Wednesday, 15 May 2024

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

 

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

CBSE set to conduct Class 10, 12 board exams from tomorrow - Hindustan Times

 

 

                  આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનું સોસિયલ મીડિયા સ્ટેટસ પોતાના સંતાનોના માર્ક્સથી છલકાઇ રહ્યું છે. પરીક્ષામાં પહેલા પાસ થવું અઘરું હતું, હવે ફેઇલ થવું અઘરું થઈ ગયું છે! આટલા અધધધ પરિણામ જોઈને સવાલ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ એકદમ હોશિયાર થઈ ગયા છે. ધોરણ 9 સુધી હવે કોઈને નાપાસ નથી કરવાના અને દસમા અને બારમામાં ઇવન વિજ્ઞાન-પ્રવાહમાં પણ હવે કોઈ નાપાસ થતું નથી. નવા સત્રથી શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓથી ઉભરાઇ જવાની.

   આ વર્ષે ધોરણ12 વિજ્ઞાન-પ્રવાહનું પરિણામ 82% આવ્યું, આપણા વખતે 28% પણ નહોતું આવતું! એવી જ રીતે કોલેજોમાં પણ આવું જ પરિણામ આપવામાં આવી રહ્યું છે. જૂની શિક્ષણ-પદ્ધતિમાં કોલેજમાં ફર્સ્ટ-ક્લાસ મેળવવો પણ અઘરો બની જતો, બહુ ઓછા વિદ્યાર્થીઓને 70% ઉપર માર્ક્સ આવતા, અને હવે તો 90% ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને રાફડો ફાટે છે. એમાં વળી પી.આર. ની માયા શરૂ થઈ. ( જો કે હજી 80% વાલીઓને અને શિક્ષકોને આ પી. આર. શું છે? એની ખબર નથી!)

  વળી પી.આર. ગણતી વખતે માત્ર અમુક વિષયના માર્ક્સ જ ગણવામાં આવે છે. પણ વિદ્યાર્થીઓને એડમિશન આપતા સમયે શૈક્ષણિક સંસ્થાઓ પર્સનટેજને ધ્યાનમાં લેતી હોય છે! જો અમુક વિષયો જરૂરી જ ના હોય તો શા માટે વિદ્યાર્થીઓ પર તે વિષયનું ભારણ નાખવામાં આવે છે? વિજ્ઞાન પ્રવાહ પહેલા સીલેકટેડ વિદ્યાર્થીઓનો પ્રવાહ ગણાતો, પણ હવે આ પ્રવાહ એટલો વિશાળ થઈ ગયો છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમાં તણાઇ જાય છે!

   પહેલા વિદ્યાર્થીઓ ઓછા ધોરણ ભણતા તો પણ જાજુ આવડતું અને હવે બહુ ભણે છે, તો પણ ઓછું આવડતું હોય છે. પાયો તો એટલો નબળો હોય છે કે કારકિર્દીની ઇમારત મજબુત બનતી જ નથી. દર ત્રણ વર્ષે કોઈ એક પ્રવાહનો ટ્રેન્ડ આવે છે, અને વિદ્યાર્થીઓ એ તરફ દોડ લગાવતા રહે છે, એ ત્રણ વર્ષ પછી ભણીને બહાર આવે તો પેલો ટ્રેન્ડ બદલાઈ ચૂક્યો હોય છે!  વિજ્ઞાનની પ્રયોગશાળામાં ના થાય એટલા પ્રયોગો વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે થઈ રહ્યા છે. અને એ પ્રયોગોમાં વિદ્યાર્થીઓ એ નથી નકકી કરી શકતા કે મારે કઈ દિશા તરફ જવાનું છે?

