‘Villagefoodkerala’ દાદી,માં થી લઈને યુ-ટ્યુબ સુધી પાંચ મહિલાઓની સંઘર્ષકથા!
આપણે આપણાં મુળને, ( એટલે કે સારા રીત-રિવાજો અને પરંપરાઓને અને પૂર્વજોએ આપેલી શીખને) વળગી રહીશું તો આશાઓની નવી કૂંપળો ક્યારે પણ ખીલી ઉઠશે. બસ આપણાં થડિયા મજબુત હોવા જોઈએ. જે સોસિયલ મીડિયાને આપણે મોટા ભાગે લોકો થકી તેના ખરાબ ઉપયોગને લીધે આજનું દૂષણ માનતા રહીએ છીએ, એ જ સોસિયલ મીડિયાનો જો સારી અને સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણાં માટે સફળતા મેળવવાનું અને આગળ વધવાનું સૌથી શ્રેસ્ઠ, ‘પ્લેટફોર્મ’ બની શકે એમ છે.
જો આપણી પાસે આગળ વધવા માટે કોઈ ‘ગોડ-ફાધર’ કે કોઈ ‘ગોડ-મધર’ ના હોય તો આ એક એવું પ્લેટફોર્મ છે, જેના ઉપયોગ થકી આપણે આપણી પાસે રહેલી ક્ષમતાને અનેક લોકો સુધી પહોંચાડી શકીએ છીએ અને ખુદની ઓળખ બનાવી શકીએ છીએ. પાંચ એકસરખી સાડીમાં સજ્જ મહિલાઓ જેમણે સાથે મળીને 2024માં યુ-ટ્યુબ અને ફેસ-બુક પર પોતાની ચેનલ,‘villagefoodkerala’બનાવી અને આજે તેઓ વિશ્વભરના મલયાલી લોકોના દિલ જીતી લેવામાં સફળ થઈ છે.
આ ચેનલમાં એકદમ મસ્ત કુદરતી પર્યાવરણમાં, ખુલ્લા સ્થળોએ તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ શીખવવામાં આવે છે, એ પણ એકદમ સરળ રીતે. પાંચ મહિલાઓ રજની આર, શારદા એમ, ધન્યા આર, રેંજિની એન આર, અને જયાપ્રભા કે જેઓ પાલક્કડના મુંદુરમાં આવેલી તેજુસ બેકરીમા કેક બનાવવાનું કામ કરતી હતી અને 2020માં તેમણે સાથે મળીને કન્ટેન્ટ ક્રીએટર બનવાનું સપનું જોયું. પણ ટેક્નોલોજીનો એટલો બધો ઉપયોગ તેઓને આવડતો નહોતો!
સાથે મળીને તેમણે નક્કી કર્યું કે જે કામ તેઓ સૌથી સારી રીતે કરી શકે છે, એટલે કે ‘રસોઈ’ તેના પર તેઓ કન્ટેન્ટ ક્રીએટ કરશે અને વિડીયો બનાવશે. પોતાના આ સપનાની વાત તેમણે બેકરીના માલિક જયપ્રસાદને કરી, જેમણે તેઓના સપનાને નવી ઉડાન આપી અને તેઓને એક વિડિયોગ્રાફરની વ્યવસ્થા કરી આપી! આ વિડીયોગ્રાફરે તેઓની ટીમને શૂટિંગ અને એડિટિંગમાં મદદ કરી અને આ પાંચેય મહિલાઓની સોસિયલ મીડિયા પરની સફર શરૂ થઈ. આ માધ્યમ થકી તેમણે રાંધેલા સાદા ભોજનમાં પોતાનો પ્રેમ અને ટેકનૉલોજી ઉમેરી અને લાખો લોકો સુધી પહોંચાડી.
આ સફરમાં અમે સાથે બેસીને શું અને કેવી રીતે રાંધવું? તેનું આયોજન કરતાં. શૂટિંગ દરમિયાન અમે પાલક્કડની કાળજાળ ગરમીમાં કલાકો સુધી સારું લોકેશન શોધવામાં વિતાવતા. પણ સપનું પૂરું કરવા માટે આટલો પરસેવો તો પાડવો પડે ને! જો કે અમારા બધા માટે આ એક રોમાંચક અનુભવ હતો અને અમોને અમારા મનગમતા કામનો આનંદ પણ હતો.
અમને આ પ્રવાસે સશક્ત પણ બનાવ્યા. રસોડાની ચાર દીવાલોથી લઈને કેમેરા સામે આવવા અને આત્મવિશ્વાસ થકી બોલવા સુધીનો રસ્તો ઘણો અઘરો અને સંઘર્ષમય હતો, પણ અમે તે પસાર કરી લીધો. અને તેને લીધે આજે અમારી યુ-ટ્યુબ ચેનલ પાસે 1 લાખ 73000 જેટલા સબસ્ક્રાઇબર્સ છે, અને સિલ્વર બટન પણ! રસ્તો ભલે લાંબો રહ્યો પણ હવે લોકો અમને ઓળખે છે, અને અમે એક રીતે નાની સેલિબ્રેટી બની ગયા છીએ. અમે બહુ જ કોમન મહિલાઓ છીએ જેઓ પાસે બહારની દુનિયાનો કોઈ અનુભવ નહોતો, પણ જેમ જેમ અમે વિડીયો બનાવતા ગયા, તેમ તેમ અમને અમારા વિશે પણ ઘણી નવી નવી બાબતો જાણવા મળી! જેને લીધે અમને અમારી જ અંદર રહેલી ક્ષમતાને ઓળખવાની અને તેને બહાર લઈ આવવાનું એક પ્લેટફોર્મ મળ્યું. એકદમ હસતાં ચહેરે આ પાંચેય મહિલાઓ પોતાના પ્રવાસને બીજા લોકો સાથે શેર કરી રહી છે.
અમારું કન્ટેન્ટ જોઈને લોકો જ્યારે ખુશ થાય છે, ત્યારે અમને સૌથી વધુ આનંદ મળે છે. અમારા દાદી અને માં પાસેથી જે કઈ પાલકક્ડની પરંપરાગત વાનગીઓનો ખજાનો અમને મળ્યો તે અમે ચેનલ પર લોકોને સમજાય તેવી રીતે રજુ કરીએ છીએ. અમે એવી વાનગીઓ પસંદ કરીએ છીએ, જેમાં મોંઘી વસ્તુઓ વપરાતી ના હોય અને લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે. અને સાથે સાથે તે બનાવવામાં સ્થાનિક વસ્તુઓનો જ ઉપયોગ થતો હોય. હવે અમે કમાણી પણ કરીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ પણ કરીએ છીએ. અમારું જીવન ઘણું બદલાઈ રહ્યું છે અને અમોને તેનો આનંદ છે.
