ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે.

તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો, તેના બીજા દિવસે અષાઢ પૂર્ણિમાનું અંજવાળું આપણાં સૌના જીવનમાં પથરાશે. આ દિવસે દરેક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પર્વ ઉજવવામાં આવે છે, લોકો મોટી સંખ્યામાં જોડાય પણ છે. મોટા ભાગના લોકો આ દિવસે પોતાના ગુરુનું પૂજન કરતાં હોય છે.પણ અફસોસ એ વાતનો છે કે આ પર્વની ઉજવણી પાછળનો જે મુખ્ય ઉદેશ છે, તે આપણે સૌ ભૂલી ચૂક્યા છીએ. સોસિયલ મીડિયા પર તે દિવસે ઘણા લોકો પોતાના ગુરુના અને ગુરુપૂજનના ફોટા શેર કરશે, પણ ગુરુએ આપેલા જ્ઞાનને કે ઉપદેશને પોતાના જીવનમાં ઉતારવાવાળા બહુ ઓછા જોવા મળશે.
‘ગુરુ’ એ આપણા સૌના જીવનની એ વ્યક્તિવિશેષ છે, જેના થકી આપણા જીવનને સાચો રસ્તો મળે છે. એક એવો છાંયડો મળે છે, જેના થકી આપણે જીવનના ગમે તેવી મુશ્કેલીઓના તાપને જીરવી શકીએ છીએ. ગમે તેવી આફતો સામે લડતા શીખી શકીએ છીએ. હકીકત તો એ છે કે આપણને આપણા અસ્તિત્વની ઓળખાણ ગુરુ જ કરાવે છે. આપણને આપણા ઈશ્વર સુધી ‘ગુરુ’ જ લઈ જાય છે.
ગુરુ પૂર્ણિમા એટલે માત્ર હિન્દુઓ સાથે જોડાયેલો તહેવાર એવું માનવાની ભૂલ ના કરશો. આ પર્વ સાથે ભગવાન બુદ્ધ, અને મહાવીર સ્વામી પણ જોડાયેલા છે. આ દિવસે ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આ વિશ્વને આપ્યો હતો. તો મહાવીર સ્વામીને આ જ દિવસે પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી મળેલા. આ પૂર્ણિમાનો ચંદ્ર ઋષિ વેદવ્યાસના જન્મ સાથે જોડાયેલો છે. વિશ્વને વેદ અને મહાભારત જેવા ધર્મગ્રંથોની ભેટ આપનાર વેદ વ્યાસને આપણે આ દિવસે યાદ કરવા જ રહ્યા. આ એ જ દિવસ છે, જે દિવસે ભગવાન શંકરે સપ્તરૂષિઓને સૌપ્રથમ યોગનું જ્ઞાન આપેલ.
આજે આપણે ભલે ‘ગુરુ-શિષ્ય’ પરંપરાને નવા ફ્લેવર અને કલેવરમાં જોતાં હોઈએ. પણ આપણી ઋષિ પરંપરાએ જ્ઞાનના જે બીજ વાવ્યા હતા, તે વટવૃક્ષના બીજ એટલા ઊંડા ઉતરી ગયા છે કે તેને સપાટી પર લઈ આવવાની જરૂર છે. તે બીજને સૌના જીવનમાં વાવવાની જરૂર છે. કે જેથી આપણે દેશને સારા અને સાચા માર્ગે લઈ જઇ શકીએ. ગુરુ રામાનંદ થકી આપણને કબીર જેવા સંત મળ્યા જેમણે તે સમયની બૂરાઈઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમણે સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાનો પોતાની શ્રદ્ધા થકી સામનો કર્યો.
સમર્થ ગુરુ રામદાસ થકી આપણને શિવાજી જેવા શિષ્ય મળ્યા જેમણે ભારતમાં સ્વધર્મનો એવો ઝંડો લહેરાવ્યો જેના થકી આપણે આપણી ઓળખ જાળવી શક્યા. તો ચાણકય જેવા ગુરુએ આપણને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો શાસક આપ્યા જેમણે ધનનંદ જેવા અધર્મી રાજાના ત્રાસમાથી પ્રજાને છોડાવી વર્ષો સુધી ગુરુના આશીર્વાદ થકી શુસાસન ચલાવ્યું. તો અશોક જેવા શાસકે કલિંગના રક્તપાત બાદ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ પોતાના હ્રદયને ધર્મના માર્ગે વાળ્યું. અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો.
ગુરુની આ જ કમાલ છે, જે આપણામાં રહેલી શુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં, આપણાં અશાંત મનને શાંત કરવામાં અને આપણી અંદર રહેલા અંધકારને દૂર કરવામાં આપણને મદદ કરે છે. જિંદગીમાં આપણને જેની પાસેથી કશુંક સારું અને સાચું શીખવા મળે, એ બધા જ આપણા ગુરુઓ છે. પછી એ કોઈ પક્ષી પણ હોય શકે અને કોઈ પ્રાણી પણ! ભગવાન દત્તાત્રેયે કૂતરાને પણ પોતાના ગુરુ માનેલા!
ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે. જેથી આપણે આઉટ ઓફ ડેટ ના થઈ જઈએ. ગુરુ એ નેચરલ ઇંટેલિજન્સ છે, જે આપણામાં સતત નવા વિચારોનું ઇમપ્લાન્ટ કરે છે. તે આપણને શીખવે છે, કે સમાજમાં ચાલતા કુરિવાજો સામે કેમ લડવું? ગુરુ એ મોસમનો એ પ્રથમ વરસાદ છે. જે દર વર્ષે આપણને તેની તાજગીથી ભીંજવતો રહે છે.અને એ ફીલિંગ જ આપણને જીવંત રહેવાની સતત પ્રેરણા આપતી રહે છે.
અલબત આપણે પોતે પણ આપણાં ગુરુ બની શકીએ છીએ.

No comments:
Post a Comment