Thursday 19 January 2023

‘વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો..... 

વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો.....

6 Ways To Target Seniors More Effectively In Digital Marketing

 

         હમણાં અમારા પાડોશમાં રહેતા એક યુવાનને જોવા એક યુવતી આવી. મુલાકાત વખતે તેણે યુવાનને પ્રશ્ન પૂંછયો બહું રસપ્રદ પ્રશ્ન છે હો ધ્યાન દઈને વાંચજો, ઘરમાં તાંબા પીતળનાં વાસણો કેટલા છે?’ યુવાનને પ્રશ્ન જ ના સમજાયો એટલે એણે પૂંછયું એટલે આ વળી કેવો પ્રશ્ન! તો યુવતીએ પ્રશ્ન સમજાવ્યો કે હું પૂંછવા માંગુ છુ કે ઘરમાં ઘરડાઓ કેટલા છે? પેલો યુવાન તો આવું ભાષાંતર સાંભળીને અવાક થઈ ગયો. આ તે કેવો પ્રશ્ન? જો કે આ પ્રશ્ન આજે દરેક સગપણ વખતે ગુંજી રહ્યો છે.

  છોકરાના માતા-પિતા કે બીજા વડીલો સાથે રહેશે કે નહી? એનો જવાબ શું આવે છે? એના આધારે મોટા ભાગના સગપણોનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. વડીલો સાથેનું ઘર મારી દીકરીને માફક નહી આવે, એવું આજે મોટા ભાગના માતા-પિતા માની રહ્યા છે. આમ તો કોઈપણ સગપણ ક્યારેય કોઈ શરત પણ ટકતું નથી, પણ આવી શરત પરના સંબંધો તો બાંધવા જ જોઈએ નહી. જે છોકરી માતા-પિતાને સાચવવા તૈયાર નાં થાય તેવી છોકરીઓ  બહારથી ગમે તેટલી સુંદર હોય અંદરથી એકદમ કદરૂપી ગણાય. અને માતા-પિતા જો એવું ઇચ્છતા હોય કે મારા દિકરાની વહુઓ અમને સાચવે, તો તમારી દીકરીઓને પણ સમજાવો કે સાસુ-સસરા કે વડીલોને સાચવવા એ પણ તેઓના લગ્ન-જીવનનું એક અગત્યનું પગલું છે. વડીલો એ કોઈ જવાબદારી નથી, પણ જવાબદારીનું વહન કરવામાં મદદરૂપ થતાં ફરિશ્તાઓ હોય છે.

 માતા-પિતાએ ક્માયેલી સંપતિ જોઈએ છીએ, પણ માતા-પિતા નથી જોઈતા આ તો કેવી સ્વાર્થ-વૃતિ? વળી ઘણા યુવાનો-યુવતીઓ માતા-પિતા સંપતિ આપે તો જ સાથે રાખવા એવી સ્વાર્થ-વૃતિ ધરાવતા હોય છે. આ બંને બાબતો કોઈપણ સમાજને તોડી નાખનારી છે. આજે આપણી કુંટુંબ-વ્યવસ્થા તૂટી રહી છે, તેની પાછળનું આ કારણ સૌથી મોટું છે. બધાને એકલા રહેવું છે. વડીલોને કોઈએ સાચવવા નથી. તેઓની છત્ર-છાયામાં રહેવું નથી. લગ્નો જ જુદા થઈ જવાની શરતોએ થઈ રહ્યા છે.

 અમે નાના હતા ત્યારે લગભગ દરેક શેરીમાં એકાદ બે વૃદ્ધો એવા રહેતા જેઓને માત્ર દીકરી હોવાથી કે દીકરાઓ સાચવતા ના હોવાથી એકલવાયું જીવન જીવતા હતા. તો કોઈ એવા માજી પણ રહેતા હોય કે જેઓ ની:સંતાન વિધવા થયા હોય એટલે એકલા રહેતા હતા. શેરીના તમામ લોકો આવા વૃદ્ધોનું પૂરું પૂરું ધ્યાન રાખતા. કોઈ સંબંધ ના હોવા છતાં તેઓ શેરીના તમામ લોકોના સગા હતા. કોઈના પણ ઘરે જમવાની સારી સારી વસ્તુઓ બનતી તો એ તેઓ સુધી જરૂરથી પહોંચતી. તેઓ સાજા માંદા પડે તો સારવાર પણ તેઓ સુધી પહોંચતી. લાગણીઓ થકી આવા સંબંધો દરેક ગલીઓમાં ધબકતા રહેતા.

