શું આપણે આપણને છેતરનાર સાઇબર અપરાધીઓ કરતાં વધુ સ્માર્ટ ના બની શકીએ?

ઓડિશાની બહેરામપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગીતા દાસને ED અધિકારી બનીને એક વ્યક્તિએ ફોન કર્યો. ફોન કરનારે તેમને કહ્યું કે તમારું નામ મની લોંડરિંગ કેસમાં આવ્યું છે અને તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે. જો તમે અમારા ખાતામાં 14 લાખ રૂપિયા ટ્રાન્સફર નહી કરો તો તમારી બધી મિલકત જપ્ત કરવામાં આવશે. ડર અને ધરપકડથી બચવા માટે તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા. સામેની વ્યક્તિએ ફોન ઉપાડવાનું બંધ કર્યું, ત્યારે તેમણે સમજાયું કે તેઓ ડિજિટલ એરેસ્ટ સ્કેમનો ભોગ બની ગયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ અરેસ્ટના આવા અનેક કેસો સામે આવી રહ્યા છે. બે મહિના પહેલા અમારી સ્કૂલના એક વાલી પર કોઈ વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે તમારો દીકરો એક રેપકેસમાં ફસાયો છે. જો તમે એવું ઇચ્છતા હોવ કે તેની ધરપકડ અને સમાજમાં તમારી બદનામી ના થાય, તો અત્યારે ને અત્યારે જ અમે જણાવીએ એ ખાતામાં 50000 ટ્રાન્સફર કરો. તેઓ સીધા નિશાળે આવ્યા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનો દીકરો તો નિશાળમાં ક્લાસમાં બેસીને ભણી રહ્યો હતો. તેમણે કહ્યું મને મારા દીકરા પર વિશ્વાસ જ હતો કે તે કદી એવું કરે જ નહી. મોબાઇલની સ્ક્રીન પરથી એ નંબર હવે ગાયબ થઈ ગયો હતો. એ પિતા ડિજિટલ અરેસ્ટ સ્કેમથી બચી ગયા!
કોઈ આપણને ગમે તે કેસ બાબતે ડરાવે, ધમકાવે અને આપણે ડરી જઈને તેણે બતાવેલા બેન્ક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ છીએ પણ વિચારતા નથી કે ‘મે તો આવું કશું કર્યું જ નથી તો મને કોઈ અરેસ્ટ કેવી રીતે કરી શકે?’ અરે આપણે આવા કોલ્સ વિષે ઘરના સભ્યોને પણ જાણ નથી કરતાં. ડરી ડરીને આપણે એકલા આ ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાય જતાં હોઈએ છીએ.
આપણને ખુદ પર એટલો વિશ્વાસ કેમ નથી હોતો કે આપણે આવા પ્રકારના કોઈ કિસ્સામાં ઇન્વોલ્વ છીએ જ નહી તો આવા કોલ્સથી ડરવાની શી જરૂર? પણ આમ જુઓ તો આપણી અંદર રહેલા ડરનો લાભ કોણ નથી ઉઠાવતું? ધર્મસ્થાનોથી માંડીને જ્યોતિષીઓ સુધી અને ડોકટર્સથી માંડીને શિક્ષકો સુધી દરેકે દરેક વ્યક્તિ આપણી અંદર રહેલા ડરનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છીએ.
આપણે હકીકતે તો સમાજના ડરથી ડરીને આવા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા હોઈએ છીએ. જો પોલીસ કે સી.બી.આઈ. મને પકડી લેશે તો સમાજમાં મહાપ્રયત્ને સ્થાપિત કરેલી મારી આબરૂનું શું થશે? બસ આ ડર જ આપણને પૈસા ટ્રાન્સફર કરવાની પ્રેરણા આપે છે. મે કઈ ખોટું કર્યું જ નથી, તેવો આત્મવિશ્વાસ ડર સામે હારી જાય છે. કારણકે આપણને ડર છે કે મને આવો કોઈ કોલ આવ્યો છે, તેની જાણ દુનિયાને થઈ જશે તો? વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાને બદલે આપણે ડરી ડરીને સરેન્ડર કરી રહ્યા છીએ.
લોભ અને લાલચમાં ફસાઇને પણ આપણે આવા સાઇબર શિકારીઓની જાળમાં ફસાય રહ્યા છીએ. એક સાથે એક ફ્રી અને બીજી એવી કેટલીયે સ્કીમો આપણને છેતરી રહી છે અને આપણે છેતરાઈ પણ રહ્યા છીએ. સસ્તું મેળવી લેવાની લાલચ આપણને મોંઘી પડી રહી છે.
બહુ ઓછા સમયમાં જાજા પૈસા કમાઈ લેવાની લાલચ પણ આપણને એ રસ્તે લઈ જઈ રહી છે. ઓનલાઈન ગેમ્સવાળા આપણને લલચામણી જાહેરાતોથી આકર્ષણની એવી દુનિયામાં લઈ જઈ રહ્યા છે, જ્યાં આકર્ષણના આંજી નાખતા પ્રકાશે આપણી આંખોને આંધળી કરી દીધી છે. જેમ કોઈ જ્યોતિષને આપણી નબળાઈઓની ખબર હોય છે, તેમજ તેઓ પણ આપણી આ નબળાઈઓને બરાબર ઓળખી ગયા છે.
કઈક તો આપણી બધાને દેખાડી દેવાની આદતે પણ આવા સાઇબર અપરાધીઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે. આપણે ઘરની બહાર પગ મૂકીએ એટલે જુદા જુદા સોસિયલ મીડિયા પર આપણી સ્ટોરીઝ ગાજતી થઈ જાય છે. ગામ કે શહેરના ચોરો એ સ્થિતિનો લાભ લેવાનું ચુકતા નથી.
લોભ, લાલચ, કામ અને ક્રોધ બસ આ ચાર બાબતો પર કંટ્રોલ રાખી શકીશું તો આપણે આપણા ‘સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ’ કરતાં પણ વધુ સ્માર્ટ બની શકીશું.

No comments:
Post a Comment