જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!
હમણાં એક દિવસ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને પુસ્તકાલય જવાનું વિચાર્યું. મુલાકાત ગોઠવવા માટે પુસ્તકાલયના વ્યવસ્થાપકને ફોન કર્યો. પેલા તો તેમને વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ સ્કૂલના છોકરાવ મુલાકાતે આવવા માંગે છે, પણ પછી એ અવઢવની સ્થિતિમાથી બહાર આવીને તેમણે મુલાકાત ગોઠવી આપી.
વિદ્યાર્થીઓને લઈને મુલાકાતે ગઈ, તો વિદ્યાર્થીઓ અવનવા પુસ્તકો અને સામયિકો તેમજ સમાચારપત્રો જોઈને ખુશ થઈ ગયા. ને પુસ્તકો પણ અમારા વિદ્યાર્થીઓને જોઈને ખુશ ખુશ થઈ ગયા. ચાલો કોઈક તો આવ્યું અમને આ કબાટોમાથી બહાર કાઢવાવાળું! લગભગ કલાક સુધી તેમણે ધ્યાન દઈને વાચન કર્યું. પુસ્તકોના એક બે પાનાં વાચ્યા, સામયિકો વાચ્યા, અને સમાચાર પત્રો પણ... ઘણાને સમજાવવું પડ્યું કે સામયિકો અને છાપાઓ વચ્ચે શું તફાવત હોય છે? પણ ઓવરઓલ એ કલાકની મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક રહી. ઘણા વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં ખાતું ખોલાવવાનું ફોર્મ પણ છેલ્લે લીધું.
હું તે લોકોને વારંવાર વાચન માટે સમજાવતી હોવ છુ. કે રોજ થોડો થોડો સમય વાચનને આપો, જેથી તમે તમારા જીવનમાં નવા અને વૈવિધ્યસભર વિચારોનો ઉમેરો કરી શકો. જેના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓને હમણાં એક દિવસ મે એક ગુજરાતી છાપું દેખાડ્યું! 70 વિદ્યાર્થીઓના વર્ગમાં 80% વિદ્યાર્થીઓએ ક્યારેય ગુજરાતી છાપું નહોતું જોયું! મે પુછ્યું પણ ખરું કે તો તમે ડિજિટલ ન્યૂઝપેપર વાચો છો? તો તેની પણ તે લોકોએ ના પાડી!
ખરેખર અત્યારના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યે જરાપણ લાગણી નથી રહી. પુસ્તકો તો દૂર તેઓને નાના નાના ફકરાઓ વાચવામાં પણ કંટાળો આવે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની સ્ક્રીનમાં તેઓનું વાચન ક્યાંક ગુમ થઈ ગયું છે. પુસ્તકોરૂપી આત્મા ઘરોમાથી જાણે કે અદ્રશ્ય જ થઈ ગયો છે. હકીકત તો એ છે કે આપણી પેઢી ‘યંગ જનરેશનને’ પુસ્તકો આપવાનું જ ભૂલી ગઈ છે. કારણકે આપણે સૌ પણ આ સ્ક્રીનના વમળમાં ફસાઈ ગયા છીએ.
2024 નેશનલ બુક ટ્રસ્ટ સર્વેએ કરેલા સર્વે મુજબ ભારતમાં માત્ર 36.8% બાળકો જ પુસ્તકો વાંચે છે, જ્યારે યંગ જનરેશનમાં તો આ આંકડો હજી નીચો છે. માત્ર 25% યુવાનો જ પુસ્તકો વાંચે છે. એટલું જ નહી જે પેઢીના લોકો પુસ્તકો પ્રત્યે લાગણીશીલ હતા, તેઓ પણ બીજા વિકલ્પો મળી રહેવાને લીધે પુસ્તકોનો સાથ છોડી રહ્યા છે. આપણા સૌના જીવનમાથી પુસ્તકોની લીટરલી બાદબાકી થઈ રહી છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં પુસ્તક વાંચન દર પ્રમાણમાં ઓછો છે તેના માટે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ, શિક્ષણનો વધુ પડતો ભાર, ઈલેક્ટ્રોનિક ગેઝેટસ અને સોસિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, મોંઘા પુસ્તકો અને વધુમાં, વાંચન સમય માંગી લે તેવું વલણ જેવા પરિબળો જવાબદાર છે.
જે બાળકો ઓછું વાંચે છે તેઓ તેમના શૈક્ષણિક પ્રદર્શન, સામાજિક-ભાવનાત્મક સુખાકારી અને ભવિષ્યની તકો પર નકારાત્મક અસર અનુભવી શકે છે. ઓછું વાંચન શબ્દભંડોળ વિકાસ, સમજણ કૌશલ્ય અને એકંદર શૈક્ષણિક સફળતાને અવરોધી શકે છે, જે સંભવિત રીતે નીચા ગ્રેડ, શાળામાં ગેરહાજરી અને વર્તણૂકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુમાં, ઓછું વાંચન કરનાર બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ, ચિંતા અને સાથીદારોના અસ્વીકાર જેવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે. એટલું જ નહી ઓછા વાચનને લીધે બાળકોની કલ્પનાશક્તિને અને સર્જનાત્મક શક્તિને પણ નુકસાન થાય છે.
ખુદ આપણે આપણી જાતને પુંછી લઈએ કે છેલ્લે આપણે ક્યારે એક આખું પુસ્તક વાંચ્યું હતું? કે આપણે ખુદ છેલ્લે ક્યારે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? જવાબ જ નહી આપી શકીએ.
પુસ્તકો આપણાં સૌના જીવનમાં નવીનતા, વિવિધતા અને પ્રેરણા લઈને આવતા હોય છે. મોટા ભાગના સફળ લોકોની સફળતા પાછળ પુસ્તકોનો ફાળો જોરદાર હોય છે. વાચન એક પ્રકારનું મેડિટેશન છે, જેના થકી આપણું માનસિક આરોગ્ય જળવાય રહે છે, રહી વાત બાળકોને એ તરફ વાળવાની, તો એના માટે આપણે સૌએ પણ હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો લેવા પડશે. શિક્ષણ સંસ્થાઓમાં એક પિરિયડ વાચનનો હોવો જોઈએ.

No comments:
Post a Comment