  હવે દરેક પોઝિશન માટે પ્રવેશ-પરીક્ષા આપવાની હોય છે. તમે 12મુ સારા માર્ક્સ સાથે પાસ કરો કે ના કરો, પણ નીટ કે જીના માર્ક્સ સારા આવે તો જ આગળનો માર્ગ નક્કી થઈ શકે. તો પછી બોર્ડની પરીક્ષાઓ લેવાની જરૂર જ શું છે? વિદ્યાર્થી દસમું પાસ કરે એટલે તેનું ફોકસ જ આવી પરીક્ષાઓમાં પર થવા દ્યો, આ બિનજરૂરી પરીક્ષાઓ લઈ તેને મૂંઝવણમાં મૂકવાનો કોઈ અર્થ ખરો! એવી જ રીતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આવેલ માર્ક્સ એકપણ જગ્યાએ નોકરી મેળવવા કે આગળ એડમિશન લેવામાં કાઉન્ટ થતાં નથી. તો પછી ધોરણ 10 ની પરીક્ષા લેવાનો અર્થ શું?

  કોલેજમાં ડીગ્રી માટે ભણતો વિદ્યાર્થી ડીગ્રી ગમે તેટલા માર્ક્સ સાથે મેળવે, તેને પણ કોઈપણ પોસ્ટ મેળવા પ્રવેશ-પરીક્ષા આપવી જ પડે છે, તો કોલેજના શિક્ષણનો શો અર્થ? મોટા ભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લઈ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા નીકળી પડે છે. તે નિયમિતપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીઝમાં જાય છે, પણ કોલેજે આવતા નથી, તો આવડી મોટી મોટી સરકારી કે ગ્રાન્ટેડ કોલેજો પાછળ ખર્ચા કરવાનો કોઈ અર્થ? અને જે ડિગ્રી તેઑ મેળવી રહ્યા છે, તે ચોરી કરીને કે યેનકેન પ્રકારે મેળવે છે, એટલે કોલેજ નામના કારખાનાઓમાથી દર વર્ષે લાખો યુવાનો અને યુવતીઓ કશું જ શીખ્યા વિના બહાર પડી રહ્યા છે!

   પેપર સ્ટાઈલ હવે વિદ્યાર્થીઓને ખાસ પાસ થવામાં મદદ કરે, એવી જ રાખવામા આવે છે. એટલા બધા ઓપશન તેઓને પેપરમાં મળે છે કે પાઠયપુસ્તકોમાથી આખા ને આખા પ્રકરણ વિદ્યાર્થીઓ તૈયાર ના કરે તો પણ સરળતાથી પાસ થઈ શકે છે. વળી પેપર કાઢવાનું પણ પાઠયપુસ્તકોમાથી! એમાં વળી શાળાઓ શાળાઓ વચ્ચે ઊંચું પરિણામ લાવવાની હોડ હોય છે અને એ હોડને લીધે મોટા ભાગની શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ચોરી કરાવી દસમું પાસ કરાવી દેતી હોય છે. સારું ભણાવીને નહી, પણ ચોરી કરાવીને પાસ કરાવી દેનાર શાળાઓ કેવા નાગરિકો સમાજમાં ઠલવી રહ્યા છે?

      આવી પરીક્ષા-પદ્ધતિ વિશ્વસનીય નથી રહી, સાચું શિક્ષણ એ છે, જે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષાનો સામનો કરવામાં મદદ કરે. જો પરીક્ષાની પેટર્ન પહેલેથી જ નકકી હશે, તો એ પરીક્ષા વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી તરફ જ લઈ જશે. વધુમાં વધુ ગુણ અને ઊંચી ટકાવારી એ જ જાણે કે આજના શિક્ષણના મુખ્ય ઉદેશો બની ગયા છે. વિશ્વસનીય પરીક્ષા પદ્ધતિ એ શિક્ષણના ધોરણને સુધારવાની મુખ્ય રીતોમાંની એક છે. આવી પરીક્ષા પદ્ધતિ શિક્ષણમાં સાચા મૂલ્યાંકન અને પ્રયોગોને મારી નાખે છે. શિક્ષણ અને મૂલ્યાંકનમાં પારદર્શિતા દ્વારા જ મૂલ્યાંકન અને શિક્ષણના ધોરણની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય છે.

      

      

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...