મજૂર, ખેડૂત, પ્લંબર, મિસ્ત્રી,ગૃહિણી વગેરે વગેરેનું સ્ટેટસ અપગ્રેડ કરવાની ખાસ જરૂર છે!!!
એક મજૂર મજૂરી કરે છે, એક પ્લમબર નળ-ફીટીંગનું કામ કરે છે, ખેડૂત ખેતી કરે છે, હજામ વાળ કાપે છે, વેપારી વેપાર કરે છે, સ્ત્રીઓ ગમે તેટલી ટેલેંટેડ હોય ઘરકામ જ કરવાનું! અને એ ઘરકામનું કોઈ આર્થિક મૂલ્ય ના હોવાથી તેણીના કામને મહત્વનુ નહી ગણવાનુ..... ડ્રાઈવર ગાડી ચલાવે છે, એમ દરેક વ્યક્તિ પોતાને મળતું કામ કરતાં હોય છે. અને આર્થિક રીતે આપણે જોઈશું તો સમજાશે કે દેશના આર્થિક માળખામાં ખેતી, ઉદ્યોગ, અને સેવા ક્ષેત્રમાં આવતી તમામ આર્થિક પ્રવૃતિઓનું મહત્વ એકસરખું હોય છે. દેશના વિકાસ માટે, આ તમામ આર્થિક પ્રવૃતિઓ જરૂરી છે. પણ જ્યારે આપણે સામાજિક દ્રષ્ટિએ આ પ્રવૃતિઓને મૂલવીએ છીએ, તો અમુક કામ પ્રતિષ્ઠા વાળું ગણાય છે અને અમુક નહી. એમ કેમ?
જે ક્ષેત્રો અહી લખ્યા નથી, તે ક્ષેત્રોને આપણે એટલું બધુ સામાજિક રીતે મહત્વ આપી દીધું છે કે બાકીના કામો કરનારનું તો જાણે કોઈ મહત્વ જ ન હોય એવું લાગે છે. આજે એક મજૂર, એક ખેડૂત, એક પ્લંબર,એક કલાકાર, એક મિસ્ત્રી, એક હજામ વગેરે વગેરે કામ કરતાં લોકો એવું વિચારે છે કે અમારા બાળકો મોટા થઈને ડોકટર, વકીલ એન્જિનિયર બને કે બીજા કોઈ ઊંચા પદ પર પહોંચે પણ એ અમારા ધંધા તો ના જ કરે!
ખેતી આપણો મુખ્ય વ્યવસાય છે, ‘ભારત એક ખેતી-પ્રધાન દેશ છે.’ એવું આપણે વિદ્યાર્થીઓને સતત શીખવીએ છીએ, પણ આ ખેતી-પ્રધાન દેશનો પ્રધાન જ એકદમ નબળો થઈ ગયો છે. અને પરિણામે ખેતીથી આજની જનરેશન દૂર ભાગી રહી છે. આપણું અર્થતંત્ર ખેતી પર નભે છે, પણ આપણે દેશના યુવાનોને તેની તરફ વાળી શક્યા નથી. દુનિયાના જે જે દેશોએ વિકાસ તરફ આગેકૂચ કરી છે, તેઓએ પોતાના મુખ્ય વ્યવસાયને શિક્ષણનો એક ભાગ ગણીને પોતાના દેશના યુવાનોને એ આર્થિક પ્રવૃતિ તરફ પ્રેરિત કર્યા છે, પણ આપણે એવું કરી શક્યા નથી. અને હજી પણ કરી રહ્યા નથી.
આ કામ નાનું અને આ મોટું, એવું વર્ગીકરણ કરીને આપણે અમુક પ્રકારની આર્થિક પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકોને સતત નીચા દેખાડતા હોઈએ છીએ. તેઓના મેલેઘેલા કપડાની સુગંધ વાઇટ-કોલર જોબ સામે જાણે કે કશું જ મૂલ્ય ના ધરાવતી હોય એવી સમાજરચના આપણે કરી ચૂક્યા છીએ. કોઈ એક સંસ્થા ચલાવવામાં તેમાં કામ કરતા તમામ કર્મચારીઓનું યોગદાન હોય છે. દરેક લેવલે કામ થતું રહે છે, એટલે જ પાયાઓ મજબૂત થતાં હોય છે, અને જો પાયા મજબૂત હોય તો જ ઉપરના સ્તરો મજબૂતીથી કામ કરી શકે છે. પણ આપણે તો અમુક સ્તરના કર્મચારીઓને કશું માન-સન્માન જ આપતા હોતા નથી.
‘અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યુ’ ‘વિદ્યાર્થીઓએ પાસે શાળાની સફાઈ કરાવી’ આવા સમાચાર જ્યારે કોઈપણ સોસિયલ મીડિયા પર આવે છે, તો બહુ નવાઈ લાગે છે. શું થઈ ગયું અગર નિશાળમાં વિદ્યાર્થીઓ પાસે આવું કોઈ કામ કરાવવામાં આવે છે! તેઓના સર્વાંગી વિકાસ માટે આ શારીરિક પ્રવૃતિઓ જરૂરી છે. આપણી પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ગુરુકુળમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ પાસે તમામ જરૂરી કામો કરાવવામાં આવતા. જેથી તેઓને કોઈ કામ પ્રત્યે અણગમો ના થાય, અને આજે કોઈ વિદ્યાર્થી પાસે એકાદ કામ કરાવવામાં આવે તો હોબાળો થવા લાગે છે. આવું થવાને લીધે વિદ્યાર્થીઓના મનમાં અમુક કામ પ્રત્યે અણગમો થઈ જતો હોય છે.
ગાંધીજીએ જીવનની કેળવણીને ‘થ્રી H’ સાથે જોડી હતી. H ફોર HAND, H ફોર HEART અને H ફોર HEAD આજે આપણે વિદ્યાર્થીઓને માત્ર headનું શિક્ષણ આપી રહ્યા છીએ. Hand અને heart ખોવાય ગયા છે. જો આવું જ રહ્યું, તો ભવિષ્યમાં ખેડૂત, પ્લંબર, મજૂર, વગેરે વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો આપણને મળશે જ નહી! માટે દરેક પ્રકારની આર્થિક પ્રવૃતિને એકસરખુ સામાજિક સ્ટેટસ આપવાની જરૂર છે.
No comments:
Post a Comment