ડ્રગ્સ હવે ‘ટીન એજર્સ’ ને સોફ્ટ-ટાર્ગેટ બનાવી રહ્યું છે....માતા-પિતા ક્યાં છે?
છેલ્લે ક્યારે તમે તમારા ટીન-એજના પુત્ર કે પુત્રીની પાસે શાંતિથી બેસીને વાતો કરી હતી? તેને નડતી શારીરિક કે માનસિક સમસ્યાઓ જાણવાની કે સમજવાની કોશિશ કરી હતી? ઘણા વાલીઓ આ સવાલોના જવાબ નહી આપી શકે. કારણકે તેઓ પાસે સમય નથી. તેઓ તો પોતાના સંતાનોની એ જરૂરિયાતો પૂરી કરવા પાછળ દોડી રહ્યા છે, જે જરૂરિયાતો તેઓના માતા-પિતા તેઓની પૂરી કરી શક્યા નહોતા! ગરીબ માતા-પિતા તો આવી બાબતોને પોતાના બજેટમાં સ્થાન જ આપી શકતા નથી! અને મધ્યમ વર્ગના માતા-પિતા ધનિક માતા-પિતા સાથે સ્પર્ધામાં ઉતર્યા છે, માટે તેઓ પાસે તો આવી બાબતો માટે સમય છે જ નહી!
પણ જો ક્યારેક ભૂલથી તેઓ સાથે બેસવાનો કે તેઓને સમજવાનો સમય મળી જાય અને તમારા પુત્ર કે પુત્રી નિરાશાવાદી થઈ ગયેલા જણાય, ચિડિયા થઈ જાય, વધુ પડતી દલીલો કે ઝઘડાં કરવા લાગે, પૈસા ચોરવા લાગે, અનૈતિક પ્રવૃતિઓમાં જોડાય, આખો દિવસ ઊંઘ કર્યા કરે, તેઓનું વજન વધવા લાગે, જિંદગીમાથી રસ ઉઠી જાય, ગમે તે ભોગે આ તો જોઈએ જ એવું માનવા લાગે, તો તમારું સંતાન ડ્રગ્સ કે શરાબનું એડિકટ થઈ રહ્યું છે. તે એવા વમળમાં ફસાઈ રહ્યું છે, જ્યાથી તમારે જ એને બહાર લઈ આવવાના છે.
ઓક્ટોબર 2022ના સર્વે મુજબ છેલ્લા બે વર્ષોમાં ભારતમાં ડ્રગ્સ લેતા યંગ-સ્ટર્સનું પ્રમાણ 50% જેટલું વધી ગયું છે. એમાં પણ સૌથી વધુ ડ્રગ્સ લેવાનું પ્રમાણ ‘ટીન-એજર્સ’ માં વધી રહ્યું છે. તેઓ માટે આ વ્યસન ફેશન બની ગયું છે. તેઓ સ્પિરિટ, કફ-સિરપ, ઊંઘની ગોળીઓનો ઉપયોગ ડ્રગ્સ તરીકે કરી રહ્યા છે. માથાના દુખાવા માટેની ટીકડીઓને કોક કે બીજા કોઈ ડ્રિંક્સ સાથે ભેળવીને તેઓ ડ્રગ્સનો આનંદ લઈ રહ્યા છે. અરે કેટલાક તો ‘કોન્ડોમ’ નો પણ આના માટે ઉપયોગ કરી રહ્યા છે.
માતા-પિતા બંને કામે જતાં હોય, આજના ટીન-એજર્સ બહુ ઝડપથી આવી લતો તરફ વળી જતા હોય છે. વળી આજકાલ સમાજમાં એવું સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થઈ ગયું છે, જેના લીધે આ ઉંમરના લોકો પર અપેક્ષાઓનું દબાણ વધી ગયું છે. જીજ્ઞાસાવૃતિ, પીયર-પ્રેશર, તણાવ, લાગણીઑના સંઘર્ષો, ભાગેડુવૃતિ, કુટુંબનું નીચું સામાજિક સ્ટેટસ, માતા-પિતાની હુંફનો અભાવ, કુટુંબના ઝઘડાઓ, વગેરે બાબતોને લીધે આજની યંગ-જનરેશન બહુ ઝડપથી ડ્રગ્સના વ્યસન તરફ વળી રહી છે. કેવી રીતે માતા-પિતા અને સમાજે એકલા કરી મૂકેલા આવા ‘ટીન-એજર્સ અને યંગ-સ્ટર્સ’ ને ડ્રગ્સ વેચવાવાળા ડ્રગ્સ તરફ વાળતા હોય છે? એ આપણે બધા જ જાણીએ છીએ.
ભારતીય બાર એશોસીએશન ના મતે ભારતની ઝડ અને વધુ પડતી સ્પર્ધાત્મક શિક્ષણપ્રથા પણ ટીન-એજર્સ અને યંગ-સ્ટર્સને ડ્રગ્સના નશામાં ડૂબાડી રહી છે. શાળાઓ અને કોલેજોની આસપાસ ડ્રગ્સનું વેચાણ સૌથી વધુ થતું હોય છે. આવા સ્થળેથી જ ડ્રગ્સ વેચવાવાળા પોતાના ગ્રાહકો શોધી લેતા હોય છે. પાકિસ્તાન પંજાબની સરહદેથી ડ્રગ્સ સપ્લાય કરી આપણી યંગ જનરેશનને બરબાદ કરવાના પ્રયાસો કરી રહી છે. હમણાં હમણાં લગભગ દર બીજા દિવસે ક્યાંક ને કયાકથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. માત્ર નબીરાઓ જ નહી, પણ ગરીબ અને મધ્યમ વર્ગના નબીરાઓ પણ આ આદતમાં સપડાઇ રહ્યા છે. સાથે સાથે વહાલી દીકરીઓ પણ આ લતે ચડી રહી છે. તેઓના હાથમાં પણ સિગારેટ, શરાબ, ડ્રગ્સ વગેરે વગેરે દેખાઈ રહ્યું છે! ( સ્ત્રી શશક્તિકરણ!)
બસ તમારા સંતાનોને સમય આપો અને આ ઉંમરે તેઓના મિત્ર બનીને તેઓ સાથે રહો. સફળ થવાનું તેઓ પર દબાણ ના કરો.
તેઓની એકાદ જરૂરિયાત ઓછી પૂરી થશે તો ચાલશે, પણ તેઓને આ રસ્તે જતાં નહી રોકીએ તો નહી ચાલે...
No comments:
Post a Comment