   આજે શેરીઓ એની એજ છે, પણ દ્રશ્ય થોડું બદલાય ગયું છે. ગામડાઓની શેરીઓ તો લગભગ ખાલી થઈ ગઈ છે. આપણી આસપાસ કેટલાયે ગામો એવા છે, જ્યાંના યુવાનો પોતાના કુટુંબોને લઈને કમાવવા શહેરોમાં જતાં રહે છે, ને વડીલો એકલા એકલા ગામોમાં પાછળનો પહોર વિતાવતા રહે છે! દર મહીને દીકરાઓ પૈસા મોકલાવે છે, પણ આખા વર્ષમાં માત્ર એક કે બે-વાર મળવા આવે છે. અહી રહેતા વડીલોની જિંદગી એટલી એકલવાયી થઈ ગઈ છે કે તેઓ અંદરથી ઘૂંટાતા રહે છે, પણ એ ઘૂંટનનો અવાજ બહાર નથી આવી રહ્યો માત્ર તેઓની આંખોમાં વરસી રહ્યો છે. શહેરોમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે, તેથી દાદા-દાદી જોઈતા હોતા નથી.

  કુંટુંબોમાથી દાદા-દાદીની બાદબાકીઑ થઈ રહી છે. બાળકોના સૌથી સારા મિત્રો અને સ્ટોરી-ટેલર્સ દાદા-દાદી આજે કુંટુંબના ફોટાઓમાં ક્લિક નથી થઈ રહ્યા. જેની લાકડી ચોરીને બાળકો દાદા-દાદી બનતા એ બાળકો આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના સહારે ઉછરી નથી રહ્યા, માત્ર મોટા થઈ રહ્યા છે! નેનો ટેક્નોલોજીના આ યુગમાં કુંટુંબો પણ નેનો થઈ રહ્યા છે. વિભક્ત કુટુંબો આપણા દોડી રહેલા વિકાસની સૌથી મોટી આડ-પેદાશ છે. આપણે બગડી રહેલા પર્યાવરણની ચર્ચાઓ અને ચિંતા કરી રહ્યા છીએ, પણ ઘરોનું ભાવાવરણ ગૂંગળાઈ રહ્યું છે, તેની ચર્ચાઓ કે ચિંતા કોઈ નથી કરી રહ્યું!

  પહેલા જ્યારે બાળકોને માતા-પિતા કોઈ બાબતે ખીજાતા કે મારતા, તો દાદા-દાદી કાયમ વચ્ચે આવી જઇ બાળકોનું ઉપરાણું લેતા. મમ્મી-પપ્પાએ મનાઈ ફરમાવેલી વસ્તુઓની જરૂરિયાતો દાદા-દાદી થકી પૂરી થતી. મમ્મી-પપ્પાને ઘરમાં કોઈ ખીજાય શકતું તો એ વડીલો હતા, બાળકોની આંગળી પકડીને સ્કૂલે કે ધર્મસ્થાને લઈ જતાં હાથો જ આજે ક્યાંક ખોવાય ગયા છે કે પછી કપાય ગયા છે. મોટા ભાગની છોકરીઓને એવું લાગી રહ્યું છે કે વડીલોને સાથે રાખવાથી આપણી સ્વતંત્રતા છીનવાઈ જશે. આપણે રહેવું હશે એમ નહી રહી શકીએ, પણ આ જરાપણ સાચું નથી. હકીકત તો એ છે કે તેઓ છે, એટલે જ આપણે જે કરવું હોય તે કરી શકતા હોઈએ છીએ. નોકરી કરતી સ્ત્રીઓ માટે દાદા-દાદી સૌથી મોટું છત્ર  છે, જેના સહારે તેઓના બાળકો ઉછરી શકે એમ છે, સંસ્કારો મેળવી શકે એમ છે.

વડીલોનો કોઈ વાંક નથી, એવું નથી પણ એમ તો આપણે પણ નાના હોઈએ ત્યારે આપણે પણ કેટલા અણસમજુ હતા? શું આપણા માતા-પિતાએ આપણને કાઢી મૂક્યા હતા કે રાખવાની ના પાડી દીધી હતી, તો પછી આપણે શા માટે તેઓને કાઢી મૂકવા જોઈએ? કે પછી તેઓને એકલા છોડી દેવા જોઈએ? તેઓ જેમ આપણી અણસમજને સમજી જતાં હતા તેમ આપણે પણ તેઓની અણસમજણને સમજીને તેઓને સાથે રાખવા જોઈએ. દીકરીઓને સમજાવો કે વડીલોને સાચવવા જરૂરી છે. પોતાની દીકરીઓ માટે વડીલો વગરનું ઘર શોધવામાં ક્યાંક આપણે આપણા ઘરોને તો ખાલી નથી કરી રહયા ને? તમારા દીકરા માટે છોકરી જોવા જાવ અને કોઈ આવો પ્રશ્ન પૂંછશે તો તમને કેવું લાગશે? વહુ સેવા કરે એવું ઈચ્છો છો, તો દીકરીઓને પણ સાસરિયાં પક્ષના વડીલોને સાથે રાખવાનું શીખવો....

 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...