Friday, 15 December 2023

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે.

 

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે. 

 Negative Effects of Parental Stress on Students - Bay Atlantic University -  Washington, D.C.

 

 

     હમણાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં  આપણી ટીમ હારી ગઈ, એનું સૌથી મોટુ કારણ હતું, આખા રાષ્ટ્રનું દબાણ. આપણે જીતવા જ જોઈએ, એવી આપણાં સૌની અપેક્ષાઓના ભાર હેઠળ ટીમ ઈન્ડિયા પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન ના કરી શકી. જિંદગીમાં નાના મોટા દબાણો સામે સૌ કોઈ ટકી જતાં હોય છે, પણ સતત અને એ પણ આપણે જાતે જ ઊભા કરેલા દબાણને ઘણીવાર આપણે જીરવી શકતા નથી.

  જીંદગી પ્રેશર કુકર જેવી બની ગઈ છે. આપણે સૌ એટલા બધા દબાણમાં જીવી રહ્યા છીએ કે એ ગમે ત્યારે ફાટી જવાનો ડર લાગ્યા કરે છે. આપણને બધુ જ ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. જમવાનું અને સફળતા પણ! વળી જેઓ જે તે ક્ષેત્રમાં સફળ ના થઈ શકે એમ હોય તેને પણ આપણે દબાણ કરતાં રહીએ છીએ. 90% થી 99.99% લાવનાર પણ દબાણમાં છે અને બિચારા જેઓને ભણવું નથી ગમતું તેઓ પણ દબાણમાં છે! તેઓ પર તો આખું ગામ તૂટી પડતું હોય છે. સફળ થઈ ગયેલાઓને એ સફળતા ટકાવી રાખવાનું દબાણ છે અને જેઓ સફળ નથી તેઓને સફળ થવાનું દબાણ છે.

   સ્ત્રીઓ પર કુટુંબને દીકરો આપવાનું દબાણ છે અને દીકરીઓ પર તો દબાણનું એક આખું લાંબુ લિસ્ટ થોપી દેવામાં આવ્યું છે. બાળક હજી તો ચાલતા શીખે ત્યાં નિશાળના પગથિયાં ચડવાનું દબાણ છે. તેના પર તો બાજુવાળાના બાળકોને આવડતું બધુ જ શીખી લેવાનું દબાણ છે, એ દબાણમાં ને દબાણમાં તો તેઓનું બાળપણ બિચારુ ડૂસકાં ભરતું ભરતું ક્યાંક ખોવાઈ ગયું છે. આજે જ એક સર્વેમાં વાંચ્યું કે અમેરીકામાં માતાપિતા બાળકોના સુખ પર વધુ ધ્યાન આપે છે, જ્યારે ભારતમાં બાળકોના સફળ થવા માટે વધુ ભાર આપવામાં આવે છે.

  લગ્ન અને બીજા સારા પ્રસંગોએ સૌથી સારો પૈસાનો બગાડ કોણ કરે? એ દબાણ હોય છે. અરે પ્રસંગોમાં ક્યારેક ધ્યાનથી સાંભળીશુ તો જાણી શકીશું કે વર-વધુથી લઈને સગા-સંબંધીઓ બધા પર સારા કપડાં પહેરવાનું કે સારા દેખાવાનું જબરદસ્ત દબાણ હોય છે. વળી દરેક પ્રસંગોમાં બીજા કરતાં અલગ શું કર્યું? એ દબાણ તો આખા પ્રસંગની આન, બાન અને શાન બની રહેતું હોય છે! અરે દૂ:ખદ પ્રસંગોએ રડવાનું પણ દબાણ હોય છે! જાણે આંસુઓ એ લાગણીઓનો મોટો માપદંડ હોય એવું લાગતું રહે છે.

  મોટા ભાગના સંબંધો અપેક્ષાઓના બોજ હેઠળ દટાઈ રહ્યા છે. એકબીજા પર લાગણીઓને બદલે આપણે અપેક્ષાઓ જ જાણે કે થોપી રહ્યા છીએ. એ અપેક્ષાઓના દબાણને લીધે લોકો આજકાલ સંબંધોથી ભાગતા થઈ ગયા છે. સંબંધોનું દબાણ માણસને માનસિક બીમારીઓ તરફ ધકેલી રહ્યું છે. કોઈ કોઈને જોઈતી સ્પેસ નથી આપી રહ્યું ને પરિણામે સંબંધોમાં ગેપ વધી રહ્યો છે.

   પુરુષો પર ઘરની તમામ જરૂરી ઓછી ને બિનજરૂરી વધારે એવી તમામ જવાબદારીઓ પૂરું કરવાનું દબાણ છે. બીજા કરતાં વધુ હાઇ-ફાઈ જીવન એ જાણે કે આપણી પ્રાથમિકતાઓ બની ગઈ છે. અને તેના દબાણ હેઠળ પુરુષો રીતસરના કચડાઈ રહ્યા છે. સમાજમાં વધી રહેલો ભ્રષ્ટાચાર પણ આ દબાણનું જ પરિણામ છે. આ દબાણને લીધે જ મોટા ભાગના ઘરોમાં ઝઘડાઓ વધી રહ્યા છે. કામના સ્થળે ટાર્ગેટસ પૂરા કરવાનું દબાણ તો કાયમ હોય જ છે.

  શિક્ષણથી માંડીને ધર્મ સુધી અને ધર્મથી લઈને કર્મ સુધી દરેક બાબતોમાં દબાણ જ દબાણ જ અનુભવાય રહ્યું છે. સમાજને અનુરૂપ થવાનું દબાણ ઘણા જીરવી શકતા હોતા નથી ને પરિણામે તેઓ પોતાનું શ્રેસ્ઠ જીવન જીવી શકતા નથી. ઘણીવાર આર્થિક અને સામાજિક દબાણ એટલું બધુ વધી જતું હોય છે કે હસતી રમતી વ્યક્તિઓ મૃત્યુ તરફ ધકેલાઇ જતી હોય છે. વૈચારિક રીતે આપણે હજી બહુ બદલાયા નથી. ને પરિણામે ધર્મ, રીત-રીવાજો, પરંપરાઓ, વગેરેના દબાણ હેઠળ લોકો એટલા કચડાઈ જતાં હોય છે કે શ્વાસ રુંધાઇ જતાં હોય છે. 
       મોટા ભાગના લોકો આ દબાણ હેઠળથી નીકળી જવા માંગે છે, પણ નીકળી શકતા નથી. આ દબાણને કારણે જ આપણે આજે અનેક રોગોને આમંત્રણ આપી ચૂક્યા છીએ. જે રોગો પ્રાચીન સમયમાં ક્યારેક જ થતાં હતા, તેવા રોગો આજે રૂટિન બની ગયા છે. દબાણને કારણે આપણે આપણી શારીરિક અને માનસિક ક્ષમતાઓને પૂરેપુરી નથી ખીલવી શકતા. બાળકો પર તો દબાણની ગઝબ અસરો થતી હોય છે. 
  દબાણ મુક્ત ભારત આજની તાતી જરૂરિયાત છે...... 

 

  

 

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...