આપણે જીવંત આત્માને શાંતિ આપવા માંગીએ છીએ કે મૃત??
મૃત્યુ બાદ જીવન છે? મૃત્યુ બાદ માણસો ક્યાં જાય છે? આત્મા શું છે? આત્માનું પરમાત્મા સાથે કોઈ જોડાણ છે ખરું? આપણે મૃત્યુ પામીએ પછી આ આત્મા ક્યાં જાય છે? વગેરે વગેરે સવાલો લગભગ મોટા ભાગના લોકોના મનમાં ઉઠતાં રહે છે. આ બધા સવાલો બ્રહાંડના એવા રહસ્યો છે, જે હજી અડધા ઉકેલાયા છે. અને થોડુંઘણું ઉપરવાળાએ પોતાની પાસે સીક્રેટ રાખ્યું છે. જે સીક્રેટ જાણવાની તાલાવેલી માણસોમાં સદીઓથી રહેલી છે. વિજ્ઞાન અને દરેક ધર્મે આ રહસ્યોને ઉકેલવાની કોશીશો સતત અને સખત કરેલી છે, અને દરેકે પોતાની રીતે ઉકેલો પણ આપ્યા છે. પણ આપણે તો આજે જીવન અને મૃત્યુ વચ્ચે જે જિંદગી આપણે જીવીએ છીએ, જે સંબંધો આપણે જોડીએ છીએ તેની સાથે અહેસાસો જોડાયેલા છે કે અફસોસો એની ચર્ચા કરવી છે.
કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણને થોડા દિવસો સુધી સ્મશાન વૈરાગ્ય આવી જતું હોય છે. આપણું અહી કોઈ નથી અને બધુ જ છોડીને જવાનું છે. (જો કે આ જ્ઞાન બહુ લાંબો સમય ટકતું નથી. ઘણીવાર તો જે તે વ્યક્તિના મૃત્યુ બાદ તરત જ મિલકતના ઝઘડા ચાલુ થઈ જતાં હોય છે.) ગઇકાલ સુધી જે આપણી સાથે હતું, એ વ્યક્તિત્વ આજે એવી જગ્યાએ જતું રહ્યું છે, જે જગ્યા વિષે કોઈ પાસે કોઈ જ માહિતી નથી. વર્ષોના સંબંધો એક જ ઝાટકે દૂર થઈ જતાં હોય છે. એમાં પણ જો મૃત્યુ એકાએક અને અચાનક આવે તો એ ખાલીપો પૂરવો એકદમ અઘરો બની રહેતો હોય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ નાની ઉંમરની હોય તો એ મૃત્યુ જીરવવું પણ અઘરું બની જતું હોય છે. મૃત્યુ ગમે ત્યારે ગમે તેને આપણાથી દૂર લઈ જઇ શકે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં મૃત્યુ સાથે જ આગલા જન્મનું સઘળું ભૂલાય જતું હોય છે. ઈશ્વરની મેમરી ડિલીટ કરી દેવાની એ સ્ટાઈલ સૌથી યુનિક છે. તેમાં રી-સ્ટોરનો કોઈ વિકલ્પ જ નથી. જિંદગીભર આપણે ભલે બધુ પકડી રાખવાની જીદ લઈને બેસી જતાં હોઈએ, પણ મૃત્યુ આપણી પાસેથી સઘળું છોડાવી દે છે. મૃત્યુ બાદ સ્વજન કે પ્રિયજનની આંખોમાં અહેસાસના આંસુઓ ઓછા હોય છે, મોટાભાગે સાથે રહીને જે જીવી ના શકાયું તેનો અફસોસ આંખોમાથી ધોધ સ્વરૂપે વહેતો હોય છે!
મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને શાંતિ મળે એ માટે આપણે કેટલા કેટલા પ્રસંગો કરતાં હોઈએ છીએ. જીવતા તીર્થને હેરાન કરી, મૃત્યુ પામેલા પિતૃઓ પાછળ આપણે અનેક સામાજિક અને ધાર્મિક પ્રસંગો કરતાં હોઈએ છીએ. જીવતા વડીલોને ઘણીવાર પાણીના પ્યાલા માટે તરસાવી મૂકીએ છીએ, અને પછી પાણીના ઘડે ઘડા ભરીને પાણી પાતા હોઈએ છીએ. આટલો જ ખર્ચો જો એ વ્યક્તિ જીવતી હતી, ત્યારે એની પાછળ કર્યો હોત કે પછી આટલી લાગણીઓ એ વ્યક્તિ જીવંત હતી ત્યારે તેના તરફ રાખી હોત તો જિંદગી એકદમ આનંદ અને મોજમજા સાથે પસાર થઇ હોત! પણ અફસોસ એવું થતું નથી આપણે વ્યક્તિ જીવિત હોય ત્યારે એનું ધ્યાન નથી રાખતા અને મૃત્યુબાદ મોટા મોટા અને ખોટા ખોટા દેખાડા કરતાં રહીએ છીએ.
મૃત્યુ બાદ શું વિધિ કરવાની છે? આપણી પાસે એનું લાંબુ લિસ્ટ છે, અને એ લિસ્ટ મુજબ આપણે વિધિઓ પણ કરાવીએ છીએ. પણ જીવંત વ્યક્તિ સાથે કેવી રીતે રહેવું? એનું લિસ્ટ હોવા છતાં આપણે ફોલો કરતાં હોતા નથી. મૃત્યુ પામનાર વ્યક્તિનું શરીર એક જ વાર આગમાં સળગીને રાખ થઈ જતું હોય છે, પણ જીવતા વ્યક્તિનું શરીર તો રોજ અહમ, ઈર્ષ્યા, વેરઝેર, ની આગમાં સળગતું રહે છે. ઘણા સંબંધોના અહમ તો મૃત્યુની આગ સાથે જ પીગળે છે. એક નાની અમથી વાતમાં વર્ષો સુધી સંબંધો તૂટેલા રહે છે. કરચો ખૂંચતી રહે છે, પણ અહમને છોડીને એ કરચો આપણે દૂર નથી કરતાં. કેટલા બધા પુસ્તકો આપણે વાંચતાં રહીએ છીએ, સંબંધો અંગેના સેમિનારોમાં હાજરી આપતા હોઈએ છીએ, પણ મનને આપણે સમજાવી શકતા નથી કે નજીકની કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કરીને મનને સાફસુથરું કરી લઈએ.
મૃત્યુ બાદ જીવન છે કે નહી? એ સવાલનો જવાબ મેળવવાની કોશિશો શા માટે કરતાં રહેવી? એ કુદરતી ક્રમ છે અને કુદરત એને જાળવી લેશે. વળી કોઈ વ્યક્તિ સાથે મરી નથી શકાતું, પણ જીવી જરૂર શકાય છે. માટે એ વ્યક્તિ સાથે અહેસાસોથી જોડાયેલા રહીએ, સંવેદનાઓથી જોડાયેલા રહીએ. બસ મરીએ ત્યાં સુધી જીવી લઈએ.
No comments:
Post a Comment