Monday 30 January 2023

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે????

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે??


   હમણાં એક જગ્યાએ જમણવારમાં એક ભાઈને બધાને એવું કહેતા સાંભળ્યા કે  જોઈએ તેટલું જ લેજો, અન્નનો બગાડ કરતાં નહી. જેટલીવાર લોકો બુફે પાસે થાળી લઈને ખાવાની વસ્તુઓ લેવા જાય, તેટલીવાર તેઓ આ પ્રમાણે સૂચના આપતા જતાં હતા. તેનાથી તે દિવસે અન્નનો ઘણો બધો બગાડ અટકાવી શકાયો. આપણે લગ્ન-પ્રસંગો કે બીજા કોઈ સારા પ્રસંગોએ કે પછી મૃત્યુ પછીની ક્રિયાઓ પાછળ થતાં જમણવારમાં ખાવાની વસ્તુઓનો સૌથી વધુ બગાડ કરતાં હોઈએ છીએ. બુફે-સિસ્ટમમાં વારંવાર લેવા ના જવું પડે એટલા માટે એકસાથે આપણે થાળી જરૂરી-બિનજરૂરી વસ્તુઓથી ભરી લેતા હોઈએ છીએ. અને પછી પેટ ભરાય જાય એટલે થાળીમાં હજી એક વ્યક્તિ જમી લે, એટલું પડતું મૂકતાં હોઈએ છીએ.

  તે ઉપરાંત ઘરમાં પણ જમ્યા પછી આપણે થાળીમાં ઘણું બધુ પડતું મૂકતાં હોઈએ છીએ. ઘરે પણ આપણે ખોરાક રાંધતી વખતે કોઈ ચોક્કસ માપ નથી રાખતા અને પરિણામે ઘણો બધો વધેલો ખોરાક ફેંકી દેવો પડે છે. આપણે જોતાં જ હોઈએ છીએ કે રોજ આપણાં ઘરોમાં કેટલા બધા લોકો ખાવાનું માંગવા આવતા હોય છે. એ લોકોને ખાવાનું નથી મળતું અને આપણે ખોરાકનો બગાડ કરતાં રહીએ છીએ.

   સમગ્ર વિશ્વમાં અનાજની ભયંકર તંગી છે. રોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઈ રહ્યા છે. ત્યારે આપણી આ કુટેવને આપણે છોડી દેવાની જરૂર છે. બીજીવાર લેવા ઊભા થવું પડે એમાં શું થઈ ગયું? જોઈએ તેટલું જ થાળીમાં લેવું જોઈએ. આપણે થાળી મૂકવા જઈએ ત્યારે ઘણા પ્રસંગોમાં જોતાં હોઈશું કે ભૂખ્યા લોકો એ એંઠી થાળીમાં પણ પોતાનું ભોજન શોધતા હોય છે. આપણે નાખી દીધેલું તેઓ જમતા હોય છે. આવો ભૂખમરો જોઈને પણ આપણને એમ નથી થતું કે ખાવ-પીવાની વસ્તુઓનો બગાડ ના કરવો જોઈએ.

  નિષ્ણાંતોના કહેવા મુજબ વિશ્વની કુલ વસ્તીને થઈ રહે એટલા અનાજનું ઉત્પાદન દર વર્ષે થાય છે. પણ કમનસીબે અને આપણી ખોરાકનો બગાડ કરવાની કુટેવને કારણે આ પૃથ્વી પરની કુલ વસ્તીના 1/3 ભાગને ખાવાનું મળતું નથી! વિશ્વના કુલ અનાજ ઉત્પાદનમાથી 17% અનાજનો બગાડ ઘરોમાં, હોટેલાઓમાં સ્ટોર્સમાં થાય છે. જેના લીધે દર વર્ષે અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ આપણને અબજો રૂપીયાનુ નુકસાન થાય છે.

     UNEP ના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં એક વ્યક્તિદીઠ 50 કિલો અનાજનું નુકસાન દર વર્ષે થાય છે. જે વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે! આને આપણે ગુણાકાર કરીને વસ્તીના પ્રમાણમાં ફેરવીએ તો અધધધ આંકડામાં રકમ આવે છે. યુનાઈટેડ નેશન્સ ના આંકડા મુજબ ભારતમાં 40% ખોરાક પ્રસંગો વખતે નકામો જાય છે. જેને રૂપિયામાં ફેરવીએ તો 92000 કરોડનું નુકસાન દર વર્ષે આના લીધે આપણને થાય છે.

  ભારતમાં ભૂખમરાનું કારણ ઓછું ઉત્પાદન નથી, પણ ખોરાકનો બગાડ છે! 14 ઓક્ટોબર,2022 માં બહાર પડેલા  ગ્લોબલ હંગર ઇંડેક્સ-2022 મુજબ વિશ્વમાં ભારતનો નંબર 121 દેશોમાં 107 પર આવી ગયો છેજે પાછલા ઇંડેક્સ કરતાં 13 રેન્ક વધી ગયો છે. વળી ખોરાકના બગાડને લીધે પોષણયુક્ત ખોરાક બાળકો સુધી નથી પહોંચી રહ્યો અને તેને લીધે આપણાં દેશના લાખો બાળકો કૂપોષણનો પણ ભોગ બની રહયા છે. અમુક દેશોમાં જમતા સમયે થાળીમાં પડતું મુંકવું એ ગુનો ગણાય છે, એના માટે નાગરિકોએ દંડ ભરવો પડે છે.

  ઘણા પ્રસંગોમાં તો ખોરાકનું મેનું એટલું લાંબુ હોય છે કે મોટા ભાગના લોકો ફુલ મેનૂ સુધી પહોંચી પણ નથી શકતા અને તેને લીધે પણ ખોરાકનો ખૂબ બગાડ થાય છે. ઘણી સંસ્થાઓ આવા ખોરાકને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડી રહી છેઆપણે વિશ્વમાં ઘઉં, ચોખા વગેરે પાકોના ઉત્પાદનમાં બીજા નંબરે છીએ, છતાં કરોડો લોકોને ભૂખ્યા સૂઈ જવું પડે એ કેવો વિરોધાભાસ! કેટલાયે એવા બાળકો છે, જેઓનું ભવિષ્ય ભૂખમરાને લીધે રગદોળાઇ રહ્યું છે. બે ટંક પૂરતું જમવાનું ના મળવાને કારણે આવા બાળકોને અને લોકોને બીજી કોઈ બાબત માટે વિચારવાનો સમય જ નથી મળી રહ્યો. અને એટલે જ સમાજના એક વર્ગનો વિકાસ જ થઈ રહ્યો નથી.

  આ બધુ રોકવા માટે આપણે માત્ર થાળીમાં જોઈએ એટલું જ જમવાનું લેવાનું છે. આ એક સુટેવ આપણે સૌએ ખાસ અપનાવી લેવાની છે.... થાળીમાં પડતું મૂકતા સમયે એટલું જરૂરથી વિચારીએ કે દેશના કોઈ ખૂણે કોઈ ભૂખ્યું સૂઈ રહ્યું છે. ને કોઈ બે ટંક પૂરતું ના જમવાનું મળવાને લીધે કચરામાં કશુંક શોધી રહ્યું છે.

 

 

 


 


No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...