૂઆત ઇ.સ. 1959માં થયેલી.
ઇ.સ. 1950ની આસપાસ એક ઠંડા પીણાની એક કંપનીએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે મેગેઝિન અને છાપામાં રંગબેરંગી છાપેલી જાહેરાતોનો ઉપયોગ કર્યો, જેને ગ્રાહકોએ હસતાં હસતાં અપનાવી લીધી. તો ફૂડનું વેચાણ કરતી એક કંપનીએ હાઇવે પર કલરફૂલ હોડિંગસ દ્વારા ગ્રાહકો સુધી પોતાની પ્રોડકસને પહોંચાડી. જો કે આ હોડીગ્સ તો આજે પણ વસ્તુઓના માર્કેટિંગનું અસરકારક માધ્યમ ગણાય છે.
તો ઇ.સ. 1983માં ભારતમાં સૌપ્રથમ ‘બોમ્બે-ડાઇંગે ટી.વી. પર સૌથી પહેલી રંગીન જાહેરાત 100 સેકંડની બનાવેલી. ઇ.સ. 1980-2000 ના દસકાઓ દરમિયાન ટી.વી. પર એટલી રસપ્રદ જાહેરાતો આવતી કે Z-જનરેશનને અમુક જાહેરાતો જેવી કે હમારા બજાજ, કુછ ખાસ હે જિંદગી મે, મેગીની એડ, પારલે-જી, ફેવિકોલ,લાઈફ-બોય, નટરાજ પેન્સિલ, ફિલિપ્સ, ઓનીડા ટી.વી., થમ્સ-અપ, વગેરે વગેરે આજે પણ યાદ છે. અને જો ક્યાંક જોવા મળી જાય તો ફરીથી જોવા થંભી પણ જવાય છે.
1990 ના દાયકામાં ઇન્ટરનેટની એન્ટ્રીથી માર્કેટિંગમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ. વેબસાઇટ્સ, ઇમેઇલ માર્કેટિંગ અને સર્ચ એન્જિન ગ્રાહકો સુધી પહોંચવા માટે નવા માધ્યમો બન્યા. એમેઝોને ઇ.સ. 1995માં સૌપ્રથમ પોતાના ઓનલાઇન બૂક-સ્ટોરની શરૂઆત કરી. અને આજે ઓનલાઈન માર્કેટિંગ અને શોપિંગ આપણાં સૌની ખરીદીનો અતૂટ હિસ્સો બની ચૂક્યું છે. 2000ની આસપાસ ડેલ કંપનીએ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે ડાયરેક્ટ ગ્રાહકના ઇ-મેઈલના ઈનબોક્સનો ઉપયોગ કર્યો. 2000 ના દાયકાની શરૂઆતમાં ગૂગલ ગુરુએ ગ્રાહકોને પટાવવા SEOને(સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન) ને જોરદાર માર્કેટિંગ વ્યૂહરચના તરીકે લોન્ચ કર્યું.
2000 ના દાયકાના મધ્યમાં ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોમ્સે દુનિયામાં ધૂમ મચાવી દીધી. જેણે બ્રાન્ડ્સના માર્કેટિંગ અને ગ્રાહકોને 360 ડિગ્રીએ ફેરવી નાખ્યા. સોશિયલ મીડિયા માર્કેટિંગે વ્યવસાયોને વાસ્તવિક સમયમાં તેમના ગ્રાહકો સાથે સરળતાથી અને ઝડપથી જોડી દીધા. અને આજે લગભગ દરેક વ્યવસાયિકો ગ્રાહકો સુધી પહોંચવા આ સોસિયલ મીડિયાઝના સહારે છે.
ઇનસ્ટાની રીલથી લઈને યુ-ટ્યુબ વિડિયોઝ સુધી કે પછી ફેસબૂક એક લિંકડેન થકી મોટા ભાગના ધંધાદારીઓ પોતાના સંભવિત ગ્રાહકો સુધી પહોંચી ગયા છે. સ્ત્રીઓમાં રહેલા હિડન ટેલેન્ટ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને લગતી પ્રોડકટ્સ આ જ માધ્યમો થકી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકી છે.
ફેસબુક પર ઠંડા પીણાની એક કંપનીએ શરૂ કરેલું ‘શેર અ ડ્રિંક’, ટ્વિટર પર ઓરિયોએ શરૂ કરેલ ‘dunk in the dark’ અને આઈ.બી.એ. મે અપનાવેલું લિંકડેન માર્કેટિંગ આના શ્રેસ્ઠ સફળ ઉદાહરણો છે. સોસિયલ મીડિયા અને મોબાઈલે સાથે મળીને આપણી આસપાસ માર્કેટિંગનું એક એવું જાળું રચી દીધું છે કે જાહેરાતોને હવે આપણે આપણાં જીવનમાથી દૂર કરી શકીએ એમ નથી. વિશ્વની અડધી પ્રજાના ખીસ્સામાં રહેલા મોબાઈલ પણ મોબાઈલ કંપનીઓની માર્કેટિંગ સ્કીલને જ આભારી છે.
માર્કેટિંગનો વિકાસ પરંપરાગત પદ્ધતિઓથી અદ્યતન ડિજિટલ વ્યૂહરચના સુધીની એક રસપ્રદ સફર રહી છે. આ સતત બદલાતા વાતાવરણમાં ગ્રાહકો સુધી પહોંચવાનો શ્રેસ્ઠ રસ્તો એ છે કે નવી ટેકનોલોજી અપનાવવી, ગ્રાહક વર્તણૂકને સમજવી અને સતત નવીનતા લાવવી.

No comments:
Post a Comment