Tuesday 7 November 2023

‘અનલિમિટેડ’ અને ‘સ્કીમ’ એકદમ કલાત્મક શબ્દો બની ગયા છે!!!

 

અનલિમિટેડ’ અને ‘સ્કીમ’ એકદમ કલાત્મક શબ્દો બની ગયા છે!!!

 Why You Don't Need Unlimited Data Plans | ACT Blogs

    એકવાર એક પત્નીએ પતિને પૂંછયું, તમે મને કેટલો પ્રેમ કરો છો?’ પતિએ જવાબ આપ્યો, અનલિમિટેડ! પત્નીએ પૂંછયું એમ નહી સીધું સીધું કહો, કેટલો પ્રેમ કરો છો? પતિએ કહ્યું અરે ગાંડી અનલિમિટેડ એટલે માપી ના શકાય એવું. પ્રેમને તો વળી કાઇ માપી શકાય ખરો! પત્ની ખુશ થતી થતી ચાલી ગઈ અને પતિએ પોતાની ગર્લફ્રેંડને કોલ લગાડી તેની સાથે વાતો શરૂ કરી દીધી!!!!

   આજકાલ આ અનલિમિટેડ શબ્દ બહુ ટ્રેન્ડમાં છે. ઢોસા, પીઝા, ગુજરાતી કે પંજાબી થાળીની જાહેરાતમાં આ શબ્દનો એકદમ કલાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે છે. હોટેલ્સમાં બે પ્રકારના મેનુઝ હોય છે, એક ફિક્સ થાળી અને બીજું આ અનલિમિટેડ. ગ્રાહકોને છેતરવા માટે, આ શબ્દનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવામાં આવે છે, અને ગ્રાહકો એ શબ્દની માયાજાળમાં એવા તો ફસાઈ જાય છે કે અનલિમિટેડનો વિકલ્પ પસંદ કરી લેતા હોય છે અને પછી જમવાનું શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં તેને સમજાય જતું હોય છે કે આપણે તો છેતરાઈ ગયા!

  અને જેઓ વસૂલ કરી લેવા ઓવર ખાઈ લેતા હોય છે, તેઓનું આરોગ્ય જોખમાય જતું હોય છે. આમ તો હોટેલ્સવાળા આપણને છેતરે છે કે આપણે વધુ ને વધુ મેળવી લેવાની લ્હાયમાં આપણે છેતરાઈ જતાં હોઈએ છીએ. એ આપણે સમજી લેવાનું હોય છે. પણ આપણે એ નથી સમજતા અને વારંવાર છેતરાઈ જતાં હોઈએ છીએ. અનલિમિટેડના બોર્ડ્સ આપણને હમેંશા આકર્ષતા( છેતરતાં) રહે છે. અને એ આકર્ષણ આપણને છેતરામણી તરફ ખેંચી જતું હોય છે. આ શબ્દને લીધે દર વર્ષે આપણે આપણા ઘણા બધા પૈસા વેડફી નાખતા હોઈએ છીએ.

 આવું જ ટેલિકોમ કંપનીઓ અનલિમિટેડ ડેટા પેકેજની જાહેરાતો આપીને આપણી સાથે રમત કરતી હોય છે! અને આપણે ફસાઈ જતાં હોઈએ છીએ. તમે જ વિચારજો નેટ અનલિમિટેડ કે ફ્રી આપીને તેઓ આપણો કિંમતી સમય આપણી પાસેથી લઈ લેતી હોય છે. આ અનલિમિટેડના ચકકરમાં કેટલોય ડેટા વપરાયા વિનાનો પડ્યો રહેતો હોય છે. આપણને સરવાળે આ મફત પાછળની રમત મોંઘી જ પડતી હોય છે!!

