માતા-પિતાની મહત્વાકાંક્ષાના ભાર હેઠળ કચડાતી જિંદગીઓ....
બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે “ મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.” હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી શકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જાઉં છું.
અને સાંજે આ સમાચાર વાંચ્યા! કોટા ( રાજસ્થાનમાં) કૃતિ ત્રિપાઠી નામની એક વિદ્યાર્થીનીએ 90+ ટકા હોવા છતા ભણતર અને માતા-પિતાની અપેક્ષાઓના બોજ નીચે મૂંઝાઇને આપઘાત કર્યો. તેની સુ-સાઈડ નોટ ખરેખર વાંચવા જેવી છે, “ હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ના થાય તો વહેલી તકે આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ.” આ ભણતરના ભાર હેઠળ કચડાઈને આવી તો કેટલીયે માસૂમ જિંદગીઓ ખીલ્યા પહેલા જ કરમાઈ જતી હોય છે. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવતા શીખવે તેવું હોવું જોઈએ, પણ આ તો કેવું શિક્ષણ જે વિદ્યાર્થીઓને મૃત્યુ તરફ ખેંચી જતું હોય છે! ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી આપઘાત કરે છે!
આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે? અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને ‘સ્પેસ’ જ આપતા નથી.
મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે ‘વિશ્વયુદ્ધ’ થતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!
મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.
દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!
એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને “સ્ટેટસ અપડેટ” માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે.
ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ’ ની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે?
No comments:
Post a Comment