   આવો જ બીજો કલાત્મક શબ્દ છે, સ્કીમ...... એક પર એક ફ્રી ફ્રી ફ્રી....... આવું આપણે કયાક વાંચી લઈએ એટલે મન મોર બની થનગનાટ કરવા લાગતું હોય છે. સ્કીમ તો વળી અનલિમિટેડ કરતાં પણ વધુ આકર્ષક શબ્દ છે. જે આપણને ના કરવાની ખરીદી પણ કરાવતો રહે છે. આપણે જો આપણા કબાટ, માળીયા કે અભેરાઈ પર નજર કરીશું તો ખબર પડશે કે કેટલી બધી બિનજરૂરી વસ્તુઓ આપણે માત્ર ને માત્ર સ્કીમથી પ્રેરાઈ લઈ લેતા હોઈએ છીએ, પણ પછી તેઓનો ઉપયોગ કરતાં હોતા નથી. તેઓ કૂપન આપે છે, આપણે હોંશે હોંશે ખરીદી કરવા નીકળી પડીએ છીએ અને પછી સમજાય છે, કે અમુક રૂ.ની ખરીદી પર જ આ કૂપનનો ઉપયોગ થઈ શકે છે.

  એમાથી કેટલી બધી વસ્તુઓ તો એવી પણ નીકળશે કે જેનો આપણે વગર ઉપયોગ કર્યે કા તો ફેંકી દેતાં હોઈએ છીએ અને કા તો કોઈને આપી દેતાં હોઈએ છીએ! જે પૈસાને કમાવવા માટે આપણે દિવસ-રાત પરસેવો રેડતા હોઈએ છીએ, તેનો કેવો બિનજરૂરી વેડફાટ... વળી સ્કીમમાં લીધેલી વસ્તુઓની ગુણવત્તા બાબતે મોલ કે દુકાનો વાળા ગેરંટી આપતા હોતા નથી, જો આપણે ધ્યાનથી વાંચીશું તો સમજાશે કે તેમાં સ્પષ્ટ લખેલું હોય છે કે આવી વસ્તુઓની ગુણવત્તા બાબતે અમે કોઈ ખાતરી આપતા નથી, પણ આવું અગત્યનું વાંચવાનો સમય આપણી પાસે નથી. કે આપણે વાંચવું જરૂરી પણ સમજતા નથી.

  તમે ધ્યાનથી વાંચશો તો ખબર પડશે કે આ એક સાથે એક ફ્રી... કે પછી બીજી કોઈપણ સ્કીમમાં એવી જ વસ્તુઓ આપવામાં આવે છે જેની ઉત્પાદન તારીખ બહુ જૂની હોય અને જો એ વસ્તુનો સ્ટોક ખાલી ના થાય તો એ વસ્તુઓ બહુ ટૂંકા ગાળામાં દુકાનદાર કે મોલના માલિકો ફેંકી દેતાં હોય છે. એ ફેંકી દેવી એના કરતાં સ્કીમમાં આપી દેવી!!! અને આપણે પણ જોયા જાણ્યા વિના આવી વસ્તુઓ ખરીદી લઈ છેતરાઇ જતાં હોઈએ છીએ. એવું જ સેલમાં હોય છે, જે વસ્તુઓ ના વેચાતી હોય તેને વેચવા માટે સેલનો સહારો લેવામાં આવે છે.

  હકીકત તો એ છે કે સરકારે આપણી સુરક્ષા માટે અનેક નિયમો બનાવ્યા છે, તે મુજબ દરેક વસ્તુ પર તે વસ્તુ અંગે સંપૂર્ણ માહિતી લખેલી હોય છે, પણ આપણે સ્કીમનો લાભ લઈ લેવાની કે સસ્તું લઈ લેવાની ઉતાવળમાં આ બધુ વાંચવાની કે જાણવાની તસ્દી જ લેતા હોતા નથી. આપણી મફત મેળવી લેવાની માનસિકતાનો આ વેપારી લોકો ભરપૂર ફાયદો ઉઠાવી લેતા હોય છે. અને આપણે સમજિશું નહી, ત્યાં સુધી આ શરતી સ્કીમો કે અનલિમિટેડ શબ્દ પાસે લાગેલી ફૂદડીઓ આપણને છેતરતી રહેશે.

  

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...